અંતરા- વિનીતનાં લગ્નને દસ વર્ષ થઈ ગયાં
હતાં અને પર્લ સાત વર્ષની થઈ ગઈ હતી.. અંતરા આજે પોતાના ઘરમા (સાસરામાં) એટલી
વ્યસ્ત થઈ ગઈ હતી કે હવે તેને મમ્મીનાં ઘરે જવાનો સમય જ નહોતો મળતો.. મમ્મીની
લાડકી અંતરા મમ્મીનું ઘર પંદર મિનિટના અંતરે હોવા છતાં ફુરસદ કાઢીને જઇ નહોતી
શકતી.
આજે એક મહિને અંતરા મમ્મીને ત્યાં આવી
હતી. અંતરાને જોઇને જ હેમલતાબેન મલકાયાં,
“ ઓ હો હો! આજે સૂરજ કઈ બાજુ ઊગ્યો છે? અંતરાને મમ્મીની યાદ આવી આજે?”
અંતરા માંને ભેટી.. તેનો હાથ પકડીને
માં સાથે જ સોફા પર બેસતાં બોલી, “ માંને
ક્યારેય ભુલાય? પણ હું શું કરું? સમય જ નથી મળતો...”
“અરે! હું તો મસ્તી કરું છું... દીકરી
સાસરે ખુશ હોય એટલે બસ. માંને બીજું શું જોઈએ? પર્લ ક્યાં છે? તેને સાથે ન લઈ
આવી?” હેમલતા બેને ઉત્સુકતાથી પૂછયું.
“એણે જ ના પાડી, કહ્યું કે ‘હું દાદા- દાદી
પાસે રહીશ, તું જઇ આવ.”
“ અને વિનીત કુમાર?”
“ એ ઓફિસે છે, વળતાં મને લેવા આવશે”
અંતરાએ માંને ધરપત આપી.
“ તો તું જમીને જજે...બોલ, તને શુ ખાવું છે? રસીયા
મુઠીયા? તને બહુ ભાવે છે ને મારા હાથનાં? હેમલતાબેને અંતરાને કંઈ બોલવાનો મોકો જ ન
આપ્યો.
“ ના, ના માં... તું કંઈ બનાવવાની
માથાકૂટ ન કર. શાંતિથી બેસ ને! આપણે કેટલા સમય પછી મળ્યા છીએ? શાંતિથી વાતો કરીએ.”
અંતરાએ મમ્મીને સમજાવવાની કોશિશ કરી,
પણ મમ્મી સાંભળે તો ને!
માં ગમે તેટલી બુઢી થઈ જાય કે દીકરી
ગમે તેટલી મોટી થઈ જાય... પણ જયારે દીકરી માંના ઘરે આવે ત્યારે માં તેની પસંદનું
ખવડાવ્યા વગર રહેતી જ નથી.. દીકરીને પ્રેમથી જમાડે ત્યારે તેના મનને જે ખુશી મળતી હોય છે, તેને શબ્દોમાં
બયાન કરી ન શકાય. ઈશ્વરે ખબર નહિ, માંને કઈ માટીની બનાવી છે!
“ મમ્મી, ભાભી (ચિરાગની પત્નિ ચારુ)
અને ટીના કેમ દેખાયાં નહિ? બહાર ગયાં છે?”
હેમલતા બેને થોડા આડા તેડા કરતાં જવાબ
આપવાની કોશિશ કરી, “એ... એ બંને એમની મમ્મીને ત્યાં રોકાવા ગયાં છે.”
“ અને ભાઈ?”
“ એ બહાર ગયો છે. જમવાનો નથી. કહીને
ગયો છે.” હેમલતા બેને કહ્યુ.
હેમલતા બેન અને અંતરા રસોડામાં આવ્યાં.
અંતરાએ ફ્રીઝ ખોલ્યું તો લગભગ આખું ફ્રીઝ ખાલી હતું. શાકનું ખાનું ખોલ્યું તો અંદર
નાનકડો કોબીનો ટુકડો અને
એક ટમેટું જ હતું!
“ મમ્મી, રહેવા દે ને...મને આમેય ભૂખ
નથી. પાછી આવીશ, જમવા માટે.” અંતરાએ ખોટો ડોળ કરવાની કોશિશ કરી.
હેમલતા બેન અંતરાની વાતનો અણસાર સમજી ગયાં.
તેમણે ફ્રીઝમાંથી નાનકડો કોબીનો ટુકડો બહાર કાઢતાં કહ્યું, “ અરે! શાક લેવા જવાનો
સમય જ નથી મળતો. ચારુ અને ટીના તેની મમ્મીના ઘરે ગયાં છે... હું અને ચિરાગ જ હોઈએ
જમવામાં. પછી કેટલું શાક જોઈએ?” હેમલતા બેને અંતરાના ગળે વાત ઉતારવાની કોશિશ કરી.
રસીયા મુઠીયા બની ગયા. માં- દીકરીએ જમી
લીધું એટલે પરવારીને અંતરાએ હેમલતા બેનનો હાથ પકડીને તેમને બાજુમાં બેસાડીને
પૂછયું, “બધું ઠીક છે ને ઘરમાં?”
“ હા,હા...બધું ઠીક છે.”
“મારા સમ ખા...” અંતરાએ કહ્યું.
“ એમાં સમ ખાવા જેવું શું છે? એ તો
ચાલ્યા કરે... ઝિંદગી છે!” હેમલતા બેન થોડા ઢીલાં પડ્યાં.
તરત જ પાછા સ્વસ્થ થતાં બોલ્યાં,
“હમણાં થોડા સમયથી ધંધામાં મંદી ચાલે છે. પેમેન્ટ આવવાના બાકી હતા એ પણ અટવાઈ ગયા
છે. નવા ઓર્ડર મળતા નથી, એટલે ધંધાની આખી સાયકલ ખોરવાઈ ગઈ છે. ધંધાના આ ટેન્શનને
લીધે ચિરાગ દારૂની લતે લાગી ગયો છે. રોજ રાતે દારૂ પીને ઘરે આવે. એક તો પૈસા ઘરમાં
નિયમિત આવતા નથી. ઉપરથી ચિરાગને લાગેલી દારૂની લતથી ચારુ અને ચિરાગ વચ્ચે રોજ ઝઘડા
થતા. એમાં બિચારી ટીનુ બલિનો બકરો બનીને માર ખાતી. ગયા અઠવાડિયે તો બંને વચ્ચે
ઉગ્ર બોલાચાલી થઈ ગઈ. એમાં ચિરાગે ચારુ પર હાથ ઉપાડ્યો. એમાં ચારુ સહેમી ગઇ. બસ,
ત્યારે ને ત્યારે એક બેગમાં કપડાં અને ટીનુને લઈને મમ્મીના ઘરે જતી રહી... મેં
ચારુને ઘણી સમજાવવાની કોશિશ કરી,પણ એ એટલી ગુસ્સામાં હતી કે ત્યારે મારું બધું જ
બોલવું વ્યર્થ ગયું.”
અંતરા આ સાંભળીને ચોંકી ગઈ, “ એટલે જ
હું વિચાર કરું કે હમણાં ઘણા સમયથી તમારો કોઈનો ફોન કેમ નથી? હું પણ હમણાં ઘરમાં
એટલી વ્યસ્ત હતી કે ભાઈ ( ચિરાગ) સાથે વાત જ નથી થઈ...નહિ તો થોડા થોડા દિવસે હું
ભાઈને ફોન કરું જ છું.”
“ તું ચિરાગને આ વિશે કંઇ બોલતી નહિ હો
અંતરા... નકામો એ ગુસ્સે થઈ જશે. હમણાં ટેન્શનને લીધે તેનો મગજ બહુ જ ગરમ રહે છે.
હું પણ તેની સાથે વધારે વાત નથી કરતી. કામ પૂરતી જ વાત કરું છું.” હેમલતા બેને
ચિંતા વ્યક્ત કરી.
“ મમ્મી, તું ચિંતા ન કર... હું ભાઇ
સાથે આ બાબત કોઇ જ વાત નહિ કરું.”
વિનીત આવ્યો. થોડી વાર બેઠો. મમ્મી
સાથે વિનીતે અહીં- ત્યાંની આડી અવળી વાતો કરી. મમ્મીએ વિનીત માટે ચા બનાવી. થોડી વાર
પછી અંતરા- વિનીત ઘરે જવા ઊભાં થયાં.
“ આવજો મમ્મી...” કહીને વિનીત
આગળ નીકળ્યા.અંતરા ઉભી રહી. પર્સમાંથી પાંચસો પાંચસોની બે નોટ કાઢીને મમ્મીનાં
હાથમાં મૂકી દીધી. “ મમ્મી, આ રાખ...”
“ તું ગાંડી થઇ ગઇ છે? મને પૈસાની જરૂર
નથી... તું તારા ભાઈને નથી ઓળખતી? એ કોઇ દિવસ મને ભૂખી નહિ રાખે.” હેમલતા બેને
અંતરાને કહ્યુ.
“ હા, પણ હું ક્યાં કહું છું કે તું
વાપરજે... તારી પાસે રાખ. જરૂર પડે તો વાપરજે.” અંતરાએ માંને કોઇ પણ હિસાબે પૈસા
આપવાનો પ્રયત્ન કર્યો.
પણ ગમે તેવા કપરા કાળને હસતાં મોઢે
વિદાય આપનાર હેમલતાબેન આવી નાની મુશ્કેલીઓથી જરાય ગભરાય તેવાં નહોતાં... “ ના, તને
મારા સમ છે, પાછા લઇ લે.”
અંતરા જાણતી હતી કે મમ્મી ખૂબ જ
સ્વમાની છે, એટલે તેને વધુ આગ્રહ ન કર્યો અને પૈસા પર્સમાં પાછા મૂકી દીધા. “આવજે મમ્મી...
ધ્યાન રાખજે તારું. હું આવીશ પાછી તને મળવા. જય શ્રી કૃષ્ણ.” કહીને અંતરા નીકળી
ગઈ.
ક્રમશઃ