મે પૂછ્યું, "ઓળખાણ પડે છે? " ઘડીક મને ના ઓળખ્યો.પછી ઓળખી ગયાં.
મેં તેમને તંદુરસ્તીને કુટુંબનાં સમાચાર પૂછ્યાં. પહેલાં તો તેણે પોતાનો માસ્ક મોઢેથી હટાવી લીધો.પછી મારો હાથ પકડી મારી સામે જોઈ રહ્યાં. સાહેબને કાને સાંભળવાનું થોડું કાચું હતું તેની મને ખબર હતી.એટલે હું જોરથી બોલતો હતો.
સાહેબનાં મોઢાં પર મને મળ્યાનો આનંદ દેખાતો હતો. તેણે ઘડીક રહી વાતની શરૂવાત કરી. અશોકભાઈ, ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી 1800 પાદર ના ધણી હતા. એક ગામના બે પાદર. એમ થઈ તેમની પાસે 900 ગામડા હતા. આપડી પાસે અઢારસો પાદર તો નથી પણ બે મીંડા વગરના અઢાર વીઘા ભો છે. એમ કહી તે હસવા લાગ્યાં. હે....ને આખો દાડો થાય તેટલું કામ કરીએ ને ભાગીયાને મદદ કરીએ. સવારે સાડા ચારે ઉઠી જવાનું. નાહી ધોઈને અમારાં માતાજીનાં મઢે આરતી કરીઆવું. ત્યાંથી ભોળાનાથ ને રામજીમંદિર દર્શન કરી આવું. એટલામાં ઘરે બધાં જાગી ગયાં હોય. ચા ને બાજરાનો બઢઢો ( રોટલો) ખાઈ લેવાનો. પછી વાડી ભેગાં થઈ જવાનું. ત્યાં થાય તેટલું કામ કરું ને આટા ફેરા મારુ. વાડીએ જ મકાન બનાવેલું છે. ને ત્યાં જ બધાં સાથે રહીએ છીએ. બે ભેંસો રાખું તેને નીરણ પાણી, વાસીદું કર્યા કરું.આમ, બપોર ચડી જાય. બપોરે ઘડીક આડા પડખે થઈ જવાનું. ને સાંજે ચાર વાગે ચા પી ને પાછાં વાડી ભેગાં થઈ જવાનું. તે છેક દિવસ આથમવા આવે એટલે ઘરે જઈ હાથપગ મોઢું ધોઈ ને ફરી માતાજીનાં મઢે આરતી, શંકર મંદિર, રામજી મંદિર દર્શન કરી.ભેંસો દોહી ને ડેરીએ દૂધ ભરી. વાળું કરી ઘડીક સમાચાર જોઈ પ્રભુનું નામ લઈ સૂઈ જવાનું..
મેં કહ્યું, " વાહ, તમે તો નિવૃત્તિ લાઇફ સારી માણો છો!"
મારું બોલેલું સાંભળ્યું નો સાંભળ્યું કરી તેણે આગળની વાત ચાલુ કરી.
" મારે પેન્શન રોજનાં નવસો રૂપિયા આવે. મારો છોકરો પણ માસ્તર છે.તેને રોજનાં બે હજાર આવે. ઓણ વાડીએ બધી શીંગ( મગફળી) કરી છે.૩૦૦ મણ થાશે. ત્રણ લાખની થાશે. એક લાખ ભાગિયો લઈ જાશે,એક લાખ ખર્ચો થશે.ને એકાદ લાખ મળશે.કામ કરીએ એટલે શરીર સારું રે.ને કમાણી ની કમાણી.... આખા ઘરને દૂધ ખાતાં વધે તે ડેરીએ ભરી દવ. વરહે દાડે પચાસ હજાર એમાંથી મળી રહે.આપડું ગાડું આમને આમ હાલે." વળી મારી સામે જોઈ હસ્યાં.
વાતનો દોર આગળ વધાર્યો. "મને ૧૯૯૨ માં અમારાં નવરાત્રીનાં મંડળનાં પાંત્રીસ હજારની સિલક સાથે કારભાર સંભાળવા આપ્યો, તેનાં મે ૧૪ લાખ કરી દીધાં. ને ગયાં વર્ષે ગામમાં નવું રામજી મંદિર બન્યું તેમાં મંડળનાં નામે અર્પણ કરી દીધાં. "
સાહેબની ટાલ માં તડકો આવતો હતો. ટાલમાં પરસેવો વળી ગયો હતો. મેં તેમનો હાથ પકડી છાયે લીધાં.
" મેં તમને કીધું ને? મારે એક દીકરો ને ત્રણ દિકરિયું.બધાં ઘરે બારે ( લગ્ન થઈ ગયેલાં) દીકરાના ઘરે એક દીકરો દીકરી. બેય ભણે છે.પૌત્ર કોલેજ કરે,પૌત્રી બારમાં ધોરણમાં.દિકરિયુમાં બે ને બહું સારું છે. એક જમાઈ ને થોડું ઓછું રળતર છે. પણ હું બેઠો છું ત્યાં સુધી એને ઉપાધિ નહિ આવવા દઉં હો.દીકરિયુંનાં ભાણિયા, ભાણકિયું પણ ભણયે હોશિયાર છે.
મે કહ્યુ, " તમે મહેનત ખૂબ કરો છો સાહેબ. તેમણે સાંભળ્યું નહિ.મે ફરી જોરથી કહ્યું.
તે હસવા લાગ્યાં, " આપડે શું કરી શકીએ અશોકભાઈ, ઉપર હાથ કરી, આ બધી તેની દયા હોય તો થાય."
એટલાંમાં તેમનો ફોન આવ્યો. સાહેબે વાત કરી, " બસ હમણાં જ પોગ્યો તેવું કહ્યું.". ફોન ખીસ્સા માં મૂકતાં મને કહેવા લાગ્યાં, " વાતું વાતુમાં ભેહુનું ખાણ લઈ જવાનું ભૂલી જાત. લ્યો તારે રામે... રામ...આજે ઉતાવળ થઈ ગઈ.ફરી ક્યારેક આરામથી મળીશું ત્યારે બધી વાતું કરીશું. "
એમ કહી મને હાથ મિલાવી. તેનાં મોટર સાઈકલની કિક મારી નીકળી ગયાં. હું તેમને મોટર સાઈકલના ધુમાંડામાં ઓગળી જતાં જોઈ રહ્યો. ને તેમની સરળતા ને સાદગીને સલામ કરતો બેંકમાં પ્રવેશ્યો..