Jaadui Pustak ane Shivansh - 8 in Gujarati Thriller by Mittal Shah books and stories PDF | જાદુઈ પુસ્તક અને શિવાંશ - 8

Featured Books
Categories
Share

જાદુઈ પુસ્તક અને શિવાંશ - 8

8

મથુરાનો રાજા કંસને જયારે કૃષ્ણ મારવા સજજ થયા ત્યારે કંસની પત્ની જીવયશાએ તેને કહ્યું કે,

"તે તારા મામા છે માટે તેના પર દયા કર."

જયારે પ્રજા તેમને કહેતી હતી કે,

"ના પ્રભુ, અમને આ ત્રાસમાંથી ઉગારો, કંસને મારો અને આ રાક્ષસથી ઉધ્ધાર કરો."

ત્યારે કૃષ્ણ માટે અસમંજસ સ્થિતિ ઊભી થઈ કે,

'શું કરવું કે શું ના કરવું'

કોઈપણ સ્થિતિ કરતાં પણ વધારે ભારે આવી અસમંજસ સ્થિતિ હોય છે. આવી અસમંજસ સ્થિતિ આપણને ક્રોધિત પણ કરે, ચીડચીડયો પણ બનાવી દે છે. અને તે વ્યક્તિને કંઈ પણ ખોટું કામ કરવા મજબૂર થઈ જાય છે.

અને એવી જ સ્થિતિ તાંત્રિક ગોરખની છે. આમ પણ પુસ્તક ચોરાયોનો ગુસ્સો અને ઉપરથી પાછું તેનો આજનો વાર ખાલી ગયો.

શેઠ ગોરખનાથ આજે પોતાની રૂમમાં થી બહાર ના આવ્યા એટલે જયંતી શેઠાણી તેમની રૂમમાં ગયા. ગોરખનાથ શેઠ ખાસ્સા ગુસ્સામાં હતા. જયંતીએ પૂછ્યું કે,

"શું તમારે ચા નાસ્તો નથી કરવો? હજી સુધી કેમ બહાર ના આવ્યા? તમારી તબિયત બરાબર છે ને?"

"નથી આવતો બહાર તો એ મારી મરજી, વારે ઘડીએ પ્રશ્નો કેમ પૂછ પૂછ કરો છો? તમારે બધી જ પડપંચાત કરવી જરૂરી છે. તમારે શું ખાલી ખાવું, પીવું ને જલસા કરો, જાવ અહીંયાથી."

"પણ હું કયા એવું કહું છું? આ તો તમે...."

અચાનક જ શેઠ ઊભા થયા અને લાકડી લઈને જયંતીને મારવા લાગ્યો અને અપશબ્દોની સાથે બોલવા પણ લાગ્યા કે,

"ખબર નથી પડતી તને સાલી, ડોબા જેવી છે. કોઈ પુરુષનો એટલે કે તારા પતિનો મૂડ છે કે નહીં તે પણ ખબર નથી પડતી. એને હેરાન નહીં કરવાનું..."

"હજી સુધી એક છોકરું જણયું છે ખરું? ખબર નહીં કયાં જન્મનો બદલો લઈ રહી છે. એકવાર પણ મારી જોડે રહી છે ખરી, પછી બીજે જ રખડવું પડેને મારે? જયારે હોય ત્યારે બકબક કર્યા કરવાની, કામવાળી જોડે વાતો કરશે, ઓલા ભીખમંગાઓ જોડે પણ? તને જરાપણ ખબર પડે છે ખરી કે કોઈને ગમે તેમ ઘરમાં ના ઘૂસાડાય? બસ દયા કરવા તૈયાર રહેવાનું અને એ માટે મારું નુકસાન કરાવું એ જ તારો ધ્યેય છે."

જયંતી શેઠાણી ચૂપચાપ રોતા રોતા માર ખાઈ રહ્યા હતા. તેમને ખબર હતી કે ગમે ત્યારે ગુસ્સો કરવાનો જ, દયા તો એમના માટે હતી જ નહીં. રસોડામાં અને બહાર કામ કરી રહેલા નોકરોને દયા આવતી હતી, પણ શું થાય તે કંઈ કરી શકે એમ નહોતા. અને જે કરી શકે તેવા હતા તે પથારીવશ હતા.

એટલે કે શેઠના પિતા ભદ્રદેવ પથારીમાં જયારે શેઠની મા ગંગા બા વ્હીલચેર પર , તેઓ પણ પોતાના રૂમમાં આવી જ સાંભળી રોઈ રહ્યા હતા. તેઓ પણ એ દિવસને જ કોસતા હતા કે,

"કયાં આ છોકરીને આવા ક્રૂર દીકરા જોડે પરણાવી, કદાચ ના પાડી હોત તો આ બચી જાત."

પણ હવે કંઈ પણ થઈ ના શકે એમ ના હોવાથી તે રોઈને મન વાળતા.

લીલાના ઘરમાં લગ્નની ધૂમધામ ચાલુ થઈ ગઈ હતી. લગ્નની આડે એક જ દિવસ બાકી હતો. લીલાના હાથમાં મહેંદી લાગી ગઈ હતી અને એના હાથમાં સુંદર રંગ પણ આવી ગયો હતો.

સવારના જ ગ્રહશાંતિ પૂજા વિધિ ચાલુ થઈ ગઈ. લીલાએ સારી સાડી પહેરીને તૈયાર થઈ અને ઘરની બધી સ્ત્રીઓ ગણેશની માટલી લેવા ઢોલી સાથે વાજતે ગાજતે લેવા ગઈ.

ગણેશ માટલી લઈને જેવા આવ્યા, તેવા જ તેમણે ગણેશ બેસાડવાની તૈયારી કરવા લાગ્યા. લીલાને બાજોઠ પર બેસાડીને એક પછી એક કરીને ગોળ ઘી ખવડાવી તેનું મ્હોં મીઠું કરાવ્યું. પછી તેને પીઠી અને તેલ ચોળવામાં આવ્યું. બાજોઠ પરથી તેને ઉઠાડવા માટે તેના મામા આવ્યા, તેમણે તેના હાથમાં અગિયાર રૂપિયા મૂકીને તેને ઊભી કરી. ઊભી થઈને તે ભગવાનને પગે લાગી, પછી ગ્રહશાંતિ ની બધી વિધિઓ પૂરી થવા લાગી. સ્ત્રીઓ પણ વડી પાપડ કર્યા.

વિધિ પૂરી થયા પછી સગા વહાલાનો જમણ ચાલુ થયું, સાદું જમણ હતું તેમાં કંસાર, ફૂલવડી, શાક, દાળ, ભાત હતું. બધાએ જમી લીધું.

પછી કાલની તૈયારીઓ માં હવે પુરુષો ઘરના આંગણે માંડવો બનાવવા લાગ્યા અને જયારે ઘરની સ્ત્રીઓ કાલ માટે લાડવા અને મોહનથાળ બનાવવાની તૈયારી કરવા લાગી.

ઢોલી અને શરણાઈના સૂર સૂરજના કિરણોની સાથે સાથે જ વહેવા લાગ્યા. ફળિયું આખુંય જાણે મંડપમય બની ગયું, ત્યાંના લોકો પણ લગ્ન મહાલવા આતુર બન્યા હતા. બાળકોની મસ્તી અને બૂમના અવાજ, ઘાઘરા પહેરેલી સ્ત્રીઓ અને તેની પાયલ ને ચૂડીઓનો અવાજ અને ચોરીની તૈયારી કરી રહેલા પુરુષોની સૂચનાનો અવાજ.

લીલાને તૈયાર કરવા તેની બે બહેનપણીઓ બેઠી હતી. લીલાએ સફેદ પાનતેરમાં સુંદર લાગી રહી હતી. પાનેતરમાં લીલો પાલવ અને લાલ કલરના દોરાથી આભલા ભરેલા હતા. એમાં કપૂર ગજરા પણ સરસ રીતે મેચ થતા હતા. બંને હાથમાં હાથીદાંતની સોને મઠેલી ચાર ચાર ચૂડીઓ હતી. ગળામાં સેટ પહેર્યો હતો, નાકમાં ચૂંક અને પગમાં ચાંદીના કડલાં પહેરેલા હતા.

લીલાના વાળમાં સાગર ચોટલો બનાવ્યો અને તેના સફેદ ગજરાથી આખો ચોટલો શણગારી દીધો. બે બે વેણીઓની સેર ખભા પર પડી રહે એમ ગોઠાવી દીધી. કપાળમાં મોટો ગોળ લાલ ચાંલ્લો અને છેલ્લે કાજળથી કાનની પાછળ ટપકું કરી દીધું.

રામલાલના ઘરે પણ તેના ભાઈબંધે તૈયાર કર્યો. તેને સરસ ધોતી અને કલરફૂલ ઝભ્ભો પહેર્યો, માથા પર બાંધણીની પાઘડી પહેરી. ઘરના લોકો વરરાજાને આગળ કરીને વાજતે ગાજતે જાન લઈ કન્યા પક્ષે જવા નીકળ્યા.

કન્યાના ફળિયે તેઓ ઊભા રહ્યા, ફળિયાની બહેનો ગીત ગાતા ગાતા ત્યાં લીલાની મા આવી. એમણે કુમકુમ તિલક કરી જમાઈને પોંખ્યા. પછી વેવાઈ, વેવાણને તિલક કરી અને હાર પહેરીને આવકાર્યા. વેવાણના પગ ધોઈને તેમને મંડપમાં ગાદી તકિયે બેસાડયા.

ગોર મહારિજે મંત્રોચ્ચાર શરૂ કર્યા. હસ્તમેળાપની વિધિ પતાવીને પછી મંગળફેરા પણ પતી ગયા અને ગોર મહારાજને નવ દંપતી પગે લાગ્યા. લીલાના મા બાપને અને પછી રામલાલના મા બાપને, એમ કરીને એક પછી એક વડીલોને પગે લાગ્યા. નવદંપતીને અંદર ગણેશ સ્થાપન આગળ લઈ જવાયા અને બંને ત્યાં પગે લાગ્યા.

જમણવાર ચાલુ થયો એમાં લાડુ, મોહનથાળ, ભજીયા, ચણા, પુરી અને દાળ ભાત હતા. વેવાઈઓને આગ્રહ કરી કરીને જમાડયા.

જમણ પત્યા પછી પહેરામણીમાં.જમાઈને ઘડિયાળ અને કાપડ આપ્યું, વેવાણને ઘાઘરા ચોલી અને વેવાઈને કાપડ આપ્યું.

જયારે લીલાની જોડે ૧૧ જોડ ઘાઘરા ચોલી, તાંબાનું માટલું, સોનાની ચૂંક અને સ્ટીલના ૬ થાળી વાટકી અને ગ્લાસ આપ્યા.

છેલ્લે વિદાયની વેળા થઈ, લીલાએ તેના માને વળગી રોઈ પડી, તેને બધાએ માંડ માંડ શાંત કરી. તેને ઘરની બહાર કંકુના થાપા કર્યા. લીલા પોતે સાસરે જવા ચાલી નીકળી.