3
બગીચામાં પરી પાંચ વર્ષની બાળકી હિંચકા ખાઈ રહી હતી. એકદમ જ સુંદર જાણે નાનકડી પરી જોઈ લો, તેના ચહેરા પરની હસી અને એ વખતે તેના ગાલ પર પડતા ખાડા. તેને જોઈને રમાડવાનું મન થાય પણ મન ધરાય નહીં એવી સુંદર પરી હતી.
બાજુમાં તેનો નવ વર્ષનો ભાઈ યશ પણ લપસણી ખાઈ રહ્યો હતો. તે ભલે નવ વર્ષનો જ હતો પણ બરાબર તેની બહેનનું ધ્યાન રાખી રહ્યો હતો. જાણે તેનો મોટોભાઈ અને રક્ષક ના હોય.
બંને જણા રમતા રમતા થાકી ગયા અને ભૂખ પણ સતત લાગી તો ભાઈ બહેન દોડતા દોડતા પોતાની ઘરે ગયા અને સારિકાને કહ્યું કે,
"મા... મા... ભૂખ લાગી છે, જલ્દી ખાવાનું દે."
"બેસી જાવ બંને, મેં તમારા માટે લાડવા બનાવ્યા છે."
એમ કહીને થાળીમાં બુંદીના લાડવો, રોટલો, કઢી અને શાક પીરસીને થાળી બનાવી. બંનેની થાળી જોઈને પરી રીસાઈ ગઈ કે,
"મને તે નાનો લાડુ આપ્યો અને ભાઈને મોટો, ઉં... ઉં... ઉં..."
"પણ બેટા, આટલો ખાઈ લઈશ પછી બીજો આપીશ."
કહીને સારિકાએ તેને મનાવી લીધી અને બંને જમવા લાગ્યા.
બીજા દિવસે બંને જણા ફરી પાછા બગીચામાં લપસણી અને હિંચકા ખાવા ત્યાં ગયા. ખાસી વાર રમ્યા પછી તેમને તરસ લાગી તો તેઓ દોડતા દોડતા બાજુની વાડીમાં ગયા તો મગન ઊભો હતો. પણ વાડીમાં બીજા કોઈને જોઈ બંને ભાઈ બહેન ખચકાયા. તો મગને તેમને બોલવ્યા કે,
"શું કામ હતું?"
"કાકા પાણી પીવું હતું, પાણી આપોને..."
યશ ખચકાતો બોલ્યો.
"હા, લે ને બેટા, શું નામ તારું?"
"મારું પરી અને આ મારો ભાઈ યશ."
"સરસ નામ છે તારું, પરી..."
"આ લે ચીકી..."
પરી તરતજ લઈ લે છે, પણ યશ તેની સામે આંખો કાઢે છે. બંને વાડીમાં થી બગીચામાં પાછા જાય છે. યશ કહે છે કે,
"પરી ચીકી ફેંકી દે..."
"ના ભાઈ, મને ભૂખ લાગી છે."
"અજાણ્યા વ્યક્તિએ આપેલી વસ્તુ નહીં ખાવાની, મમ્મીએ શીખવાડયું છે ને પરી? તો પછી ફેંકી દે... એ કાકાને આપણે કયાં ઓળખીએ છીએ, ચાલ..."
યશએ ચીકી તેના હાથમાં થી લઈ લે છે.
"ના ભાઈ, ચીકી દે મને ખાવી છે. હું ખાઉં છું, લે તું ખા..."
પરી ચીકી ખાવા માટે તોડવા ગઈ તો એના હાથમાં થી યશે લઈને ફેંકી દીધી અને પરી તો જોઈ જ રહી. પણ યશ જેવો હીંચકો ખાવા લાગ્યો તરતજ તેને બીજી ચીકી કાઢીને ખાવા લાગી.
બંને બાળકો રમીને ઘરે ગયા અને જમીને તેઓ સૂઈ ગયા. અગિયાર વાગ્યે રાતે ફરીથી એ ગુફામાં તાંત્રિક સાધના ચાલુ થઈ. સૂતેલી પરીની અચાનક આંખો ખૂલી ગઈ અને તે ટગર ટગર છતને જોવા લાગી. જેમ જેમ સાધના આગળ વધી તેમ તેમ પરી બેસી રહીને ચારે બાજુ નજર ફેરવી અને પછી ઘરના બારણાં ખોલીને બહાર જતી રહી. બારણા ખોલવાનો અવાજ સાંભળીને સારિકા જાગી ગઈ. તેને પરીને તેની પથારીમાં ના જોઈને પરેશને જગાડયો. બંને જણા પરીના પાછળ ગયા. સારિકા અને પરેશ બંને બૂમ પાડીને રોકવા લાગ્યા,
"પરી.... ઊભી રહે.... કયાં જાય છે.... પરી"
પણ પરી ઊભી ના રહી. ખૂબ બૂમો પાડયા પછી અચાનક જ ઊભી રહી અને તેમના તરફ ફરી અને તે એમની બાજુ જવા લાગી. જેમ જેમ તે નજીક આવી તેમ તેનો ચહેરો જોઈને જ....
'પરીની આંખોમાં ખુન્નસ હતું અને લોહી જાણે આંખોથી નીકળતું હોય તેવું લાગતું હતું. તેનો ચહેરો જોઈને જ કોઈ ડરી જાય. તેની ચાલ જાણે વિચિત્ર થઈ ગઈ હતી, બે પગ લાંબા કરી કરીને ચાલી રહી હતી. એવું લાગી રહ્યું હતું કે ભયાનક મોત તે વ્યક્તિ તરફ જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું.'
પરેશે આ જોઈને કહ્યું કે, "સારિકા, છૂપાઈ જઈએ જલ્દી..."
"પણ પરેશ પરી..."
"પરી પોતાના આપામાં જ નથી. પછી તેના વિશે વિચારીએ, હાલ તો છૂપાવું જરૂરી છે. જલ્દી કર..."
પરેશ અને સારિકા વૃક્ષ પાછળ છૂપાઈ ગયા. મંત્ર સાધના જેમ આગળ વધવા લાગી તેમ જ પરીની આંખોની ભયાનકતા અને ક્રૂરતા આગળ વધવા લાગી.
એવામાં એ સમયે જ મીના કરીને એક છોકરી બસમાંથી ઉતરી. તે ફોન પર તેની મમ્મી જોડે વાત કરી રહી હતી,
"મા, હું ગામમાં આવી ગઈ છું, દસ મિનિટમાં જ ઘરે આવી જઈશ."
"મીના, તું આટલી મોડી કેમ આવી? હું પપ્પાને મોકલું છું."
"મા, પપ્પાને આરામ કરવા દે, કાલે તેમને સવારે કામ પર જલ્દી જવાનું છે. અને સ્કૂલમાં મીટીંગ પૂરી થઈ એમાં મોડું થઈ ગયું અને આ બસમાં પંકચર થઈ ગયું એટલે વધારે મોડું થયું. અને આ બધી વાત છોડ મારા માટે ખાવાનું ગરમ કરીને તૈયાર રાખ, મને ખૂબ ભૂખ લાગી છે."
"સારું, આવ જલ્દી..."
મીનાએ પરીને બહાર ફરતી જોઈને નવાઈ લાગી અને બૂમ પાડીને કહ્યું કે,
"એ છોકરી ઘરે જતી રહે, અત્યારે કયાં જાય છે? કોઈ ઘરમાં નથી કે શું?'
પરી કાંઈ ના બોલી,
"મીના કોની જોડે વાત કરે છે?"
"મમ્મી આ કોઈ છોકરી બહાર ફરે છે, હમણાં જ તેને ઘરે મૂકીને આવું."
"મીના ના....."
આગળ કંઈ બોલે તે પહેલાં જ પરી તેની જોડે આવી ગઈ અને તેને જોઈને મીનાની હાથમાંથી ફોન પડી ગયો. મીના ડરની મારી ભાગવા જાય ત્યાં જ તે નીચે પડી ગઈ. પરી તેની સામે આંખો પટપટાવ્યા વગર જોઈ જ રહી, જાણે એક શિકારી જેમ પોતાના શિકાર તરફ જોઈ ના રહી હોય.
તે ફરીથી ઊભી થઈને દોડવા ગઈ તો અચાનક જ લાલ દુપટ્ટો ગળામાં આવી ગયો અને ગળા તરફ ભીંસ વધવા લાગી. પરી પણ દૂરથી જ હાથમાં દુપટ્ટો હોય તેમ બંને હાથને આંબળવા લાગી. આ બાજુ મીનાના ગળા ફરતે ભીંસ વધવા લાગી અને તેનો શ્વાસ રૂંધાયો અને આંખોના ડોળા બહાર નીકળી ગયા. તેનો જીવ નીકળી જતા જ પરીએ દુપટ્ટો છોડી દીધો હોય તેમ તેના બંને હાથ છોડી દીધા. હાથ ઝાટકીને પરી પણ નીચે પડી ગઈ, અને આ બાજુ મીના પણ.
સારિકા અને પરેશ દોડીને પહેલાં પરીને જોઈ, પછી પરેશે મીનાના શ્વાસ ચેક કરીને જોયું તો તે મરી ગઈ હતી. પરેશે સારિકા સામે માથું હલાવીને 'તે મરી ગઈ છે.' કહ્યું. બંને જણા પરીને તેડી પોલીસના લફરામાં ફસાવવું ના પડે એટલે ફટાફટ ઘર ભેગા થઈ ગયા.
બે તાંત્રિક જે આ લોકોની જવાની રાહ જોઈ રહ્યા હતા તે બહાર નીકળ્યા અને લાશ લઈને ગુફામાં મંત્ર ભણી પહોંચી ગયા. તેમને જોઈને મગન બોલ્યો કે,
"આટલી વાર કેમ થઈ?"
"શું કરીએ તે બાળકીના મા બાપ ખબર નહીં કયાંથી ત્યાં આવી ગયા. તે જાય નહીં ત્યાં સુધી આ લાશ લેવી કેવી રીતે!"
"સારું જલ્દી કરો, મહારાજ ગુસ્સે થશે." બધા ત્યાં પહોંચી ગયા અને મુખ્ય તાંત્રિકે ક્રિયા પૂરી કરી.