પ્રાયશ્ચિત પ્રકરણ - 24
" પણ હું તો આ બધું જ જાણું છું પપ્પા !! " કેતન જગદીશભાઈની સામે જોઈને બોલ્યો.
" વૉટ !!! તું જાણે છે આ વાત ? " જગદીશભાઈ કેતનના જવાબથી આશ્ચર્યચકિત થઈ ગયા !!
" તારા દાદાથી કોઈને મરાવી નાખવાનું આટલું મોટું પાપ થયેલું છે એ તને ખબર છે ? જયાને મેં મારા સોગંદ આપ્યા હતા તો પણ એણે તને વાત કરી ?" જગદીશભાઈને હજુ વિશ્વાસ નહોતો આવતો.
" ના પપ્પા... મમ્મીએ મને કંઈ જ કહ્યું નથી. મને અમેરિકામાં એક ત્રિકાળજ્ઞાની સ્વામીજીએ આ વાત કહી હતી. " કેતન બોલ્યો.
જમનાદાસે પોતે જ આ જન્મમાં કેતન સ્વરૂપે નવો જન્મ લીધો છે એ રહસ્ય કહેવાની સ્વામીજીએ કેતનને ના પાડેલી. પરંતુ દાદા જમનાદાસે કોઈનું ખૂન કરાવેલું એ સત્ય જો પપ્પા જાણતા જ હોય તો બાકી વાતો પપ્પાને કહેવામાં કોઈ વાંધો ન હતો.
" તારા દાદા જમનાદાસે કોઈનું ખૂન કરાવેલું એ વાત અમેરિકામાં કોઈ સ્વામીજીએ તને કરી ? સ્વામીજી આટલું સચોટ જોઈ શકે ? અનબિલીવેબલ !! એનીવેઝ... એમણે બીજું શું શું કહ્યું ?" હવે જગદીશભાઈ ને પણ કેતનની વાતો સાંભળવાનું કુતૂહલ થયું.
" એમણે દાદા અંગેની બધી વાતો મને કરી અને મને કહ્યું કે તારા ઘર ઉપર આ મહાપાપ નો અભિશાપ લાગેલો છે. આ પાપ કર્યા પછી તારા દાદાએ એક દીકરો ગુમાવી દીધો છે. હવે જો તું એ ઘરમાં પરિવાર સાથે રહીશ તો તારે ભાઈને ગુમાવવો પડશે." કેતન બોલ્યો.
" એવું કહ્યું એમણે ? " જગદીશભાઈએ ચિંતિત થઇ ને પૂછ્યું.
" હા પપ્પા હું જો પરિવાર સાથે ઘરમાં રહું તો મોટાભાઈનો જીવ આ અભિશાપ ના કારણે જોખમમાં આવી જાય. કારણ કે વિયોગ નો અભિશાપ છે. "
" એટલે સ્વામીજીએ મને કહ્યું કે આ અભિશાપને દૂર કરવો હોય તો તું ફેમિલીથી ખૂબ દૂર જતો રહે અને તારા દાદાના પાપકર્મોનું પ્રાયશ્ચિત કર. એમણે વસાવેલી પાપલક્ષ્મી નો સદુપયોગ કર. લોકોનાં દુઃખ દૂર થાય અને લોકોની સેવા થાય એવી કોઈ પ્રવૃત્તિ કર. લોક કલ્યાણ માટે દાન કર." કેતન બોલતો ગયો.
" સિદ્ધાર્થભાઈની સુરક્ષા માટે મેં આ પગલું ભર્યું છે પપ્પા. એ બહુ જ સિદ્ધ મહાત્મા હતા. અને મારા જીવનને એમણે આરપાર જોયું છે. એટલે જ આ વાત આજ સુધી મેં કોઈને કહી નહોતી."
" અમેરિકાથી આવીને એકવાર મેં તમને પણ દાદા વિશે સવાલો કરેલા પણ તમે ત્યારે દાદાની આ વાત નહોતી કરી એટલે મને એમ હતું કે તમને પણ કદાચ ખબર નહીં હોય એટલે હું ચૂપ રહ્યો. પરંતુ આજે તમે મને સામેથી આ વાત કરી એટલે મેં આ રહસ્ય કહ્યું."
" તમે પપ્પા... પ્લીઝ મારા જામનગર જવાનું સાચું કારણ ઘરમાં કોઈને પણ કહેશો નહીં. સિદ્ધાર્થભાઈ ને પણ નહીં." કેતને પપ્પાને બે હાથ જોડીને વિનંતી કરી.
" નહીં કહું બેટા. આ વાત આજ પછી તું પણ ભૂલી જા અને હું પણ ભૂલી જાઉં છું. મને તારા ઉપર આજે ખૂબ જ ગર્વ થયો છે. તેં તો એવું કામ કર્યું છે કે આજના સમાજમાં કોઈ દીકરો પરિવાર માટે આટલો મોટો ભોગ ના આપે. " જગદીશભાઈ થોડા ગળગળા થઈ ગયા.
" હવે તું કોઈ જાતની ચિંતા કરીશ નહીં. હું પણ તારી સાથે જ છું કારણ કે એ મારા પિતા હતા. રૂપિયાની તું ચિંતા કરીશ નહીં. તારે જે પણ પ્રવૃત્તિ કરવાની ઇચ્છા હોય એ તું કરી શકે છે. " પપ્પા બોલ્યા.
" હા પપ્પા ગરીબ અને દુઃખી લોકોની સેવા કરવાનો શ્રેષ્ઠ માર્ગ હોસ્પિટલ છે એટલે સૌથી પહેલું મારું લક્ષ્ય આવી કોઈ મોટી હોસ્પિટલ બનાવવાનું છે અને એટલે જ મેં ચેરીટેબલ ટ્રસ્ટ બનાવવાનું નક્કી કર્યું છે."
" જામનગરથી થોડેક દૂર અઢાર એકરની જગ્યા પણ લગભગ ફાઇનલ કરી રહ્યો છું. આશિષ અંકલે ભલામણ કરી એટલે ત્યાંના કલેકટર આ જગ્યા આપણને ફાળવી રહ્યા છે. અને હા ગયા રવિવારે આશિષ અંકલને મારા ઘરે જમવા પણ બોલાવ્યા હતા. " કેતન બોલ્યો.
" બહુ સરસ. ગો અહેડ !! થોડા સમયમાં તેં ઘણી પ્રગતિ કરી દીધી... સારુ હવે તું જા... નહીં તો સિદ્ધાર્થને એમ થશે કે પપ્પા કેતન સાથે શું એવી ખાનગી વાત કરી રહ્યા છે !!" જગદીશભાઈએ હસીને કહ્યું.
કેતન ઉભો થઈને સિદ્ધાર્થની ચેમ્બરમાં ગયો.
" શું વાત છે કેતન ! આજે તો પપ્પા સાથે લાંબી વાતચીત ચાલી !! " સિદ્ધાર્થ હસીને બોલ્યો.
" હા આજે તો રાત્રે ફરી પાછો જામનગર જવાનો છું ને ? પપ્પાએ બધી વાતો કરવા માટે જ આજે ઓફિસે બોલાવ્યો હતો. એમણે બધું પૂછ્યું એટલે વેદિકા સાથેની મીટીંગની વાત કરી. આશિષ અંકલને ગયા રવિવારે ઘરે જમવા બોલાવ્યા હતા એ વાત કરી. હોસ્પિટલ માટે જગ્યા ફાઇનલ કરી રહ્યો છું એ બધી વાતો કરી. " કેતને જવાબ આપ્યો.
" ઓકે. તને કહેવાનું હું ભૂલી ગયો. ગઈકાલે રાત્રે ઓનલાઈન સૌરાષ્ટ્ર મેલ ની આજની તારી ટિકિટ બુક કરાવી દીધી છે. " સિદ્ધાર્થે કહ્યું.
" ચાલો હવે હું ઘરે જાઉં છું અને તમારી ગાડી લઇ જાઉં છું. તમે સાંજે પપ્પાની સાથે આવજો. "
કહીને કેતન ઊભો થયો. સિદ્ધાર્થની ગાડીની ચાવી લઈ લીધી અને પપ્પાની રજા લઈને એ ઘરે જવા નીકળી ગયો.
રસ્તામાં ગાડી ઉભી રાખીને એણે મોહનમાંથી ઘારીનાં એક એક કિલોનાં પાંચ બોકસ તૈયાર કરાવ્યાં. આશિષ અંકલ, વેદિકા, જયેશ ઝવેરી, મનસુખ માલવિયા અને નીતા મિસ્ત્રી. સુરતની ઘારી ખૂબ જ પ્રખ્યાત હતી એટલે એને બધાંનો વિચાર આવ્યો.
આખો દિવસ એણે પરિવાર સાથે વિતાવ્યો. સાંજે પપ્પા ઘરે આવ્યા ત્યારે પપ્પા સાથે અને ભાઈ સાથે આગળના પ્રોજેક્ટની વાતો કરી. રાત્રે જમીને કેતને 11.30 વાગે બધાંની વિદાય લીધી.
આ વખતે જગદીશભાઈના મનમાં કેતન માટે માન ખૂબ જ વધી ગયું હતું. કેતને જે પણ વાતો કરી તેના કારણે એ પોતે પણ હવે કેતનના જ પક્ષમાં હતા અને પરિવારની રક્ષા માટે કેતન કાયમ માટે અલગ રહે એ જ સાચો નિર્ણય હતો એમ એ માનતા થયા હતા !!
રાત્રે સિદ્ધાર્થ એકલો જ કેતનને સ્ટેશન સુધી મુકવા ગયો. સામાન કંઈ હતો નહીં એટલે કેતને જ ભાઈને ટ્રેન ઉપડે ત્યાં સુધી રોકાવાની ના પાડી. સ્ટેશનની બહાર ઉતારીને જ ભાઈને ઘરે જવાનું કહી દીધું.
મનસુખ માલવિયાને ફોનથી સૂચના આપી દીધી હતી એટલે રસોઈ માટે દક્ષાબેન આવી જવાના હતા. મનસુખ પણ સ્ટેશન ઉપર લેવા માટે આવી ગયો.
ઘરે પહોંચીને એણે માલવિયાને સાંજે ચાર વાગે આવવાનું કહ્યું અને એણે બાથરૂમમાં જઈને નાહી લીધું. નાહીને તરત જમવા બેઠો.
જમીને એણે બે કલાક આરામ કર્યો ત્યાં ચાર વાગે મનસુખ માલવિયા આવી ગયો. કેતને બેગ ખોલીને ઘારીનાં પાંચ બોક્સ બહાર કાઢ્યાં.
" મનસુખભાઈ સુરતની ઘારી ખૂબ જ પ્રખ્યાત છે એ તો તમે જાણતા જ હશો. કદાચ અહીંયા પણ ક્યાંક મળતી હશે પરંતુ આ કવોલીટી તમને ક્યાંય જોવા નહીં મળે. બે બોક્સ તમે રાખો. એક પેકેટ તમે તમારા ઘરે લઈ જજો. એક તમે જયેશભાઈને આપી દેજો. એક બોક્સ તમે અત્યારે ત્રીજા બંગલામાં જશુભાઈ મિસ્ત્રી રહે છે એમના ત્યાં આપી આવો. આશિષ અંકલ અને પ્રતાપ અંકલનું પેકેટ સાંજે આપણે આપી આવીશું. " કેતને કહ્યું.
" ભલે સાહેબ " કહીને મનસુખ એક પેકેટ લઈને જશુભાઈના ઘરે આપી આવ્યો.
" હવે તમે અત્યારે નીકળો. સાંજે છ વાગે પાછા આવી જજો. આપણે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ઓફિસે જઈશું. " કેતન બોલ્યો અને બે બોક્સ મનસુખના હાથમાં આપ્યાં.
મનસુખ ગયા પછી કેતને આશિષ અંકલ ને ફોન લગાવ્યો.
" અંકલ સાંજે છ પછી તમારી ઓફિસે આવું છું. સુરત ગયો હતો તો ઘારીનું બોક્સ તમને આપવાનું છે. "
" સુરત વળી ક્યારે જઇ આવ્યો ? "
" બસ અંકલ ત્રણ દિવસ પહેલાં મુંબઈ એક કન્યા જોવા ગયો હતો અને વળતાં સુરત થઈને આજે બપોરે જામનગર આવી ગયો. "
" અરે વાહ !! એ કામ સરસ કર્યું. લગ્નની કંકોત્રી ક્યારે છપાવે છે ? " અંકલે હસીને કહ્યું.
" નહીં.. નહીં..અંકલ ! આ છોકરી તો સાવ પિત્તળ નીકળી. એકદમ આઝાદ !! પરંતુ એક બે પાત્રો ગમે છે. ચાર છ મહિનામાં ફાઇનલ કરી દઈશ. "
" ઓકે.. ઓકે.. રૂબરૂ જ વાત કરીએ. " કહીને આશિષ અંકલે ફોન કટ કર્યો.
છ વાગે મનસુખ આવ્યો એટલે કેતને બે બોક્સ લઈ લીધાં અને ગાડી પહેલાં આશિષ અંકલની ઓફિસે લેવડાવી. ઘારીનું એક બોક્સ લઈને કેતન સીધો ચેમ્બરમાં ગયો.
" લો અંકલ.. પપ્પાએ તમારા માટે ખાસ ઘારી મોકલાવી છે. " પપ્પાનું સારું દેખાય એટલા માટે કેતને પપ્પાને યશ આપ્યો.
" વાહ... પપ્પાને મારા તરફથી ખાસ થેન્ક્સ કહેજે. ઘરે બધાં મજામાં છે ? " અંકલે પૂછ્યું.
" જી અંકલ. તમે મને જામનગરમાં જે પણ સહકાર આપ્યો અને કલેકટર સાહેબની ઓળખાણ કરાવી એ બધી જ વાત મેં પપ્પાને કરી છે. પપ્પા બહુ જ ખુશ થયા છે. "
" અરે એમાં શું કહેવાનું ? તું થોડો પારકો છે ? અમારે તો ખાલી જીભ હલાવવાની હોય !! " આશિષ અંકલ બોલ્યા.
" કલેકટર સાતાસાહેબે લાલપુર રોડ ઉપર હોસ્પિટલ માટે એક જગ્યા બતાવી છે. અઢાર એકર જગ્યા છે અને એકદમ રોડ ટચ છે. આમ તો સાતા સાહેબ તમારા કારણે મને પૂરો સહકાર આપી જ રહ્યા છે છતાં તમે જરા વાત કરી લેજો તો ઘણો ફરક પડશે."
" હું વાત તો ચોક્કસ કરીશ પરંતુ સાતા સાહેબ બહુ જ સારા માણસ છે. અને આપણો પ્રોજેક્ટ પણ એટલો સરસ છે કે એ પોતે અંગત રસ લઈને આ કામ કરી આપશે. "
" બસ અંકલ આ હોસ્પિટલ ઉભી થઈ જાય એટલે આખા જામનગર પંથકમાં એનું નામ થઇ જાય એવું કરવું છે. સાચા અર્થમાં ગરીબોની સેવા કરવી છે અંકલ. પપ્પાને પણ મારા આ પ્રોજેક્ટમાં બહુ રસ પડ્યો છે. " કેતન બોલ્યો.
" બહુ જ સારો વિચાર છે. આવા કામમાં તો ઇશ્વર પણ મદદ કરે છે. બીજી કોઈ સેવા હોય તો બોલ. હવે શુ પ્રોગ્રામ છે ? ઘરે આવવું હોય તો ઘરે ચાલ. તારા ઘરે જમવાની ખરેખર મજા આવી. એ બેનને રવિવારે ઘરે જરા લઈ આવજે. "
" ચોક્કસ લઈ આવીશ અંકલ. અત્યારે તો હવે પ્રતાપ અંકલ ના ઘરે જવાનો પ્લાન છે. "
" પ્રતાપભાઈ વાઘાણી ! જગદીશભાઈના અને એમના સારા સંબંધો છે એ હું જાણું છું. હું સારી રીતે ઓળખું છું એમને. ખંધા રાજકારણી છે. એક વાર કોર્પોરેટર બની ગયેલા પરંતુ બીજીવાર એમ.એલ.એ ની ચૂંટણી હારી ગયેલા. માણસ ઓલરાઉન્ડર છે. ખાલી મળવા જ જાય છે બીજું કંઈ કામ હતું ? " આશિષ અંકલે પૂછ્યું.
" અત્યારે તો એમ જ ખાલી મળવા માટે જાઉં છું પરંતુ એકવાર એમની દીકરી વેદિકા માટે એમણે મારી મીટીંગ ગોઠવેલી. મારા માટે એમણે વેદિકાનું માગુ નાખેલું છે. " કેતને કહ્યું.
" અચ્છા.. એમ વાત છે !! પ્રતાપભાઈની દિકરી વિશે જામનગરમાં રહીને હું જેટલું જાણું છું એ પ્રમાણે મેડિકલ કોલેજમાં ભણતા કોઈ છોકરા સાથે એ પ્રેમમાં હતી. મને તો આ બધી બાબતની ખબર ના હોય પરંતુ એ જેની સાથે પ્રેમમાં હતી એ છોકરા ના પપ્પા મારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં જ છે એટલે એક વાર મારા કાને વાત આવેલી."
" ઈન્ટરકાસ્ટ રિલેશન હતા એટલે ચુસ્ત જ્ઞાતિવાદી પ્રતાપભાઈને ખબર પડતાં જ આ સંબંધ છ સાત મહિના પહેલાં એમણે તોડાવી નાખ્યો. છોકરાને થોડીક ધમકી પણ આપેલી. કદાચ એટલા માટે જ એમણે છેક સુરત દીકરીનું માગું નાખ્યું. જો કે છોકરી સારી અને ખાનદાન જ હશે. તું કદાચ આ વાત ન જાણતો હોય એટલા માટે જ તારા કાને વાત નાખી. પ્રેમ થવો એ તો આજકાલ સામાન્ય બાબત છે." આશિષ અંકલ બોલ્યા.
" થેંક્યુ અંકલ . થેંક્યુ વેરી મચ. જો કે હું બ્રોડ માઈન્ડેડ છું. છતાં હવે આગળ વધતાં પહેલાં આ બાબતનો જરૂર વિચાર કરીશ "
કહીને કેતન ચેમ્બરમાંથી બહાર નીકળ્યો અને ગાડીમાં બેઠો.
" હવે પ્રતાપ અંકલના ઘરે વ્રજભૂમિ લઈ લો. "
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)