પ્રેમ-નફરત
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૨
આરવ અજાણી યુવતીને લીફ્ટ આપવી કે નહીં એની અવઢવમાં હતો. વિદેશના કડવા અનુભવને વીસરીને તેણે સ્ત્રી દાક્ષિણ્ય બતાવવાનું નક્કી કર્યું. આરવને વિચાર કરતો જોઇ એ મૂંઝવણમાં મૂકાઇ હતી. તેણે હવે ઇશારાથી પૂછ્યું કે હું અંદર બેસી જઉં કે નહીં. આરવ વિચારોને પડતા મૂકી એકદમ ઉત્સાહમાં આવીને બોલ્યો:'બેસ ને..." આરવને થયું કે એ વિચારમાં હતો એ દરમ્યાન તેણે પોતાના માટે બીજું કંઇ ધારી લીધું નહીં હોય ને? તે બેઠી એટલે જીપને ચાલાવતાં બોલ્યો:"હું તને ઓળખતો નથી એટલે લીફ્ટ આપવી કે નહીં એ વિચારતો હતો. પછી થયું કે તમારી આંખો નિર્દોષ લાગે છે! બાય ધ વે, હું આરવ! 'ઓલ ઇન વન મોબાઇલ' કંપનીના માલિકનો સુપુત્ર છું!'
'ઓહ!' કહીને એ આગળ જોવા લાગી. આરવને થયું કે એને મારી સાથે વાત કરવામાં રસ નથી. કદાચ એને પોતાના સ્થાને પહોંચવાની ચિંતા છે. આરવે સ્પીકરમાં વાગતા કિશોરકુમારના ગીતનો અવાજ વધાર્યો. ગીત બદલાઇ ગયું હતું. મનપસંદ ગીત 'મેરે સપનોં કી રાની કબ આયેગી તૂ...' ચાલુ થઇ ગયું હતું. અને 'ફૂલ સી ખિલકે, પાસ આ દિલ કે, દૂર સે મિલકે ચૈન ન આયે, ઔર કબ તક મુઝે તડપાયેગી તૂ...' કડી ચાલતી હતી તેને આરવ ગણગણવા લાગ્યો. તે હાથ ઊંચો કરીને મોજથી ગાઇ રહ્યો હતો. પણ યુવતીએ તેની કોઇ હરકત પર ધ્યાન ના આપ્યું. આરવને થયું કે પોતાની આ વર્તણૂંકથી તે નારાજ થશે. તેણે ખુલાસો કરતાં કહ્યું:'કિશોરકુમાર મારા પ્રિય ગાયક છે. એમનું આ ગીત મને બહુ ગમે છે. તમે બીજા કોઇ અર્થમાં લેશો નહીં....'
યુવતીએ 'ઓકે' કહીને એની વાત સ્વીકારી લીધી. આરવને થયું કે વાત બદલવી જોઇએ. તે કંઇક વિચારીને બોલ્યો:'અમારી મોબાઇલ કંપનીનો મોબાઇલ જોયો છે? બહુ સુવિધાઓ આવી છે નવા વર્ઝનમાં. તમે કયો વાપરો છો?'
યુવતીએ કંઇ કહ્યા વગર પોતાના પર્સમાંથી એક નાની સાઇઝનો મોબાઇલ કાઢીને બતાવ્યો. આરવ જીપની ગતિ ધીમી કરતાં એના તરફ નજર કરીને નવાઇથી બોલ્યો:'આ તો ચાઇનીઝ છે.' પછી તેણે યુવતીની આર્થિક સ્થિતિ સારી ન હોવાનો અંદાજ બાંધી કહ્યું:'અમારી કંપની પણ સસ્તા મોબાઇલ બનાવે છે. એમાં રેમ અને સ્ટોરેજ વગેરે ઓછા હોય છે પણ પાંચ વર્ષ સુધી ટકે છે. હમણાં એવો લેટેસ્ટ મોબાઇલ લાવી રહ્યા છે કે આંખના ઇશારાથી ખૂલી જશે...'
આરવને વળી થયું કે તે યુવતીની માત્ર આંખ જ દેખાતી હોવાથી આવી વાત કરી રહ્યો છે એવું એને લાગશે. તેણે આગળ વાત કરવાનું ચાલુ રાખ્યું:'આ મોબાઇલ તો મોંઘી કાર વાપરતા લાખોપતિઓને જ પોસાય એવો છે. પણ બહાર પડે અને ક્યારેક તક મળે તો જોઇ લેજે...'
કાર ચલાવતી વખતે ત્રાંસી નજર કરી ત્યારે યુવતીએ જવાબમાં ડોકું હલાવ્યું હોય એવું એને લાગ્યું. તેને થયું કે એક અજાણી યુવતી સાથે તે કારણ વગર વાત કરી રહ્યો છે. ન જાણે કેમ તેને પહેલી વખત કોઇ યુવતી સાથે વાત કરવાનું મન થઇ રહ્યું હતું અને તે પણ હજુ ચહેરો જોવા મળ્યો નથી ત્યારે.
યુવતી ઓછા બોલી લાગી. આરવને થયું કે વાત કરવાનું ટાળવું જોઇએ. સરદાર સર્કલ નજીક જ આવી રહ્યું હતું. તેણે જીપની ઝડપ સહેજ વધારી. યુવતી કોઇ પ્રતિભાવ આપતી ન હતી એટલે આરવે તેનું નામ પૂછવાનું ટાળ્યું. આ કોઇ ટ્રેનની કે વિમાનની લાંબી સફર ન હતી કે થોડો પરિચય કેળવવાનું મન થાય. આ ટૂંકી સફરને ભૂલી જવાની જ હોય. ત્યાં બીજું ગીત શરૂ થયું. સાગર જૈસી આંખોવાલી યે તો બતા તેરા નામ હૈ ક્યા... આરવને થયું કે આજે આ યુવતી જીપમાં બેઠા પછી એના દિલમાં ઉઠતા પ્રશ્નો આ ગીતોના માધ્યમથી કેમ વ્યક્ત થઇ રહ્યા છે? ગીત શરૂ થયા પછી યુવતીએ તેની તરફ પ્રશ્નાર્થ નજરે જોયું કે સહેજ ગુસ્સા સાથે એ આરવ નક્કી કરી શક્યો નહીં. કાશ એનો ચહેરો ખુલ્લો હોત તો એ વધારે સારી રીતે સમજી શક્યો હોત. આરવને થયું કે આજે કિશોરદાના ગીતો તેને ક્ષોભમાં મૂકી રહ્યા છે. તેણે ટેપ બંધ કરવાનો વિચાર કર્યો ત્યાં જ સરદાર સર્કલ આવી ગયું. તેણે જીપ ઊભી રાખી અને યુવતી ઉતરી ગઇ. આરવને તેના અવાજમાં 'થેન્ક યુ' ની અપેક્ષા હતી. પણ એ તો ઉતરીને ચાલવા જ લાગી. કદાચ ક્યાંક પહોંચવાની ઉતાવળ હશે. પછી અચાનક યાદ આવ્યું હોય એમ પાછી ફરી માંડ સંભળાય એવા અવાજે 'આભાર' બોલીને જતી રહી. આરવ તેને જતી જોઇ રહ્યો. અચાનક તે જે ગલીમાં વળી ત્યાં આવેલી કંપનીનું નામ જાણ્યું અને તેને આંચકો લાગ્યો. એ યુવતી તેમની એક નંબરની હરીફ ગણાતી 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપની તરફ જઇ રહી હતી. આરવના મનમાં અનેક પ્રશ્નો ઉઠવા લાગ્યા. પોતે પોતાની જ દુશ્મન કંપનીની કર્મચારી કે માલિકને તો લીફ્ટ આપી નથી ને? એ જાણીબૂઝીને તો મારી જીપમાં આવી નહીં હોય ને? તેનો ઇરાદો શું હશે? પોતે એની સાથે નવા મોબાઇલની વાત કરીને ભૂલ તો કરી નથી ને?
ક્રમશ: