ડાકિયા ડાક લાયા
“સમગ્ર જગત માટે એક ટપાલ સેવા” એ જેનો મુદ્રાલેખ છે અને આંતર રાષ્ટ્રીય ટપાલ સેવાનું નિયમન કરતાં યૂનિવર્સલ પોસ્ટલ યુનિયનનો આજે 9 ઓકટોબરે સ્થાપના દિન છે જે વિશ્વભરમાં વિશ્વ ટપાલ દિવસ તરીકે ઉજવાય છે.
આજે તો EMAIL દ્વારા આંગળીની એક ક્લીકથી એક પળમાં સંદેશો દેશવિદેશમા ગમે તે ખૂણે પહોચાડી શકીએ છીએ, ઈમેલના જમાનામાં ટપાલસેવા ખૂબ ઓછી થતી જાય છે પણ તે છતાં તેની વિશેષતાને સમજવા અને આજની પેઢી જેનાથી બહુ ઓછી માહિતગાર છે તે સામાન્ય માનવી અને બિઝનેસમેનના રોજીંદા જીવન સહિત દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં ટપાલ વિભાગના યોગદાન વિશે જાગરૂકતા પેદા કરવાનો છે. પોસ્ટ વિભાગ દાયકાઓ સુધી દેશની અંદર જ નહીં પરંતુ એક દેશમાંથી બીજા દેશ સુધી માહિતી પહોંચાડવાનું સૌથી વિશ્વસનીય, સુગમ અને સસ્તુ સાધન રહ્યું છે. વર્લ્ડ પોસ્ટ ડેનો હેતુ આ દિવસે કેટલાક દેશોની ટપાલ ટિકિટ સંગ્રહના પ્રદર્શનો યોજાય છે, ટપાલસેવાના ઇતિહાસના વર્કશોપ, સેમિનાર, આંતર રાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધા વગેરેનું આયોજન થાય છે.
વર્ષ 1874માં આ દિવસે યૂનિવર્સલ પોસ્ટલ યૂનિયન (યૂપીયૂ)ના રચના માટે સ્વિટ્ઝરલેન્ડની રાજધાની બર્નમાં 22 દેશોએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. વર્ષ 1969માં ટોકિયો, જાપાનમાં આયોજિત સંમેલનમાં વિશ્વ ટપાલ દિવસ તરીકે આ દિવસ પસંદ કરવાનું જાહેર કરવામાં આવ્યું. 1 જુલાઇ, 1876માં યૂનિવર્સલ પોસ્ટલ યૂનિયનનો સભ્ય બનનાર દેશ ભારત પ્રથમ એશિયાઇ દેશ હતો. જનસંખ્યા અને આંતરરાષ્ટ્રીય મેલ ટ્રાફિકના આધારે ભારત શરૂઆતથી જ પ્રથમ શ્રેણીનો સભ્ય રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિર્માણ બાદ વર્ષ 1947માં યૂનિવર્સલ પોસ્ટલ યૂનિયન સંયુક્ત રાષ્ટ્રની એક વિશિષ્ટ એજન્સી બની ગઇ છે.
ટપાલની તવારીખ જોઈએ તો 1766માં રોબર્ટ ક્લાઈવે રેગ્યુલર પોસ્ટ ઓફિસની સિસ્ટમ ઊભી કરી, 1774 માં વોરન હેસટિંગ્સએ કલક્તામાં જનરલ પોસ્ટ ઓફિસ ઊભી કરી,1794માં મૂંબઈમાં જનરલ પોસ્ટ ઓફિસ ખુલ્લી મુકાઇ, 1863માં પત્રોનું શોર્ટિંગ શરૂ થયું તો 1877માં વી.પી.પી.અને પાર્સલ સિસ્ટમ શરૂ કરાઇ. 1879માં પોસ્ટકાર્ડ,1880માં મની ઓર્ડર, 1932માં કવર,1972માં પિન નંબર અમલમાં આવ્યા અને 1985થી પોસ્ટલ અને ટેલિકોમ ડિપાર્ટમેંટ અલગ થયા. 4 જૂન 1998માં નવી દિલ્હી ખાતેની પ્રથમ ટપાલ કચેરી કોમ્પ્યુટરાઇઝ્ડ કરવામાં આવી.
બદલાતાં આ ટેક્નોલોજી યુગમાં વિશ્વભરની ટપાલ વ્યવસ્થાઓ પોતાની સેવાઓમાં સુધાર કરતા નવી ટેક્નોલોજી સેવાઓની સાથે જોડાઇ ગઇ છે અને ટપાલ, પાર્સલ, પત્રોને ડેસ્ટિનેશન સુધી પહોંચાડવા માટે એક્સપ્રેસ સેવાઓ શરૂ કરી છે. પોસ્ટ ઑફિસ દ્વારા ઉપલબ્ધ કરી આપવામાં આવતી નાણાંકીય સેવાઓને પણ આધુનિક ટેક્નિક્સ સાથે જોડી દેવામાં આવી છે,હવે તો ઓનલાઇન પોસ્ટલ લેવડ-દેવડ પર પણ લોકોનો વિશ્વાસ વધવા લાગ્યો છે.
અધિકૃત ટિકિટો અથવા સર્વિસ સ્ટેમ્પ સરકારી કાર્યાલયોમાં સરકારી કામ માટે ઉપયોગમાં લેવાય છે,જે પોસ્ટ ઓફિસમાં નથી મળતી. કોઈ ખાસ વ્યક્તિ, વસ્તુ કે બનાવની યાદમાં ટપાલ વિભાગ દ્વારા સ્મૃતિ ટિકિટ બહાર પાડવામાં આવે છે. આઝાદી પછી ભારતે ટપાલ ટિકિટની આશરે 1600 થી વધુ ડિઝાઇન બહાર પડી છે.
યૂપીયૂના એક અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે વિશ્વભરમાં હાલ 55થી પણ વધારે અલગ-અલગ પ્રકારની પોસ્ટલ ઇ સેવાઓ ઉપલબ્ધ છે. ભવિષ્યમાં પોસ્ટલ ઇ-સેવાઓની સંખ્યા હજુ વધારે વધારવામાં આવશે. પોસ્ટલ ઑપરેશન્સ કાઉન્સિલ (પીઓસી) યૂપીયૂની ટેક્નિક્સ અને સંચાલન સંબંધિત એકમ છે. જેમાં સભ્ય દેશની પસંદગી સંમેલન દરમિયાન કરવામાં આવે છે. યૂપીયૂના મુખ્યાલય બર્નમાં તેમની વાર્ષિક બેઠક યોજાય છે. આ ટપાલ બિઝનેસના સંચાલન, આર્થિક અને વ્યાવસાયિક મામલાની દેખરેખ કરે છે. જ્યાં ક્યાંય પણ એકસમાન કાર્યપ્રણાલી અથવા વ્યવહાર જરૂરી હોય, ત્યાં પોતાની ક્ષમતા અનુસાર આ ટેક્નિક્સ અને સંચાલન સહિત અન્ય પ્રક્રિયાઓના ધોરણો માટે સભ્ય દેશને પોતાની ભલામણ કરે છે.
વિશ્વભરની ટપાલ સેવાઓએ મહામારી દરમિયાન લોકો સુધી પહોંચવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. જીવન રક્ષક દવાઓ અને સુરક્ષાત્મક ઉપકરણ વિશ્વના ખૂણે-ખૂણે સુધી પહોંચાડી દેવામાં આવી છે.
આજે વિશ્વ ટપાલ દિવસે ટપાલ ઑપરેટરો, ટપાલ કર્મચારીઓ અને ટપાલ સંલગ્ન સહુને ઓન એર શુભેછાઓ વહેતી મૂકીએ છીએ.