લેખ:- વરૂડી માતા ધામ, જામનગર
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
ચાલો આજે જઈએ એક નવી જગ્યાએ.
જામનગર જીલ્લાનાં કાલાવડ તાલુકામાં ખૂબ જ નાનું એવું ધુળસીયા ગામ આવેલું છે, જ્યાં આઈ શ્રી વરૂડીમાનું દિવ્યમંદિર આવેલું છે. આ મંદિર કાલાવડથી 12 કિલોમીટર અને જામનગરથી 36 કિલોમીટર દૂર આવેલું છે.
આઈ વરૂડીમાની પ્રાગટ્ય કથા પણ એક રહસ્યકથા જેવી છે. કચ્છમાં આવેલ ખોડાસર ગામે સાંખડા નરા નામનો ચારણ રહેતો હતો. સાંખડા ચારણે દર વર્ષે પગપાળા હિંગળાજમાતાનાં મંદિરમાં જવાનો નિયમ બનાવ્યો હતો. આ મંદિર સિંધ પ્રાંતમાં એટલે કે આજના પાકિસ્તાનમાં આવેલું છે. ચારણ તેમની કુળદેવી આઈ હિંગળાજ માતાના દર્શને ગયા હતા. તે વખતે એવું કહેવાય છે કે ચાલતા હિંગળાજ માતાનાં મંદિરે જતાં ત્રણ મહિના લાગે.
સાંખડાજી હિંગળાજ માતાનાં મંદિરે પહોચ્યા. માતાજીનાં દર્શન કર્યા, અને પૂજારીને શ્રીફળ આપી માતાજીને વધેરવા કહ્યું. પણ જેવા પૂજારી શ્રીફળ વધેરવા ગયા ત્યાં તો તેમના હાથમાં જ શ્રીફળનાં બે કટકા થઈ ગયા, એટલે સાંખડાજીએ બીજું શ્રીફળ આપ્યું. તેનાં પણ બે કટકા થઈ ગયા. આમ કરતાં કરતાં પૂજારીના હાથમાં સાત સાત શ્રીફળના બે કટકા થઈ ગયાં. સાંખડાજી સમજી ગયા કે ગામમાં નક્કી કોઈ અઘટિત ઘટના બની છે. નહિ તો આવું થાય જ નહિ.
તેઓ માતાજીને મનોમન પ્રાર્થના કરવા લાગ્યા કે, "હે..માવડી…માં જગદંબા…રખોપા રાખજે મા". આમ કરતા રાત પડી ને મધરાતે ત્યાં આઈ હિંગળાજ સાંખડા ચારણને સપનામાં આવ્યા, અને કહ્યું, "બાપુ હું તમારે ત્યાં દીકરી તરીકે જન્મી છું અને જન્મતાં જ મારુ કદરુપુ અને વરવું રુપ જોઈ મને દાટી દીધી છે, સાત દિવસમાં આવીને મને બહાર કાઢજો, હું સૌનુ કલ્યાણ કરવા આવી છું. જોજો બાપુ મોડું ના કરતાં, સાત દિવસમાં નહિ આવો તો આઠમાં દિવસે હું મારી લીલા સંકેલી લઈશ."
ચારણ ઊંઘમાંથી જાગી ગયા અને વિચારવા લાગ્યા કે ત્રણ મહિને ઘરે પહોંચાય. સાત દિવસમાં કેવી રીતે પહોંચાશે? એ વિચારે આંખે આંસુંડાની ધાર વહેવા લાગી. માને કગરવા લાગ્યા, "આ તે કેવી કસોટી મા? મને માર્ગ બતાવ માડી." આ સાંભળી પૂજારી જાગી ગયા. શું થયું ચારણ? સાંખડાજીએ બધી વાત કરી. પૂજારીએ આશ્વાસન આપતા કહ્યું કે, "ચિંતા કરશો મા ચારણ. જગદંબા હિંગળાજ તમારી વહારે આવશે. તમ તમારે માતાજીનું નામ લઈ હાલી નીકળો." માતાજીનાં નામનું રટણ કરતા કરતા સાંખડાજી ગામ જવા નીકળી પડ્યા. દિવસે ના કપાય એટલો માર્ગ રાતે ને રાતે ના કપાય એટલો માર્ગ દિવસે કપાવા લાગ્યો. માતાજીએ સહાય કરીને બરોબર સાતમા દિવસે ગામને પાદર પહોંચી ગયા. નેહડે પહોંચતા જ બધાને પૂછ્યું કે, "મારી દિકરીને તમે ક્યાં દાટી છે? ઝટ મને તે જગ્યા બતાવો."
લોકો વિચારવા લાગ્યા કે આમને ક્યાંથી ખબર પડી કે દિકરીને જન્મતાં જ ભોંયમા દાટી દીધી છે? લોકોએ કહ્યું કે, "દિકરીનું જન્મતાં જ વરવું રુપ હતું. આગલા બે દાંત લોઢા જેવા કાળા ને મોઢું બિહામણું દેખીને એને ડાકણ સમજી સગાંએ ગામને પાદર વડ નીચે છ દિવસથી ભોયમાં દાટી છે. હવે તો તે જીવિત પણ નહીં હોય." સાંખડાજી દોડીને વડલા નીચે પહોંચ્યા અને ખોદવા લાગ્યા. અને આ શું? દિકરી જીવિત હતી.
લોકો આ જોઈ વિચારમાં પડી ગયા કે છ દિવસથી હવા, પાણી, ને માનાં ધાવણ વગર આ જીવિત છે. નક્કી આ કોઈ જગદંબાનો અવતાર છે. બાપે આવીને જીવતાં ખોદી કાઢેલાં, અને કદરૂપાં ખરાં, એટલે નામ વરવડી (વરૂડી) પાડ્યું. બધાએ ભેગા થઈ આઈ શ્રી વરૂડીમાની જય બોલાવી.
સમય જતાં વાર નથી લાગતી અને એક વખત કચ્છમાં દુકાળ પડ્યો. પાણી અને ઘાસચારો સુકાવા માડ્યાં. ઢોરઢાંખર ઘાસચારા વગર મરવા લાગ્યા. સાંખડા ચારણે બધાને ભેગા કરી કહ્યુ કે, "આ કારમા દુકાળમાં આપણા ઢોરઢાંખર ને આપણે જીવવા હારુ હવે આ ધરતી ને છોડવી પડશે." સૌએ આઈ વરૂડીમાને પૂછ્યું. એટલે માતાજીએ ધ્યાન ધરી સૌને કહ્યું કે દક્ષિણ દિશાની ધરતી હરિયાળી છે. ત્યાં પાણી અને ઘાસચારો ખૂબ જ છે અને આઈ વરૂડીમાની જય બોલાવી સૌ દક્ષિણ દિશામાં ચાલી નીકળ્યાં. જે ધરતી પર આવ્યા તે ફુલઝર નદીને કાંઠે આજનું ધુળશીયા ગામ છે. શ્રી વરૂડીમાં મંદિર - ધુળસીયા આજે પણ મા વરૂડીનાં પરચા અપરંપાર છે.
જામનગર જીલ્લામા ધુળસીયા ગામે આઈ વરૂડીમાનું મંદિર અને વડલો તથા નવઘણ સેનાના ઘોડાને માટે ધાન્યનો ઢગલો એટલે કે ધુડીયા ઢગ, જે આ ઈતિહાસ ની સાક્ષી પૂરે છે. અહીંયા માતાજીનું પાવનકારી સ્થાનક છે, જ્યાં મા વરૂડી પોતાની બહેનો જટૂકલી અને ચરૂડીની સાથે બિરાજમાન છે. આ મંદિરમાં દર વર્ષે સ્વયંભૂ એક ત્રિશૂળ પ્રગટે છે.
માતાજીનાં ચરણોમાં શત શત વંદન🙏
🙏🙏🙏
- સ્નેહલ જાની