પ્રકરણ ૪૦
"તમે બન્ને પણ રાવિકાની શક્તિઓ છીનવવા માંગતાં હતાં, તો તમે સાચાં અને હું ખોટી કંઈ રીતે?" માયા કદાચ તેના પ્રશ્નનો જવાબ જાણતી હતી છતાંય તેં તેના મનનો ભાર હળવો કરવા હવાતિયાં મારી રહી હતી.
"અમે બન્ને માત્ર રાવિકાની શક્તિઓ છીનવવા માંગતાં હતાં, તેની બલી ચડાવવાનો ઈરાદો નહોતો અમારો. લક્ષ્યપૂર્તિ અને લાલચપૂર્તિમાં ઘણું અંતર હોય છે માયા." કાળીનાથએ બન્નેને આઝાદ કરી અને ત્યાંથી ચાલ્યો ગયો.
"હવે તું પણ મને ભાષણ આપવાની છે?" માયાએ માનસા સામે જોયું. માનસા કોઈજ જવાબ આપ્યા વગર ત્યાંથી નીકળી ગઈ, માનસાના ગયા પછી માયા માથું પકડીને બેસી ગઈ,"હવે હું શું કરીશ? આધ્વીકા બન્ને છોકરીઓની શક્તિનો સ્ત્રોત હતી અને એટલેજ મેં તેનો આત્મા કેદ કરી રાખ્યો હતો. આધ્વીકા અને રાવિકાના ગયા પછી રાધિકાની શક્તિઓ બંધાઈ ચુકી છે, હવે રાધિકાના બાળકમાં તેની શક્તિઓ ઉતરશે પછીજ મને મારા લક્ષ્યમાં સફળતા મળશે."
માયાની ગુફાના દ્વાર પાસે સંતાઈને ઉભેલો કુંદર માયાની વાતો સાંભળી રહ્યો હતો, માયાના છેલ્લા શબ્દો સાંભળીને તેના ચેહરા પર ચમક આવી ગઈ હતી. કોઈપણ ભોગે રાધિકાને પામીને તેની શક્તિઓના સહારે આ દુનિયા પર રાજ કરવાનું શમણું સેવતો કુંદર હવે આ શમણાને સાકાર કરવા કોઈપણ હદે જવા તૈયાર હતો.
કુંદરના ગયા પછી બીજા પથ્થર પાછળ છુપાયેલ સોમો અને ભીમો બહાર આવ્યા અને આ તાજા સમાચાર તેમના ગુરુજીને સંભળાવવા નીકળી પડ્યા.
"રાવિનું ખૂન કોણે કર્યું છે?" કેરિનએ રાધિકાના આવતાંજ સીધો મુદ્દાનો પ્રશ્ન પૂછ્યો.
"રાવિએ જાતે તેનો જીવ દીધો છે, પણ તેને આવો નિર્ણય લેવો પડે એવી પરિસ્થિતિમાં પહોંચાડનાર માયા છે. તેના સ્વાર્થ માટે માયાએ આ બધું કર્યું." રાધિકાએ કડવાશથી માયાનું નામ લીધું.
"માયા કોણ છે?" કેરિનને માયાને હાલજ આ ક્ષણે મારી નાખવાનું મન થઇ રહ્યું હતું.
"માયા એક આત્મા છે, માયાવી સ્ત્રીની આત્મા." રાધિકાએ કહ્યું.
"એ ક્યાં મળશે?" કેરિન કોઈપણ ભોગે રાવિની ખૂની માયાને તેના ગુનાની સજા આપવા માંગતો હતો.
"માયા ક્યાં મળશે, ક્યાં રહે છે, કે કેવી રીતે તેને હરાવી શકાશે, હું કાંઈજ નથી જાણતી જીજુ." રાધિકાએ કહ્યું.
"માયાને તો હું પાતાળમાંથી પણ શોધી કાઢીશ રાધિકા, મારી રાવિને કમોતે મારનારને હું છોડીશ નઈ." કેરિનએ દાંત પિસ્યા.
"બરોબર બોલ્લાસ દાદા, તિલા સોડૂ નકા." મિથિલા બોલી.
"હો મિથિલા, પણ તું અભ્યાસ કર." કેરિનએ મિથિલાને તેના ઓરડામાં મોકલી દીધી અને રાધિકા સામે જોઈને બોલ્યો,"એકવાર માયાનો હિસાબ થઇ જાય પછી હું હંમેશા માટે અમદાવાદ છોડીને મુંબઈ જવા માંગુ છું, આ ઘર પણ હું તારા નામે કરી દેવા માંગુ છું."
"આ ઘરમાં રાવિનો અહેસાસ છે, રાવિની સ્મૃતિઓ છે અને આ બધુજ તમને તમારી ભૂલ યાદ કરાવે છે. એટલે?" રાધિકાને આ ઘરમાં રાવિ સાથે વિતાવેલી ક્ષણો યાદ આવી ગઈ અને તેનું હ્રદય ભારે થઇ ગયું.
"હા, બસ તું ના મત પાડજે રાધિકા. આ ઘર હું તારા નામે એટલે કરવા માંગુ છું કેમકે આ ઘર રાવિની છેલ્લી નિશાની છે અને તેની છેલ્લી નિશાની પર સૌથી વધું હક તારો છે. તું રાવિની યાદો સમાન આ ઘરને હંમેશા સંભાળી રાખીશ એવો વિશ્વાસ છે મને." કેરીનની આંખો ભીંજાઈ ગઈ.
"ઠીક છે, પણ આ ઘર તમે મને સોંપસો તો નઈ ચાલે. આ ઘર તમારે મને વેચવું પડશે, હું તમને આ ઘરની પુરી કિંમત ચૂકવીશ અને હવે હું કોઈનું કંઈ નઈ સાંભળું." રાધિકા પણ ભાવુક થઇ ગઈ હતી.
જિજ્ઞાસા અને રયાનએ તેમની બેગ્સ લીધી અને જીયાને બુમ પાડી,"જીયા, ચાલ મોડું થાય છે."
"હું ન્યૂ યોર્ક નઈ આવું." જીયા બેગ્સ લીધા વગર નીચે આવી.
"સારુ." જિજ્ઞાસાએ તેનો સામાન ઉપાડ્યો અને બારણા તરફ ડગ માંડ્યા.
"સાચે રાવિ જ તારી દીકરી હતી માં..." જીયા રડી પડી.
"આવું કેમ બોલે છે દીકરા." રયાનએ જીયાને ગળે લગાવી.
"માં રાવિને મારા કરતાં વધારે પ્રેમ કરે છે એના માટે મારા મનમાં કોઈ ઈર્ષ્યા નથી પપ્પા, પણ માંનું દુઃખ નથી દેખાતું." જીયા હજુયે રડી રહી હતી.
"તું ન્યૂયોર્ક કેમ નથી આવવા માંગતી?" રયાનએ પૂછ્યું.
"જે કારણસર આપણે ન્યૂયોર્ક ગયાં હતાં તેનો હવે કોઈ અર્થ નથી રહ્યો, હું હવે અહીંજ રહેવા માંગુ છું. મારી રાવિનું અસ્તિત્વ છે આ હવામાં, આ હવા મને તેની નજીક હોવાનો અહેસાસ અપાવે છે."
"ધ્યાન રાખજે તારું." જિજ્ઞાસાએ જીયાના માથા પર હાથ મુક્યો અને જીયા તેની માંને ગળે વળગીને રડી પડી.
જિજ્ઞાસા અને રયાનના ગયા પછી જીયા સ્વગત બોલી,"જેની સાથે મોટી થઇ છું તેની હત્યારણને સજા અપાવ્યા વગર હું શાંતિથી કેવી રીતે જીવી શકું પપ્પા? રાવિ મારી બેન નઈ બેનપણી હતી, મારા જીવનો ટુકડો હતી, તો તેને મારનારને કંઈ રીતે છોડી દઉં?"
જીયાએ આસ્થાના મોઢે એટલું સાંભળ્યું હતું કે કોઈ માયા નામની સ્ત્રીને કારણે રાવિનું મૃત્યુ થયું છે, રાઈના દાણા જેવડી આ માહિતીને આધારે તેં પર્વત ઉભો કરવા નીકળી પડી હતી. મીરાએ રાધિકા કે રાહુલ સાથે વાતચીતનો સબંધ પણ રાખવાની મનાઈ ફરમાવી હતી તેથી તેં રાધિકાને મળી શકે એમ નહોતી, તેથી તેણીએ કેરિનને મળવાનું નક્કી કર્યું.
બીજા દિવસે સવાર પડતાજ તેણીએ કેરિનને ફોન કરીને એક કેફેમાં બોલાવ્યો, કેરિનએ આવતાંજ પૂછ્યું,"શું થયું જીયા, તું ઠીક છે ને? ઘરમાં બધાં ઠીક છે ને? ફોન પર તેં અરજન્ટ મળવાનું કહ્યું તો મને ચિંતા થઇ રહી હતી."
"બધું ઠીક છે જીજુ, મેં તમને બીજા કારણથી મળવા બોલાવ્યા છે." જીયાએ કોફીનો ઓર્ડર આપ્યો.
"સારુ, બોલ શું કામ હતું." કેરિનને થોડી રાહત થઇ.
"મારે માયા વિશે જાણવું છે, રાવિને ન્યાય અપાવવો છે. રાધિકા દીદીને માયા વિશે ખબર હશે, તમે દીદી સાથે વાત કરીને મને માહિતી લાવી આપોને." જીયાએ મુદ્દાની વાત કરી.
"આ કામ તો તું પણ કરી શકે." કેરિનએ કોફીનો એક સીપ લીધો.
માયાએ કોફીનો એક સીપ લીધો, કોફી પાછી ટેબલ પર મૂકી અને બોલી,"તમને યાદ નથી મીરામાસીએ શું કહ્યું હતું? મીરામાસી તરફથી જ્યાં સુધી લીલી ઝંડી ન મળે ત્યાં સુધી તો તમેજ મારી લાઈફલાઈન છો જીજુ."
"પણ આ બધું હું અને રાધિકા જોઈ લઈશુ, તું તારો બિઝનેસ સંભાળ. તારી લાગણીઓ હું સમજુ છું, પણ તારે આ બધામાં પડવાની જરૂર નથી." કેરિનએ કહ્યું.
"રાધિકા દીદી રાવિની સગી બેન છે અને તમે તેના પતિ, તો તમે બન્ને રાવિ માટે બધુજ કરી શકો. હું સગી નથી તો મને હક નથી મારી બેનને ન્યાય અપાવવાનો?" જીયાની આંખો ભીંજાઈ ગઈ.
કેરિનએ તેનો રૂમાલ જીયાને આપ્યો અને ડૂસકાં ભરતી જીયાને શાંત કરવા તેના ખભા પર હાથ મુક્યો, ઑફ શોલ્ડર ટોપ પહેરેલી જીયાના ઉઘાડા ખભા પર કેરિનનો હાથ અડ્યો અને જીયાના શરીરમાં ઝણઝણાટી થઇ.
"તું વિચારે છે એવુ નથી જીયા, હું તારી મદદ કરીશ બસ તું રડવાનું બંધ કર." કેરિનનો હાથ હજુયે જીયાના ખભા પર હતો.
"હું તમને પછી મળું, મારે એક કામ આવી પડ્યું છે." જીયાએ તેનું બેગ લીધું અને ત્યાંથી ભાગી. ગાડીમાં આવીને જીયાએ તેના ધબકતા હૈયા પર હાથ મુક્યો, તેની આંખો સામે રાવિનો ચેહરો આવી ગયો અને તેં મનોમન બોલી,"કેરિન માટે આવી ફીલિંગ્સ ન થવી જોઈએ મને, એ રાવિનો પતિ છે અને રાવિના પતિ સાથે પ્રેમ કરવાનો વિચાર પણ પાપ છે."
ક્રમશ: