Lost - 34 in Gujarati Horror Stories by Rinkal Chauhan books and stories PDF | લોસ્ટ - 34

Featured Books
Categories
Share

લોસ્ટ - 34

પ્રકરણ ૩૪

રાવિ ઝડપથી કૂદી, એક હાથથી વેલા પકડ્યા અને બીજા હાથથી રાધિને, "બેવકૂફ, ચાલ જલ્દી હવે."
બન્ને બહેનો માંડ માંડ બીજા ઝુલા ઉપર આવી અને જેમ બને એમ ઝડપથી આગળ વધવા લાગી, બન્નેએ જે જે ઝૂલા પર પગ મુક્યો હતો એ ઝૂલા થોડી સેકન્ડ પછી તૂટી જતા હતા.

કેટલાયે ઝૂલા પાર કર્યા પછી રાવિને જમીન દેખાઈ, બન્નેએ લાંબો કૂદકો માર્યો અને જમીન ઉપર આવી ગઈ.
"માયાએ જૂઠું બોલીને આપણને ફસાવ્યા છે એવુ તો નથી ને?" રાધિને શ્વાસ ચડી ગયો હતો.
"ના, માયાએ મને કીધું હતું કે મમ્મા સુધી પહોંચવા આપણે ખુબજ મુશ્કેલ રસ્તેથી પસાર થવું પડશે પણ આટલો મુશ્કેલ રસ્તો હશે એ ન'તી ખબર." રાવિને પણ શ્વાસ ચડી ગયો હતો.

રાવિએ એક ઊંડો શ્વાસ લીધો અને આંખો ખોલી, આંખો ખોલતાજ તેની સામે જે દ્રશ્ય હતું એ જોઈને રાવિના મોઢામાંથી ચીસ નીકળી ગઈ.
"શું થયું?" રાધિએ સામે જોયું, એક લાંબો રસ્તો હતો અને એ રસ્તાના તળિયા પર નાનાં નાનાં ગોળ કુંડાળાં હતાં.
"અરે આમાં ડરવા જેવું શું છે?" રાધિએ તેના ખભા ઉછાળ્યા.

"મમમ... મને મને ટ્રીપોફોબીયા છે." રાવિને કમકમાટી ઉપજી.
"એટલે?" રાધિને કઈ સમજાયું નઈ.
"આવા નાનાં નાનાં સંખ્યાબંધ કાણાં કે એવી ડિઝાઇન પણ જોઉં તો મને ડર લાગે છે, હું મારી આંખો નઈ ખોલું. મને પેનિક અટેક આવી જશે." રાવિએ તેની આંખો જોરથી મીંચી નાખી.

"કઈ વાંધો નઈ, હું તને રસ્તો પાર કરાવી દઈશ." રાધિએ રાવિનો હાથ પકડ્યો, પહેલું ડગલું એ રસ્તા પર મૂક્યું અને એક તિર તેના પેટમાં ઘુસ્યુ.
"હે ભગવાન! રાધિ....." રાવિ ખરેખર ડરી ગઈ હતી.
"આ રાઉન્ડમાં પગ મુક્યો એટલે...." રાધિએ હળવેકથી તિર કાઢ્યું અને તેનો હાથરૂમાલ ઘા પર દબાવ્યો.

"હું જાતે રસ્તો પાર કરીશ, ધ્યાન રાખજે બેન." રાવિએ રાધિને ઉભી કરી અને તેં આ રસ્તા પર આગળ વધી.
રાવિને કમકમાં આવી ગયાં હતાં અને તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું, આખો રસ્તો પાર કરતાં સુધીમાં તો તેની હાલત ખરાબ થઇ ગઈ હતી.
રાધિના ઘા પર લોહી જમાઈ ગયું હતું, ઘણું બધું લોહી વહી જવાને કારણે તેં કમજોર બની ગઈ હતી.

આ રસ્તો પાર કર્યા પછી બન્ને એક તળાવ કિનારે પહોંચી, આ તળાવ લાવાનું હતું અને ન તો તળાવ પાર કરવા કોઈ પુલ હતો કે ન કોઈ રસ્તો.
"હવે?" રાવિએ રાધિ સામે જોયું.
"આ તળાવ પાર કરવા માટે એક કોયડાનો ઉકેલ આપવો પડશે, આ ઘડિયાળનો કાંટો ફરીને બાર પર આવે એ પહેલા કોયડાનો ઉકેલ ન આપી શકી તો ફરીથી પે'લા ચરણ પર પહોંચી જસો." એક સ્ત્રીનો અવાજ ગુંજયો.

"કોયડો શું છે?" રાધિએ પૂછ્યું.
"મારું કોઈ અસ્તિત્વ નથી છતાંય છું જીવંત,
જીવું છું સૌના મનમાં એ ગૃહસ્થ હોય કે સંત." ગેબી અવાજ આવ્યો.
"એવુ શું છે જેનું કોઈ અસ્તિત્વ નથી છતાંય એ જીવે છે?" રાવિએ રાધિ સામે જોયું.

"બધાંના મનમાં શું જીવે છે? એવુ શું હોઈ શકે જે દુર્જન અને સંત બન્નેના મનમાં હોઈ શકે?" રાધિ પણ મુજવાઈ ગઈ હતી.
"થોડીક જ વાર છે સમય પૂરો થવાને, જલ્દી વિચાર." રાવિએ તેના મગજ ઉપર જોર આપ્યું.
"અરે, આ વિચારવાનું કામ મારું નથી. હું તો મમ્માના મોહમાં અહીં આવી ગઈ, આવી ખબર હોત તો થોડીઘણી તૈયારી કરીને આવોત." રાધિ બેચેન થઇ ગઈ હતી.

"હા તો હું અહીં ક્યાં સોનાચાંદી માટે આવી છું, હું પણ મમ્માના મોહ..... મોહ..... મોહ...." રાવિ ખુશીથી ઉછળી.
"મોહ? મોહ...... ઓહ.... મોહ...." રાધિ તરત રાવિના મનની વાત સમજી ગઈ.
"મોહનું કોઈ અસ્તિત્વ નથી હોતું છતાંય એ બધાયના મનમાં જીવંત છે, ગૃહસ્થને ભૌતિક સુખસુવિધા અને પરિવારનો મોહ હોય છે જયારે સંતને ઈશ્વરનો મોહ હોય છે." રાવિએ જવાબ આપ્યો.

રાવિએ જવાબ આપ્યો કે તરત લાવાનું તળાવ ગાયબ થઇ ગયું અને તેમની સામે એક વિશાળ દરવાજો પ્રગટ થયો.
બન્ને દરવાજો ખોલીને અંદર દાખલ થઇ, તેમની સામે બરફ અચ્છાદિત વિશાળ ગુફા હતી.
ગુફાની વચ્ચોવચ એક નાનકડું તળાવ હતું, બન્નેએ તળાવમાં નજર કરી તો એમાં આધ્વીકાનું શરીર હતું.
"મમ્મા..... " બન્નેએ મળીને આધ્વીકાનું શરીર બા'ર કાઢ્યું અને બન્ને આધ્વીકાના પાર્થિવ શરીર સાથે જુના રાઠોડ હાઉસ આવી.

"હું પપ્પાને ફોન કરીને બોલાવી લઉં, તું મમ્માને બોલાવ." રાધિએ રાહુલને ફોન લગાવ્યો.
"મમ્મા... એકવાર પપ્પાને મળી લે. પ્લીઝ...." રાવિની ઘણી સમજાવટ પછી આધ્વીકા તેની સાથે આવવા માની અને રાવિ તેનો હાથ પકડીને તેને ઘરની બા'ર લાવી.
"હું ઘરની બા'ર કઈ રીતે આવી? આ બધું શું છે રાવિ? તેં માયાની કઈ વાત માની છે રાવિ?" આધ્વીકાએ કડકાઈથી પૂછ્યું.

રાવિ એકવાર તો ડરી ગઈ પણ બીજી જ પળે સ્વસ્થ થઇ એ બોલી,"પપ્પાની એકમાત્ર ઈચ્છા પુરી ના કરું તો મને તારી દીકરી કેવડાવવાનો હક નથી મમ્મા."
આધ્વીકાએ તેનું નિર્જીવ શરીર જોયું, રાવિ અને રાધિના આગ્રહથી તેં તેના નિર્જીવ શરીરમાં પ્રવેશી.
"પપ્પા આવતાજ હશે...." રાધિ તેની વાત પુરી કરે એ પહેલાંજ એક ગાડીનો અવાજ આવ્યો, ત્રણેયએ દરવાજા સામે જોયું તો રાહુલ દોડતો ઘર તરફ આવી રહ્યો હતો.

"તેં મને અહીં કેમ બોલાવ્યો બેટા? તું ઠીક તો છે ને? તેં એમ કેમ કહ્યું હતું કે તને મારી જરૂર છે હું હાલજ અહીં આવી જઉ?" રાહુલએ રાધિના માથા પર હાથ મુક્યો.
"પપ્પા.... પપ્પા.... શાંતિ. તમારા માટે એક સરપ્રાઈઝ છે." રાવિ બોલી.
"હા, આંખો બંધ કરો અને તમને તમારું નામ સંભળાય પછીજ આંખો ખોલજો." રાધિએ રાહુલની પાછળ જઈને તેની આંખો પોતાના હાથથી બંધ કરી.

રાવિએ આધ્વીકાને રાહુલની સામે ઉભી રાખી, રાધિએ ધીરેથી તેનો હાથ હટાવ્યો અને બન્ને બેનો ગાડી જોડે જતી રઈ.
આધ્વીકાએ રાહુલના ગાલ પર હાથ મુક્યો અને ધીમેથી બોલી,"રાહુલ...."
"આધ્વી....." રાહુલએ તેની આંખો ખોલી અને તેની સામે આધ્વીકાને જોઈને એ ચોંકી ગયો.

"મને છેલ્લી વિદાય આપવાની તારી અધૂરી ઈચ્છાને કારણે હું ભૂત બનીને ભટકી રઈ છું." આધ્વીકા હસી પડી.
રાહુલએ આધ્વીકાના ગાલ પર હાથ મુક્યો, તેની સામે આધ્વીકા છે એવી ખાત્રી થતાંજ તેં રડી પડ્યો.
"મારે પણ રડવું છે, પણ...." આધ્વીકાની વાત પુરી થાય એ પહેલાંજ રાહુલએ તેને ખેંચીને ગળે લગાવી.


"વાઉં, વ્હોટ અ લવ. આવો પ્રેમ મને પણ કોઈ કરે." રાવિ બોલી.
"એટલે? કેરિન તને પ્રેમ નથી કરતો?" રાધિએ શકી નજરથી રાવિ સામે જોયું.
"તને વાગ્યું છે ને? ચાલ દવાખાને, ચાલ કઉં છું." રાવિએ તેને ખેંચી.
"અરે પણ મારે દવાખાને જવાની શું જરૂર, મારી ડોક્ટર તો તું જ છે." રાધિએ રાવિનો હાથ તેના ઘા પર મુક્યો અને તેનો ઘા ઠીક થઇ ગયો.

"તું ઘરે જા, હું પણ ઘરે જઉં છું. મમ્મા પપ્પાને એમની છેલ્લી મુલાકાત માટે થોડી પ્રાઈવસી આપીએ." રાવિ તેના ઘરે જવા નીકળી અને રાધિ પણ તેના ઘરે ચાલી ગઈ.
રાવિ તેના ઓરડામાં આવી ત્યારે માયા પહેલેથીજ ત્યાં હાજર હતી, તેને જોઈને રાવિએ પૂછ્યું, "તું અહીં શું કરે છે? હજુ અમાસ નથી આવી."

માયા ખંધુ હસી અને બોલી,"તને આપેલું અડધું વચન મેં નિભાવ્યું રાવિ પણ અડધું વચન હવે બાકી રહેશે. આધ્વીકાના અંતિમ સંસ્કાર અમાસ પછી થશે, મને મારી શક્તિઓ પાછી મળ્યા બાદ."

ક્રમશ: