Lost - 23 in Gujarati Horror Stories by Rinkal Chauhan books and stories PDF | લોસ્ટ - 23

Featured Books
Categories
Share

લોસ્ટ - 23

પ્રકરણ ૨૩

"હું તને જોઈ લઈશ, રાધિકા." સુશીલાએ રાધિના પંજામાંથી છૂટવાની ઘણી કોશિષ કરી પણ તેં નિષ્ફળ રહી.
"મારા એક હાથની પકડમાંથી છૂટવાની ત્રેવડ નથી તારી અને મને ધમકી આપી રહી છે. જા જોઈ લેજે મને." રાધિએ સુશીલાને છોડી એવીજ એ ગાયબ થઇ ગઈ.

"આ બધું શું હતું? તું કોની સાથે વાત કરી રહી હતી? અને હું તારી પાસે કેવી રીતે ખેંચાઈ આવ્યો?" મેહુલની નજર રાધિના હાથ પર પડી અને તેં વધારે ચોંક્યો, "તારા હાથમાંથી આ રોશની કંઈ રીતે નીકળે છે? કોણ છે તું?"
"હું રાધિકા છું, હમણાં તો કીધું હતું." રાધિએ તેના બન્ને હાથ પાછળ છુપાવી દીધા.

મેહુલએ રાધિના હાથ ખેંચ્યા અને તેના હાથમાંથી નીકળતી ઝાંખી ગુલાબી રોશની પર હાથ ફેરવ્યો, એક ઝટકા સાથે મેહુલનો હાથ પાછો ગયો અને એના મોઢામાંથી ચીસ નીકળી, "આઆઆહહહહ, આ શું છે? તારા હાથમાંથી કરંટ નીકળે છે."
"મેહુલ, જો તું આ બધું તારા સુધી જ રાખજે." રાધિએ મેહુલના ખભા પર હાથ મુક્યો અને ફરી મેહુલને કરંટ લાગ્યો.

"પે'લા તો તું દૂર રે, પ્લીઝ." મેહુલએ રાધિ સામે હાથ જોડ્યા અને બોલ્યો, "હું કોઈને કંઈ જ નઈ કઉં પણ આ બધું શું છે? આ બધું રિયલ લાઈફમાં કંઈ રીતે પોસિબલ છે? લાઈક સુપરપાવર્સ એન્ડ ઓલ?"
"હું આ બધા વિશે વધારે નથી જાણતી, બસ એટલું જાણું છું કે આ એક શ્રાપ છે જે અમને બન્ને બેનોને વારસામાં મળ્યો છે." રાધિએ તેના બન્ને હાથ જોયા, હવે તેના હાથમાંથી રોશની નીકળતી બંધ થઇ ગઈ હતી.

"વાહ, લોકોને વારસામાં ધનદોલત મળે અને તમને વારસામાં શ્રાપ મળ્યો છે." મેહુલનું મગજ ચકરાવે ચડ્યું હતું.
"એક મિનિટ, મારો ફોન ક્યાં છે?" રાધિનો ચેહરો અચાનક ગંભીર બન્યો અને તેં તેના ખિસ્સા ફંફોસવા લાગી.
"શું થયું રાધિકા? કંઈ ટેન્શન છે?" મેહુલને રાધિના ચેહરા પર અચાનક આવેલો ડર વિચિત્ર લાગી રહ્યો હતો.

રાધિકાએ તેના ફોનમાં રાવિનો નંબર ડાયલ કર્યો પણ તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો, તરત તેણીએ કેરિનનો નંબર ડાયલ કર્યો અને જેવો કેરિનએ ફોન ઉપાડ્યો તેં બોલી, "હેલ્લો જીજુ, રાવિ ઘરે આવી ગઈ?"
"મને ખબર નથી, હું તો તને મૂકીને સીધો ઓફિસ આવી ગયો હતો." સામે છેડેથી કેરિન બોલ્યો.

"જીજુ તમે હાલજ રાવિ જ્યાં ગઈ છે ત્યાં જાઓ, રાવિ નક્કી કોઈ મુસીબતમાં છે." રાધિના કપાળ પર પરસેવો વળ્યો હતો.
"તું મુંબઈમાં છે અને રાવિ અમદાવાદમાં તો તને કેવી રીતે ખબર પડી કે રાવિ મુસીબતમાં છે? તને એમજ એવી ઓડ ફીલિંગ આવતી હશે, તું ચિંતા ન કર." કેરિનએ કહ્યું.

"જીજુ અમે ટ્વિન્સ છીએ, અમે એક સરખું વિચારીએ છીએ અને એકસરખું અનુભવીએ છીએ. મને હાલ કોઈ પણ કારણ વગર સખત ડર લાગી રહ્યો છે મતલબ કે રાવિ મુસીબતમાં છે, તમે જાઓ પ્લીઝ." રાધિનો અવાજ ધ્રુજવા લાગ્યો હતો.
"હા, હું જઉ છું. તું ચિંતા ન કરજે." કેરિનએ ફોન મૂકી દીધો.

"મારે હાલજ જવુ પડશે, હું નીકળું છું." રાધિએ ફોન ખિસ્સામાં મુક્યો અને ત્યાંથી દોડી.
"હું આવું તારી સાથે, તું ચિંતા ન કર બધું ઠીક થઇ જશે." મેહુલ પણ રાધિની પાછળ દોડ્યો.
રાધિની ના છતાંય જીદ કરીને મેહુલ તેની સાથે આવવા તૈયાર થયો અને બન્ને એરપોર્ટ જવા નીકળ્યાં.


આ તરફ એક અજાણી ગુફામાં રાવિ એક પથ્થરના આસન ઉપર બેભાન પડી હતી અને કુંદર તેને એકીટશે નિહાળી રહ્યો હતો.
"કોણ છે તું? પેલા મને ડરાવી અને પછી બેભાન કરીને અહીં લઇ આવ્યો, આ કંઈ જગ્યા છે?" રાવિની આંખ ખુલતાજ તેની નજર તેની સામે તાકી રહેલા ભયાનક પુરૂષ પર ગઈ.
"હું કુંદર, આ આપણું ઘર છે અને હું તારી સાથે લગ્ન કરવા તને અહીં લાવ્યો છું." કુંદર હજુયે રાવિને લોલુપ નજરે જોઈ રહ્યો હતો.

"હું વિવાહિત છું, મારા લગ્ન થઇ ચુક્યાં છે." રાવિ ગુસ્સામાં બોલી.
"તો પણ તારે મારી સાથે લગ્ન કરવા પડશે." કુંદર રાવિ તરફ ધસ્યો, રાવિએ તેના બચાવ માટે તેના બન્ને હાથ આગળ કર્યાં અને કુંદર એક જોરદાર ધક્કો વાગ્યો હોય એમ દૂર ફંગોળાયો.

"મેં એ દિવસે રાધિના ઘા જલ્દી ઠીક થઇ જાય એમ વિચારીને તેના ઘા પર હાથ મુક્યો એટલે રાધિના ઘા રૂઝાઇ ગયા હતા, હાલ મેં કુંદરને ધક્કો મારવાનું વિચાર્યું અને તેને ખરેખર ધક્કો વાગ્યો. મતલબ કે હું જે વિચારું એ કરી શકું છું." રાવિના ચેહરા પર સ્મિત ફરક્યું અને તેણીએ કુંદર સામે જોયું, "લગ્ન કરીશ તું મારી સાથે? કરને, કરને લગ્ન."

રાવિની શક્તિઓથી અજાણ કુંદર અચાનક થયેલા હુમલાથી ડરી ગયો હતો, એ ઉઠે, કંઈ બોલે કે પ્રતિકાર કરે એ પહેલા રાવિએ તેના હાથના ઈશારાથી કુંદરને ઉપર ઉઠાવ્યો અને નીચે પટક્યો.
કુંદરને મારી મારીને અધમૂઓ કર્યાં પછી રાવિ ગુફામાંથી બહાર નીકળી અને આંખો બંધ કરીને મનોમન રાઠોડ હાઉસ જવાનું વિચાર્યું, તેની આંખો ખુલી ત્યારે તેં રાઠોડ હાઉસની સામે ઉભી હતી.

"મામી, આસ્થા મામી." રાવિએ ડોરબેલ વગાડવાને બદલે બારણું ખટખટાવ્યું.
"અરે રાવિ, એકલી આવી છે? કેરિનકુમાર નથી આવ્યા? અંદર તો આવ." આસ્થાએ બારણું ખોલતાજ રાવિને આવકાર આપ્યો.
"મામી તમે મમ્મા સાથે થોડો સમય ગાળ્યો છે, તમે મમ્મા વિશે ઘણું બધું જાણો છો અને તમે એ બધુ પણ જાણો છો જે મારાથી છુપાવવામાં આવ્યું છે. રાઈટ?" રાવિ સીધી મુદ્દા પર આવી.

"તું શું બોલી રઈ છે બેટા? આ બધું છોડ અને મને એમ કે કે તારું અને કેરિન કુમારનું લગ્નજીવન કેવું ચાલે છે? તારાં સાસરાવાળાં સારાં તો છે ને?" આસ્થાએ વાત બદલવાનો પ્રયત્ન કર્યો.
"હા, એ બધાં બઉજ સારાં છે. તમે પ્લીઝ કંઈ ના છુપાવો અમારાથી, તમે હકીકત છુપાવીને અમને બચાવવાને બદલે મુશ્કેલીમાં નાખી રહ્યાં છો." રાધિએ આસ્થાની હાથ પકડી લીધો.

"આજથી ૨૫ વર્ષ પહેલાં આ ઘટનાઓની શરૂઆત થઇ હતી, જીવનજીના ટ્વિન ભાઈ જીગરને કારણે." આસ્થાએ જીગરએ તેના દોસ્તો સાથે મળીને મિત્તલ સાથે કરેલા દુષ્કર્મ, મિત્તલની આત્માએ બધાંને મારીને લીધેલ બદલો, મિત્તલના પિતાએ રાઠોડ પરિવાર સાથે કરેલ અન્યાય, મિત્તલની આ દુનિયામાં રહેવાની જીદ અને આધ્વીકા-જિજ્ઞાસાએ મિત્તલને અપાવેલ મુક્તિ સુધીની વાત રાવિને સવિસ્તાર જણાવી.

"મિત્તલ ફઈની આત્માને મુક્તિ મળી ગઈ હતી તો પછી મમ્માને શ્રાપ કોણે આપ્યો?" રાવિ હકીકત જાણવા અધિરી થઇ હતી.
આસ્થા કંઈ બોલે એ પહેલાં તેનો ફોન રણક્યો, તેણીએ ફોન જોયો અને રાધિનું નામ જોઈને ફોન ઉપાડ્યો, "હેલ્લો, બોલ રાધિ."
"મામી, રાવિ ત્યાં આવી છે?" સામે છેડેથી રાધિનો ચિંતાતુર અવાજ આવ્યો.
"હા, રાવિ છેલ્લા દોઢેક કલાકથી અહીં જ છે." આસ્થાએ તેની વાત પુરી કરી ને' તરત સામે છેડેથી ફોન કપાઈ ગયો.

"રાધિ ખુબજ ચિંતામાં હોય એવો અવાજ આવતો હતો." આસ્થાએ ફરીથી રાધિનો નંબર ડાયલ કર્યો, બે ત્રણવાર ફોન કરવા છતાંય રાધિએ ફોન ન ઉપાડ્યો.
રાવિએ પણ લેંડલાઇન પરથી તેને ફોન કર્યો પણ સામેથી કોઈજ જવાબ ન મળ્યો,"છેલ્લીવાર ફોન કરું નહિ તો પછી જઇયે.... "
"રાવિ....." રાધિ દોડતી ઘરમાં આવી અને રાવિને ભેંટી.
"શું થયું?" રાવિએ તેને પોતાનાથી અળગી કરી.
"તું કોઈ મુસીબતમાં હોય એવુ લાગ્યું મને, હું તને ક્યારની શોધતી હતી અને તારો ફોન કેમ બંધ છે?" રાધિને હવે થોડી રાહત થઇ હતી.

"હા, એક આત્મ....."રાવિ આગળ કંઈ બોલે એ પહેલાંજ તેની નજર હમણાંજ ઘરમાં પ્રવેશેલા કેરિન અને મેહુલ પર પડી, બન્ને સામે આત્મા વિશે બોલી શકાય એમ ન્હોતું એટલે તેણીએ વાત ફેરવી કાઢી,"હું વિઝા ઓફિસથી નીકળી પછી રસ્તામાં રીક્ષા માટે રાહ જોતી હતી, તો અચાનક એક ગાડી મારા તરફ ધસી. હું એટલી હદે ડરી ગઈ કે મારા હાથમાંથી ફોન છૂટી ગયો અને ફોન ગાડીના પૈડા નીચે આવીને કચડાઈ ગયો."

"રાવિ, તું ઠીક છે? રાધિએ મને ફોન કર્યો પછી હું વિઝા ઓફિસ ગયો હતો, ત્યાં તું ન મળી તો હું ખુબજ ગભરાઈ ગયો હતો. તને જરાય ઇજા તો નથી થઈને?" કેરિનએ રાવિનો હાથ પકડ્યો.
"હું ઠીક છું કેરિન." રાવિએ આંખો મિચકારીને તેને ચિંતા ન કરવા કહ્યું.

તમે બધાં અંદર આવો, બારણા પાસે ઊભા રહીને કેટલી વાતો કરશો." આસ્થાએ બધાંને અંદર બોલાવ્યાં અને બધાં માટે ચા નાસ્તો બનાવવા રસોડામાં ગઈ.
"તમે બન્ને બેસો, અમે હમણાં આવીએ." રાધિ રાવિને ખેંચીને ગેલેરીમાં લઇ ગઈ.

"હવે મને સાચી વાત કર." રાધિએ પૂછ્યું.
રાવિએ થોડીવાર પહેલાં તેની સાથે બનેલી ઘટના અને તેની શક્તિઓ કંઈ રીતે કામ કરે છે એ વિગતવાર રાધિને જણાવ્યું, રાધિએ ઊંડો શ્વાસ લીધો અને બોલી, "આ બધાનું મૂળ કારણ જાણવું પડશે, તો જ કંઈક રસ્તો મળશે."

"હું થોડું ઘણું જાણું છું...." રાવિ હમણાં આસ્થા પાસેથી જાણેલી હકીકત રાધિને કેવા જતી હતી ત્યાંજ તેની નજર મેઈન ગેટથી અંદર આવી રહેલી સ્ત્રી પર પડી, તેનો ચેહરો જોઈને રાવિએ લગભગ ચીસ પાડી, "મમ્મા...."
રાધિએ એ દિશામાં જોયું, આધ્વીકાને જોઈને એ પણ આશ્ચર્યચકિત થઇ ગઈ. બન્ને છોકરીઓ દોડીને બહાર આવી, અને આધ્વીકાને આલિંગન આપવા ગઈ ત્યાં રાવિ આધ્વીકાની આરપાર નીકળી ગઈ.

"મમ્મા...." રાવિ આધ્વીકા તરફ આગળ વધી રહી હતી ત્યાંજ આધ્વીકાએ હાથના ઈશારાથી તેને રોકી અને બોલી, "મારાથી દૂર રે રાવિ, નહીં તો હું તને બાળી નાખીશ."


ક્રમશ: