Lost - 22 in Gujarati Horror Stories by Rinkal Chauhan books and stories PDF | લોસ્ટ - 22

Featured Books
Categories
Share

લોસ્ટ - 22

પ્રકરણ ૨૨


વિશાળ જંગલની વચ્ચોવચ આવેલી એક નાનકડી ગુફામાં ખુલતું વિશાળ ભોંયરુ આજે લાવાની જેમ ધગધગી રહ્યું હતું, ભોંયરાના તળિયે વેરવિખેર પડેલી નિર્જીવ ખોપડીઓ પણ ડરની મારી ધ્રુજી પડે એટલો ભયકંર ગુસ્સો આ ભોંયરાના કર્તાધર્તા અને માલિક કાળીનાથને ચડ્યો હતો.

"કુંદરએ મારી સાથે દગો કર્યો, મેં એને મોકલેલો રાવિને મારી પાસે લાવવા અને એ રાવિ સાથે પ્રણયફાગ ખેલવા માંગે છે. અરે એ બેવકૂફને કોણ સમજાવે કે રાવિનું કોમાર્ય મારા માટે કેટલું જરૂરી છે." કાળીનાથએ તેમના બીજા બે પ્રેત ચેલાઓને કુંદરને ઉપાડી લાવવા મોકલ્યા.


"જોઈ રહી છે આધ્વીકા? આ બધું તારા કારણે થઇ રહ્યું છે, પેલો રાક્ષસ જેવો કુંદર હવે રાવિની પાછળ પડ્યો છે અને એ રાવિના શું હાલ કરશે એ તું વિચારી પણ નઈ શકે." માયાએ આધ્વીકા સામે જોયું.

"મને મેનીપ્યુલેટ કરવાની કોશિષ સારી હતી પણ હું કાચા કાનની નથી, મારા કારણે નઈ આ બધું તારી લાલચને કારણે થઇ રહ્યું છે. તારા પાપનો દોષ મારા પર નાખીશ તો હું રડવા બેસીશ અને મારી જાતને દોષી માનીશ એવુ સમજતી હોય તો તારો સમય બરબાદ મત કર." આધ્વીકાએ મક્કમતાથી જવાબ આપ્યો.
"ઠીક છે, તું નઈ તો તારી દીકરી." માયા ખડખડાટ હસી અને ગાયબ થઇ ગઈ.


"રાધિ, તેં શું વિચાર્યું છે? તારા કરીઅર વિશે?" સવારે ઉઠતાજ રાવિએ પૂછ્યું.
"મારે લેખક બનવું છે મને બિઝનેસમાં જરાય રસ નથી." રાધિએ નાસ્તો કરતાં જવાબ આપ્યો.
"મમ્મા પણ લેખક હતી, મારી પાસે મમ્માએ લખેલી કવિતાઓ અને શાયરીઓ છે હું તને બતાવીશ." રાવિએ નાસ્તો પતાવ્યો અને રીનાબેન સામે જોઈને બોલી, "આંટી, મારે આજે એક બિઝનેસ પિકનિકમાં જવાનું છે તો મારા માટે ખાવાનું ન બનાવતાં."

"પણ તારે તો આજે વિઝા ઓફિસ જવાનું હતું ને બેટા, તું ભૂલી ગઈ." રીનાબેનએ એક પરબડીયું રાવિના હાથમાં મૂક્યું.
"અરે હા, બન્ને જગ્યાએ જવુ જરૂરી છે પણ હું બન્ને જગ્યાએ કેવી રીતે જઈ શકું?" રાવિએ માથે હાથ મુક્યો.
"પણ રાધિકા તો જઈ શકે ને? તું વિઝા ઓફિસ જા અને રાધિકા બિઝનેસ પિકનિક પર જશે. જ્યાં સુધી મને ખબર છે ત્યાં બિઝનેસને લગતી કોઈ વાતચીત તો નઈ થાય, આવી પિકનિક આ મોટી કંપનીઓ વર્ષમાં એકવાર કરતી હોય છે ને." કેરિનએ સલાહ આપી.

"હા, તું જતી રે રાધિ અને કંઈ પ્રોબ્લેમ થાય તો તરત મને ફોન કરી લેજે." રાવિએ તેની બેગ લીધી અને ઉતાવળમાં વિઝા ઓફિસ જવા નીકળી.
કેરિન રાધિને એરપોર્ટ સુધી મૂકી ગયો, રાધિ પહેલીવાર પ્લેનમાં બેઠી હતી તેથી તેને થોડો ડર પણ લાગી રહ્યો હતો.
મુંબઈ એરપોર્ટ પર પહેલેથીજ એક ગાડી તેને લેવા આવેલી હતી, તેમાં બેસીને રાધિ પિકનિક લોકેશન પર પહોંચી.

"હેલ્લો મિસ રાઠોડ..." મેહુલએ રાધિને જોઈને હાથ હલાવ્યો.
"હેલ્લો, મિસ્ટર મેહરા." રાધિએ બનાવટી સ્મિત કર્યું અને આજુબાજુ નજર નાખી ઘણા બધાં સ્ત્રીપુરુષો નાના મોટાં ટોળાં બનાવીને અલગ અલગ રમતો રમી રહ્યાં હતાં.
"મેહરા ઇન્ડસ્ટ્રિનાં એમ્પ્લોયીઝ છે, એક દિવસ તો બધાંને રિલેક્સ કરવા મળવો જ જોઇએ ને?" મેહુલએ તેની બાજુના બિનબેગ પર રાધિને બેસવાનું કહ્યું.

"રાવિએ મને ક્યાં ફસાવી દીધી, આ મેહુલ ફેહુલ તો કેટલું બક બક કરે છે. મારું મગજ ખરાબ કરી નાખ્યું છે આ છોકરાએ." રાધિ મનોમન અહીં આવવા બદલ પસ્તાઈ રહી હતી.
"મિસ રાઠોડ, તમને ડિસોસીએટિવ આઈડેન્ટટી ડિસઓડર છે? તમે જ્યારે પણ મને મળો છો ત્યારે હમેંશા એવુ લાગે જાણે હું એકજ ચેહરો ધરાવતી બે અલગ અલગ વ્યક્તિને મળી રહ્યો છું." મેહુલએ ઝીણી આંખો કરીને રાધિ સામે જોયું.

"એવુ કંઈ નથી, તમે હજુ મને સારી રીતે ઓળખતા નથી ને એટલે." રાધિએ મેહુલ સામે જોવાનું ટાળ્યું.
"એવુજ હશે, ચાલો રેસિંગ કરીએ." મેહુલ ઉભો થઈને બાઈક તરફ ગયો.
"મને બાઈક ચલાવતા નથી આવડતું." રાધિ તેની પાછળ પાછળ ગઈ.

"એમ? પણ તમે તો રેસિંગ ચેમ્પિયન છો. રેસિંગમાં મેડલ પણ જીતેલા છે અને હવે તમને બાઈક ચલાવતા પણ નથી આવડતું?" મેહુલએ વહેમી નજરથી રાધિ સામે જોયું.
"હા, હું રેસિંગ ચેમ્પિયન છું પણ હાલમાં મારી તબિયત કંઈ ઠીક નથી લાગતી એટલે હું બાઈક નઈ ચલાવી શકું." રાધિ હવે કંટાળી રહી હતી.

"જૂઠ, યુ આર અ લાયર." મેહુલએ વેધક નજરે રાધિ સામે જોયું.
"એ, મેહુલ ફેહુલ. તું વધારે ન બોલ, નઈ તો તારી જીભ ખેંચી કાઢીશ." રાધિએ તેના મગજ પરનો કાબુ ગુમાવ્યો હતો.
"કોણ છે તું? રાવિકા રાઠોડનું બેકગ્રાઉન્ડ જાણું છું હું, એ શાંત અને સમજદાર છોકરી છે. આવી ભાષાનો પ્રયોગ તો એ ક્યારેય કરે જ નઈ, તારી ભાષા જોઈ છે?" મેહુલએ રાધિ સાથે તોછડાઇથી વાત કરી એટલે રાધિનો પીતો ગયો અને તેણીએ મેહુલને ધક્કો માર્યો.

મેહુલએ તેનું સંતુલન જાળવવા રાધિનો હાથ પકડી લીધો, તેથી રાધિનું પણ સંતુલન ગયું અને બન્ને નીચે પછડાયાં. મેહુલ ઉપર પડેલી રાધિના હોઠનો સ્પર્શ મેહુલના ગળા પર થયો અને મેહુલના શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ, ઉભી થવા મથતી રાધિનો ચેહરો આટલા નજીકથી જોઈને મેહુલના દિલના તાર હલી ગયા હતા.

"મેહુલ ફેહુલ, જોઈ લઈશ તને તો હું." રાધિએ ઉભી થઈને હાથ ખંખેર્યા અને ત્યાંથી જવા પગ ઉપાડ્યો ત્યાંજ મેહુલએ ઉઠીને તેનો હાથ પકડી લીધો, "હાલજ જોઈ લે ને, મને કોઈ વાંધો નથી."
"યુ બદતમીઝ, હું આ બધું રાવિને કઈ દઈશ તું જોજે." રાધિ તેનો હાથ છોડાવવા મથી રહી હતી.
"રાવિને કઈ દઈશ એટલે? તું રાવિ નથી?" મેહુલ આશ્ચર્યચકિત થઇ ગયો હતો.

"ના, મારું નામ રાધિકા છે રાધિકા રાઠોડ." રાધિએ એક ઝાટકે તેનો હાથ છોડાવ્યો.
"એક મિનિટ, એક મિનિટ. રાધિકા, રાવિકા? આ બધું શું છે?"
"રાવિને આજે બઉજ જરૂરી કામ હતું એટલે તેણીએ મને મોકલી અહીં, મારી ટ્વિન સિસ્ટર છે રાવિ." રાધિ થોડી શાંત થઇ ગઈ હતી.

"મને ખબર નતી કે મિસ રાઠોડને ટ્વિન સિસ્ટર પણ છે." મેહુલ થોડું હસ્યો.
"એમાં હસવા જેવું શું છે?" રાધિએ ઝીણી આંખો કરીને મેહુલ સામે જોયું.
"હું હમેંશા વિચારતો કે મિસ રાઠોડ તો એકજ વ્યક્તિ છે છતાંય મને એમના અલગ અલગ વ્યક્તિત્વ માટે અલગ અલગ લાગણીઓ કેમ થાય છે? આજે ખબર પડી કે રોડ ઉપર મને ભટકાઈ હતી એ, મારી ઓફિસમાં ફાઈલ આપવા આવી હતી એ અને આ છોકરી મિસ રાઠોડથી આટલી અલગ કેમ છે." મેહુલના ચેહરા પર શરારતી હાસ્ય ફરી વળ્યું.

"મતલબ?" રાધિને મેહુલની લાગણીસભર વાતો સાંભળીને કંટાળો આવી રહ્યો હતો.
"એટલે એમજ કે તું બઉજ સુંદર છે રાધિ..." મેહુલએ રાધિ સામે જોઈને આંખ મારી.
રાધિનો ચેહરો ગુસ્સામાં લાલ થઇ ગયો અને તેં મેહુલને મારવા દોડી, મેહુલ દોડતાં દોડતાં હસી રહ્યો હતો અને રાધિનો ગુસ્સો વધી રહ્યો હતો.

"મને પકડી બતાવ, તો માનું તને." મેહુલ બન્ને અંગુઠા નીચે કરીને રાધિને ચીડવી રહ્યો હતો.
"તું...." રાધિ કંઈ બોલે એ પહેલાં તેની નજર મેહુલની પાછળ ઉભેલી સુશીલા પર ગઈ, મેહુલ તેના તરફ આગળ વધી રહ્યો હતો.
સુશીલાના ચેહરા પર સ્મિત જોઈને રાધિ સમજી ગઈ હતી કે સુશીલા અહીં કંઈક ગરબડ કરવા આવી છે, રાવિને તેણીએ આપેલી ધમકીઓ વિશે રાવિએ જણાવ્યું હતું એ યાદ આવતાંજ રાધિને મેહુલની ચિંતા થઇ આવી.

"મેહુલ સ્ટોપ, આગળ મત જા." રાધિએ બુમ પાડી પણ મેહુલ તેની વાત સાંભળ્યા વગર જ દોડી રહ્યો હતો.
સુશીલા અને મેહુલ વચ્ચે ત્રણ ચાર ડગલાંનું અંતર જ વધ્યું હતું, રાધિએ અચાનક તેના બન્ને હાથ ઉપર કર્યાં અને જે બન્યું એ જોઈને રાધિ ને' મેહુલ બન્નેને આંચકો લાગ્યો.

સુશીલાથી ઘણી દૂર હોવા છતાંય તેના એક હાથના ઈશારાથી સુશીલા દૂર ફંગોળાઈ હતી અને બીજા હાથના ઈશારાથી મેહુલના પગ જમીનમાં ખોડાઈ ગયા હોય એમ એ અટકી ગયો હતો.
રાધિએ તેના હાથ જોયા, તેમાંથી નીકળતી ઝાંખી ગુલાબી રોશની જોઈને રાધિના ચેહરા પર સ્મિત આવી ગયું.

"રાધિકા....." દાંત કાચકચાવીને પાછી આવેલી સુશીલા રાધિ પર વળતો હુમલો કરવા મેહુલ તરફ ધસી.
રાધિએ તેના હાથના ઈશારાથી મેહુલને તેની તરફ ખેંચ્યો, મેહુલ દોરીથી બંધાયેલી પતંગની જેમ રાધિ પાસે ખેંચાઈ આવ્યો.
રાધિએ સુશીલાને હવામાં ઉછાળીને જમીન પર પટકી અને તેને ગળેથી પકડીને બોલી, "ખોટી છોકરી સામે બાથ ભીડી છે તેં."

ક્રમશ: