Lost - 21 in Gujarati Horror Stories by Rinkal Chauhan books and stories PDF | લોસ્ટ - 21

Featured Books
Categories
Share

લોસ્ટ - 21

પ્રકરણ ૨૧

"રાવિ તું મને પ્રેમ નથી કરતી, માત્ર વિઝા માટે લગ્ન કરવા એ ખોટું છે." કેરિનએ રાવિને સમજાવવાનો પ્રયત્ન કર્યો.
"માત્ર વિઝા માટે હું લગ્ન કરી લઉં એવી લાગુ છું હું તને? મારું ભારતમાં રે'વું બઉજ જરૂરી છે તું સમજતો કેમ નથી, અને ખબર નઈ કેમ પણ મને તારા પર વિશ્વાસ છે કે તું ક્યારેય મારી મજબૂરીનો ગેરલાભ નઈ ઉઠાવે." રાવિની આંખો થોડી ભીંજાઈ ગઈ.

"હું જાણી શકું કે તારી એવી શી મજબૂરી છે જેના કારણે તારે એક અજાણ્યા પુરૂષ સાથે આમ લગ્ન કરવા માટે મનાવવો પડી રહ્યો છે?" કેરિન રાવિને રડતા જોઈને પીગળી ગયો હતો.
"મારે આ બધી વાત નથી કરવી, મને ટૂંકો અને સીધો જવાબ આપ. તું મારી સાથે લગ્ન કરીશ કે નઈ?" રાવિએ તેની આંખો લૂંછી અને કેરિન સામે જોયું.


સાંજે જીવન ઘરે આવ્યો ત્યારે રાવિ તેની સાથે ન્હોતી, ઘરે આવતાંજ તેણે આસ્થાને પૂછ્યું, "રાવિ ક્યાં છે? એ ઓફિસ આવી હતી મને મળવા ત્યારે હું મિટિંગમાં હતો અને પછી એ મને મળી જ નઈ."
"પણ રાવિ તો તમને મળવા નીકળી પછી ઘરે આવી જ નથી." આસ્થાએ ઘટસ્ફોટ કર્યો.
"તો ક્યાં ગઈ રાવિ? હે ભગવાન! આ છોકરી આમ કીધા વગર કેમ જતી રહે છે? હું જઉ છું રાવિને શોધવા." રાધિ તેના ઓરડામાં તેનો ફોન અને પર્સ લેવા ગઈ.

"હું જરા રાવિની તપાસ કરી આવું." જીવન ઘરથી બહાર જવા બારણા સુધી પહોંચ્યો જ હતો ને ત્યાં સામે રાવિ આવતી દેખાઈ, રાવિ અને તેની ઓફિસમાં નવા આવેલા સેલ્સ મેનેજરને ગળામાં હાર પહેરીને આવતા જોઈને જીવનને આંચકો લાગ્યો.
"આ બધું શું છે?" બારણાંમાં પ્રવેશેલી રાવિના સેંથામાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર જોઈને જીવન લગભગ બરાડી ઉઠ્યો.

આસ્થા, નિવાસ અને નિગમ પણ બારણા પાસે દોડી આવ્યાં, રાવિને જોઈને બધાંની આંખો પહોળી થઇ ગઈ હતી.
"રાવિ, આ બધું શું છે?" આસ્થાએ રાવિના સેંથામાં સિંદૂર જોઈને પૂછ્યું.
"મને કેરિન ગમે છે મામા, તો મેં તેની સાથે લગ્ન કરી લીધા." રાવિ આજે પહેલીવાર તેના પરિવાર સામે જૂઠું બોલી હતી.

"પણ તું અમને કહી શકતી હતી ને બેટા, અમે તારા લગ્ન તારી પસંદથી જ કરાવોત." જીવનએ કહ્યું.
"સોરી મામા, પણ ન્યૂ યોર્કમાં તો આવુજ થાય છે જે પસંદ હોય એની સાથે લગ્ન કરી લો." રાવિએ વધું એક બહાનું બનાવ્યું.
"રાવિ....." હમણાંજ ઓરડામાંથી બા'ર આવેલી રાધિએ રાવિને જોઈ અને દોડતી જઈને તેને ભેંટી પડી.

રાવિ જેવીજ બીજી છોકરીને જોઈને કેરિન ચોંકી ગયો હતો, રાધિ જ્યારે રાવિથી અળગી થઇ ત્યારે તેની નજર તેના મંગળસૂત્ર પર પડી.
"તેં લગ્ન કરી લીધા? મને કીધા વગર?" રાધિએ કેરિન અને રાવિ સામે વારાફરતી જોયું.
"સોરી, પણ મને કેરિન ગમે છે." રાવિએ રાધિ સામે જોવાનું ટાળ્યું.


બન્ને પરિવારના થોડાઘણા વિરોધ પછી રાવિ અને કેરિનના લગ્નને મંજૂરી મળી ગઈ, રાવિએ મેહરાઝ સાથેનો પ્રોજેક્ટ પૂરો થાય એના પછી રાધ્વી ગ્રુપના સીઈઓ પદેથી રાજીનામુ આપીને હમેંશા માટે ભારતમાં રહેવાનો નિર્ણય લઇ લીધો હતો.
જિજ્ઞાસાએ રાવિને રાજીનામુ આપવાથી રોકવા ઘણા પ્રયત્ન કર્યાં હતા પણ રાવિ જેનું નામ, તેની જીદ આગળ કોઈનું કાંઈજ ન ચાલ્યું.

આપેલા વચન મુજબ રાવિએ લગ્ન પછી કેરિનના નામે એક બંગલો ખરીદ્યો અને કેરિનને પરિવાર સહિત અમદાવાદ બોલાવી લીધો, મિથિલાનું એડમિશન અમદાવાદની પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટમાં થઇ ગયું અને રાધિને લઈને રાવિ તેના અને કેરિનના નવા ઘરમાં રહેવા જતી રહી.

બન્નેના લગ્ન પછી ઘર ખરીદવાની દોડધામ, મિથિલાનું એડમિશન, રાધિના ડોક્યુમેન્ટ્સ, રાવિના પીઆઈઓની પ્રોસેસમાં ઘણોઘરો સમય વીતી જતો હતો.
આજે રાવિ અને કેરિન નવરાં પડ્યાં હતાં. તેથી રાધિ, મિથિલા અને રીનાબેનએ મળીને રાવિકેરિનની સુહાગરાત માટે બન્નેનો ઓરડો ફૂલોથી સજાવ્યો હતો અને આખા ઓરડામાં સુંગધિત મીણબત્તીઓ ગોઠવી હતી.

"વ્હોટ ધી હેલ?" રાવિએ ઓરડામાં આવતાંજ રાધિ અને મિથિલાને ઓરડો શણગારતાં જોઈ.
"વહિની, આ તમારી સાડી. જાઓ તૈયાર થઇ જાઓ." મિથિલાએ એક સાદી સોનેરી તોઈવાળી લાલ રંગની સુંદર સાડી રાવિને પકડાવી અને રાધિએ તેને બાથરૂમમાં ધકેલી.
રાવિ થોડીવારમાં સાડી પહેરીને બહાર આવી, રાધિએ તેને હળવા ઘરેણાં પહેરાવ્યાં અને મિથિલાએ તેના વાળનો અંબોડો લઈને એમાં મોગરાનો ગજરો પરોવ્યો.

"કિતી સુંદર આહેસ તૂ વહિની, દાદા તો ગેલે." મિથિલાએ રાવિને કાળો ટીકો લગાવ્યો.
"હા, મારી સ્વીટુ. તૂ ખુબ ખુબ ખુબ રૂપાળી લાગે છે." રાધિએ રાવિને હળવું આલિંગન આપ્યું અને મિથિલા સાથે ઓરડાની બહાર નીકળી ગઈ.

કેરિન ઓરડામાં આવ્યો અને તેની નજર લેપટોપ પર કામ કરી રહેલી રાવિ પર પડી, હમેંશા જીન્સ ટોપમાં જોયેલી રાવિને આજે પહેલીવાર સાડીમાં જોઈને કેરિનને ફરીથી રાવિ સાથે પ્રેમ થઇ ગયો.
બારણું બંધ થવાના અવાજથી રાવિનું ધ્યાન લેપટોપ પરથી ભટક્યું અને તેણીએ કેરિન સામે જોયું, અને કેરિન પાણી પાણી થઇ ગયો.

મદિરા પણ ઝાંખી પડે એવી તેની કાજળઘેરી લીલાશપડતી પાણીદાર આંખો, સપ્રમાણ બાંધા પર શોભતી પારદર્શક લાલ સાડીમાંથી વારંવાર ડોકિયું કરતી પાતળી કમર, ડીપ કટ સ્લીવલેસ બ્લાઉઝમાં ઝળુંબી રહેલું જોબન અને પરવાળા જેવા ગુલાબી હોઠવાળી આ છોકરી તેની પત્ની છે એ વિચાર આવતાંજ કેરિનની છાતી થોડી ફૂલી ગઈ.

"શૉક થઇ ગયો? મિથિલા અને રાધિએ કર્યું છે બધું, એમને આપણા સબંધની હકીકત ખબર નથી એટલે મેં એમને ના ન પાડી." રાવિ ફરીથી લેપટોપ પર કામ કરવા લાગી.
"આ બધું?" કેરિનએ હવે છેક નવવધુની જેમ શણગારેલા ઓરડા પર નજર નાખી.
"સોરી, આઈ નો તને બધું વિચિત્ર લાગતું હશે પણ..." રાવિ ઉભી થઈને કેરિન પાસે આવી, તેનો હાથ પકડીને તેને પલંગ પર બેસાડ્યો અને બોલી, "આપણા લગ્ન વખતે પણ મેં તને કહ્યું હતું અને આજે ફરીથી કહું છું કે તું માત્ર મારી મદદ કરવા આ લગ્ન કરી રહ્યો છે અને ખાલી આપણા બન્નેની હાજરીમાં તારે મારા પતિ તરીકે વર્તવાની જરૂર નથી."

કેરિનએ તેના બન્ને હાથમાં રાવિનો ચેહરો લીધો અને બોલ્યો, "આપણાં લગ્ન કોઈ પણ હાલમાં થયાં હોય પણ આપણાં લગ્ન થયાં છે રાવિ, હું કે તું માનીએ ક ન માનીએ પણ હું તારો પતિ છું રાવિ."
"તું અચાનક આ બધું?" રાવિનો ચેહરો શરમથી લાલ થઇ ગયો હતો.

"બઉ મુશ્કેલ છે પણ હું આપણા આ વિચિત્ર સબંધને એક નામ આપવા માંગુ છું, મારી દોસ્ત બનીશ રાવિ?" કેરિનએ તેનો જમણો હાથ આગળ કર્યો.
"હા, બનીશ." રાવિ હાથ મિલાવવાને બદલે કેરિનને ગળે મળવા જતી હતી ત્યાંજ એક ચીસ તેના કાને પડી.

"મિથિલા?" રાવિ અવાજ ઓળખવાનો પ્રયત્ન કર્યો.
"હા, મિથિલાએ ચીસ કેમ પાડી?" કેરિન અને રાવિ દોડતાં મિથિલાના ઓરડામાં આવ્યાં, રીનાબેન, કેશવરામ અને રાધિ પણ દોડી આવ્યાં હતાં.

"મિથિલા, શું થયું?" રાવિએ પરસેવે રેબઝેબ થયેલી મિથિલાના ખભા પર હાથ મુક્યો.
"આ ચાદર હમણાં ઊડતી હતી વહિની, પછી આ બારી એની જાતે બંધ થઇ ગઈ અને લાઈટ પણ જાતે ચાલુ થઇ ગઈ." મિથિલાએ જમીન પર પડેલી ચાદર તરફ આંગળી કરી.

મિથિલાની વાત સાંભળીને રાવિ અને રાધિએ એકબીજા સામે જોયું, રાવિએ ઈશારાથી રાધિને મિથિલા સાથે અહીંથી જવાનું કહ્યું.
"તને સપનું આવ્યું હશે મિથિલા, તું ચાલ મારી સાથે મારા રૂમમાં. આજે મારી સાથે ઊંઘી જજે." રાધિએ મિથિલાને ઉઠાડી અને તેના ઓરડામાં લઇ ગઈ.

"આંટી, અંકલ તમે પણ જઈને ઊંઘી જાઓ, મિથિલાએ ખરાબ સપનું જોયું હશે એટલે ડરી ગઈ હશે." રાવિએ કેરિન સામે જોયું, કેરિન તેનો ઈશારો સમજીને રીનાબેન અને કેશવરામને તેમના ઓરડા સુધી મુકવા ગયો.
રાવિએ આખા ઓરડાને ધ્યાનથી જોયો અને બોલી, "તું જે કોઈ પણ હોય બા'ર આવ."

"રાવિ, મને મારી નાખી. મારા મંગેતરએ મને મારી નાખી, મારે બદલો જોઇએ." એક વિસેક વર્ષની યુવતી રાવિ સામે હાજર થઇ.
"તું કોણ છે અને તારી સાથે શું થયું?"રાવિએ તેં યુવતીને પગથી માથા સુધી નીરખી, તેના શરીર પર ઘાનું એકેય નિશાન ન્હોતું.

"મારું નામ મંજુલા છે અને...." મંજુલા આગળ કંઈ બોલ્યા વગર જ ટગર ટગર રાવિને તાકી રહી હતી, તેની આંખોમાં અલગ જ પ્રકારની ચમક હતી જે રાવિને જોઈને આવી હતી.
"કોની સાથે શું થયું છે?" કેરિન રાવિની પાછળ ઉભો હતો.
"કોઈની સાથે નઈ, ચાલ આપણા રૂમમાં." રાવિએ કેરિનનો હાથ પકડ્યો અને તેને તેમના ઓરડામાં લઇ ગઈ.

કેરિન અને રાવિના ગયા પછી મંજુલા એક ભયાનક કદરૂપા પડછંદ પુરૂષમાં ફેરવાઈ ગઈ અને એ પુરૂષ દિલ ઉપર હાથ મૂકીને મનોમન બોલ્યો,"આ છોકરી મને જોઇએ છે, માફ કરજો ગુરુજી પણ હવે તમારું કામ થવું શક્ય નથી. રાવિ હવે માત્ર મારી છે અને એના માટે સૌથી પહેલા આ છોકરાનો કાંટો કાઢવો પડશે."


ક્રમશ: