Aa Janamni pele paar - 2 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | આ જનમની પેલે પાર - ૨

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

આ જનમની પેલે પાર - ૨

આ જનમની પેલે પાર

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૨

આખો પરિવાર ચિંતાગ્રસ્ત હતો ત્યારે દિયાન અને હેવાલીના ચહેરા પર અલગ થવાના દુ:ખ કે અફસોસને બદલે આનંદના ભાવ હતા. આ બાબત પરિવારને વધારે કઠે એવી હતી. જનમ જનમનો સાથ નિભાવવાને બદલે એકબીજાથી દૂર અને જુદા રસ્તે જવાની એમની વાત સ્વીકારી શકાય એમ ન હતી.

દિયાન અને હેવાલીએ એકબીજા સામે જોયું અને મલકાયા. પરિવારને એમની સગાઇનો દિવસ અને એ સમયના એમના આવા જ ચહેરા યાદ આવી ગયા. અત્યારે સંજોગો જુદા હતા. દિયાન અને હેવાલી ચૂપચાપ એવી રીતે બેઠા હતા જાણે કોઇ તમાશો જોવા બેઠા હોય. દિયાનના પિતા દિનકરભાઇના મગજનો પારો ઉપર ચઢી રહ્યો હતો. તેમણે ઉગ્ર અવાજમાં કહ્યું,'દિયાન, આ બધું શું માંડ્યું છે. તમે મોટા થઇ ગયા એટલે મન ફાવે એવો નિર્ણય લઇ લેવાનો? પરિવારની, સમાજની, નિયમોની કોઇ પરવા કરવાની નહીં? અલગ થવાનો નિર્ણય લેતાં પહેલાં તમારી ફરજ હતી અમારી સાથે વાતચીત કરવાની...'

દિનકરભાઇએ સંબોધન કર્યું હતું દિયાનને પણ સાથે હેવાલીને પણ સંભળાવી રહ્યા હતા.

'પપ્પા, આમ ઉગ્ર થઇને તમારી તબિયતને નુકસાન ના પહોંચાડો. અમે શાંતિથી આ નિર્ણય લીધો છે અને એને વળગી રહેવાના છે. તમારી સાથે વાત કરવાથી તમે સંમતિ આપવાના નથી એની અમને ખબર હતી. હું સમાજની ક્યારેય ચિંતા કરતો નથી. પણ પરિવારની ચિંતા કરું છું એટલે જ આ નિર્ણય લીધો છે. અમારી વિનંતી છે કે અમને તમે ખુશી ખુશી સંમતિ આપો...' દિયાન એટલી ઠંડકથી બોલી રહ્યો હતો કે દિનકરભાઇને વધારે ગુસ્સો આવી રહ્યો હતો.

'સંમતિનો પ્રશ્ન જ આવતો નથી. તમારે આ નિર્ણયને રદ કરવાનો જ છે. પહેલાં એનું કારણ આપવાનું છે. તમારી ભગવાને બનાવેલી જોડીને તૂટવા દઇશું નહીં. તને પરિવારની ચિંતા છે તો પરિવારની શું ભૂલ થઇ છે એ બતાવ...અમે એને સુધારીશું. પરિવારની કોઇ પેઢીમાં વિવાદ કે વિખવાદને સ્થાન રહ્યું નથી. મને ખબર છે ત્યાં સુધી તારા અને હેવાલી વચ્ચે ખૂબ સ્નેહ છે. તો પછી અલગ થવાનું બીજું કયું કારણ ઊભું થયું છે?' દિનકરભાઇને દિયાન અને હેવાલીના અલગ થવાનું કોઇ કારણ સમજાતું ન હતું.

દિનકરભાઇના સવાલનો જવાબ આપવાને બદલે દિયાને હેવાલી સામે જોયું. એમાં હેવાલીને જવાબ આપવાનો ઇશારો હતો.

હેવાલી ગળા નીચે થૂંક ઉતારી જવાબ આપવા સજ્જ થઇ. તે લગ્ન કરીને આવ્યા પછી પહેલી વખત કોઇ બાબતે સસરાને જવાબ આપવા જઇ રહી હતી. એનો મનમાં સંકોચ હતો એ તેના ચહેરા પર જોઇ શકાતો હતો. દિનકરભાઇએ તેને પોતાની દીકરીથી વિશેષ રાખી છે. ક્યારેય કોઇ વાતે રોકી કે ટોકી નથી. સામે એણે પણ એમને એટલું જ સન્માન આપ્યું છે. એમને જવાબ આપવામાં તેને આ કારણે વાર લાગી રહી હતી એનો દિયાનને ખ્યાલ આવી રહ્યો હતો. તેણે એક શબ્દ બોલ્યા વગર હેવાલીને મનથી તૈયાર થવા દીધી.

'પપ્પા, મારા દિલમાં તમારું સ્થાન મારા પિતા જેટલું જ છે. આ નિર્ણય લેતાં અમને તો કોઇ દુ:ખ થયું નથી પરંતુ તમારા બધા માટે અમારા દિલમાં સહાનુભૂતિ છે. અમે અલગ થવાનો નિર્ણય સમજી વિચારીને લીધો છે અને એ અમારા હિતમાં છે. આ કારણે તમને બધાંને જે તકલીફ પડવાની છે, દુ:ખ થવાનું છે એ માટે માફી ચાહું છું...' હેવાલીએ લાગણીભર્યા સ્વરે કહીને બંને હાથ જોડી એમની સામે મસ્તક નમાવ્યું.

'વહુ બેટા, તને માફી મળશે નહીં. આવો નિર્ણય તમે લઇ જ કેવી રીતે શકો? જો બંનેને કોઇ બાબતે ફરિયાદ છે કે સમસ્યા છે તો અમને જણાવોને... આ નિર્ણય પર હું તો મત્તુ કોઇ સંજોગોમાં મારવાની નથી. બીજી બધી વાત આપણે પછી કરીશું. બેટા, તું ફક્ત કારણ બતાવ. જો દિયાનનો એમાં વાંક હશે તો એની ઉંમરની શરમ રાખ્યા વગર બાળપણમાં કરતી હતી એમ ધીબેડી નાખીશ...' અચાનક દિયાનના મમ્મી સુલુબેને ઝંપલાવ્યું એ જોઇ દિયાન અને હેવાલી સડક થઇ ગયા. દિનકરભાઇ કરતાં સુલુબેનનો સામનો કરવાનું મુશ્કેલ હતું. બંનેએ ગાંઠ વાળી હતી કે ધરતી-આકાશ ઉપર-નીચે થઇ જાય તો પણ એમના નિર્ણયમાંથી ડગવાના નથી. તે આ જનમની પેલે પાર જઇને જ રહેવાના છે.

સુલુબેનની આમન્યા જાળવતી હેવાલીનું મોં સિવાય ગયું છે એ જોઇ દિયાનને થયું કે હવે એણે જ બાજી સંભાળવી પડશે.

'મા, અમે કારણ આપી શકીએ એમ નથી. એમ માનો ને કે અમારો આ જનમનો સાથ બસ અહીં સુધી જ હતો...'

દિયાનની વાત સાંભળી સુલુબેનનો પારો આસમાને પહોંચી ગયો.

'તો તમે પણ સાંભળી લો...જો તમે નિર્ણય બદલવાના ના હોય તો મારો આ જનમનો આજે છેલ્લો દિવસ હશે...'

ઘરમાં સોપો પડી ગયો.

વધુ ત્રીજા પ્રકરણમાં..