Dubati sandhyano suraj - 7 in Gujarati Short Stories by Parthiv Patel books and stories PDF | ડૂબતી સંધ્યાનો સુરજ - ૭

Featured Books
Categories
Share

ડૂબતી સંધ્યાનો સુરજ - ૭


ઘરમાં આવીને સુરજની માઁ અને ઇમલીએ પાટલા પર બેસાડી એને નવડાવી દીધો . સુરજ હજી પણ જાણે જળ બનીને બેઠો હતો . કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર એક નજરે બેઠો હતો . જાણે આંખ પણ પટપટવાની એને બંધ કરી દીધી હતી . સુરજની માઁ ની આંખો હવે ધીમેધીમે સુકાવા લાગી હતી . સુરજનો બાપ ક્યારનો એને અનાફ-સનાફ સંભળાવી રહ્યો હતો .

" મોટો અફસર ના બન્યો તો કંઈ નહીં પણ ખોટું બોલવાની ક્યાં જરૂર હતી આખા ગામમાં નાક કપાયું તારી તો ઇજ્જત જઈ હારે હારે અમારી પણ ઈજ્જત ના રહેવા દીધી એવાતો કયા જનમ ના પાપની સજા આપી રહ્યો છું . "

" તમે શાંતિ રાખો એક તો આ ગામ વાળા એ મારા દીકરાની આવી હાલત કરી અને ઉપરથી તમે પણ આવા શબ્દો બોલી રહ્યા છો તમે તો બહુ ખુશ હતા તમારા છોકરાને મોટી સરકારી નોકરી મળી ગઈ પણ કોઈ કારણોસર ના મળી એનો શું વાંક ? "

" તેજ બગાડ્યો છે એને . તારા લીધે જ આવા દિવસો દેખાડ્યા એને .... આના કરતા તો ક્યાંક જતો રે તો શાંતિ . શુ તને આ દિવસો બતાવવા જન્મ આપ્યો તો ? "

સુરજ આ વાતચીત સાંભળી રહ્યો હતો કે નહીં ? એ ભગવાન જાણે પણ સવારની બપોર અને બપોરની સાંજ થવા આવી હતી છતાં એક જળ પદાર્થની જેમ બેઠો હતો . ના કોઈ સાથે કંઈ બોલતો હતો કે ના ચાલતો હતો . સુરજ જાણે સ્થિર મૂર્તિ બની ગયો હતો !

રાત્રે રસોઈ બનાવી સુરજની માઁ એને જમાડવા આવી . સુરજ પથારીમાં પડ્યો પડ્યો છત તરફ જોઈ રહ્યો હતો. કંપનીમાં થયેલી ઇજાની નિશાનીઓ હજી પણ સુરજના મોઢા ઉપર દેખાઈ રહી હતી. સુરજની માઁ કાંતાબેન નજીક આવ્યા અને પોતાના દીકરાને મોઢા ઉપર વ્હાલથી હાથ ફેરવ્યો. સુરજે એની માઁ સામે જોયું અને ફરી છતને તાકવા લાગ્યો. કોઈ ઊંડા વિચારમાં હોય એમ લાગતું હતું .

" ચાલ બેટા , સવારનો કંઈ જમ્યો નથી , ઉભો થઇ જા . જમી લે "

" માઁ , મને ભૂખ નથી "

" તો જે ભાવે એ ખાઈ લે . આજે ઘરમાં કોઈ સવારનું જમ્યુ નથી . ઇમલી પણ કે છે કે જ્યાં સુધી તું નૈ જમે ત્યાં સુધી એ પણ નહીં જમે " ઇમલીનું નામ સાંભળતા સુરજ ફરી બે ક્ષણ માટે એની માઁ સામે જોવા લાગ્યો , ઉભો થયો અને કહ્યું

" માઁ , જમવાની ઈચ્છા તો નથી પણ આજે બે કોળિયા તારા હાથે જમવા માંગુ છું "

" હા ..હા....બેટા .... બે શુ ચાર કોળિયા ખાને .... ચાર પણ કેમ ? ભરપેટ જમી લે દીકરા " અને કાંતાબેન જમાડવા લાગ્યા અને સુરજ જમતો ગયો. કાંતાબેનને લાગ્યું કે હવે પોતાનો દીકરો સ્વસ્થ થઈ ગયો છે તેથી તે નિશ્ચિત થઈને બહાર જતા રહ્યા અને જમી પરવારી અને સુઈ ગયા .

બીજી તરફ સુરજના મનમાં હજી તુફાન ચાલુ હતું એ વિચારી રહ્યો હતો કે હવે આગળ શું કરવું ? એને આગળ કોઈ રસ્તો દેખાઈ રહ્યો ન હતો અચાનક ફરી તેને એ દિવસનું દ્રશ્ય યાદ આવ્યું ધોધમાર વરસાદ , એસ.જી.હાઈવે , નર્મદા કેનાલ અને નર્મદા કેનાલમાં આત્મહત્યા કરવા જતી છોકરી.

એ છોકરી ને બચાવી તે પોતાના જીવનનું સૌથી મોટી ભૂલ હતી જેના લીધે પોતાને કંપનીમાં માર પડ્યો ગામ સામે બેઇઝત થવું પડ્યું અને ગામ વાળા એ આવું અપમાન કર્યું .

શું કોઈને મદદ કરવી તેનું આવું જ ફળ મળે છે ? સુરજના મનમાં સતત વિચારોનાં વમળ આકાર લઇ રહ્યા હતા અને સમાઇ રહ્યા હતા અને ફરી આકાર લઇ રહ્યા હતા . સુરજને હવે કોઈ રસ્તો ન સુઝતા ચૂપચાપ પથારીમાંથી ઊભો થયો અને કોઈ જાગે નહીં એવી રીતે ઘરની બહાર નીકળી ગયો અને બસ ચાલતો જાય છે ચાલતો જાય છે ચાલતો જ થાય છે એને પોતાને જ ખબર નથી કે પોતે ક્યાં જઈ રહ્યો છે .

સવારના ત્રણ ચાર વાગ્યાનો સમય હતો અને હવે સુરજ પેલી નર્મદાના કેનાલ પાસે આવીને ઊભો હતો અને એ જગ્યાએ દિવાલ ઉપર ચડીને બેઠો હતો કે જ્યાં તે દિવસે પેલી છોકરી ઉભી હતી એની સામે બંને છેડેથી ભરેલી કેનાલ જઈ રહી હતી એ આંખો બંધ કરીને આખો ઘટનાક્રમ આંખ સામે આવી રહ્યો હતો

અચાનક અત્યાર સુધી રોકી રાખેલાં આંસુ વહેવા લાગ્યા એના મગજમાં જાણે ઘણું બધું ચાલી રહ્યું હતું અને એનો એક જ રસ્તો દેખાઈ રહ્યો હતો આત્મહત્યા પરંતુ આ કામ કરતા પહેલા એને એક પ્રશ્નનો જવાબ જોઈતો હતો .

એક વ્યક્તિએ બીજી વ્યક્તિ ની જાન બચાવી તો એ મિસ.સુપરમેન નામે જાણીતી બની ગઈ અને મેં જાન બચાવી તો એનું આવુ પરિણામ શા માટે મળ્યું ? બસ આ પ્રશ્નનો જવાબ મળે એના પછી પોતે આ દુનિયા પર રહેવા જ માંગતો ન હતો .

સુરજ એ દિવસ યાદ કર્યો જ્યારે ટીવી પર પેલી સુપરમેનનું ઇન્ટરવ્યૂ આવી રહ્યું હતું અને એના અંતે સ્ક્રીન પર આવેલો નંબર સુરજે સેવ કરી લીધો હતો આવી રડતી હાલતમાં પણ એક ક્ષણ માટે સુરજ ના મોઢા ઉપર સ્મિત આવી ગયું કારણ કે એ દિવસે સુરજ વિચારી રહ્યો હતો કે આ નંબરનો મારે શુ ઉપયોગ થવાનો છે ? અને ખરેખર આજે એ નંબર નો ઉપયોગ થવાનો હતો એને તરત જ પોતાનો ફોન બહાર કાઢ્યો અને એ નંબર ઉપર ફોન કરી દીધો

" ટ્રીન...ટ્રીન.......ટ્રીન....ટ્રીન......" બીજી રીંગે ફોન ઉપડી ગયો અને સામેના છેડેથી અવાજ આવ્યો

" હા બોલો હું તમારી કેવી રીતે મદદ કરી શકું છું ? "

" હું સુરજ વાત કરું છું... સુરજ પંચોલી અને હું આત્મહત્યા કરવા માંગુ છું પરંતુ એના પહેલા મારે એક પ્રશ્નનો જવાબ જોઈએ છે હું એસ.જી હાઇવે પર આવેલી નર્મદા કેનાલ ઉપર ઉભો છું જો અડધી કલાકમાં તમે ના આવ્યા તું અહીંયાથી પડી અને મરી જઈશ " આટલું બોલીને સામા છેડેથી જવાબની રાહ જોયા વગર સુરજ ફોન મૂકી દીધો

સૂરજે પોતાના મોબાઈલની ઘડિયાળમાં સમય જોયો " ૩:૪૦ બસ ૪:૧૦સુધી માં સુપરમેન આવે તો ઠીક બાકી આપણે તો એકવામેન થવાનું ફાઈનલ છે " અને સુરજ પોતાના મોબાઇલની ઘડિયાળ જોતો મિસ.સુપેરમેનના આવવાની રાહ જોવા લાગ્યો . એ મિસ.સુપેરમેનેનું સાચુ નામ
શુ હતુ? એ પણ સુરજ જાણતો નહતો .

ઠંડો પવન આવી રહ્યો હતો . સુરજ એક માત્ર પહેરેલા પાતળા ટી-શર્ટમાં નીકળી પડ્યો હતો . ઘુમા ગામમાંથી નીકળીને એ સરદાર પટેલ રિંગરોડ પકડયો હતો અને ચાલતા ચાલતા નીકળી પડેલા સુરજને કોઈ રાજસ્થાન જઈ રહેલા ટ્રક વાળાનો સાથ મળી ગયો હતો . ટ્રકમાં કૈક જૂનું હિન્દી ગીત વાગી રહ્યું હતું

" ज़िन्दगी कैसी है पहेली हाय ,
कभी तो हँसाए, कभी ये रुलाये

कभी देखो मन नहीं जागे
पीछे-पीछे सपनों के भागे
एक दिन सपनों का राही
चला जाये सपनों से आगे कहाँ
ज़िन्दगी कैसी है पहेली... "

આખુ ગીત જાણે સુરજ માટે જ લખાયુ હોય એમ લાગતુ હતુ

" તો ભાયા , ઇટી રાત કહા ચલો ? વો ભી ચલતે ચલતે ? "

" આત્મહત્યા કરવા.. "

" ચીઉઉઉઉ .... " પેલા ડ્રાયવરે ગભરાઈને બ્રેક મારી અને પૂછ્યું " શું કીધું ? આત્મહત્યા કરવા ? "

" હા હા હા હા ... " સુરજ હસવા લાગ્યો અને કહ્યું " તમે તો ડરી ગયા . હું તો મજાક કરી રહ્યો છું . મારો એક મિત્ર આત્મહત્યા કરવાની વાતો કર્યા કરે છે . એને જ મળવા જઇ રહ્યો હતો . ત્યાં તમે મળી ગયા . ખુબખુબ આભાર ! "

" અચ્છા , તુને તો ડરા દિયો ભાયા ! "

" માફ કરજો મારો એવો કોઈ ઈરાદો નહતો . " સુરજે પોતાના થી ભૂલથી બોલાઈ ગયેલી વાતને સુધારવાનો પૂરો પ્રયત્ન કર્યો , અને કદાચ પેલો ટ્રક ડ્રાયવર માની પણ ગયો હતો . પરંતુ અંધારાના કારણકે કે અન્ય કોઈ કારણે એ સૂરજના મોઢાના ભાવો વાંચવામાં તદ્દન નિષ્ફળ રહ્યો હતો બાકી સુરજન મોઢા પરનું દુઃખ અને જુનુન જોયું હોત્ત તો કદાચ આગળ બનનારી ઘટના બનેત નહિ . અને કહાનીનો અંત કૈક અલગ આવેત .

"ટુટુ ..ટુ ...ટુટુ.....ટુટુટુ ...ટુટુ ..ટુ ...ટુટુ.....ટુટુટુ ..."નો અવાજ આવતા સુરજ વર્તમાનમાં પાછો ફર્યો . ઘડિયાળમાં એલાર્મ વાગ્યું જે અડધો કલાક પૂરો થઇ ગયો હોય અને મિસ.સુપરમેનને આપવામાં આવેલો સમય ખતમ થઇ ગયો છે એમ દર્શાવી રહ્યું હતું .

સુરજ નર્મદાની કેનાલની બાજુમાં રહેલી દીવાલ પર ઉભો થયો અને જાણે ભૂતકાળની ફ્લેશબેકની ફિલ્મ ફરીવાર
.....કદાચ છેલ્લી વાર ચાલુ કરી

ધોધમાર વરસાદ આવી રહ્યો હતો ...પોતાના મિત્રનું ઉધાર લીધેલ બાઈક લઈને સુરજ એસ.પી રિંગ રોડ અને પછી એસ.જી. હાઇવે પર જઈ રહ્યો છે . એની માઁ એ કપાળ પર કરેલા સગુનના ચાંલ્લાનો લાલ રંગ ધોવાઈને એના મોઢા પર આવી ગયો છે . નર્મદા કેનાલ ... એના પર આત્મહત્યા કરવા તૈયાર છોકરી...એને બચાવીને જીવનનું મહત્વ સમજાવવું ...વરસાદનું બંધ થવું બધું જ સૂરજની આંખો સામે ફરી ઘટી રહ્યું હતું , એને આ બધું અસંખ્ય વાર પોતાના અંતર આત્મા દ્વારા આ દ્રશ્ય જોયું હતું . પરંતુ આજની વાત કૈક અલગ હતી ,કદાચ ...કદાચ સુરજ આ આખી ઘટના ... ભૂતકાળમાં બનેલી એ ઘટના.... છેલ્લી વાર જોઈ રહ્યો હતો . શું સુરજ ખરેખર ....?

કંપનીમાં નોકરી , થોડા જ સમયમાં મેનેજરનું માનીતું બની જવું , લોકોથી સહન ના થતા ઈર્ષા કરવી અને ચોરીનો આરોપ નાખી સુરજને મારવાની ઘટના .... ગામમાં અપમાનની ઘટના એને દેખાઈ રહી હતી . જાણે અત્યારે રાતના અંધારામા પોતાની આજુ બાજુ માંથી હજારો કાળા પડછાયા બૂમો પાડી રહ્યા હતા

" સુરજ પંચોલી ... "

" ચોર છે ..ચોર છે .... પાછળ હજારો કાળા પડછાયા બોલી રહ્યા હતા .

હું ....હું....હું ચોર નથી ..... હું ચોર નથી....મેં ચોરી નથી કરી ..... સૂરજ આંખો ખોલે છે આજુબાજુમાં કોઈ નથી હોતું , સુરજની આખો માંથી ફરી ધોધમાર વરસાદ ચાલુ થાય છે.

આખો બંધ કરીને બે ક્ષણ રાહ જુવે છે. ફરી કાળા પડછાયા સૂરજને જાણે ચારે બાજુથી ઘેરવા લાગે છે અને ફરી એક પછી એક પડછાયો જાણે બોલવા લાગે છે .

સૂરજ પંચોલી .... " એક પડછાયો બોલે છે

ચોર છે ચોર છે..... ચોર છે ભાઈ ચોર છે " બાકીના કાલ્પનિક પડછાયા એને ઝીલવા લાગે છે.

( ક્રમશઃ )


શુ સુરજ ગાંડો થઈ રહ્યો હતો ? શુ મિસ.સુપરમેન મોડી પડશે ? વાંચતા રહો ભાગ ૮