સુરજ લોહીથી લથબથ હાલતમાં ફર્શ પર પડ્યો હતો . અંદરો અંદર સૂરજની હાલત જોઈ ઘણા માણસો ખુશ હતા અને ઘણાને આ વાતનું દુઃખ પણ હતું કે સૂરજને બધાએ માર્યો , પણ કોઈ ખુલીને વિરોધ કરી શકતા નહોતા . મેનેજરે આદેશના સ્વરમાં કહ્યું " એને હોસ્પિટલ લઇ જાવ અને કાલથી કામ પર આવવાની જરૂર નથી હિસાબ આવતા મહિનાના અંતે આવિને કરી જાય "
ટોળાના મારથી વધારે દર્દ સૂરજને એના મેનેજરના શબ્દોથી થઇ રહ્યું હતું . સુરજ જાતે ઉભો થઈને જતો રહ્યો .
રસ્તામાં એનો મિત્ર મળ્યો કે જેનું બાઈક લઈને સુરજ એ દિવસે વરસાદમાં ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો . સુરજને તેને ઘરે છોડી દીધો , ઈર્ષા તો એને પણ હતી જ ! કે પોતાનો મિત્ર કે જેને બે ટાઈમ ખાવાના પણ ફાંફા હતા એનું નામ હાલ ગામમાં ઈઝ્ઝતથી લેવાતું હતું . એના માટે આ દ્રશ્ય ' સોને પે સુહાગા ' જેવું હતું . પોતાના મિત્રની મદદ પણ કરી અને બીજ તરફ આખા ગામમાં એની પોલ ખોલી નાખી
" આ સુરજયો કઈ સાહેબ બાહેબ નથી , ગપ્પા મારે છે તદ્દન ગપ્પા. એ એક સામાન્ય નોકરી કરે છે . અને ત્યાંથી એને મારીને ભગાડ્યો છે એ પણ ચોરીના આરોપસર " વાત વાયુ વેગે નાનકડા ઘુમા ગામમાં ફેલાઈ ગયા અને આગળ જતા બધા પોતપોતાન રીત મસાલા ભેળવતા ગયા .
સાચી વાતો કરતા ખરાબ વાતો ખૂબ જલ્દી ફેલાઈ જાય છે . નાનકડા ગામ ઘુમાના એકએક ઘરમાં સૂરજની વાતો થવા લાગી હતી . થોડા દિવસો પહેલા જેને ઇઝઝત આપીને બોલાવતા , સન્માન આપીને બોલાવતા એનુ સ્થાન હવે ઘૃણાએ લઈ લીધું હતું . ગામમાં હવે સુરજ કે એના પરિવારના કોઈ પણ માણસ નીકળે તો તેઓ પોતાનો રસ્તો બદલી નાખતા અથવા મોઢું બગડતા . કોઇકોઈ વાર તો હાંસી ઉડાવતા
' આવી ગયા મોટા અફસરને માતા-પિતા ....હા.. હા..હા....' અને અમુક અમુક તો પાછળ થી સંભળાય એમ બોલતા . ચોરનો બાપ ઘંટી ચોર આવ્યો .... ચોરની માઁ આવી ..... ચોર...ચોર......" પરંતુ સૂરજના માતાપિતા મૂંગા મોઢે સાંભળી લેતા .
સુરજ છેલ્લા ઘણા દિવસોથી બહાર નીકળ્યો નહતો . ગામવાળાના અપમાનજનક શબ્દો , ઘૃણાસ્પદ અને શંકાશીલ નજરથી સુરજ કંટાળી ગયો હતો .
ગામના કોઈ પણ માણસે એ જાણવાની કોશિશ પણ નહોતી કરી કે ખરેખર બન્યું શુ હતું ? ના તો પોતાની સરકારી નોકરી વિશે કે ના તો પેલી કંપનીમાં બનેલી ઘટના વિશે . બસ બધાએ ' ચોર અને જૂઠો 'નું બેનર સુરજ અને એના પરિવારના માથા પર મારી દીધું હતું .
સુરજ વિચારી જ રહ્યો હતો કે હવે આગળ શું થશે !? એ એજ ગામ છે કે જેને પોતે એક દિવસ એટલું આગળ લાવવા માંગતો હતો કે જેથી કોઈને શહેરની યાદ પણ ન આવે ? ત્યાં એની નાની બહેન એની પાસે આવી અને કહ્યું
" ભાઈ ભાઈ.... ભલે કોઈ માને કે ના માને....મને તો વિશ્વાસ છે કે મારો ભાઈ કોઈ દિવસ ચોરી તો નજ કરે .તું ચિંતા ન કર ભાઈ ... બધું જ ઠીક થઈ જશે . "
આ સાંભળી સુરજ એક પણ શબ્દ બોલી ન શક્યો .... બસ એની આંખોમાં રોકીને રાખેલા અશ્રુઓ વહેવા લાગ્યા . આટલા દિવસમાં જે પોતાના માતા-પિતા પાસેથી સાંભળવા માંગતો હતો એ વાત એક નાનકડી અણસમજુ કહી શકાય એવી બહેને કહી દિધી હતી .
આ નાનકડી છોકરીના શબ્દોએ સુરજમા નવી ઉર્જાનો સંચય કર્યો હતો . એનામાં થોડી હિંમત આવી હતી . એ ઉભો થયો , નાહીને તૈયાર થયો અને બહાર ખુલ્લી હવામાં શ્વાસ લેવા માટે નીકળી પડ્યો .
હજી ચાલીને થોડો આગળ માંડ ગયો હશે ત્યાં ચારે તરફથી ચહલપહલ શરૂ થઈ ગઈ , અને સૂરજની આજુબાજુ માણસોની સંખ્યા વધતી ગઈ . ગામની વચ્ચે પહોંચતા પહોંચતા સૂરજની ચારે તરફ લોકોનું ટોળું જામી ગયું હતું . ત્યાં કોઈ ઉંચા અવાજે બોલ્યું
" સુરજ પંચોલી ચોર છે ....."
" ચોર છે ચોર છે ....." કોઈ માણસ સુત્રોચાર કરતો હતો અને પાછળ માણસો એને દોહરાવતા હતા
" કહેતો હતો કે મોટો અફસર બનશે "
" અફસર બનશે ...અફસર બનશે ..."
" અફસર બનીને ગામની સુરત બદલશે "
" ગામની સુરત બદલશે ...સુરત બદલશે ...."
" મોટી ગાડીને મોટા બંગલા બાંધશે "
" મોટી ગાડીને મોટા બંગલા બાંધશે ..."
" અફસર તો સાલો ચોર નીકળ્યો "
" ચોર નીકળ્યો ....ચોર નીકળ્યો ...."
" ગામનું તો એને નામ ડૂબાડયું "
" નામ ડૂબાડયું ... નામ ડૂબાડયું ... "
" ગામમાં મોઢું કાળું કર્યું ....."
" કાળું કર્યું ....કાળું કર્યું .... "
" લાવો ... સાહિ ... કાદવ અને કાળો રંગ ....ચોપડો સાલા ચોરના મોઢે .... "
" જોડાનો એને હાર પહેરાવો અને ગાડીમાં તો શું પણ આને ઊંધા ગધેડે બેસાડી આખા ગામમાં ફેરવો . જેથી બીજો કોઈ માણસ આમ ચોરી કરવાનું અને ખોટું બોલી ઇઝઝત મેળવવાનું સપનામાં પણ ના વિચારે "
ગામના માણસો કે જેમના જીવનધોરણને આગળ લાવવાનું સૂરજ વિચારતો હતો એમને જ સૂરજનું અપમાન કર્યું . મોઢું કાળી મેસથી રંગી નાખ્યું , ગળામાં ચપ્પલનો હાર પહેરાવ્યો અને ઊંધા ગધેડા પર બેસાડી અને ગામમાં ફેરવ્યો . સાથે સાથે સુત્રોચ્ચાર તો ચાલુ જ હતા .
" સુરજ પંચોલી ચોર છે "
" ચોર છે .... ચોર છે ...."
" કહેતો હતો કે મોટો અફસર બનશે "
" અફસર બનશે ....અફસર બનશે ....." વગેરે વગેરે
સૂરજના ઘરે એની માઁ રસોઈ બનાવી રહી હતી . બહારથી કંઈ શોરબકોર સંભળાતા એ બહાર નીકળી અને સાથે સાથે એની નાની બહેન ઇમલી પણ આવી .
" મમ્મી આ શેનો અવાજ આવી રહ્યો છે ? "
" ખબર નહીં બેટા , જોવા માટે જ બહાર નીકળી છુ "
ત્યાં તો દૂરથી એક ટોળું આવતું દેખાયું . અને ટોડા પર કોઈ કાળા મોઢે રંગાયેલો , જોડાના હાર પહેરાયેલો માણસ બેઠેલો દેખાયો . એનું મોઢું દૂર હોવાને લીધે અને કાળી મેશના લીધે દેખાતું નહતું પણ માઁના હૃદયને એક ધ્રાસકો પડ્યો હતો , માઁનું હૃદય આવનારી ક્ષણમાં બનનારી ઘટનનું પૂર્વાનુમાન કરતું હોય એમ જોર જોરથી ધડકવા લાગ્યું હતું , જાણે એ અવાજ ઇમલીના કાલ સુધી અથડાવા લાગ્યો હોય એમ ઇમલી બોલી ,
"શુ થયું મમ્મી..... શુ થયું ?? " આટલી વારમાં ટોળું નજીક આવી ગયું હતું , સૂરજનો ચહેરો તો કાળી મેસના લીધે ચોખ્ખો દેખાઈ રહ્યો નહતો પરંતુ હવે એ ટોળાનો સુત્રોચ્ચાર સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો .
" સુરજ પંચોલી ચોર છે " ..... " ચોર છે ....ચોર છે ...." અને એક વાક્ય સાંભળી રોકી રાખેલા આંશુ વહેવા લાગ્યા . અને સૂરજની માઁ એ ટોડા તરફ દોડી . પાછળ પાછળ ઇમલી પણ દોડી ગઈ " શુ થયું ...શુ થયું મમ્મી .... ભાઈને ચોર કેમ કહી રહ્યા છે બધા ...? અને ભાઈ ક્યાં છે ? " બિચારી નાનકડી ઇમલીને સામે ગધેડા પર બેસેલો માણસ પોતાનો ભાઈ છે એ વિચાર સુધા આવતો નહતો !
" છોડો .... મુવાઓ ..... મારા દીકરાની શુ હાલત કરી નાખી ..... નખોદ જાય તમારું ...... નખોદ જાય..... સુરજ..... સૂરજ દીકરા ..... આ બધું શુ થઈ ગયું ...સુરજ દીકરા ...... " માઁ આંખોમાં આંશુ સમાઈ રહ્યા નહતા . માઁ પોતાના દીકરાને આવી પરિસ્થિતિમાં જોઈને ટોળાના માણસોને શાપ આપી રહી હતી . આ જોઈને ગામના મોટાભાગના માણસ એની હાંસી ઉડાવી રહ્યા હતા. ત્યાં પાછું કોઈ બોલ્યું
" સુરજ પંચોલી ....."
" ચોર છે.... ચોર છે ......" આખા ટોળાએ ઝીલી લીધું અને પછી ખડખડાટ હસવા લાગ્યું .
" કહેતો હતો કે ....."
" મોટો અફસર બનશે ..... અફસર બનશે " ફરી ટોળાએ ઝીલી લીધું .
" અને બન્યો શુ ? "
" ચોર ...ચોર....ચોર...ચોર ....."
" શરમ કરો..... કૈક તો શરમ કરો ..... ભગવાન પણ માફ નહિ કરે તમને નખોદિયાઓ.... આખા ગામને સુધારવાની ઈચ્છા હતી મારા દીકરાની .... આખા ગામને શેર જેવું બનાવવા માંગતો હતો મારો દીકરો.... અને કૈ પણ.... કંઈ પણ જાણ્યા વગર ચોરમાં ખપાવી દીધો ...? ભગવાન માફ નહીં કરે તમને .... એક માઁના આંશુ બરબાદ કરી નાખશે તમને "
"હા.. હા... હા... હા....ભલે કરી નાખતા હોય . એક તો ચોરી અને ઉપરથી શીના ચોરી .... ચાલો બધા , એને એના પાપનું પ્રાશ્ચિત મળી ગયું છે . હવે ગામનો કોઈ માણસ આવા ખોટા બણગા ફૂંકતા પહેલા હજાર વાર વિચારશે અને છતાં જો કોઈ આવું કામ કરશે તો એનો પણ આવો જ હાલ થશે અને કદાચ આનાથી પણ બદતર હાલ કરવામાં આવશે ચલો બધા " અને ધીમે ધીમે આખું ટોળું વિખરાઈ ગયું .