આ જનમની પેલે પાર
-રાકેશ ઠક્કર
પ્રકરણ-૧
દિયાન અને હેવાલીની જોડી સારસ પક્ષીની જોડી જેવી ગણાતી હતી. બંને જાણે એકબીજા માટે જ બન્યા હોય એવા હતા. બંને સમજુ, સુંદર અને સુશીલ હતા. ભગવાને જાણે તેમની રામ-સીતા જેવી જોડી બનાવી હતી. તેમના સ્વભાવની પ્રશંસા કરતાં પરિવારજનો અને ઓળખીતાઓ આવું બધું કહેતાં અટકતા ન હતા. પતિ-પત્ની તરીકે આદર્શ ગણાતી આ જોડીનું નવા પરણતા યુગલોને ઉદાહરણ અપાતું હતું. હજુ તો લગ્નને એક વર્ષ પણ થયું ન હતું અને જે સમાચાર આવ્યા એ કોઇના માનવામાં આવતા ન હતા. આ શક્ય જ ન હોવાનું એમને જાણનારા છાતી ઠોકીને કહી શકે એમ હતા. ઘણા કહેતા હતા કે પહેલી એનિવર્સરી ઉજવવાની આ તેમની અનોખી રીત હશે. પરંતુ જ્યારે ખુદ દિયાન અને હેવાલીના મોંએથી એ સમાચાર જેણે પણ સાંભળ્યા એમને પોતાના કાન પર વિશ્વાસ આવતો ન હતો. દિયાન અને હેવાલીએ અલગ થવાનો નિર્ણય લીધો છે એ વાતને એનીવર્સરી અલગ રીતે ઉજવવાની રીત છે એવું માનતા સંબંધીઓને મોટો આંચકો લાગ્યો હતો. પરંતુ હકીકતથી હવે આંખ આડા કાન થઇ શકે એમ ન હતા.
બધાના મનમાં એક જ સવાલ ઘૂમરાતો હતો કે અચાનક એવું તો શું થઇ ગયું કે બંનેએ અલગ થવાનો આકરો નિર્ણય લેવાની નોબત આવી હશે? એ માટેના કેટલાય કારણો વિચારવામાં આવ્યા ત્યારે કોઇને એક કારણ પણ યોગ્ય લાગ્યું નહીં. પહેલાં તો હેવાલીને સાસરિયા સાથે વાંકું પડ્યું હોવાનું કારણ લાગ્યું. આજ સુધી એના સાસુ-સસરા સાથેના સંબંધને એના માતા-પિતાથી વિશેષ હોવાનું જોનારા અને અનુભવનારાએ આ કારણ પર ચોકડી જ મારવી પડે એમ હતી. દિયાનના લગ્નેત્તર સંબંધ હોય અને એ કારણે અલગ થવાનો નિર્ણય લીધો હોય એવું કારણ આજની પેઢીના છૂટાછેડાના ઘણા કિસ્સાઓમાં બહુમતિ ધરાવતું હશે. એ વાતનો દિયાન અને હેવાલી માટે વિચાર કરવામાં પણ પાપ હતું. દિયાન એટલો સીધો સાદો અને સંસ્કારી છે કે કોઇ અજાણી છોકરી સામે આંખ ઉઠાવીને જુએ એવો નથી. પ્રેમ કરવાની વાત તો દસ ગાઉ દૂરની ગણાય. હેવાલી જેવી સર્વાંગ સુંદર પત્ની હોય પછી એણે બીજાની તરફ જોવાનો સવાલ જ ન હતો. તો પછી એમની વચ્ચે કોઇએ ઝઘડો કરાવ્યો હશે કે કોઇ બળેલા જીવનાએ કાવતરું રચ્યું હશે? એવો ગુસ્સાભર્યો સવાલ પરિવારજનોના મનમાં ઊઠી રહ્યો હતો. તેઓ સરળતાથી આ વાતને સ્વીકારી લેવાના ન હતા.
બંને ઘણું ભણેલા, સમજુ અને પરિપકવ હતા. આવો બાલિશ નિર્ણય લઇ લે એવા ન હતા. પરિવારજનો અને મિત્રો એમના આ નિર્ણયને કોઇ કાળે સમર્થન આપવા માગતા ન હતા. બંને પક્ષના પરિવારો એમને પૂરી સ્વતંત્રતા આપતા હતા. પણ સ્વતંત્રતાના નામે આવા નિર્ણયને હરગીઝ સ્વીકારવાના ન હતા. કેટલાક માનતા હતા કે રાતોરાત આવો નિર્ણય કોઇ લેતું નથી. આ તો દિયાન અને હેવાલી હતા જે કોઇ કામ સમજ્યા-વિચાર્યા વગર ક્યારેય કરે એમ ન હતા. નક્કી એવી કોઇ ઘટના બની હોવી જોઇએ જેના કારણે આ નિર્ણય લેવા મજબૂર બન્યા હોય. દિયાન અને હેવાલીના પરિવારજનોનું કહેવું હતું કે જો એવું કોઇ ગંભીર કારણ કે સંજોગો હતા તો પછી એમની સાથે વિચાર વિમર્શ કરવાનો હતો. બંને છૂટા થવા બાબતે મગનું નામ મરી પાડતા ન હતા. માન્યું કે એમનું જીવન સ્વતંત્ર છે પણ એ સંબંધોના-લાગણીના તાંતણે બધા સાથે બંધાયેલા છે. શાસ્ત્રોક્ત વિધિથી બંધન સ્વીકાર્યું હોય એને આમ તોડી ના શકે. બંને જન્મો જનમ માટે એકબીજા સાથે બંધાયેલા હતા. પરિવારોએ સમાજનું પણ જોવું પડે એમ હતું.
દિયાન અને હેવાલીના અલગ થવાના નિર્ણયથી બંનેના પરિવારોમાં ચિંતાનો કોઇ પાર ન હતો. કેવા હરખથી લગ્ન લીધા હતા. તેમના લગ્નના આલબમની તસવીરો અને વિડીયો જોઇને ખુશ થતા હતા. રાજશ્રી પ્રોડકશનની કોઇ પારિવારિક ફિલ્મ જોતા હોય એવા શોખથી એને જોતા હતા. હવે એ એક ઇતિહાસ બની જશે? એક બેલડી આમ તૂટી જાય એ યોગ્ય ન હતું.
પરિવારોએ તાત્કાલિક બંને સાથે એક બેઠક યોજવાનું નક્કી કરી લીધું અને બધાંને બંગલા પર બોલાવી લીધા હતા. એક તરફ દિયાન અને હેવાલી બેઠા હતા અને બીજી તરફ પરિવારના મુખ્ય સભ્યો હતા. જાણે કહેવા માગતા ના હોય કે અમે તમારા એવા પક્ષમાં નથી કે તમે અલગ થાય. દિયાન અને હેવાલીએ એકબીજા સામે જોયું અને હસ્યા. એમના ચહેરા પર અલગ થવાનો કોઇ અફસોસ ન હતો બલ્કે ખુશી હતી! બધાં જ એમની પાસેથી કારણ જાણવા આતુર હતા.
વધુ બીજા પ્રકરણમાં...