Ayana - 1 in Gujarati Love Stories by Heer books and stories PDF | અયાના - (ભાગ 1)

The Author
Featured Books
Categories
Share

અયાના - (ભાગ 1)

"અયાના......"

"અયાના......"

સવાર સવાર માં પક્ષીઓના મધુર અવાજ ને સાથે ખૂબ જ સુરીલા અવાજમાં કોઈક અયાના નામની બૂમ પાડી રહ્યું હતું....

ઘરની બહારના નાના એવા બગીચામાં ફૂલછોડ નું જતન કરતી અયાના એના મમ્મીનો અવાજ સાંભળીને ઘરની અંદર આવી...
દિવસ દરમિયાન ગમે એટલી વ્યસ્ત રહેતી અયાના પોતાના નાના ફૂલછોડ થી ભરેલા બગીચા માટે સવારમાં એક કલાક વહેલી ઊઠીને દેખરેખ રાખીને અને જતન કરીને ફાળવતી...

"અયાના , ક્યારની હું તને અવાજ આપું છું, તને સંભળાતું નથી ?"

"મમ્મી , કેટલીવાર કહેવાનું કે હું મારા ફૂલછોડ પાસે હોય ત્યારે મને ડિસ્ટર્બ નહી કરવાનું એટલે નહિ જ કરવાનું...
બોલો હવે ,અત્યાર અત્યાર માં તમારે મારું શુ કામ પડ્યું?"

ગરમાગરમ સાત આઠ આલુ પરોઠા ભરેલી પ્લેટ અયાના તરફ કરીને કહ્યું...
" આ મહેતા અંકલ ને ત્યાં આપી આવ..."

"પણ એટલા બધા ક્યાંય હોય....કે પછી કંઇક ખાસ કારણ..."બંને ભવા ઊંચા કરીને અયાનાએ પૂછ્યું...

"હા ,ખાસ જ છે ને કેટલા સમય પછી ક્રિશય ઘરે આવ્યો છે...."

"એ તો અઠવાડિયા પછી જ આવ્યો છે...."
ધીમે ધીમે હાથમાંથી નાસ્તા ની પ્લેટ લેતાં બોલી...
"એમ કેમ નથી કહેતા કે તમારા બોયફ્રેન્ડ ને તમારા હાથનો નાસ્તો વધારે પસંદ છે...."

એના મમ્મી કંઇક કહે એ પહેલા અયાના જોરજોરથી હસતી દોડીને ત્યાંથી નીકળી ગઈ....

છેલ્લા ઘણા વર્ષથી પટેલ પરિવાર અને મહેતા પરિવાર પાડોશી હતા....આ બન્ને પરિવાર વચ્ચે ઘર જેવો સંબંધ થઈ ગયો હતો....

ક્રિષ્નાબેન ને નાસ્તો આપી અયાના એની સાથે વાતો કરી રહી હતી...

" મમ્મી , મને ટુવાલ આપ..."

"લ્યો, આજે પાછો ભૂલી ગયો ટુવાલ ....આ છોકરાને ક્યારેય ધ્યાન જ નથી પોતાની વસ્તુ નું..."
ક્રિષ્ના એ ઉપરની તરફ પગલા માંડ્યા...

"ક્રિષ્ના, મારી રેડ ફાઈલ ક્યાં છે એમાં કેટલા જરૂરી પેપર્સ છે....ક્યાંક આડાઅવળી નથી મૂકી દીધી ને..." ક્રિશય ના પપ્પા બોલ્યા...

"બેટા, તું જઈને ક્રિશય ને ટુવાલ આપી આવને...."

અયાના આનાકાની કરે એ પહેલા ક્રિષ્નાએ રૂમ તરફ પગ ઉપાડ્યા...એટલે અયાના ક્રિશય ની રૂમ તરફ ચાલવા લાગી....

રૂમનો અડધો ખુલ્લો દરવાજો ખોલીને અંદર આવી ત્યારે સ્પેશિયલ ડિઝાઇન થી બનાવેલો ફર્નિચર અને આખો રૂમ અયાના ને ખૂબ પસંદ આવી ગયો...પરંતુ રૂમ થોડો... થોડો નહિ થોડોક વધારે જ વેરવિખેર હતો...બેડ શીટ તો જાણે પાથરેલી જ નહોતી બેડ ની નીચે લટકી રહી હતી....બેડ ની ઉપર ઘણી બધી પુસ્તકો અને અડધું બંધ અડધું ખુલ્લુ એવી પરિસ્થિતિમાં લેપટોપ પડ્યું હતું....બેડ ની સામે આવેલ બે ખુરશી જેવા સોફા ની ઉપર કેટલા કપડા અસ્તવ્યસ્ત પડ્યા હતા...રીડિંગ ટેબલ તો જાણે ખાલી જ નહોતું...પુસ્તકોના થપ્પા એવા કેટલાય હતા...
આખી રૂમની અંદર એને બે વસ્તુ પસંદ આવી જેમાં પહેલી હતી રૂમમાં લગાવેલી ખૂબસૂરત બુદ્ધ ભગવાનની મોટી પેઇન્ટિંગ અને એનો કબાટ ...જેની અંદર બધી વસ્તુ અને કપડા વ્યવસ્થિત મૂક્યા હતા....
કબાટ માંથી ટુવાલ કાઢીને બાથરૂમના બારણાં ઉપર ટકોરા માર્યા એટલે તરત દરવાજો ખોલીને હાથમાંથી ટુવાલ લઈને દરવાજો બંધ કરો દીધો...

આ બધું એક સેકન્ડ માં થઈ ગયું એટલે અયાના ને કંઈ સમજાયું નહિ ...પાણી ના ટીપાં વાળો હાથ બહાર આવીને એના હાથમાંથી ટુવાલ એટલી ઝડપે લઈ લીધો...
અયાના ને થોડી નવાઈ લાગી અને એને હસુ આવી ગયું...

વેરવિખેર રૂમ જોઇને તેનાથી રહેવાયું નહિ એટલે ફટાફટ રૂમને સરખો કરી નાખ્યો....
નાના સોફા ઉપર ના કપડા ફોલ્ડ કરીને મૂક્યા...રીડિંગ ટેબલ ઉપર ની પુસ્તકોના થપ્પા ને વ્યવસ્થિત કર્યા...બેડ ઉપર ની પુસ્ક્તો ત્યાં સરખી ગોઠવી લેપટોપ બંધ કરીને રીડિંગ ટેબલ ઉપર જ મૂકી દીધું....બેડ શીટ સરખી કરીને એક વાર આખી રૂમમાં સડસડાટ નજર ફેરવી લીધી....રીડિંગ ટેબલ ઘણું ખાલી લાગી રહ્યું હતું અને બેડરૂમ સારો દેખાઈ રહ્યો હતો....

બે મિનિટ માં રૂમ સરખો કરીને ત્યાંથી નીકળવા માટે પાછળ ફરી ત્યાં બાથરૂમમાંથી અવાજ આવ્યો....

" મમ્મી, મારે લેટ થઈ ગયું છે તું પ્લીઝ કપડા કાઢીને જાજે...."

ત્યારે અયાના ને ખ્યાલ આવ્યો કે ક્રિશય હજુ પણ એમ સમજે છે કે એના મમ્મી અહી છે....કંઈ બોલ્યા વગર અયાના એ કબાટ ખોલીને જોયું તો અંદર ઘણા એવા રંગના શર્ટ અને ટીશર્ટ હતા...પણ એમાંથી એકની પસંદગી કરવી થોડીક મુશ્કેલ હતી એટલે લાસ્ટ માં પડેલ પોતાનો ફેવરીટ કલર નો વ્હાઇટ શર્ટ કાઢ્યો તેની સાથે બ્લેક પેન્ટ પણ હતું એ બંનેને બેડ ઉપર મૂકયા....ત્યાં પાછળથી બાથરૂમ નો ખૂલવાનો અવાજ આવતા ફટાફટ દોડીને બહાર નીકળી ગઈ....

ક્રિશય બહાર આવ્યો અને બેડ ઉપર પડેલો વ્હાઇટ શર્ટ જોઇને ખુશ થઈ ગયો....આમ તો એના મમ્મી વ્હાઇટ કપડા પહેરવાની ના પાડતા કારણ કે વ્હાઇટ કપડા પહેરીને બહાર જાય ત્યારે વ્હાઇટ હોય આવે ત્યારે થોડો ગ્રે થોડો બ્લેક હોય એટલે કે ગંદો હોય જેથી એ વ્હાઇટ કપડા ક્યારેક જ પહેરવાનું કહેતા અને એ પણ ખૂબ મોટું ભાષણ આપીને જેમાં એકની એક વાત હજાર વખત હોય છે કે ગંદો ન થાય એમ બેસજે , એમ ઊભો રહેજો , જો વ્હાઇટ ને ગ્રે કર્યો તો તારે જ ધોવાનો છે, વગેરે વગેરે .....

વિચારતા એને થોડું હસુ આવી ગયું....' એક અઠવાડિયા દૂર રહ્યો ત્યાં એટલો ચેન્જ આવી ગયો મમ્મી ની અંદર વાહ....' એકલો એકલો બબડીને કપડા પહેર્યા ...તૈયાર થઈને નીચે આવ્યો...

દોડીને નીચે આવેલી અયાના ક્રિષ્ના સાથે થોડી વાત કરી અને ત્યાંથી નીકળી ગઈ...

"વાઉ...આલુપરાઠા..." હાથમાં ઘડિયાળ પહેરતો ક્રિશય નીચે આવી રહ્યો હતો ત્યાં એની ચકોર નજર અને નાકની સુગંધ થી આજે નાસ્તામાં શું છે એ જાણી લીધું....

ક્રિષ્ના એ સ્માઇલ કરી અને ક્રિશય ને નાસ્તો આપ્યો....

એક બટકું મોમાં નાખતા જ ક્રિશય બોલી ઉઠ્યો..
"મમ્મી , કુમુદ આન્ટી નાસ્તો આપવા આવ્યા હતા ?"

"કુમુદ આન્ટી નહીં પણ અયાના આવી હતી તને ખબર તો હશે જ ને તને ટુવાલ આપવા એ જ તો આવી હતી...."

મમ્મીનો જવાબ સાંભળી ને ક્રિશયના મોઢા પર હળવી સ્માઈલ આવી ગઈ અને એને વિચાર આવ્યો કે એટલે જ આજે વ્હાઇટ શર્ટ પહેરવા મળ્યો લાગે...પણ મમ્મી નું ધ્યાન નથી આવ્યું હજી....
જાણે એના મનની વાત સાંભળી લીધી હોય એ રીતે ક્રિષ્ના બોલી ઉઠી....

" તને કેટલી વાર કહ્યું છતાં આજે વ્હાઇટ શર્ટ કેમ પહેર્યો છે....તું એને કેટલો ગંદો કરે છે..પછી તારે ક્યાં ધોવાના હોય છે...કપડા તો મારે જ..."
ક્રિશય એકનું એક સાંભળીને કંટાળી ગયો હતો એણે હસીને કહ્યું....

" બ્રેક બ્રેક બ્રેક..યાર શ્વાસ તો લેતી જા....આ શર્ટ તમારી પ્રિય અયાના આપીને જ ગઈ છે....અને એણે તો મારો રૂમ પણ સરખો કરી નાખ્યો...મને તો એમ હતું એ તે કર્યો હશે...." જાણે એના મમ્મી ને વ્હાઇટ કલર ની વાતમાંથી દુર લઇ જતો હોય એ રીતે વાત ને આગળ વધારી રહ્યો હતો....

નાસ્તો કરીને ક્રિશય બહાર આવ્યો ....સામે ના ઘરમાં નજર કરી તો બહાર બગીચામાં અયાના એના ફૂલછોડ ને પાણી આપી રહી હતી અને એકલી એકલી હસીને વાતો કરી રહી હતી જાણે ફૂલછોડ સાથે જ બોલી રહી હોય એવું લાગતું હતું...વાત કરતા કરતા છોડના પાંદડા ને ધીમી ટપલી મારતી હતી...

એટલે હસીને એ એની પાસે ગયો....
એની નજીક પહોંચે એ પહેલા એણે અયાના ને ઉપર થી નીચે સુધી જોઈ લીધી... અયાના ની ભૂરી આંખ છે એની જાણ તો એને નાનપણ થી હતી પરંતુ એના એક ગાલ ઉપર ખાડો ( ડિમ્પલ ) છે એની જાણ ક્રિશય ને આજે થઈ રહી હતી...ઊંચાઈ માં એ થોડી નીચી હતી પરંતુ વ્હાઇટ શોર્ટ રાઉન્ડ વાળી કુર્તી માં એ બાર્બી ડોલ લાગી રહી હતી ...

' નોટ બેડ...' અયાના ને નિહાળતો એના મોઢામાંથી શબ્દો સરી ગયા...અને એની નજીક પહોંચી ગયો હતો એની એને જાણ ન રહી...

(ક્રમશઃ)