પ્રાયશ્ચિત પ્રકરણ - 22
સુનિલભાઈ શાહના ફ્લેટમાંથી કેતન ઝડપથી બહાર નીકળી ગયો અને રોડ ઉપર આવીને એણે ટેક્સી પકડી. એણે બોરીવલી રેલ્વે સ્ટેશન જવાનું નક્કી કર્યું. ચર્ચગેટ તરફ જતી લોકલ ટ્રેનો મોટાભાગે બોરીવલી થી ઉપડતી હતી. ત્યાંથી એણે દાદરની ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધી અને ટ્રેનમાં બેસી ગયો.
નિધીની વાતો સાંભળીને અને એનું આટલું બધું આઝાદ વર્તન જોઈને કેતનનું મગજ ખરાબ થઈ ગયું હતું. શું મુંબઈમાં છોકરીઓ આટલી આઝાદ થતી જાય છે ? ના..ના.. બધી છોકરીઓ ના હોય. પરંતુ અતિ શ્રીમંત પરિવારોમાં આવી આઝાદી કદાચ મળતી હશે !!
ભલે સુનિલભાઈ ધંધામાં ગમે એટલા હોશિયાર હોય પણ ઘરમાં એમણે બિલકુલ ધ્યાન આપ્યું ન હતું. છોકરી એકદમ ઉચ્છૃંખલ ટાઈપની હતી. શું જોઇને એમણે મારા માટે લગ્નની પ્રપોઝલ મોકલી હશે ? મોડેલિંગ તો ઠીક છે પણ બોયફ્રેન્ડ્સ સાથે ડાન્સ પાર્ટી, પબ, ડ્રીંકસ, સિગરેટ, !! ટુ મચ !! કોઈ જાતના સંસ્કાર નહીં. પહેલી જ મિટિંગ હતી છતાં પોતે હાજર ના રહી અને ચા નાસ્તો પણ નોકરાણીએ આપ્યો. છેક જામનગર થી હું આવ્યો છતાં કોઈ ગંભીરતા જ નહીં.
લજ્જા અને સંસ્કાર તો જાનકી અને વેદિકામાં હતા !! એટલે જ એણે આજે જાનકીને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું.
એણે જાનકીને મોબાઈલ કર્યો. " ક્યાં છે તું ? "
" મુંબઈમાં... કેમ આવો સવાલ કર્યો ? કંઈ સમજાયું નહી. " જાનકી બોલી.
" ઘરમાં છે કે બહાર ...બસ એટલો જવાબ આપ" કેતન બોલ્યો.
" ઘરમાં જ છું. "
" તારા ઘરે આવું છું. જમવાનું બનાવી દે."
" વોટ !!!" જાનકી ઉછળી પડી. એના માન્યામાં જ નહોતું આવતું.
" પોણા કલાકમાં હું માટુંગા કિંગ સર્કલ પહોંચી જઈશ. માટુંગા પહોંચીને તને ફોન કરીશ. મને લેવા આવી જજે.' કહીને કેતને ફોન કટ કરી દીધો .
કેતનની વાત સાંભળીને જાનકી પાગલ જેવી થઈ ગઈ. પહેલાં તો એ મૂંઝાઇ ગઇ. તાત્કાલિક શું રસોઈ બનાવું ? કેતન પહેલીવાર મારા ઘરે આવતો હતો. સાવ ભાખરી શાક થોડા જમાડાય ? એણે તરત જ મમ્મી પપ્પાને વાત કરી.
" પપ્પા...પોણા કલાકમાં કેતન આપણા ઘરે ખાસ જમવા માટે આવે છે. એ મુંબઈ આવ્યા લાગે છે. શું કરીશું મમ્મી ? કંઇક તો સ્પેશ્યલ બનાવવું પડશે ને !! પહેલીવાર આપણા ઘરે આવે છે. અને એ પણ સામેથી ફોન કર્યો. મને તો હજુ માન્યામાં જ નથી આવતું. કેટલી આત્મીયતાથી એમણે ફોન કર્યો !! "
" તો એમને સારી હોટલમાં જમવા લઈ જા ને ' દેસાઈ સાહેબ બોલ્યા.
" ના પપ્પા. તેમણે મને કહ્યું કે મારા માટે રસોઈ બનાવી દે. આપણે કંઈક તો સ્પેશ્યલ બનાવવું જ પડશે. " જાનકી બોલી.
" ઠીક છે. હું બજારમાંથી શીખંડ લઈ આવું છું. તમે લોકો પૂરીઓ બનાવી દો. સાથે બટાકાની સુકી ભાજી સરસ રહેશે. સાથે થોડા કઢી ભાત પણ બનાવી દો. હજુ આપણી પાસે સમય છે. "
" ફરસાણ વગર સારું ના લાગે. તમે થોડાં ખમણ પણ લેતા આવો. " કીર્તિ બહેન બોલ્યાં.
" ઠીક છે... એ આઇડિયા સારો છે." કહીને દેસાઈ સાહેબ બહાર નીકળી ગયા.
" મમ્મી તું લોટ બાંધ ત્યાં સુધી હું ફટાફટ નાહીને ફ્રેશ થઈ જાઉં. સાવ લઘરવઘર છું અત્યારે તો !! " જાનકી બોલી અને બાથરૂમમા ગઈ.
કેતન પહેલીવાર પોતાને મળવા ઘરે આવતો હતો. એનું રોમેરોમ પુલકિત થઈ ગયું. એક રોમાંચક આનંદની અનુભૂતિ એ કરી રહી હતી . એ ફટાફટ તૈયાર થઈ ગઈ. એમ્બ્રોઇડરી કરેલી ઓરેન્જ કલરની કુર્તી અને જીન્સ પહેરી લીધાં. માથું ધોઈને શેમ્પૂ કરેલા વાળ એકદમ છુટ્ટા રાખ્યા ! તિજોરીના ફુલ સાઇઝ અરીસા સામે ઉભા રહી એણે પોતાની જાતને જોઈ લીધી ! એની સુંદરતા નિખરી હતી.
" ચાલ હવે તું થોડી મદદમાં આવી જા. પૂરીનો લોટ તો મે બાંધી દીધો છે અને બટેટા પણ બફાઈ ગયા છે. પૂરીઓ હું તળી દઉં છું. શાક પણ વઘારી દઉં છું. કઢી ભાત ની જવાબદારી તારી. " કીર્તિ બેન બોલ્યાં.
" હા મમ્મી " જાનકીએ કહ્યું અને કઢી ઉકળવા મૂકી. કઢી થઈ ગઈ એટલે વઘાર કરી એણે નીચે ઉતારી અને ભાત મૂકી દીધો.
ભાતની પહેલી સીટી વાગી ત્યાં જ કેતન નો ફોન આવી ગયો.
" હું દાદર સ્ટેશન ઉતરી ગયો છું અને હવે ટૅક્સી કરી દસ પંદર મિનિટમાં કિંગ સર્કલ પહોંચી જઈશ. "
" ઓકે.. હું ગાડી લઈને ફટાફટ નીકળું છું. " જાનકી બોલી અને ભાતની જવાબદારી મમ્મીને સોંપી કાર પાર્કિંગમાં પહોંચી ગઈ.
દસ મિનિટમાં જ જાનકી કિંગ સર્કલ પહોંચી ગઈ.
" ક્યાં છો તમે ? " ગાડીમાંથી જ જાનકી એ કેતનને પૂછ્યું.
" બસ બે મિનિટમાં પહોંચું છું. તું ક્યાં ઉભી છે ? "
" ટેકસીવાળાને સહકારી ભંડાર કહો. હું ત્યાં મારી ગાડીની બહાર જ ઉભી છું. " જાનકી બોલી.
બે-ત્રણ મિનીટમાં જ કેતનની ટેક્સી આવીને ઊભી રહી. કેતન ભાડું ચૂકવીને નીચે ઊતર્યો.
" વેલકમ... તમે તો જબરદસ્ત સરપ્રાઇઝ આપ્યું કેતન !! " કહીને જાનકીએ કેતનને ભેટીને સ્વાગત કર્યું.
" બેસો અંદર. આજે તો હું એટલી બધી ખુશ છું કે તમને કહી શકતી નથી. " જાનકી બોલી.
" એ તો આજની તારી સુંદરતા ઉપરથી ખ્યાલ આવી જ જાય છે. યુ લુક વેરી બ્યુટીફૂલ ટુડે ! મુંબઈની હવા જ કંઈક જુદી છે. " કેતન બોલ્યો.
" બસ હવે... મને ચણાના ઝાડ ઉપર ચડાવશો નહીં. " જાનકી હસીને બોલી અને ગાડી સ્ટાર્ટ કરી.
" આમ અચાનક મુંબઈ ?" જાનકીએ કેતનની સામે જોઈને પૂછ્યું.
" હા બસ તને મળવા જ આવ્યો છું. મારે બીજું કંઈ કામ જ નથી "
" રહેવા દો હવે.. હું તમને ઓળખું ને ? જામનગરમાં બે દિવસ સાથે રહી છતાં એક વાર પણ મારી નજીક નહોતા આવ્યા. દૂર ને દૂર રહેતા જાણે હું ખાઈ જવાની હોઉં " જાનકીએ મોં ફુલાવીને કહ્યું.
" એનું પ્રાયશ્ચિત કરવા તો છેક મુંબઈ સુધી આવ્યો ને !! " કેતન બોલ્યો.
" બોલવામાં તમને મારાથી પહોંચી નહીં વળાય. " કહીને જાનકી હસી પડી.
સાંઈ દર્શન એપાર્ટમેન્ટ આવતાં જ જાનકીએ ગાડી અંદર લીધી અને પોતાના પાર્કિંગ સ્લોટમાં પાર્ક કરી.
" પધારો સાહેબ " કહીને જાનકી આગળ આગળ ચાલી અને લિફ્ટ પાસે ગઈ. લિફ્ટ નીચે આવી એટલે બંને જણાં લિફ્ટમાં દાખલ થયાં અને જાનકીએ
ત્રીજા માળનું બટન દબાવ્યું.
લિફ્ટમાંથી બહાર આવીને 304 નંબરના ફ્લેટમાં જાનકીએ ડોરબેલ વગાડી. દેસાઈ સાહેબે દરવાજો ખોલીને કેતનનું ખૂબ જ ભાવભીનું સ્વાગત કર્યું.
" પધારો કેતનકુમાર " કીર્તિબહેન પણ રસોડામાંથી બહાર આવ્યાં અને નમસ્કાર કર્યા.
કેતન અને શિરીષ દેસાઈ ડ્રોઈંગ રૂમમાં બેઠા અને જાનકી કિચનમાં જઈને કેતન માટે પાણીનો ગ્લાસ લઇ આવી.
" તમે તો આજે સરપ્રાઇઝ આપ્યું અમને. તમે આવ્યા તો બહુ સારું લાગ્યું. જાનકી તો તમારા વખાણ કરતાં થાકતી નથી. " દેસાઈ સાહેબ બોલ્યા.
"ચાલો.. હું મમ્મીને થોડી રસોઈમાં મદદ કરું" કહીને ખાલી ગ્લાસ લઈને જાનકી કિચનમાં ગઈ.
અડધો કલાકમાં રસોઈ તૈયાર થઈ ગઈ એટલે જાનકી કેતનને બોલાવવા આવી.
" કેતન રસોઈ તૈયાર છે. ત્યાં વોશબેસિન છે. તમે હાથ ધોઈને ડાઈનીંગ ટેબલ પર આવી જાવ " જાનકીએ ઈશારો કરીને વોશબેસિન બતાવી દીધું.
" અરે... આટલા ઓછા સમયમાં તમે આટલી બધી રસોઈ બનાવી લીધી ?" થાળી પીરસાઈ ગયા પછી કેતને હસીને પૂછ્યું.
" તમે પહેલીવાર અમારા ઘરે આવો છો. સામે ચાલીને તમે જમવાનું કહ્યું એ જ અમારા માટે સૌથી મોટી વાત છે. " કીર્તિ બહેને કહ્યું.
રસોઈ ખરેખર સારી બની હતી. બટેટાની સુકીભાજી એકદમ ટેસ્ટી હતી. સારું થયું સુનિલભાઈ ના ઘરે જમવાનું મેં છેલ્લી ઘડીએ કેન્સલ કરી દીધું ! આ લોકો કેટલી લાગણીથી જમાડતા હતા !! નિધી જેવી છોકરી સાથે તો એક મિનિટ પણ ના રહેવાય !!
" હવે બોલો. બીજી તમારી શું સેવા કરી શકું ? આગળનો પ્રોગ્રામ શું છે ? " જમ્યા પછી જાનકી કેતનને પોતાના બેડરૂમમાં લઇ આવી અને વાતચીત ચાલુ કરી.
"બસ અત્યારે દાદરથી ટ્રેઇન પકડીને અંધેરી જતો રહીશ. ત્યાં હોટલ હિલ્ટન માં રૂમ રાખેલો જ છે. સવારે સુરત નીકળી જઈશ. ત્યાં એકાદ દિવસ રહીને જામનગર ઝિંદાબાદ !! " કેતને હસીને કહ્યું.
" તો રાત્રે તમે અહીં જ રોકાઇ જાઓને ? સવારે ચા પાણી પીને હોટલ ઉપર જતા રહેજો. " જાનકી બોલી.
" ના જાનકી....મારો નાઈટ ડ્રેસ પણ હોટલમાં જ છે. તારે આવવું હોય તો તું મારી સાથે આવી શકે છે. " કેતને કહ્યું.
" ના બાબા આજે નહીં. પણ એ તો મને કહો કે અચાનક મુંબઈ આવવાનું કેમ થયું ? "
અને કેતને જાનકીને નિખાલસપણે માંડીને બધી જ વાત કરી. તેની અને નિધી ની વચ્ચે જે પણ સંવાદો થયા હતા એ પણ ચર્ચા કરી.
" મમ્મીનો ખૂબ જ આગ્રહ હતો કે સુનિલ અંકલ સાથે ધંધાના અંગત સંબંધો હતા એટલે એકવાર મારે નિધીને મળવું તો જોઈએ જ. ભલે પછી એની સાથે લગ્ન ના કરું એટલે મારે આવવું પડ્યું. પણ આ તો સાવ પિત્તળ છોકરી નીકળી. "
કેતનની વાતથી જાનકીને બહુ સારું લાગ્યું કે એણે સાચી વાત મારી સાથે શેર કરી. જો કે મુંબઇ કેતન કોઈ છોકરીને જોવા આવ્યો હતો એ વાતથી એ થોડી અપસેટ જરૂર થઈ પણ કરોડોપતિ નો દીકરો છે તો વાતો તો આવવાની જ. એટલે એને મનને મનાવી લીધું.
" કોઈ છોકરી આટલી બધી આઝાદ હોઈ શકે જાનકી ? મને તો ખરેખર ખૂબ જ નવાઈ લાગી. "
" મુંબઈનું કલ્ચર જ એવું છે. એ તો સારું છે કે એ ડ્રગ નથી લેતી. અતિ ધનાઢ્ય પરિવારોમાં સંતાનો આ રીતે બેફામ બની જતાં હોય છે. " જાનકી બોલી.
" હમ્.... ચાલો આપણે જઈશું ? મને દાદર સ્ટેશન ઉતારી દે. મેં રિટર્ન ટિકિટ લીધેલી છે. "
" હા ચાલો. અને મારુ ઘર પાવન કરવા બદલ દિલથી શુક્રિયા જનાબ !! ખૂબ સારું લાગ્યું મને. " જાનકી બોલી અને એની આંખો ભીની થઈ ગઈ.
જાનકીનાં મમ્મી પપ્પાની વિદાય લઈને કેતન નીકળી ગયો. જાનકી એને દાદર સ્ટેશન સુધી મૂકી આવી.
એ હોટલ ઉપર આવ્યો ત્યારે રાતના સાડા અગિયાર વાગી ગયા હતા. સવારે સાત વાગે બોરીવલીથી શતાબ્દિ મળી જશે.
એ એલાર્મ મૂકીને સવારે સાડા પાંચ વાગ્યે ઊઠી ગયો. ફ્રેશ થઈને સવારે છ વાગ્યે એણે હોટેલ છોડી દીધી અને અંધેરી સ્ટેશન પહોંચી ગયો. ત્યાંથી ટ્રેન પકડીને એ બોરીવલી આવી ગયો. બહાર આવીને એણે ટિકિટ લઈ લીધી.
બોરીવલી સ્ટેશન ઉપર બરાબર સાત વાગ્યે શતાબ્દિ એક્સપ્રેસ આવી ગયો. એક્ઝિક્યુટિવ કોચમાં બેસીને એણે સુરત સુધીનું રિઝર્વેશન કરાવી લીધું.
લગભગ નવ વાગ્યાની આસપાસ એ સુરત પ્લેટફોર્મ પર ઉતર્યો. ઘરે એણે ફોન કર્યો ન હતો. સરપ્રાઈઝ આપવાનો વિચાર હતો. એણે ઓલા કેબ બોલાવી અને કતારગામની આદર્શ સોસાયટીના ગેટ ઉપર પહોંચી ગયો.
પોતાના બંગલા પાસે જઈને એણે ગેટ ખોલ્યો. બહાર કોઈ હતું નહીં. એણે મુખ્ય દરવાજા પાસે જઈને બેલ મારી.
શિવાનીએ દરવાજો ખોલ્યો અને મોટા ભાઈને જોઈને એ આશ્ચર્યચકિત થઈ ગઈ !!
"મમ્મી.. મમ્મી.. કેતનભાઇ આવ્યા " શિવાનીએ સામે કેતનભાઈને જોઈને મોટેથી બૂમ પાડી.
અને ઘરના તમામ સભ્યો મુખ્ય હોલમાં એક પછી એક ભેગા થઈ ગયા. સૌના ચહેરા ઉપર ખુશી છલકાતી હતી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)