Sajan se juth mat bolo - 20 in Gujarati Fiction Stories by Vijay Raval books and stories PDF | સજન સે જૂઠ મત બોલો - 20

Featured Books
Categories
Share

સજન સે જૂઠ મત બોલો - 20

પ્રકરણ-વીસમું/૨૦
અંતે સૂર્યદેવનું દિલ રાજી રાખવાં સાહિલ બોલ્યો..
‘બસ હવે ખુબ ટૂંકા સમયગાળામાં મારા પ્રત્યેની માત્ર તારી નહીં પણ, સૌની માન્યતા બદલી જશે, યાદ રાખજે..’

‘અરે વાહ ક્યા બાત હૈ...હમારા સુલેમાન સુધર ગયા ? તો તો કંઇક સિમરનના બ્રેકઅપના સદમાથી શહેરના હાર્ટ સ્પેશિયલિસ્ટ અને સાયક્યાટ્રીસ્ટ માલામાલ થઇ જશે યાર..’
હસતાં હસતાં સૂર્યદેવ તેના પેન્ટના પોકેટમાંથી એક લેટર કાઢી સાહિલ તરફ ધરતા બોલ્યો..

‘આ લેટરમાં જ્યાં માર્ક કર્યું છે ત્યાં ચુપચાપ સિગ્નેચર કરી દે.’
એટલે આશ્ચર્ય સાથે લેટર ઉઠાવતાં લેટરની ફ્રન્ટ લાઈન વાંચતાં સાહિલની આંખો પહોળી થઇ ગઈ.... અતિઆશ્ચર્ય સાથે સાહિલે પૂછ્યું

‘આ શું છે સૂર્યદેવ... અને શા માટે..અને આવો વિચાર તને ક્યાંથી આવ્યો ?
ચેર પરથી ઊભાં થતાં સૂર્યદેવ બોલ્યો..
‘મેં કહ્યું ને કે, ચુપચાપ સાઈન કરી દે.. બસ. નો એની આર્ગ્યુમેન્ટ.. સમજ્યો.’

એટલે ભગવાન જેવા ભેરુ પર ભારોભાર ભરોસાના આધારે વધુ કંઈપણ દલીલ કર્યા વિના હસતાં હસતાં સાહિલે સિગ્નેચર કરી આપી.

‘લે મારી દીધો ઠપ્પો.. હવે ખુશ ? પણ હવે તો કોઈ ઠોસ કારણ કહે.. મારે હથિયાર રાખવા માટે આ અરજી કરવાની શું જરૂર છે ?

સેલ્ફ ડીફેન્સ માટે સરકાર પાસે રિવોલ્વર રાખવાની પરવાનગીની અરજી કરતાં લેટર પર સિગ્નેચર કર્યા પછી સાહિલે પૂછ્યું..

‘જરૂર એટલાં માટે કે, તારો પ્રોફેશન રિસ્કી છે, કરોડો રૂપિયાના ડાયમંડ ગમે ત્યાં, ગમે ત્યારે, કોઈપણ સંજોગોમાં જીવના જોખમે ટ્રાન્સફર કરવાના હોય તો..તે સમયે
હીરાની નહીં પણ ઇન્સાનના હયાતિની કિમત વધુ હોય છે દોસ્ત... તને યાદ છે ? આપણી પહેલી મુલાકાત ? નિર્જન જગ્યા પર મધ્યરાત્રિ મારા પર થયેલો પ્રાણઘાતક હુમલો ?

એ પીઠ પાછળના પ્રહારનો પ્લાન પૂર્વ આયોજિત હતો. કાળમીંઢના રાત્રીના અંધકારમાં પણ એ હુમલાખોર મને કઈ રીતે ઓળખી શકયાં ? કારણ દુશ્મનો મારાં ફૂલપ્રૂફ ગેમ પ્લાન કરતાં એક કદમ આગળ નીકળ્યાં. પણ જયારે અમારા ડીપાર્ટમેન્ટ તરફથી કરાયેલી ઉચ્ચસ્તરીય કોન્ફિડેન્સીયલ ઇન્ક્વાયરીના અંતે ખબર પડી કે, અજ્ઞાત હમલાવરોએ અમારા એ મિશનની ટીમના એક અધિકારીને ખુબ મોટી રકમની લાલચ આપીને મારા જીવનો સોદો કર્યો હતો.. પણ અંતિમ ઘડીએ પરમેશ્વરે પાસાં ઊંધાં પાડી દીધાં. અંતે મારા મૃત્યુના પરવાનેદારોના મોતના હું જ નિમિત બની ગયો.

‘અને સાહિલ મારી પહોંચના કારણે તને સ્વબચાવ માટે પરવાનગી સાથે રિવોલ્વરનું લાઈસન્સ આસાનીથી મળી જશે.. માની લે કે, જરૂર નથી જ પણ, સંઘર્યો સાપ કામ લાગે એમ સમજીને કમરે લટકાવી રાખજે. એ જોઇને અહીંની તો ખરા પણ સાથે સાથે સાઉથની સિમરન પણ તારી આગળ પાછળ કતાર લાગવશે..’

વિસ્તારથી સમજણ આપ્યાં પછી હસતાં હસતાં સૂર્યદેવે બોલ્યો.. એ પછી સાહિલે કહ્યું ..

‘પણ યાર મને તો આ મોતના સામાનની એ.બી.સી.ડી. પણ નથી આવડતી..ન કરે નારાયણને છેલ્લી ઘડીએ ગભરાહટમાં નાળચું ઊંધું ફરી ગયું તો કયાંય મારાં જ રામ નામ સત્ય ન થઇ જાય..’
હસતાં હસતાં સાહિલ બોલ્યો..

‘બસ હવે બકવાસ બંધ કર, આંખ મારીને છોકરી પટાવવા કરતાં..આંખ બંધ કરીને લક્ષ્ય વીંધવું આસાન છે, એ હું તને બે દિવસમાં શીખવાડી દઈશ, ડોન્ટ વરી.. અને તારે ક્યાં સરહદ પર સૈનિકો સામે ચડાઈ કરવા જવાનું છે ?

એ પછી કલાક સુધી વાતનો દૌર ચાલ્યો અને બન્ને છુટ્ટા પડયાં..

હવે સમય થયો હતો રાત્રીના... બાર અને પિસ્તાળીસનો..
લાઈટ પર્પલ કલરના પારદર્શક ગાઉનમાં સપના આળોટતી પડી હતી તેના કિંગ સાઈઝ બેડ પર...

સાહિલથી વિદાય લીધા પછી છેક આ ઘડી સુધી સતત સાહિલના મહદ્દઅંશે પારદર્શક લાગતાં વ્યક્તિત્વના આધારે લગાવતી અનુમાનની અટકળ અટકતાં અંતે સપનાને બબ્બનના સચોટ શબ્દો સાંભર્યા...

‘માલદારની સાથે સાથે જે ભોગીનો રોગી હોય અસ્સલમાં તે હનીટ્રેપનો સાચો શિકાર.’

બબ્બનના આ શબ્દોનું તેની સમજણ મુજબ વિસ્તારથી વિશ્લેષણ કર્યાના અંતે દ્રઢતાથી મનોમન બોલી...

‘સાહિલ શિકાર નથી...
કારણ કે તેના વર્તન, વાણી, વિચાર કે નજરમાં વિકારનો અંશ સુદ્ધાં નથી. સપનાએ બારીકાઇથી માર્ક કર્યું કે....એકપણ વાર સાહિલની નજર સપનાના ચહેરાથી નીચેના હિસ્સા તરફ સ્હેજે સરકી નહતી.
એ પછી સપનાને અચનાક બિલ્લુભૈયાના શબ્દો યાદ આવ્યાં..

‘કભી કોઈ માસૂમ, મજલૂમ યા બેગુનાહ કે સાથ હુઈ બેઈન્સાફી મેં હરગીઝ બરદાસ્ત નહીં કર શકતા.’

કસાઈ ઈકબાલ મિર્ચી તેના મહેચ્છાની માનતા પૂરી કરવાં અને વકરો વધારવાં સાહિલને ભલે બલિનો બકરો સમજે, પણ સપનાની નજરમાં તો પ્રેમદૂત સાહિલ અલીની આયાતનો એક મનગમતો ફકરો હતો.

સજી-ધજીને આવે તો પણ બનાવટને સજાવટ ન કહેવાય અને કુશળ કસાઈને કળાકાર ન કહેવાય એવું સપનાનું માનવું હતું.
પહેલી મુલાકાતમાં સાહિલના વ્યક્તિત્વથી આંશિક પ્રભાવિત થયેલી સપના મનોમન બોલી. છો સાહિલ ભમરો રહ્યો, પણ જોગી છે, રોગી કે ભોગી નથી.

કાશ.. કોઈ સિમરન સાહિલમાં રાજ સિવાય પણ કંઇક જોઈ શકે.

પણ આ તરફ સાહિલની મનોદશા કંઇક હટકે હતી....

આજની મુલાકાતના વાર્તાલાપમાં એક વર્ષથી પરિચિત સૂર્યદેવ જેવાં દિલોજાન દોસ્તના વિચારોની અસર કરતાં એક સપ્તાહ પહેલાં નામ માત્રના પહેચાનથી પરિચિત અજનબી સરિતાના મર્મસ્પર્શી શબ્દોની ઊંડી અસર સાહિલના દિમાગ પર રીતસર અડ્ડો જમાવી બેઠી હતી. સાહિલને તેની ઉપસ્થિતિમાં એવું મહેસૂસ થયું કે
સરિતામાં એક અનન્ય આભા છે. અનેક સ્ત્રી મિત્ર હોવા છતાં આજે સરિતાનું પ્રભાવિત પ્રભુત્વનું પૂર સાહિલને અલગ અને મનગમતી મનોદશાની દિશા તરફ ઢસડી ગયું હતું.

મીઠા મનોમંથન દરમિયાન સાહિલને સૂર્યદેવનું વાક્ય યાદ આવ્યું..

‘સાહિલ..તને નથી લાગતું કે હવે તારે લાઈફ પાર્ટનર માટે સીરીયસ થવું જોઈએ ?

એ પછી સાહિલના દિમાગમાં ઝબકારો થયો કે.. અજનબી સરિતાનું અનયાસે આગમન, એ દરમિયાન સૂર્યદેવનું પણ અચાનક આવવું, અને એક વર્ષ પછી આજે જ આ વાતનો સૂર્યદેવ તરફથી ઉલ્લેખ થવો, એ કેવો જોગનુજોગ ? શું છુપો સંકેત હશે આ પૂર્વધારણાનો ?

સાહિલે એક સરિતાના અનેક રૂપ જોયાં. કાતિલ આંખોથી જાસા જેવાં મનગમતાં પાસાં ફેંકીને સરિતાએ સાહિલના રફ હીરા જેવા હૈયાંને મનગમતો ઘાટ અને વાટ આપતાં સાહિલના ધીમા ધબકારાને ધીંગા મસ્તી સાથે ધબકવા નહીં પણ ધણધણવાનું બહાનું જડી ગયું હતું.

હવે સાહિલ મહ્દઅંશે સરિતાના સત્સંગ અને સંગાથ માટે સભાનતાથી સીરીયસ હતો. પછી બીજી જ પળે ખ્યાલ આવતાં હસ્યાં પછી મનોમન બોલ્યો...

‘પણ..અસ્સલમાં સરિતા શ્રોફ છે કોણ ? એ રહસ્ય તો હુજુયે અકબંધ જ છે, અને હું મુંગેરીલાલની માફક ખ્યાલી પુલાવ પકાવવા માંડ્યો ?

બે દિવસની ગહન પ્રતિક્ષા બાદ..
સવારે નવ વાગ્યાની આસપાસ સાહિલે મેસેન્જર પર કોલ જોડ્યો.. સપનાને.
સ્હેજ પણ અચરજ વિના હળવાં અને મધુર સ્વરમાં સપના બોલી..
‘હેલ્લો’
‘હેલ્લો’ ની સાથે સાથે ધીમો ઘોંઘાટ પણ સાહિલના કાને અથડાયો એટલે પૂછ્યું..
‘હેલ્લો... કશે બહાર છો..?
‘જી, મારા ઘરથી જસ્ટ વોકિંગ ડીસ્ટન્સ પર એક નર્સરી સ્કૂલ છે, તેના ગાર્ડનમાં બેઠી બેઠી નાના ભૂલકાઓની મસ્તીમાં મારાં ભૂતકાળને વાગોળું છું.’

‘વેરી ગૂડ... પણ ક્યારેક મને પણ તમારાં ભૂતકાળના સંસ્મરણનો સાથીદાર બનાવશો તો આનંદ થશે.’
સરિતાનો સંગાથ ઝંખતા સાહિલે આડકતરી રીતે આગામી મુલાકાતના અનુસંધાનનું આહવાન આપી દીધું.

‘જસ્ટ ફ્યુ મિનીટ.. આઈ કોલ યુ બેક.’
એમ કહી કોલ કટ કરી. નર્સરીની બહાર આવી ચાલતાં ચાલતાં તેના ફ્લેટ તરફ જતાં સાહિલને કોલ જોડતાં સપના બોલી..

‘સોરી સાહિલ... મારી પાસે એટલો સમય નથી. અને કદાચ હું જે રીતે બિન્દાસ થઈને તમારી જોડે વાર્તાલાપ કરું છું.. તેના પરથી તમે મને કોઈ ટીપીકલ રખડું ગર્લની ઈમેજના ચોકઠામાં ફીટ કરવાની કોશિષ કરશો તો નિરાશા સિવાય કશું હાથ નહીં લાગે. અને શાયદ એ પણ શક્ય છે કે, મારા પૂર્ણ પરિચયથી અવગત થયાં બાદ તમે મારી જોડે વાત કરવાનું પણ પસંદ ન કરો.’

થોડી ક્ષ્રણો ચુપ રહ્યાં પછી સાહિલ બોલ્યો..
‘અને હું તમારી આ ધણીધોરી વિનાની ધારણાને સાવ પાયાવિહોણી સાબિત કરી બતાવું તો...તમે શું કહેશો ?

સ્હેજ આંખો પહોળી કરતાં સપના બોલી..
‘ઓહ્હ... દાદ દેવી પડે તમારાં જીગરના ફિગરને. ઇટ્સ એ બીગ ચેલેન્જ ફોર મી. પણ સાહિલ આ ખેલદિલીથી ખેલાતાં ખેલના અખતરામાં ખતરાની શક્યતાને અવગણી શકાય નહીં.’

‘સભાનતા સાથે શત્ત-પ્રતિશત્ત સહમત છું, તમારાં નિવેદન સાથે. કારણ કે, ખતરો ખુબસુરત છે.’ એક અદમ્ય ઉમળકા સાથે સાહિલ બોલ્યો..

‘સ્હેજ અમથી હવા મળે તો દીવડાંને દાવાનળ બનતા વાર નથી લાગતી.
ભભૂકતી જવાળા એ જ્યોતિનું જ સુક્ષ્મ સ્વરૂપ છે. અને આ રીલ નહીં રીયલ લાઈફ છે, અહીં રીહર્સલ કે રીટેકને કોઈ અવકાશ નથી, એ બરાબર સમજી લેજો સાહિલ.’

ગલત ફહેમીમાં ગાફેલ લાગતાં સાહિલને અગમચેતીના ટોનમાં અણસારના એંધાણ આપતાં સપના બોલી.

‘માની લઉં કે, શાહરુખના રવાડે ચડીને ખુદનો રુખ ન બદલી શક્યો પણ સરિતાનો રુખ ન બદલું તો મારું નામ સાહિલ નહીં.. એ વાત પણ યાદ રાખજો સરિતા.’

ઓવર સ્પીડમાં અતિવિશ્વાસને ઓવરટેક કરતી સાહિલની ફિલ્મી અંદાજ જેવી ડાયલોગ બાજી સાંભળીને હસતાં હસતાં સપના બોલી..

‘અભી આગાઝના અંદેશા નહીં ઔર તુમ અંજામ કી બાતે ઐસે કર રહે હો જૈસે હમારી કિસ્મત વિધાતાને નહીં, તુમને લીખી હો,’

‘કંઇક એવું જ સમજો કારણ કે, સાહિલના હાથ તો હંમેશા પોહળા થયાં છે, પણ હૈયું પહેલીવાર પહોળું થયું છે, અને એ પણ બહોળા પ્રમાણમાં.’
ચહેરા પર એક અનેરા સ્મિત અને હિમત સાથે સાહિલ બોલ્યો..
‘ઓહ્હ હો.. મતલબ હવે પ્રશ્નનો નહીં, પણ જશ્નનો સમય છે એમ. અચ્છા તો ઠીક છે, હું મારી અનુકુળતાએ આપણી આગામી મુલાકાતનો સમય જણાવીશ.. બાય.. ટેક કેર.’

‘આશા રાખું છું કે, તમારા નિર્ધારિત અંજામ પર હું ખરો ઉતરું, થેન્ક્સ.’
એટલું બોલી સાહિલે વાર્તાલાપને અંત આપ્યાં પછી શરુ થયો મેરેથોન જેવી મનોમંથનના દૌરનો સિલસિલો સાહિલ અને સપના બંનેના મન, મસ્તિષ્ક પર..

સપનાએ વિચાર્યું કે, જેમ સમીર, બિલ્લુભૈયા અને બબ્બનનું રીઅલ કેરેક્ટર મારી ઈમેજીન કરતાં તદ્દન વિરુધ્ધ નીકળ્યું, એથી કંઇક વિશેષ સાહિલનું વ્યક્તિત્વ છે, હવે એ વાત પર કોઈ શંકા નથી. પણ શાયદ હવે સાહિલ સાથેની ટૂંકી મુલાકાત બાદ કિસ્સો હનીટ્રેપ કરતાં વધુ સંગીન અને રંગીન બનવા જઈ રહ્યો છે એ હકીકત છે. પણ બંદો દિલનો સાફ છે એટલે... થોડો સમય લોંગ ડ્રાઈવ પર લઇ જાઉં.. પછી કહી દઈશ.... ઓ દેવબાબુ.. ક્યારે મૃગજળને સાહિલ હોય ?


આ તરફ.. સાહિલના વધતાં વિચારોના વ્યાપ સાથે સરિતાને તેના દાયરામાં બાંધવા તેનો વ્યાસ વધારાવના મંથનમાં સાહિલ વ્યસ્ત હતો. સાહિલ એવો ઘાટ ઘડવાના મનસુબા ઘડતો હતો કે, જે ઘાટ સાહિલ અને સરિતાનું સંગમ સ્થાન બની રહી.

પણ બંનેના કલ્પનાચિત્ર કરતાં વાસ્તવિક છબીમાં નિયતિ કંઇક વિચિત્ર રંગો પુરવાની તજવીજમાં હતી. અને એ વાતથી સાહિલ અને સપના બન્ને સાવ અજાણ હતાં.
સપના અને સાહિલ બન્નેએ સ્વયં કલ્પનાવિહારમાં નિર્ધારેલા અંત તો તદ્દન વિપરીત હતાં જ પણ, સપનાએ આદરેલા જૂઠના પોકળ પાયા પર રચવા જઈ રહેલાં સાહિલના ઈશ્કની ઈમારત ત્યારે કડડભૂસ થઈને જમીન દોસ્ત થશે, જયારે અણધાર્યા કરુણ અંજામ સાથે આઘાતના ઘોડાપુર ઉમટી પડશે....પરસ્પર ભારોભાર ભરોશાના આધાર પર બંધાવા જઈ રહેલાં બંધનના બાંધમાં સામાન્ય છિદ્ર જેવાં છળ અને જૂઠના કારણે તૂટેલું જળાશય જયારે પ્રલયકારી રોદ્ર રૂપ ધારણ કરશે ત્યારે... કુદરતના લેખ પર મેખ મારતાં સાહિલ ખુદ સરિતાનું અસ્તિત્વ મિટાવી દેશે.
અને એ અભિમન્યુના કોઠા જેવું જૂઠનું ચક્રવ્યૂહ સમયાંતરે બહુરૂપી બની સપનાને સરિતા બનવાના દુસ્વપ્નની દાસ્તાનના પડઘા વારંવાર અન્યાય સામે અંગુલીનિર્દેશ કરી, અટ્ટહાસ્ય સાથે પડઘાતા રહેશે...

આખરે પંદર દિવસ બાદ..
સપના અને સાહિલ બંને તેના અહંના શિરોમણી નિર્ણયને આખરી ઓપ આપવાં કટિબદ્ધ થયાં, તો આ તરફ ઇકબાલ મિર્ચીનો ડોળો સતત સપનાની હિલચાલ પર ફરતો રહ્યો..

ઈકબાલ મીર્ચીને સપનાની નિયત પર શંકા જવા લાગી.. ઇકબાલને આર્થિક નુકશાનની લગીરે પરવા નહતી પણ, ગઈકાલની મામૂલી છોકરી ધોળા દિવસે ચૂનો ચોપડી જાય એ વાતના ડરથી તેનું અહં ઘવાતું હતું. બિલ્લુભૈયાની ખુલ્લી ચેતવણીની વિરુદ્ધ જઈ, ખુદના કામદેવતા પોષવા સપનાને કામે લગાવી હતી. અંતે ઇકબાલનું એક જ સપનું હતું, સપના સાથે બિસ્તર ગરમ કરવાનું.

પણ બિલ્લુભૈયાની ઈકબાલ પર ચાર નજર હતી, તેનાથી ઇકબાલ અજાણ હતો..
અને આ તરફ સૂર્યદેવ પણ સાહિલના મનસુબાથી તદ્દન અજાણ હતો.

દરેક પોતપોતના મનોમાનીત મનોરથ હાંક્યે જતાં હતાં.. પણ સૌભાગ્યની શતરંજ એક એવી અનોખી ચાલ ચાલવાની વેતરણમાં હતી કે, એક જ ધડાકે સૌને ઊંઘતાં ઝડપી, ધુરંધર અને ખેરખાંઓની ફિતરત અને હૈસિયત ભૂંસી નાખવાના કગાર પર હતી.

સાંજના સાત વાગ્યાના સુમારે સાહિલ તેની ઓફિસમાં બિઝનેશ રીલેટેડ કોઈ કામમાં વ્યસ્ત હતો ત્યાં સ્પેશીફીકેશન ટોન સાથે સપનાનો મેસેજ રીસીવ થયો..

‘આવતીકાલે સાંજના પાંચ વાગ્યે રત્નેશ્વર પાર્ક સામે આવેલાં ‘પંચનાથ’ મહાદેવના પટાંગણમાં મળી શકીએ, જો તમને અનુકુળતા હોય તો..’

મીલીઓન ડોલરના સ્મિત સાથે સાહિલે મેસેજનો પ્રત્યુતર આપ્યો..
‘જે સરિતાનું ઉદ્દગમ સ્થાન ભોળાનાથની જટા હોય તો પછી તે શંકરના સાનિધ્યમાં પ્રતિકુળતાનો કોઈ અવકાશ જ ન રહે.....સાત્વિક સત્સંગનો શુભારંભ, સ્થળ અને સમય એ ત્રણેવનો સમાંતર સાંકેતિક સંયોગ જાણે ત્રિશુળના પ્રતિક સમાન છે.’

‘આફરીન... અબ લગતા હૈ શાહરુખ કા બુખાર ઉતાર ગયા હૈ. પર મેરી એક શર્ત હૈ, સાહિલજી.’
‘ફરમાવો.’ સાહિલ બોલ્યો..

‘મહેરબાની કરીને આપણા વાર્તાલાપનો વ્યાસ આપણા બન્ને પુરતો સીમિત રાખશો તો આગામી મુલાકાતની શક્યતાઓ પ્રબળ રહેશે... અન્ડરસ્ટેન્ડ ?
‘જી સમજી ગયો. એ સિવાય કોઈ દિશા નિર્દેશ ? સાહિલએ પૂછ્યું
‘સામાન્ય રીતે સરિતા તેની ભયજનક સપાટી ઓળંગે તો....સૌ પ્રથમ સાહિલનું જ નામોનિશાન મટી જાય..એ વાતનો ખ્યાલ છે ને ?
ચેતવણીના સૂરમાં ચિતાર આપતાં સપનાએ કહ્યું
‘સાહિલનું અસ્તિત્વ અને સ્વરૂપ સરિતાની સીમા પર આધારિત છે....એ બ્રહ્મજ્ઞાન પછી જ કુદરતના નિયમ વિરુદ્ધ જઈને સાહિલ સરિતાને મળવા પ્રતિક્ષાતુર છે.’
‘ઓ.કે. ધેન સી યુ ટુમોરો. એટ શાર્પ ફાઈવ ઓ ક્લોક.’
એમ કહી સપનાએ કોલ કર કર્યો ત્યાં..
લાગણીના તંતુને સળંગ રાખતાં સૂર્યદેવનો કોલ આવતાં બોલ્યો..
‘આવતીકાલે સાંજે તૈયાર રહેજે... ઘોડો લેવા જવાનું છે.’

હજુ કાજી, કન્યા અને કુંવરના ઠેકાણા નથી અને ત્યાં આ અણવર જાન જોડવાની કેમ આટલી ઉતાવળ કરે છે ? એવું વિચારતાં સાહિલે પૂછ્યું..

‘ઓયે યાર. વરરાજા વગર જ જાન જોડવાની છે કે શું ?
‘ઓ હીરા માર્કેટના પન્નાલાલ, એ...ને જાન કાઢવાનો નહીં જાન લેવાનો ઘોડો લેવા જવાનું છે..મતલબ કે રિવોલ્વર. તારા હથિયારની પરમીશન પાસ થઇ ગઈ છે.’

‘અહીં હક્ક અને હથિયાર વિના હૈયાંને કોઈ અજાણ્યું આરપાર વીંધી ગયું, ત્યાં હવે તારા હથિયારનું શું કામ છે, મારા ભાઈ.’ એવું મનોમન બોલ્યાં પછી સાહિલ બોલ્યો..

‘મારા સાહેબ.. મારા જેવા ચોકલેટી હીરોના હાથમાં હીરા શોભે, હથિયાર નહીં.’
‘ઓ હીરો... સંકટ સમયે હાથવગું હથિયાર હશે તો હાથમાં હીરા રહેશે સમજ્યો.’ સૂર્યદેવ બોલ્યો


‘અચ્છા યાર ઠીક કે, પણ આવતીકાલે મળવું જરા અશકય છે, કારણ કે ઘોડાના ચક્કરમાં મારી ઘોડી ભાગી જાય એમ છે.’
એટલું બોલી સાહિલ ખડખડાટ હસવાં લાગ્યો.

‘ઓ.કે. ઓ.કે. ધેન કેરી ઓન દોસ્ત. ઠીક છે, વી વીલ મીટ અગેઇન નેક્સ્ટ ટાઈમ. ચલ બાય.’

એમ કહી કોલ કટ કરતાં સૂર્યદેવને નવાઈ એ વાતની લાગી કે, આજ સુધી કયારેય સાહિલે તેની કોઈ વાતને અવગણી નહતી, અને આજે અચાનક ? કયાંય સાહિલ પેલી સરિતા શ્રોફના ચક્કરમાં તો નહીં ફંસાયો હોય ને ? કયાંય સુધી સૂર્યદેવ આવાં કંઇક મનઘડત કિસ્સાઓની કડીઓ જોડતો રહ્યો..

એ પછી સૂર્યદેવે સાહિલના સગડ અને સલામતી માટે કોલ જોડ્યો તેના ખાસ જીગરી અને ખબરી દોસ્ત દીલાવર ખાનને...

અને આ તરફ સપનાના લાપતાની ખબર સાથે ભગીરથના તૂટલાં કરોડોના સપનાને સાંધવાની અને સપનાના સગડ શોધવાની મથામણના અંતે કંટાળેલાં ભગીરથે કોલ લગાવ્યો એક ઘા અને બે કટકા કરે એવાં હુકમના પાના જેવા બિલ્લુભૈયાને..


વધુ આવતાં અંકે..