બધાં પોલીસ સ્ટેશનની બહાર ઊભા હતાં. ભાવિન બોલ્યો, "પહેલાં માશૂકા જેલમાં બંધ હતી, હવે તેની પાછળ તેનો આશિક પણ અંદર ગયો." રવિ બોલ્યો, "વિશાલે આવાં સમયમાં ગુસ્સાને કાબૂમાં રાખવાની જરૂર હતી." ધ્રુવ બોલ્યો, "હવે જે થયું તે બદલાશે તો નહીં. ચાલો! તેમને જેલમાંથી બહાર કાઢવાની વ્યવસ્થા કરીએ." રિયા બોલી, "પણ એમને બહાર કાઢવા માટે હવેલી વિશે માહિતી મેળવવી જોશે, એ ક્યાંથી મળશે?" ભાવિન બોલ્યો, "અરે હા! તમને યાદ છે, તે દિવસે દાદાએ શું કહ્યું હતું!" ધ્રુવ બોલ્યો, "શું કહ્યું હતું?" ભાવિન બોલ્યો, "દાદાએ કહ્યું હતું કે આ ગામમાં બીજું પણ એક ઘર છે, જ્યાં આવી ભૂતિયા ઘટનાઓ થાય છે. એવું હોઈ શકે કે હવેલીનો અને તે ઘરનો કોઈ સંબંધ હોય!" રવિ બોલ્યો, "હા, એવું હોઈ શકે છે." ધ્રુવ બોલ્યો, "ચાલો તો, આપણે ત્યાં જઈને તપાસ કરીએ." અવની બોલી, "પણ હવે રાત થવા આવી છે, ત્યાં જવું યોગ્ય રહેશે?" ભાવિન બોલ્યો, "અત્યારે રાત-દિવસ જોવાનો સમય નથી. જેટલું જલદી થઈ શકે તેટલું જલદી આપને એ હવેલી વિશે જણાવું પડશે. તો જ વિશાલ અને ભકિત જેલની બહાર આવી શકશે." સ્નેહા બોલી, "Ok. તો હું, રવિ અને ભાવિન તે જૂનાં ઘરે જઈએ છીએ. ધ્રુવ, અવની અને રિયા, તમે ત્રણેય હવેલીમાં જઈને તપાસ કરો. અને હા, પ્રોફેસર શિવ, આઇશા મેડમ, શ્રધ્ધા અને સાક્ષીની મદદ લઈ લેજો. હવેલી મોટી છે, વધારે વ્યક્તિઓ હશે તો જલદીથી તપાસ થઈ શકશે." બધાં એક સાથે બોલ્યાં, "Ok. All the best." પછી સ્નેહા, રવિ અને ભાવિન ગામમાં આવેલા ભૂતિયા ઘરે ગયાં અને ધ્રુવ, અવની અને રિયા; પ્રોફેસર શિવ, આઇશા મેડમ, શ્રધ્ધા અને સાક્ષી સાથે હવેલીમાં ગયાં.
અમાસની રાત હતી. ચોમેર અંધારું પ્રસરી ગયું હતું. કૂતરાંઓ રડી રહ્યાં હતાં. સૌથી ભયાનક રાત આવી હોય, તેવું લાગી રહ્યું હતું. બધાં હવેલીમાં અલગ અલગ રૂમમાં જઈને તપાસ કરી રહ્યાં હતાં. બીજી તરફ હવેલી વિશે માહિતી મેળવવાં; રવિ, સ્નેહા અને ભાવિન જૂનાં ઘરે ગયાં હતાં. તેઓ ઘરમાં અંદર ગયાં. ઘર ઘણાં સમયથી બંધ હતું અને કોઈ ત્યાં આવતું-જતું ન હતું એટલે ત્યાં ઉંદરો, વંદા, ગરોળીઓ તથા કરોળિયાનાં જાળાં થઈ ગયાં હતાં. તેમણે ત્યાં તપાસ શરૂ કરી.
થોડી વાર પછી ભાવિન બોલ્યો, "ફ્રેન્ડ્સ, મને કંઈક મળ્યું છે." રવિ બોલ્યો, "તને શું મળી ગયું." ભાવિન બોલ્યો, "આ કોઇની ડાયરી લાગે છે!" રવિ બોલ્યો, "જલદીથી અહીં આવી જા, આપણે તે ડાયરી વાંચીએ. શક્ય છે કે તેમાંથી કોઈ માહિતી મળી આવે." ભાવિન ડાયરી લઈને રવિ અને સ્નેહા પાસે ગયો. ભાવિને તેનાં હાથમાં રહેલી ટોર્ચ સ્નેહાને આપી દીધી. સ્નેહા તે ટોર્ચ ડાયરી તરફ રાખીને ઊભી રહી. ભાવિને ડાયરી પરની ધૂળ સાફ કરી.
ભાવિને ડાયરી ખોલી. તેમાં પહેલાં પેજ પર લખ્યું હતું, "મારું નામ કલ્પના છે. હું અનાથ છું. મારાં પ્રેમલગ્ન રઘુવીર સાથે થયાં હતાં. લગ્ન બાદ તે રોજ નશો કરતો અને મારી સાથે માર-પીટ કરતો હતો. હું તેનાથી ખૂબ ત્રાસી ગઈ હતી એટલે મેં તેની હત્યા કરી નાખી. એ પછી મેં મારું ગુજરાન ચલાવવાં, ઘણાં બધાં પુરુષો સાથે સંબંધ રાખ્યાં હતાં. તેમાં પરણિત અને અપરણિત બંનેનો સમાવેશ થતો હતો. તેમાંથી મને શક્તિસિંહ નામનાં એક પુરૂષ સાથે પ્રેમ થઈ ગયો હતો." આ નામ સાંભળીને ત્રણેય ચોંકી ગયાં.
ભાવિન આગળ વાંચવા લાગ્યો. "હા! એ જ શક્તિસિંહ જે સરપંચ મહેન્દ્રસિંહજીનો નાનો દીકરો હતો. તે પરણિત હતો, પણ તેને સંતાન ન હતું. તેને લાગતું હતું કે તેની પત્ની સંતાન આપવાં સક્ષમ નથી, પણ તે પોતે જ સંતાન આપવાં સક્ષમ ન હતો. તે પોતાની ખામી સ્વીકારવા તૈયાર ન હતો. તે મારી પાસેથી સંતાન મેળવવાં ઈચ્છતો હતો. થોડાં દિવસો બાદ મેં એક સંતાનને જન્મ પણ આપ્યો. મારી ઈચ્છા હતી કે શક્તિસિંહ મારી સાથે લગ્ન કરી તે સંતાનને તેનું નામ આપે. પણ તે ન માન્યો એટલે પણ મેં એ સંતાન તેને ન આપ્યું. પછી મેં જ તે સંતાનનો ઉછેર કર્યો. તેનું નામ મેં રુદ્ર રાખ્યું હતું. થોડાં વર્ષો પછી મારો રુદ્ર લગ્ન લાયક ઉંમરનો થઈ ગયો. તે સરપંચનાં મોટાં દિકરાં રાજસિંહની દિકરી સુરેખાને ચાહતો હતો અને સુરેખા પણ તેને પ્રેમ કરતી હતી. શક્તિસિંહે રાજસિંહને અમારાં સંબંધોની જાણ કરી દીધી હતી. આથી તેમને લાગતું હતું કે રુદ્ર તેમનો જ વારસદાર છે અને રુદ્ર સુરેખાનો ભાઈ થાય. આ કારણે તેમનાં લગ્ન ન થઈ શકે. એમને એ જાણ ન હતી કે રુદ્ર શક્તિસિંહનું સંતાન ન હતો. મેં પહેલાં જણાવ્યું તેમ મારાં અન્ય પુરૂષો સાથે સંબંધ હતાં, રુદ્ર બીજાનું સંતાન હતો. શકિતસિંહને મારાં અન્ય સાથેનાં સંબંધોની જાણ ન થાય તે માટે મેં તેને આ વાત જણાવી ન હતી. તેઓ રુદ્ર અને સુરેખાનાં લગ્ન કરાવવા રાજી ન થયાં એટલે તેઓ ઘરેથી નીકળી ગયાં. શકિતસિંહે બંનેને શોધી કાઢ્યાં. તેણે હવેલી પાછળનાં કૂવામાં બન્નેને નાખી, તેમની હત્યા કરી નાખી. થોડાં દિવસોમાં તે પરિવારમાંથી એક પછી એક, એમ કરીને બધાનું મૃત્યુ થયું. સાત અઠવાડિયામાં તો તે કુળનું નામોનિશાન મટી ગયું. ત્યાં ભૂતિયા ઘટનાઓ થવા લાગી. કોઈ ત્યાં જવાની હિંમત કરતું ન હતું. મેં રુદ્રાચાર્ય નામનાં એક તાંત્રિકને બોલાવી તે હવેલીમાં તપાસ કરાવી. તેમણે મને જણાવ્યું કે તે હવેલીમાં રુદ્ર અને સુરેખાની આત્મા ભટકે છે. તેમણે જ બધાંની હત્યા કરી હતી. મેં જ્યારે તેનો ઉકેલ લાવવા વિનંતી કરી ત્યારે તેમણે મને જણાવ્યું કે રુદ્ર અને સુરેખની આત્માને સાત ભાગમાં વિભાજીત કરી સાત અલગ અલગ જગ્યાએ બાંધવી પડશે. આ વિધિ કરવાથી તે આત્માઓ કોઇને નુકશાન નહી પહોંચાડે."
રવિ બોલ્યો, "હવે સમજાયું કે તે હવેલીમાં આત્માઓ ભટકે છે." સ્નેહા બોલી, " અને તે આત્માએ જ રોહનની હત્યા કરી છે..... તું આગળ વાંચ." ભાવિન આગળ વાંચવા પછીનું પેજ ફેરવ્યું. તે પેજ પર સાત ગોળા દોરેલાં હતાં અને તેમાં કંઇક લખ્યું હતું. પહેલાં ગોળામાં લખ્યું હતું, "ગામની બહાર આવેલાં ચામુંડા માતાનાં મંદિરમાં મૂર્તિ વચ્ચેની ત્રિશૂલ નીચે." બીજાં ગોળામાં લખ્યું હતું, "સરપંચની હવેલી પાછળનાં કૂવા પાસે પડેલાં સફેદ પથ્થર નીચે." ત્રીજા ગોળામાં લખ્યું હતું, "સરપંચની હવેલીમાં સુરેખનાં પલંગની નીચે." ચોથા ગોળામાં લખ્યું હતું, "ગામની પાછળ નીકળતી નદી પાસેનાં પીપળાનાં વૃક્ષ નીચે." પાંચમાં ગોળામાં લખ્યું હતું, "ગામનાં જંગલમાં આવેલાં વડનાં વૃક્ષની નીચે." છઠ્ઠા ગોળામાં લખ્યું હતું, "ગામનાં પાદરે રહેલાં ચબૂતરા નીચે." સાતમા ગોળામાં લખ્યું હતું, "ગામનાં સ્મશાનમાં".
સ્નેહા બોલી, "આ બધું શું લખ્યું છે? મને કંઈ સમજાતું નથી." ભાવિન બોલ્યો, "આ કદાચ એ જગ્યાઓનાં નામ છે, જ્યાં આત્માનાં અંશ બાંધેલાં છે." રવિ બોલ્યો, "આપણે દાદાનાં ઘરે જઈને આ બધી વાત કરશું. અત્યારે આપણે અહીંથી નીકળવું જોઇએ." ભાવિન બોલ્યો, "આ ડાયરીનું શું કરવું છે?" રવિ બોલ્યો, "ડાયરી અહીં જ રાખી દે. ચાલ જલદી" તેઓ જલદીથી ત્યાંથી નીકળી ગયાં.
”રાત” નો અંતિમ ભાગ તારીખ 15 ઑક્ટોબર, શુક્રવાર અને દશેરા નાં દિવસે સાંજે સાત વાગ્યે પ્રકાશિત થશે.
આ સુંદર સફરનો અંત વાંચવાનું ભૂલતાં નહિ.
તો મળીએ “રાત”નાં અંતિમ ભાગ સાથે દશેરાની સાંજે.
ત્યાં સુધી વાંચતાં રહો અને જોડાયેલા રહો…..
#Romance #Horror #Travel
#રાત