પ્રાયશ્ચિત પ્રકરણ - 21
" સુનિલ અંકલ હું મુંબઈ આવી ગયો છું. એરપોર્ટ પાસે હોટલ હિલ્ટનમાં છું અત્યારે. તમને સાંજે કેટલા વાગે ફાવશે ? તો એ પ્રમાણે હું નીકળું અહીથી "
હોટલ પહોંચીને ફ્રેશ થઈ ગયા પછી કેતને સુનિલ અંકલને ફોન કર્યો.
" અરે કેતનકુમાર તમારું જ ઘર છે. તમારે સમય પૂછવાનો થોડો હોય ? ખરેખર તો આપણા સંબંધો એવા છે કે તમારે હોટલમાં ઉતરવાની પણ કોઈ જરૂર ન હતી. સીધા ઘરે જ આવી જવાય !! " સુનિલભાઈએ કહ્યું.
" અંકલ તમે તો જાણો જ છો કે બે વર્ષ પહેલાં ધંધાના કામે મુંબઈ આવતો ત્યારે પણ હોટલમાં જ ઉતરતો ને !! અને આ વખતે મુલાકાતનો હેતુ એવો છે કે મારે શિષ્ટાચાર જાળવવો જ પડે !! " કેતન બોલ્યો.
" એ વાત પણ તમારી સાચી છે. તમારી સમજ માટે મને માન થયું. કાંઈ વાંધો નહીં તમે સાત વાગ્યાની આસપાસ આવી જાવ."
સુનિલભાઈએ જવાબ આપ્યો.
કેતને સિદ્ધાર્થભાઈને પણ મુંબઈ બોલાવ્યા હતા પણ આજે એક અગત્યની બીઝનેસ મિટિંગ હતી એટલે સિદ્ધાર્થ નીકળી શક્યો ન હતો.
હજુ તો સાંજના ચાર વાગ્યા હતા. અહીથી ટેક્સીમાં મહાવીરનગર પહોંચતાં ૪૦ મિનિટ થાય. નીકળવાને હજુ બે કલાક કરતાં પણ વધુ સમય હતો. ફાઈવ સ્ટાર હોટલ હતી અને રૂમ પણ ઘણો વિશાળ હતો. એણે થોડી વાર આરામ કરવાનું વિચાર્યું અને ડબલ બેડમાં આડો પડ્યો.
આજે વળી એક નવા પાત્રને મળવાનું થશે. ફોટામાં તો મોડેલ જેવી લાગે છે. સ્વભાવે કેવી હશે કોને ખબર ? મારે હવે વહેલી તકે પાત્ર પસંદગી કરી લેવી પડશે. નહીં તો કન્યાઓ જોવાની આ પરંપરા ચાલુ રહેશે.
વિચારોમાં ને વિચારોમાં એને ઊંઘ આવી ગઈ. જાગ્યો ત્યારે છ વાગવા આવ્યા હતા. એ ઉભો થઈ ગયો અને એને નાહી લેવાનો વિચાર આવ્યો. એ બાથરૂમમાં ગયો.
નહાવાથી ઘણી તાજગી આવી ગઈ હતી. 6:30 વાગે એ નીચે ઉતરીને બહાર રોડ પર આવ્યો. ટેક્સી કરીને મહાવીરનગર પહોંચ્યો ત્યારે સાંજના સાત અને દસ મિનિટ થઈ હતી.
રાજ રેસીડેન્સીના એ ફ્લેટ ઉપર જઈને એણે ડોર બેલ વગાડી. એના સ્વાગત માટે બધા તૈયાર જ બેઠા હોય એમ તરત જ દરવાજો ખુલ્યો અને સુનિલભાઈએ એનું સ્વાગત કર્યું.
" પધારો કેતનકુમાર. ઘણા લાંબા સમય પછી તમને જોઈ રહ્યો છું. અમેરિકા જઈને આવ્યા પછી આખો દેખાવ બદલાઈ ગયો છે. વાન પણ ઘણો ઉજળો થઈ ગયો છે. " સુનિલભાઈ સ્વાગત કરતાં બોલ્યા.
" પધારો " ધારિણીબેને પણ બે હાથ જોડી આવકાર આપ્યો.
" આપણે ખાસ્સા અઢી વર્ષ પછી મળી રહ્યા છીએ. " સુનિલ અંકલ બોલ્યા.
" શું ફાવશે ગરમ કે ઠંડુ ? " ધારિણીબેને પૂછ્યું.
" મને કંઈ પણ ચાલશે માસી "
ધારિણીબેન અંદર રસોડામાં જઈને રસોઈ કરવાવાળી બાઈને ચા બનાવવાની સૂચના આપી આવ્યાં.
સુનિલભાઈએ થોડી આડીઅવળી વાતો કરી ત્યાં રસોડામાંથી બે વડાપાઉંની પ્લેટ અને ચા લઈને બાઇ આવી અને કેતનની સામે ટેબલ ઉપર મૂકી.
" અમારા મહાવીરનગરની ફેમસ દુકાનમાંથી આ વડાપાઉં મંગાવ્યા છે. તમને પણ પસંદ આવશે. " સુનિલભાઈએ કહ્યું.
" અંકલ બીજી ખાલી પ્લેટ મંગાવો. કારણકે બે વડાપાઉં મારાથી નહીં ખવાય. "
" અરે એમ કંઈ ચાલે ? અને તમારે સાંજે જમવાનું પણ અહીં જ છે. " સુનિલ અંકલે વિવેક કર્યો.
" નહીં અંકલ. એક વડાપાઉંથી વધારે નહીં ખાઈ શકું. " કેતને કહ્યું અને ધારિણીબેને બીજી ખાલી પ્લેટ મંગાવી.
અને કેતનને પ્રતાપભાઈ ના ઘરનું દ્રશ્ય યાદ આવી ગયું. ઘૂઘરાની ડીશ લઈને ધીમી ચાલે વેદિકા પોતે કેવી સજી-ધજીને ડ્રોઇંગરૂમમાં આવી હતી.
અહીં તો નિધીનું કોઈ ઠેકાણું જ નહોતું અને ચા નાસ્તો પણ નોકર બાઇ લઈને આવી હતી. કેતનને થોડુંક વિચિત્ર લાગતું હતું. પોતે મીટીંગ માટે છેક જામનગર થી લાંબો થયો હતો.
આ બાજુ સુનિલભાઈ પણ ઊંચા નીચા થઈ રહ્યા હતા. નિધીને કહ્યું હતું કે કેતનકુમાર સાત વાગે આવી જશે. તું ગમે તેમ કરીને સાડા છ સુધીમાં ઘરે આવી જજે.
" તમે નિધીને ફોન તો કરો. એ ગઈ છે ક્યાં ? એને કહો કે કેતનકુમાર આવી ગયા છે. એ તો સવારથી જ મીટીંગ માટે એક્સાઇટેડ હતી ! " સુનિલભાઈએ કેતન સાંભળે તે રીતે ધારિણીબેનને કહ્યું.
ધારિણીબેન નિધીને ફોન કરવા માટે મોબાઇલ લઇને બીજા રૂમમાં ગયા. ફોન કરવાનું તો એક બહાનું જ હતું. એમને ખબર જ હતી કે નિધીને ના પાડી તો પણ એ ટેબલ ટેનિસ રમવા ગઈ હતી.
બરાબર સાત અને ૪૦ મીનીટે નિધીએ વ્હાઈટ ટીશર્ટ અને શોર્ટ્સ માં ઘરમાં પ્રવેશ કર્યો. હાથમાં રેકેટ હતું.
કેતન તો એને જોઈ જ રહ્યો. સુનિલભાઈ નો ચહેરો પણ જોવા જેવો હતો. કેતનના આવી ગયા પછી અડધા કલાક પછી એ આવી હતી. ચા નાસ્તો પણ પતી ગયો હતો.
" અરે બેટા કેતનકુમાર આવવાના હતા તો પણ તું અત્યારે ટેબલ ટેનિસ રમવા ગઈ હતી ? " સુનિલભાઈએ ગુસ્સાને કાબૂમાં રાખીને પૂછ્યું.
" રિલેક્સ પપ્પા. બસ દસ મિનિટમાં જ આવું છું. " કહીને નિધી સીધી એના બેડરૂમમાં ગઈ.
લગભગ 20 મિનિટ પછી નિધી વેસ્ટર્ન આઉટફિટ સાથે ડ્રોઇંગરૂમમાં પ્રવેશી. સુનિલભાઈએ ગુસ્સા ને માંડ કાબુમાં રાખ્યો.
" હાય " નિધિએ કેતનની સામે બેઠક લેતાં એને સંબોધન કર્યું.
" જી નમસ્તે " કેતને બે હાથ જોડી સામે વિવેક કર્યો.
" આઈ એમ સોરી... થોડુંક લેટ થઈ ગયું. " નિધી બોલી.
" ઈટ્સ ઓકે " કેતને જવાબ આપ્યો.
" કેતનકુમાર સાત વાગ્યાના આવી ગયા છે. હવે તમે લોકો બેડ રૂમમાં બેસીને વાતો કરો ચા નાસ્તો પણ પતી ગયો છે. " સુનિલભાઈ બોલ્યા.
નિધી કેતનને બેડરૂમ માં લઇ ગઈ. પોતે સોફામાં બેઠી અને કેતનને બેડ ઉપર બેસવાનું કહ્યું.
" કેમ છો ? મુંબઈ ક્યારે આવ્યા ? પપ્પા તમારા બહુ જ વખાણ કરતા હતા. "
" હા કારણ કે એ દીકરીના બાપ છે. હું બપોરે ત્રણ વાગ્યે જ મુંબઈ લેન્ડ થયો. " કેતને જવાબ આપ્યો.
" સોરી...તમે આવ્યા ત્યારે હું બહાર હતી. હું જરા મોડર્ન વિચારની છું. સાડી પહેરીને, ઘૂંઘટ કાઢીને ચા નાસ્તાની પ્લેટ લઈને મુરતિયાની સામે આવવાની જૂની પરંપરા મને જરા પણ પસંદ નથી. " નિધી બોલી.
" મને એનો કોઈ જ વાંધો નથી. " કેતન બોલ્યો.
" તમે જામનગર છોડીને મુંબઈ સેટ થઈ જતા હો તો !! જે મજા મુંબઈમાં છે એ બીજે ક્યાંય નથી. મને જીમમાં જવાનો, ડાન્સ પાર્ટીમાં જવાનો અને ક્યારેક પાબમાં જવાનો પણ શોખ છે. ક્યારેક ક્યારેક હું ડ્રિંક્સ પણ લઉં છું. તમે તો અમેરિકા રહેલા છો એટલે તમને આ બધી બાબતોથી વાંધો ન હોવો જોઈએ. "
" ના..રે. મને શા માટે વાંધો હોય ? તમારી મરજીના તમે માલિક છો. સિગરેટ પણ પીતાં જ હશો !! "
" હા પણ રોજ નહીં. જ્યારે મારા ફ્રેન્ડ સર્કલ સાથે હોઉં ત્યારે જ " નિધી બોલી.
" મુંબઈમાં છો એટલે ફ્રેન્ડ સર્કલ પણ તમારું મોટું જ હશે. " કેતને હસીને પૂછ્યું.
" બહુ મોટું નહીં. અમારુ છ જણનું એક ગ્રુપ છે. બે બોયફ્રેન્ડ અને ત્રણ ગર્લફ્રેન્ડ !! ઇટ્સ આ લાઈફ યાર !! હું લાઈફને ભરપૂર એન્જોય કરવામાં માનું છું. આઈ હોપ યુ ડોન્ટ માઇન્ડ !! "
" મને શું વાંધો હોય.. તમારું લાઈફ છે .. એન્જોય "
" મને મોડેલિંગ નો બહુ શોખ છે. સારી ટેબલ ટેનિસ પ્લેયર પણ છું. " નિધી બોલી.
" ઘણી બધી આવડત છે તમારામાં તો !!" કેતન બોલ્યો.
" થેન્ક્સ.... બસ મને તમારા જેવા બ્રોડ માઈન્ડેડ હસબન્ડ જ ગમે !! તમે મુંબઈ આવી જાઓ " નિધી બોલી.
" હા.. હા...તમારા માટે થઈને ભવિષ્યમાં મુંબઈ સેટલ થવાનું ચોક્કસ વિચારીશ. "
" ભવિષ્યમાં નહીં કેતન ! હું વર્તમાનમાં જ જીવું છું. તમે આપણાં લગ્ન થાય ત્યાં સુધીમાં મુંબઈ સેટ થવાનું ડિસિઝન લઈ લો. આઈ લાઈક યુ " નિધી બોલી.
" ચાલો.. તમને મળીને બહુ આનંદ થયો. હવે આપણે હોલમાં જઈએ. "
" હા ચાલો. મારા તરફથી આ લગ્ન માટે હા છે . તમે !!! " નિધીએ પૂછ્યું.
" બસ મારો જવાબ પણ તમને બહુ જલદી મળી જશે. " કહીને કેતન બહાર નીકળી ગયો.
કેતન હોલમાં આવીને બેઠો. પાછળ ને પાછળ નિધી પણ આવી.
" કેવી રહી તમારી બંનેની મીટીંગ ? " સુનિલભાઈ એ બંનેની સામે જોઇને પૂછ્યું.
" સરસ રહી પપ્પા. કેતનના વિચારો મારી જેમ એકદમ મોડર્ન છે. લગ્ન થાય ત્યાં સુધીમાં મેં એમને મુંબઈમાં સેટ થઈ જવાનું પણ કહી દીધું છે. " નિધી બોલી.
" ચાલો અંકલ. હું હવે રજા લઉ. થેન્ક્સ ફોર એવરીથીંગ !!" કહીને કેતન ઊભો થયો.
" અરે પણ આમ થોડું જવાય ? સાંજે તમારું ડીનર અહીંયા રાખ્યું છે. "
" સોરી અંકલ... ફરી કોઈ વાર. મને અત્યારે જ એક મેસેજ આવ્યો. મુંબઈ આવ્યો છું તો એક પાર્ટીને મળવાનું મેં કહેલું. હવે એ અત્યારે જ હોટેલ હિલ્ટન જવા નીકળી ગયા છે એટલે મારે પણ જવું પડશે. " કેતન બોલ્યો અને બીજું કોઈ એને કંઈ કહે એ પહેલા બહાર નીકળી ગયો.
સુનિલભાઈ હોશિયાર માણસ હતા. એ બધું સમજી ગયા. જો કે એમાં એમને નિધીનો જ વાંક દેખાયો.
"તમારે લોકોને શું વાતચીત થઈ અંદર ?" હવે સુનિલભાઈએ નિધીનો ક્લાસ લીધો.
" ખાસ કંઈ નહીં. મેં મારા વિશે બધું જ કહી દીધું. જેથી કાલ ઊઠીને એ એમ ના કહે કે નિધિએ મારાથી કંઈ છુપાવ્યું. હું ડ્રીંકસ લઉં છું, ક્યારેક સીગરેટ પણ પી લઉં છું, ફ્રેન્ડ સર્કલ સાથે ડાન્સ પાર્ટીમાં અને પબમાં પણ જાઉં છું. મોડેલિંગ કરું છું વગેરે તમામ સ્પષ્ટતા કરી દીધી. " નિધી બોલી.
" વાહ !! આ બધું સાંભળીને કેતને તને શું કહ્યું ?" સુનિલભાઈનો ગુસ્સો વધી રહ્યો હતો.
" એમણે કહ્યું કે મને આ બધાથી શું વાંધો હોય ? તમે તમારી મરજી ના માલિક છો, તમારું લાઈફ છે, તમે તમારી રીતે એન્જોય કરો " નિધી બોલી.
" બસ તો હવે તમે મા દીકરી એન્જોય કરો. કેતન તો ગયો હવે કાયમ માટે !! તને કોણે કહ્યું હતું કે આવી બધી વાતો એની સાથે અત્યારે કરજે !! એ સાત વાગે આવે ત્યારે તને હાજર રહેવાનું કહેલું તેમ છતાં તું બહાર ગઈ અને કેતન આવ્યા પછી અડધા કલાકે આવી."
" અને તૈયાર થઈને આવી તો પણ આવું વેસ્ટર્ન આઉટફિટ પહેરીને આવી. આજે પહેલી મુલાકાત વખતે તો સાડી પહેરવી જોઈએ ને ? ઢગલાબંધ સાડીઓ છે. અથવા કમ સે કમ સારો ડ્રેસ પહેરવો જોઈએ ને ? અહીં મોડેલિંગનો ફોટો પડાવવાનો હતો ? " સુનિલભાઈ નો ગુસ્સો સાતમા આસમાને હતો.
" ચા નાસ્તો પણ એણે એકલાએ કર્યો. આવી મીટીંગ હોય ? પહેલી વાર આવ્યો હતો એ આપણા ઘરે. કેટલી કન્યાઓની એના ત્યાં લાઈન લાગી છે !! ત્રણસો કરોડની પાર્ટી છે. વેવાઈ બનવાનો સરસ મોકો હાથમાંથી ગયો !! ". પોતાની દીકરીની મૂર્ખાઈના કારણે સુનિલભાઈ ખૂબ જ અપસેટ થઈ ગયા.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)