Highway Robbery - 31 in Gujarati Fiction Stories by Pankaj Jani books and stories PDF | હાઇવે રોબરી - 31

Featured Books
Categories
Share

હાઇવે રોબરી - 31

હાઇવે રોબરી 31

રાઠોડ સાહેબ જવાનસિંહ સાથે વાત કરવા માંગતા હતા. પણ ડોકટર એવું માનતા હતા કે હજુ જવાનસિંહની સાથે વાત કરવા જેવી એની સ્થિતિ નહતી. દરેકનું પોતાનું એક આગવું કાર્યક્ષેત્ર હોય છે. અને કદાચ એ પોતાની રીતે સાચા હોઈ શકે..
' ડોકટર, પોલીસ જવાનસિંહનું બયાન લેવા માગે છે... '
' હજુ પેશન્ટ એ કન્ડીશનમાં નથી. '
' ડોકટર, એ એક મુજરીમ છે. અને એક ગુન્હાના ઉકેલ માટે એનું સ્ટેટમેન્ટ જરૂરી છે.'
' ભલે એ મુજરીમ હોય, પણ હાલ એ એક પેશન્ટ છે. હું તમને પરમિશન નહિ આપું. '
' ડોકટર, તમારી ચિંતા વ્યાજબી છે. પણ તમારે એક પેશન્ટની જેમ ચિંતા છે એમ અમારે આખા સમાજની ચિંતા કરવી પડે છે. મુજરીમોને ફક્ત દયાભાવથી કન્ટ્રોલ નથી કરી શકાતા. તમે શાંતિથી રહી શકો, તમારા બાળકો શાંતિથી રહી શકે એ માટે એમના પર નિયંત્રણ જરૂરી છે. '
' પેશન્ટની તબિયત થોડી સ્ટેબલ થવા દો. '
પણ પેશન્ટની તબિયત સ્ટેબલ ના થઇ. આખરે બહુ માથાકૂટ પછી બીજા દિવસે ડોકટરે જવાનસિંહનું સ્ટેટમેન્ટ લેવાની પરમિશન આપી. કેમકે હજુ એ ભાનમાં હતો. એક વાર એ કોમામાં જતો રહે અથવા બેહોશ થઈ જાય તો સ્ટેટમેન્ટ લેવું મુશ્કેલ થઈ જાય.
' મી. રાઠોડ. તમે જુબાની લેવાનું કામ જલ્દી પતાવશો એવી આશા રાખું છું. અને જો એ દરમિયાન પેશન્ટની તબિયત ખરાબ થાય, તો તમે જુબાની લેવાનું અટકાવી દેશો. '
' ડોન્ટ વરી ડોકટર, તમારી હાજરીમાં હું સ્ટેટમેન્ટ લઈશ. અને તમે કહેશો એટલે અટકાવી દઈશ. '
' થેન્ક્સ રાઠોડ. '
' વેલકમ ડોકટર. '
રાઠોડે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી ડોકટર, એક મેજિસ્ટ્રેટ અને બે અન્ય વ્યક્તિની સામે સ્ટેટમેન્ટ લેવાનું ગોઠવ્યું હતું. વિડીયો રેકોર્ડીંગની પણ વ્યવસ્થા કરી હતી. મેજિસ્ટ્રેટની વ્યવસ્થા કરવામાં તકલીફ પડી. પણ સ્ટેટમેન્ટની વિશ્વસનીયતા માટે એ જરૂરી હતું...
જવાનસિંહને સમજવામાં અને બોલવામાં થોડી વાર લાગતી હતી. રાઠોડ સાહેબે આવા અનુભવ પહેલા પણ અનુભવ્યા હતા. આથી એમણે ટૂંકા પણ સચોટ પ્રશ્નો તૈયાર રાખ્યા હતા. જવાનસિંહ મરવાની અણી પર હતો. જૂઠ બોલવા માટે સચેત મન જોઈએ, જે એની પાસે નહતું. લગભગ પોણા કલાક સુધી પ્રશ્નોત્તરી ચાલી. બધા એ, એ સ્ટેટમેન્ટની કોપીઓમાં સહીઓ કરી.
રાઠોડ સાહેબને જે જવાબો જોઈતા હતા એ બધા જવાબો મળી ગયા. આંગડિયા લૂંટ કેસની વિગતો તેમના હાથમાં હતી.
રાઠોડ સાહેબે કાગળો સાથે વિદાય લીધી. પણ જવાનસિંહ લૂંટ કેસનો આરોપી હતો. એ ભાગવાની કન્ડિશનમાં ન હતો. છતાં રાઠોડ સાહેબે બે કોન્સ્ટેબલની વ્યવસ્થા રાઉન્ડ ધ કલોક માટે કરી..
****************************

સવિતાની હાલત ખરાબ હતી. એનો ભાઈ ભાભી, બે બહેનો અને બનેવી આવી ગયા હતા. આખરે એ એના લોહીના સગા હતા. લોહીના સગપણ એમ ભૂલી નથી શકાતા. માણસ જ્યારે પડી ભાંગવાની અણી ઉપર હોય ત્યારે એ લોહી અચૂક પોકાર સાંભળે છે. બે બાળકોને એ લઈ એની બહેન ઘરે ગઈ. બાળકો કશું સમજી શકવાની ઉંમરના ન હતા. પણ માંને રડતી જોઈ એટલું સમજી શકતા હતા કે પરિસ્થિતિ ખરાબ છે અને એ બાળકો કોઈ પણ દલીલ વગર માસી સાથે ચાલ્યા ગયા.
સવિતાને બીજા લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે કંઈક ભયંકર ખોટું થયું છે અને એમાં વસંતભાઈ ઉપર પણ છાંટા ઉડ્યા છે. એ ભાંગ્યાનો ભેરુ, ભગવાનનો માણસ.. હે પ્રભુ એમને બચાવજે. સવિતાની ખૂબ ઈચ્છા હતી કે રાધા ભાભીને ફોન કરે. પણ એ એવું સમજતી હતી કે પોતાના પતિના કારણે પોતે પણ ગુનેગાર છે. અને રાધા ભાભીનો સામનો કરવાની એની હિંમત ના થઇ.
ડોકટરે ખૂબ મહેનત કરી પણ સ્ટેટમેન્ટ આપ્યાના બીજા દિવસે જવાનસિંહે દેહ છોડી દીધો.
સવિતાને એકલી મૂકી ને... બે બાળકોની જવાબદારી આપી ને... પત્નીની આંખમાં આંસુ મૂકી ને.... બાળકોને નોંધારા કરીને એ ચાલી નીકળ્યો.
અનન્ત યાત્રા એ... સારા ખોટા થી દુર.... લોભ, મોહ, માયા, વાસના, ક્રોધ થી દુર..... ચાલ્યો ગયો એ...
**************************

ટ્રેનના છેલ્લા કોચના એક ખુણામાં એક માણસ ભગવું કપડું ઓઢી સૂતો રહ્યો. એના શ્વાસ ચાલતા હતા. એના શ્વાસ સાથે ઉપર નીચે થતી એની છાતી એના જીવનની હાજરી પુરાવતી હતી. આખરે એ ટ્રેન એક સ્ટેશને ઉભી રહી. એક પછી એક યાત્રીઓ નીચે ઉતરી ગયા. આખરે એ માણસ ઉભો થયો. અને માથે ભગવુ કપડું રાખીને એ નીચે ઉતર્યો. સ્ટેશન પર દૂર એક બોર્ડ હતું..... વારાણસી...

*****************************

તમામ કાર્યવાહી કરી જવાનસિંહની બોડી એના ઘરવાળાને આપવામાં આવી. આંગડીયા લૂંટ કેસની વિગતો પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી હતી. ન્યુઝ ચેનલો પર સતત ટેલિકાસ્ટ ચાલુ હતું....
પાંચ આરોપી... એકનું ખૂન, એકનું અકસ્માતમાં મોત, બે પોલીસની કસ્ટડીમાં, એક ફરાર... પાંચેના ફોટા, એમની જીવની, એમના ઘરના લોકોની વિગતો, એ આરોપીઓના ગામના લોકોના આરોપીઓ માટેના અભિપ્રાય. લૂંટના માલની વિગતો. બીજું ઘણું બધું ટી.વી.પર પ્રસારિત થઈ રહ્યું હતું...
************************

રાધાને સમજાતું ન હતું કે શું ચાલી રહ્યું છે. ઘર માંથી જે રૂપિયા પોલીસે પકડ્યા એનાથી એને સમજાઈ ગયું હતું કે કંઈક ગડબડ છે. લગભગ ચાર દિવસથી વસંત ગાયબ હતો. એમનો ફોન પણ બંધ હતો. કંઇક તો અજુગતું છે જ. ટી.વી. પર સમાચાર જોઈ રાધાનો ભાઈ આવી ગયો હતો..
નંદિની કશું સમજવા સક્ષમ ન હતી. હદય પર લાગેલો એક ઘા હજુ તાજો હતો અને આ બીજો ઘા આવીને ઉભો રહ્યો. પોતાના ઘાને આડકતરો સમજનાર ભાઈ કોઈ મુસીબતમાં ફસાયો હતો...
આસુતોષે વસંતને ઘણી વાર ફોન કર્યા. પણ ફોન બંધ આવતો હતો. એ ઘણીવાર વસંતના ઘરે જઇ આવ્યો. પણ માણસોનો જમેલો જોઈ પાછો જતો રહેતો હતો. આશુતોષની બા જમવાનું બનાવી રાધાના ઘરે આપી જતા હતા. અને રાધા અને નંદિની ને પરાણે જમાડી જતા હતા.
***************************

આજુબાજુના ગામો માં એક જ ચર્ચા હતી. જવાનસિંહનો મૃતદેહ ઘરે આવી ગયો. ગામવાળા, જવાનસિંહના મિત્રો વગેરેથી જવાનસિંહનું ઘર ઉભરાતું હતું. રાધાને પણ સમાચાર મળ્યા હતા. એ લાલાને નંદીની પાસે મૂકી એના ભાઈને લઈ ને સવિતાને મળવા ગઈ. કદાચ વસંતના કોઈ સમાચાર મળે...
રાધા અને સવિતા મળ્યા. એક ગુન્હાની ભાવનાને પોતાના અશ્રુઓથી ધોવા માંગતી હોય એમ સવિતા રાધાને વળગીને ખૂબ રડી. રાધા પણ પોતાની સહેલીની વ્યથા પર ખૂબ રડી. આશુતોષ પણ પોતાના મિત્રની સાથે આવ્યો હતો. આશુતોષ માટે આ બધું અસહ્ય હતું. એને તો એક જ વિચાર આવતો હતો. પોતાનો મિત્ર અને આધારસ્તંભ ગાયબ હતો, કોઈ મુશ્કેલીમાં હતો... અને પોતે કંઈ કરી શકે એમ ન હતો....
જવાનસિંહનો દેહ ઘર માંથી કાઢ્યો ત્યારે આક્રંદથી આખો મહોલ્લો ભરાઈ ગયો. જવાનસિંહનો દેહ પંચમહાભૂતમાં ભળી ગયો. થોડા દિવસ પહેલા હરતો ફરતો શખ્સ દુનિયા છોડી ગયો...

(ક્રમશ:)
23 જૂન 2020