My Equations of Happiness in Gujarati Biography by Vibhu Javia books and stories PDF | મારા સુખના સમીકરણ

Featured Books
Categories
Share

મારા સુખના સમીકરણ


મારા સુખના સમીકરણ

ગયા ઓગસ્ટ માસમાં મેં ત્રેસઠ વર્ષ પુરા કર્યા ત્યારે મને એમ થયું કે જિંદગીના આટલા લાંબા પ્રવાસની ફલશ્રુતિ શું છે. જીવનની મોટા ભાગની પ્રવૃતિઓ પાછળ બધા લોકો નો અંતિમ તો ધ્યેય તો એક જ હોય છે કે સુખ મેળવવું, સુખી થવું. મને થયું ચાલો નક્કી કરું કે હું સુખી છું કે નહી. આનો જવાબ શોધવા ની મથામણ સ્વરૂપ આ લખી રહ્યો છું.

હું સુખી છું.

મારું જીવન સુખી છે.

મારો સંસાર સુખભર્યો છે.

આ બધી ઉક્તિ ઓ જેટલી બોલવામાં કે લખવામાં સરળ લાગે છે, એટલી સમજવા માં સહજ નથી. બે અક્ષર ના શબ્દ સુખ નો અર્થ સમજવા લાખો શબ્દો ભરેલા પુસ્તકો વાંચવા પડે છે જાત જાતના અનુભવો માંથી પાર પડવાનું થાય છે અને સમજાય ત્યાં સુધી માં જીવન ના મોટાભાગના વર્ષો વીતી ગયા હોય છે. દુનિયા નો દરેક મનુષ્ય સુખ મેળવવા માટે જીવનભર દોડતો રહે છે, મહેનત કરે છે, શરીરને ઘસી નાખે છે. હું પણ આમાં અપવાદ નથી. હું પણ ઘણું દોડ્યો, શારીરિક સ્વાસ્થ્યના ભોગે પણ મહેનત કરવા માં પાછી પાની ન કરી.

સર્વ પ્રથમ હું સુખી છું કે નહીં એ શોધવા માટે પહેલા સુખ શું છે કે સુખી હોવું એટલે શું એ સમજવું પડે. વિજ્ઞાન ના અટપટા સિદ્ધાંતો ને સાબિત કરવા પ્રયોગો કરવામાં આવે છે અને પ્રોયોગોના પરિણામો નો ઉપયોગ કરી જે તે સિદ્ધાંત સત્ય છે કે નહિ તે નક્કી કરવામાં આવે છે. એક વિજ્ઞાન પ્રેમી અને એન્જિનિયર હોવાને નાતે મે પણ કંઇક આવીજ રીત અપનાવી છે. આ રીત માં પહેલા તો સુખ ની વ્યાખ્યા સમજવી જરૂરી છે. શોધવા જઈએ તો અનેક વ્યાખ્યાઓ મળે એમાની સૌથી વધુ તર્ક સંગત જે મોટા ભાગના ધર્મો કે તત્વજ્ઞાનીઓ એ સ્વીકારી છે તેવી અમુક જોઈએ.


સુખની વ્યાખ્યાઓ ( Definitions of Happiness )

Happiness is an emotional state characterized by feelings of joy, satisfaction, contentment, and fulfillment.

Happiness is a feeling of pleasure and positivity. When someone feels good, proud, excited, relieved or satisfied about something, that person is said to be "happy".

The term happiness is used in the context of mental or emotional states, including positive or pleasant emotions ranging from contentment to intense joy.

સુખ એક માનસિક સ્થિતિ છે જેમાં વ્યક્તિને પરિતૃપ્તિ, સંતોષ, આનંદ અને ઉત્સાહ નો અનુભવ થાય છે.


દરેક વ્યાખ્યાઓ માં પરિતૃપ્તિ, સન્તોષ, આનંદ અને ઉત્સાહ નો ઉલ્લેખ છે. હવે આ બધી વ્યાખ્યાઓ માં આપેલ આ બધા પરિબળો ની હાજરી જરૂરી છે કે મોટાભાગ ના પરિબળો ની અનુભતિ વ્યક્તિને સુખી છે એવું પ્રમાણ આપે તે સ્પષ્ટ નથી. આવી સ્પષ્ટતા કરવી એ તો તત્વજ્ઞાનીઓ માટે શાસ્ત્રાર્થ નો વિષય છે. મેં તો આવું ઝીણું કાંતવા ને બદલે મે, ઉપરોક્ત વ્યાખ્યા માં દર્શાવેલ દરેક પરિબળો ની અનુભૂતિ નો અનુભવ મને થાય છે કે નહિ તે ચકાસવા નું ઉચિત સમજીને, આગળ વધવાનું નક્કી કર્યું છે. એક પછી એક પરિબળ માટે કરેલ સર્વગ્રાહી મનન ને અહી આલેખવા નો પ્રયાસ કરેલ છે.

પરિતૃપ્તિ. ( Contentment or Feeling content )


પરિતૃપ્તિ એટલે ઈચ્છા, મહત્વાકાંક્ષા અને શોખ પૂરા થવાથી થતી સંતોષ અને પૂર્ણતા ની લાગણી. ઈચ્છાઓ, મહત્વાકાક્ષાઓ અને શોખ એ વ્યક્તિગત બાબત છે. તે દરેક વ્યક્તિ માટે ભીન્ન હોય છે અને પરિતૃપ્તિ નું લેવલ પણ જુદું હોય શકે છે. મારી ઈચ્છાઓ, મહત્વાકાંક્ષાઓ અને શોખ માટેની ક્રમવાર નાનપણથી અત્યાર સુધીની સૂચિ બનાવી તે કેટલી હદે પૂરી થઈ છે તેનું વિશ્લેષણ…


ઈચ્છાઓ ( Wishes )


ચિત્રકામ : પ્રાઇમરી સ્કુલમાં ભણતો ત્યારથી ડ્રોઈંગ અને પેઇન્ટિંગ શીખવાની ઈચ્છા હતી. મે લગનથી પૂરતી પ્રેક્ટિસ કરવાનું ચાલુ રાખ્યું અને પ્રાથમિક શાળા થી હાઈસ્કૂલ નો અભ્યાસ પૂરો થતાં સુધી મા મને આ બન્ને કલાઓ માં ફાવટ આવી અને આ ઈચ્છા પૂરી થઈ ગઈ હતી.


અંગ્રેજી : અંગ્રેજીમાં વાચવા અને વાત વાતચીત કરવાની ક્ષમતા મેળવવાની ઈચ્છા પણ બાળપણથી હતી જે ઘણી મહેનત કર્યા પછી પછી કોલેજ ના પ્રથમ વર્ષમાં પૂરી થઈ ગઈ હતી.


આર્થિક સ્વનિર્ભરતા : વહેવારિક સમજણ આવે તેટલી ઉમર થયા પછી મને કુટુંબ ની આર્થિક સ્થિતિ થી સંતોષ ન હતો. જીવન આરામથી ચાલતું હતું પણ વારંવાર ભાડાના મકાનો બદલવા પડતા હતા અને આકસ્મિક ખર્ચ માટે બીજાઓ પર આધાર રાખવો પડતો. આર્થિક સ્વનિર્ભરતા ની મારી તીવ્ર ઈચ્છા હતી તે હું એન્જિનિયર બન્યા પછી પાચેક વર્ષે પૂર્ણ થઈ. આ મુખ્ય ઈચ્છા માં ઘરનું ઘર, વાહન, થોડી બેંક બેલેન્સ વગેરે નો પણ સમાવેશ થાય છે.


બાકીની ઈચ્છાઓ જેવીકે સારી ડિગ્રી, નોકરી, લગ્ન, બાળકો, તેમનો સારો ઉછેર વગેરે દરેક સામાન્ય વ્યક્તિને હોય છે એવીજ મને પણ હતી જે સમયાનુસાર સરળતાથી પૂરી થઈ ગઈ હતી એટલે તેના વિશે વધુ વિશ્લેષણ કરવાની જરૂર ન લાગી.


મહત્વાકાંક્ષાઓ ( Ambitions )


બિઝનેસ : નાનપણથી મને એવી મહેચ્છા હતી કે પોતાનો કોઈ ફેમિલી બિઝનેસ હોવો જોઈએ. આ માટે ઘણા પ્રયત્નો કર્યા અને પછડાટો ખાધી પછી છેક સાઈઠ વર્ષની ઉમરે સફળતા મળી. આ સફળતાં માં મારા કરતાં મોટા પુત્રની કુશળતા અને મહેનત નું યોગદાન વધુ છે પરંતુ મારી મોટી મહત્વાકાંક્ષા પૂરી થવા નો મને સંતોષ છે. મારી બન્ને પુત્રવધુ ઓ પણ બિઝનેસ માં રસ લઇ રહી છે અને તેઓ પણ એને આગળ વધારશે એવો મને વિશ્વાસ છે.


ટોય અને ગેમ્સ : મને બાળપણથી રમકડાં રમવા કરતા તેની રચના સમજવાનો અને રીપેર કરવાનો શોખ હતો જે યુવાન વયે નવા રમકડાં ની ડિઝાઇન અને તેને બનાવવાની મહેચ્છામાં ફેરવાયો. બાળકો ને ગમે તેવા રમકડાં અને ગેમ્સ બનાવવા ની મહેચ્છા પણ ઘણી મહેનત કર્યા છતાં હું પૂરી કરી ન શક્યો પણ નાના પુત્રે તે પૂરી કરી અને તે ગેમ ડિઝાઇનિંગ આ ક્ષેત્રમાં પારંગત થયો છે અને ઘણો આગળ વધશે જ એ નિશ્ચિત છે.


બચત અને કરકસર પૂર્ણ જીવન : નાનપણ થી મને કોઈ ખોટા શોખ જેમાં પૈસા બરબાદ થાય તેવા ન હતા. મારો પહેરવેશ, પ્રસાધનો અને જીવન શૈલી હમેશા સાદાઇપૂર્ણ રહ્યા છે. મેં હમેશા કરકસર અને પૈસા ની બચત ને પ્રાધાન્ય આપ્યું અને મારા આ અભિયાનમાં લગ્ન પછી મારી પત્નીએ પૂરતો સહકાર આપ્યો હવે આખા કુટુંબ નો અભિગમ પણ એવો જ છે.

શોખ ( Hobbies )


પ્રવાસ : પ્રવાસ કરવો, અવનવા પ્રદેશો અને શહેરો જોવા, અજાણ્યા માણસો અને સંસ્કૃતિ નો પરિચય મેળવવો એ મારો શોખ છે. જીવનભર મે આ શોખ ને નિભાવ્યો, દેશ ના બધાજ રાજ્યોમાં અને અનેક દેશોમાં ઘણું ફર્યો અને મને તે બાબત નો પૂર્ણ સંતોષ છે. હજુ પણ આ શોખ જાળવ્યો છે અને ભ્રમણ ચાલુ જ છે.


વાંચન : મારા પિતાના આ શોખને મેં નાનપણથી જ અપનાવ્યો છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા ના અનેક વિષયો અને અનેક લેખકો ના પુસ્તકો મેં વાંચ્યા. દર મહિને એક પુસ્તક વાંચવાની એવરેજ ને મેં નિવૃત્તિ પછી ત્રણ ગણી કરી દીધી છે. આ શોખ માટે જીવન પર્યન્ત ચાલે એટલા મારી પસંદ ના પુસ્તકો મળ્યાજ કરે છે. મારો આ શોખ મારા વારસો નિભાવશે એવી મને આશા છે.


ચિત્રકામ : સમયાનુસાર મે આ શોખ નિભાવ્યો. સમયાનુસાર બન્ને પુત્રો એ પણ તેમાં રસ લીધો હવે પૌત્રીઓ તે આગળ વધારી રહી છે.


રમતગમત : શોખ હોવા છતાં સમય ના અભાવે હું રમત ગમત માં ભાગ ખુબ ઓછો લઇ શક્યો. ઘણી રમતો માં તક મળી ત્યાં મે ભાગ લીધો. મારો બાકી રહેતો શોખ પૌત્રીઓ અવશ્ય પૂરો કરશે.


જીભ નો ચટકો : અવનવી વાનગીઓ નો ટેસ્ટ કરવો એ મારો શોખ છે. દુનિયાભરની વાનગીઓ મે માણી છે અને મારો આ શોખ પુત્રવધૂઓ જાળવી રાખશે.


વિદેશગમન : વિદેશ માં લાંબો સમય રહેવાની શોખ મે રશિયા, ચાયના અને દુબઈ માં લાંબો સમય રોકાઈને નિભાવ્યો છે. હજુ તક મળશે તો આગળ પણ ચાલુ રાખીશ.


આમ અત્યારે મારી બધી જ ઈચ્છાઓ, મહત્વાકાંક્ષાઓ અને શોખ પૂરા થયા છે. અમુક હજુ પણ થઈ રહ્યા છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે એવું મને લાગે છે . આ કારણ થી હું પરિપૂર્ણતા અનુભવી રહ્યો છું અને મારું મન પરિતૃપ્ત છે.

સંતોષ ( Feeling Satisfied )


આરોગ્ય : મને મારા સ્વાસ્થ્ય અને શારીરિક ક્ષમતા થી સંતોષ છે.


કુટુંબ : મારા કુટુંબીજનો માયાળુ, આધ્યાત્મિક અને પ્રગતિશીલ છે. બધા એક સૂત્રે બંધાયેલ છે. મને મારા કૌટુંબિક જીવન અને કુટુંબ થી સંતોષ છે.


આર્થિક સ્થિતિ : મને મારી અને કુટુંબ ની આવક થી સંતોષ છે.


સમૃદ્ધિ : મને મારા કુટુંબની મિલ્કતો અને બચતો થી સંતોષ છે.


સૌથી મોટો સંતોષ મને હું ભારતમાં જન્મ્યો અને તેના ગૌરવપૂર્ણ આધ્યાત્મિક વારસા નો ભાગ બની ને જીવું છું તેનો છે.

ઉત્સાહ ( Enthusiasm )


મને સંકુચીત, એકસરખી ઘરેડ વાળી જીવન શૈલી ક્યારેય ફાવી નથી અને નવું કરવાનો ઉત્સાહ કાયમ રહ્યો છે. એટલેજ મારી મોટા ભાગની કેરિયર ડેવલપમેન્ટ ને લગતા કાર્યો માં જ વીતી છે. મને જીવનમાં ક્યારેય ઉત્સાહની કમી નો અનુભવ થયો નથી. હું હમેશા નવું શીખવા, અજમાવવા અને આગળ વધવા ઉત્સાહિત રહ્યો છું. મને હજી પણ નવા ક્ષેત્રો માં શીખવાનો અને સાહસ કરવાનો ઉત્સાહ થાય છે. હાલમાં હું લેખન પર હાથ અજમાવુ છું. નવા નવા વિષયો ધ્યાન માં આવતા રહે છે અને ક્ષતિરહિત ભાષા અને બીજાને વાચવું ગમે તેવી રજૂઆત કરવાનુ શીખી રહ્યો છું. હોમ ક્લિનીંગ રોબોટ ની ડિઝાઇન કરી રહ્યો છું, શેરબઝાર વિષે જ્ઞાન મેળવું છું. હજુ પણ નવી નવી જગ્યાએ ફરવાનો ઉત્સાહ કાયમ છે.


આનંદ ( Joy )


આવું થાય તો કે તેવું થાય તો મને આનંદ થાય. આ લોકો ની હાજરી હોય તો મજા આવે. મારા કોઈ વખાણ કરે તો મજા આવે, આવા કપડાં પહેરૂ તો મજા આવે વગેરે વગેરે. જીવન માં આનંદ માટે ની આવી કોઈ પૂર્વ શરતો મે રાખી નથી. કારણ વગર પણ આનંદ માં રહેવાની મે ટેવ પડવાની કોશિશ કરી છે અને તેમાં મહદ અંશે સફળ પણ થયો છું.


બાળકો નું હાસ્ય, પક્ષી ઓ ના કલરવ, મોટા વૃક્ષો પર થતો પાંદડાઓ નો અવાજ, રાત્રિ આકાશ માં થતું તારાદર્શન, હાસ્યલેખ નું વાંચન, ફિલ્મો માં આવતા કોમેડી દ્ર્શ્ય, નવી વાનગી ઓ નો આસ્વાદ, કોઈ નવી બાબત વિશે જાણવા મળવું, કોઈ નવી ટેકનોલોજી ની શોધ વિશે જાણવા મળવુ, ચાલતી ટ્રેન માં આવતો ખટક ખટક અવાજ, નહાતી વખતે શરીર પરથી સરકતા પાણીના બિંદુઓ નો થતો અહેસાસ, ગરમીમાં ગોળાનું ઠંડુ પાણી પીવાનો અને ઠંડી માં ગોદડું ઓઢવાનો અનુભવ, નવા નકોર પુસ્તકમાં આવતી સુગંધ, સસ્પેન્સ વાર્તામાં અને ફિલ્મો નો કલાઈમેક્સ, ટેક ઓફ કે લેન્ડ કરતા પ્લેન નું દૃશ્ય, પત્ની અને પુત્રવધૂઓ માં નવી વાનગી કે નવી ચીજ લેવા માટે થતી વિસ્તૃત ચર્ચા, પુત્રો માં થતી ટેકનોલોજી અને બિઝનેસ ની ચર્ચા, પૌત્રીઓ સાથે રમતો માં ખોવાઈ જવું, તેમને વાર્તાઓ કહેવી, બા માં ચહેરા પર પૂજા કરતી વખતે દેખાતા ભાવો જોવા, મેડિટેશન વખતે મળતા નવા વિચાર કે સમસ્યાઓ ના સમાધાન, મનગમતું ગીત કે સંગીત, વાર્તા કે લેખ લખતી વખતે મનમાં સ્ફુરતા નવા વાક્યો, સૂર્યોદય અને સૂર્યાસ્ત ના મનોહર દ્રશ્યો, કોમ્પુટર સોફ્ટવેર માં નવા ઉપયોગી ફીચર વિશે જાણકારી મળવી, લાંબો સમય ઘરમાં રહ્યા પછી બહાર બગીચા માં થતો કુદરતી વાતાવરણ નો અહેસાસ, પાંદડાઓ પર જોવામળતા ઝાકળના મોતી જેવા ટીપા, ટીવી પર લાઈવ ક્રિકેટ મેચ ના ક્લાઈમેક્સ, નેગેટિવ સમાચારો થી ભરેલા છાપામાં સરકારની નવી યોજના અથવા કોઈ નવી શોધ ના પોઝિટિવ સમાચાર,…. આવી અનેક નાની નાની બાબતો કે પ્રસંગોથી મને આનંદ થાય છે. આવો આનંદ સહજ અને સુલભ છે જે સરળતાથી કોઈ વધુ ખર્ચ કે મહેનત કર્યા વગર મળતો રહે છે.


ગૌરવ ( Proudness )


મને ભારતીય નાગરિક હોવાનું, સત્યવાન અને સંતોષી માતાપિતા ના વારસદાર હોવાનું,

ક્રિએટિવ થીંકર હોવાનું, પ્રોડક્શન એન્જિનિયર હોવાનું, સુશીલ અને સમજદાર ગૃહિણી ના પતિ હોવાનું, સુશિક્ષિત અને સફળ સંતાનો ના પિતા હોવાનું, સમજુ અને પ્રગતિશીલ પુત્રવધૂઓ ના સસુર હોવાનું, હોશિયાર પૌત્રીઓ ના દાદા હોવાનું, એક વિકાસશીલ, સુગઠિત અને સુખી પરિવાર ના મોભી હોવાનું ભરપૂર ગૌરવ છે.


આ બધા પરિબળો નો અભ્યાસ કરતા એવું લાગે છે કે સુખી હોવા માટે જરૂરી આ બધા પરિબળો ની મને અનુભૂતિ થઇ છે, અને હજુ થયાજ કરે છે, તેથી હું એમ કહી શકું કે હું સુખી છું.


સુખ ભર્યું જીવન ( Living Happy Life )


સુખી હોવું અને સુખી રહેવું એ બન્ને અલગ ઘટના છે. જેમ સુખ એટલે શું એ સમજવું અને સુખની અનુભૂતિ કરવી એ સહેલું નથી તેમ સુખ ની મનોદશા કાયમી જાળવવી એ પણ અઘરું કામ છે. રોજિંદા જીવનમાં સંજોગો બદલતા રહે છે અને સુખની અનુભૂતિ પર અસર થયા કરે છે. હર ઘડી આવતા અલગ અલગ પ્રકાર ના વિચારો મનોદશાને ફેરવવાનું કામ કર્યા કરે છે. નરસિંહ મહેતા એ ખુબ યોગ્ય રીતે કહ્યું છે “એક સરખા દિવસો કોઈના જતા નથી.” નવા સંજોગો, ઘટનાઓ થી સર્જાતા પરિબળો વ્યક્તિ ના વિચારો ને અસર કરે છે અને તે સુખ ની મનોદશા માથી બહાર સરી પડે છે. ચિરન્તર સુખ ની અનુભૂતિ કરવા માટે મન ને કેળવવું પડે છે. આવેલ કપરા સંજોગો અથવા નવી પરિસ્થિતિને અનુરૂપ થવું એજ ઉપાય છે. વ્યક્તિ સુખી હોય ત્યારે પણ તેના મનમાં સતત એવું લાગ્યા કરેછે કે કદાચ એનું સુખ છીનવાઈ જશે તો, મિલ્કત જતી રહેશે તો, માંદગી આવશે તો વગેરે વિચારો થી તેની હાલ ની સુખ ની અવસ્થા પણ લોપાય જાય છે અને તે તેને માણી શકતો નથી. આજ રીતે તેને ભૂતકાળ માં બનેલા બનાવો અને દુઃખી અવસ્થા ના વિચાર આવતા પણ આવુજ થાય છે. આવી સમસ્યાઓ ના મેં સમાધાન મેળવવા ની કોશિશો કરી છે તે જોઈએ.

વર્તમાનમાં રહેવું

વર્તમાનમાં રહેવા માટે મેં એક ઉપાય નો ઉપયોગ કર્યો છે તે મુજબ કોઈ પણ વિચાર ને હું વર્તમાનના પરિક્ષેપમાં જોઉં છું. એવો વિચાર આવે કે ફલાણી સાલ માં મેં આ ભૂલ કરી હતી તેથી આમ થયું કે આમ ન થયું. આ વિચાર ને હું એવી રીતે ભુલાવુ વું છું કે ભૂલ તો કરી હતી, તેના પરિણામ પણ ભોગવી લીધા તો પછી હવે શું છે. બીજીવાર આવી ભૂલ ના કરવી તેના પર ધ્યાન દેવું. એવો વિચાર આવે કે ભવિષ્યમાં ધંધામાં ખોટ જશે તો શું થશે. આ વિચારને હું એ રીતે ભૂલવું કે વધુમાં વધુ તો પૈસા જતા રહેશે મારી બુદ્ધિ કે આવડત તો નહીં જાય. ફરીથી મહેનત કરશું અને સધ્ધર થઈશું. પણ એનું અત્યારે શું, થાય ત્યારે જોઈ લેશું. જે વિચાર હાલની પરિસ્થિતિ ને અસરકર્તા લાગે તેને લગતી કાર્યવાહી વિચારી લેવી. ધારો કે એવો વિચાર આવે કે પૌત્રીઓને વિદેશ ભણવા મોકલવા અને તેમના લગ્ન માટે મોટી રકમની જરૂર પડશે તો શું કરીશું . તો તેના માટે જરૂરી બચત નું આયોજન કરી લેતા મનમાં થી એ વિચાર અને તેને લીધે ઉભી થયેલી વ્યગ્રતા દૂર થાય છે. ભૂતકાળ માંથી શીખી લેવું અને ભવિષ્ય નું આયોજન કરી લેવું એ વર્તમાનમાં રહેવાનો શ્રેષ્ટ ઉપાય છે.


સતત પ્રવૃત્તિશીલ રહેવું.

હું મારી બધીજ સર્વિસ વખતે સતત કાર્યશીલ રહેતો અને નસીબ જોગે મને ડેવલપમેન્ટ ને લગતાજ કામ મળ્યા જેમાં રોજ કંઈક નવું કરવાનું હોય. નિવૃત્તિ પછી મેં મનગમતી પ્રવૃતિઓ શોધી લીધી આ લેખન પણ તેમાની જ એક પ્રવૃત્તિ છે.


આનંદ શોધતા રહેવું

ગમે ત્યાંથી આનંદ મેળવતા રહેવું. આનંદ મેળવવા માટે કઈ બહુ બધા પ્રયત્નો કે ખર્ચ કરવા પડે એવું જરૂરી નથી. મેં આગળ જણાવ્યા મુજબ નાની નાની બાબતોમાં રસ લેવો અને તેનો આનંદ મેળવવો.

આધ્યાત્મિક વાંચન

મે આવું વાંચન ત્રીસેક વર્ષ ની ઉમર પછી શરૂ કર્યું હતું અને જે ત્રણ પુસ્તકોએ મારું જીવન બદલવામાં ભાગ ભજવ્યો તે છે Power of Positive Thinking by Norman Vincent Peale, You Can Win by Shiv Khera અને મહાત્મા ગાંધી ની મારા સત્ય ના પ્રયોગો. આ ટેવ મે નિયમિત રીતે ચાલુ રાખી છે અને પછી તો ઘણા પુસ્તકો વાંચ્યા અને વાંચન હજુ ચાલુજ છે. આવા વાંચનનો મોટો લાભ એ થાય છે કે તેમાંથી રોજ બરોજની મોટાભાગ ની સમસ્યાઓનો ઉકેલ મળતો રહે છે, જીવન અભિમાન રહિત અને સંતુલિત રહે છે.


યોગ અને ધ્યાન

મે લગભગ પિસ્તાલીસ વર્ષની ઉમર પછી આધ્યાત્મિક શિબિરો માં જવાનું શરૂ કર્યું. પ્રથમ બાબા સ્વામી ની શિબિર કરી, દસ વર્ષ પછી વિપશ્યના શિબિર કરી અને ધ્યાન નું મહત્વ શીખ્યો. ત્રણ વર્ષ પહેલા સિદ્ધ સમાધિ યોગ ની શિબિર સજોડે કરી. ગુરુ ઋષિ પ્રભકરજી ના સિદ્ધાંતો મન માં ઉતાર્યા અને અનુસર્યા. નિયમિત પ્રાણાયમ પણ શરૂ કર્યું. ધ્યાન કરવાથી વિચારો નું નિયમન થાય છે અને મનોવ્યવહર ના સારાનરસા પાસા નજર સામે આવે છે. મન શાંત થતા નવા ક્રિએટિવ વિચારો આવે છે જે ખૂબ ઉપયોગી થાય છે. પ્રાણાયમ અને યોગ થી શરીર માં સ્ફૂર્તિ આવે છે અને મન પ્રફુલ્લિત રહે છે.


લઘુતમ અપેક્ષા

મેં મારી જાત સિવાય બીજા કોઈ પણ પાસેથી વધુ અપેક્ષા રાખી નથી. મારા સ્વજનોને મેં જેવા છે તેવા સ્વીકાર્યા છે અને મને બધા તરફથી મારી અપેક્ષા કરતા વધુ મળ્યું છે.


મારા આ સિદ્ધાંતો અને પ્રયોગો મને તો અત્યંત ઉપયોગી થયા છે. વ્રતકથા માં આવે છે તેમ સમાપ્તિ માં એટલુ અવશ્ય કહીશ કે આ પ્રમાણે વિશ્વાસ રાખીને નિષ્ઠા પૂર્વક આવા પ્રયોગ કરવાથી જીવન સુખે થી જીવી શકાય છે.