અંતરાએ
વીનિતની સામે જોયું, તે હજુ પણ નીચું મોઢું કરીને જ બેઠો હતો. અંતરાને ત્યારે
વિનીત પર ખૂબ જ દયા આવી રહી હતી. તેણે વિનીતને પૂછ્યું,
“તે નાસ્તો કર્યો છે ઘરે?” વિનીતે
માત્ર ગરદન હલાવીને ના પાડી.
અંતરાએ
પોતાના હાથમાં પકડેલી પૌંઆની ડિશમાંથી એક ચમચી પૌંઆ વિનીતને ખવડાવ્યા. વિનીત થોડો
હળવો થયો.
“ તું
પણ ખા” તેણે અંતરાને કહ્યું. બંનેએ ચા – નાસ્તો કરી લીધો એટલે અંતરાએ વિનીતને
કહ્યું,
“એમ કર, તું ઘરે જઈને ન્હાઈ ધોઈ લે. બપોરનું
ટિફિન લઈને ફાવે તો આવજે. હું પણ રાત્રે બરાબર સૂતી નથી તો બે ત્રણ કલાકની ઉંઘ કરી
લઉં...”
વિનીતે
તરત જ અંતરાની હામાં હા ભણી. તેને આલિંગન
કર્યું અને ‘ બાય’ કહીને નીકળી ગયો.
અંતરા
ફરી એકલી પડી. પલંગ પર લાંબી પડી. તેનાં અને વિનીતનાં લગ્ન કેવી રીતે નક્કી થયા,
તેની યાદોમાં એ સરી પડી.
અંતરા અને વિનીત બંનેના પરિવાર વણિક વાણિયા.
શ્રીનાથજીમાં માને. અંતરા, તેની બહેન વાણી, ભાઈ ચિરાગ અને મમ્મી હેમલતા બેન. આ ચાર
એકબીજાની જીવાદોરી જેવાં હતાં. અંતરાને સમજણ આવી એ પહેલાં તેના પપ્પાનું અવસાન થઈ ગયું
હતું, પણ પપ્પાએ ધંધા પાણી સારા જમાવ્યા હોવાને કારણે હેમલતાબેનને બહુ મુશ્કેલીઓનો
સામનો નહોતો કરવો પડ્યો. સૌથી મોટો ભાઈ ચિરાગ, બહેન વાણી અને સૌથી નાની અંતરા.
ચિરાગ નાનપણથી પપ્પા સાથે દુકાને જતો હોવાથી તેને ધંધાની સારી એવી સમજ આવી ગઇ હતી.
પપ્પા ગુજરી ગયા ત્યારે ચિરાગ વીસ વર્ષનો હતો. પપ્પાની દુકાનમાં વર્ષોથી કામ કરતાં
નિરંજનભાઈ પપ્પાનો જમણો હાથ હતા. પપ્પા બહારગામ ગયા હોય ત્યારે પણ આખી દુકાન એ જ
સંભાળી લેતા... પૂરા વિશ્વાસુ માણસ, પ્રાણ જાય પણ પોતાનું નામ ખરાબ ન થવા દે, એવા
સાચા માણસ.
પપ્પાના અવસાન બાદ નિરંજન ભાઈ જાણે ચિરાગની પડખે
ઉભા રહી ગયા. મંગલદાસ માર્કેટમાં પપ્પાની ધોતીના કપડાની દુકાન હતી. ક્યો માલ ક્યાંથી લેવો? ક્યાં સસ્તો મળશે?
ઉઘરાણી કેટલી બાકી છે? વેપારીઓ સાથે કેવી રીતે ડીલ કરવી? આ બધી સલાહ અને
માર્ગદર્શન નિરંજન ભાઈ ચિરાગને આપતા. ધીરે ધીરે ચિરાગ દુકાનની બધી જ જવાબદારીઓ
સંભાળતો થઇ ગયો. જોકે, તેનો બધો જ શ્રેય નિરંજનભાઈને આપવો ઘટે. તેઓ ચિરાગ સાથે સતત
ખભેખભા મિલાવીને ઊભા હતા. પણ કોઇ દિવસ
ધંધામાં દગાખોરી કરવાનો વિચાર સુદ્ધાં નિરંજન ભાઈને આવ્યો નહોતો.
એટલે જ
તો હું, વીણા અને ચિરાગ તેમને હંમેશા ‘નિરંજન કાકા’ જ કહીને બોલાવતા. ઘણા સંબંધો
લોહીના સંબંધોથી પણ ઉપર હોય છે!! એ નિરંજન કાકાએ સાબિત કરી બતાવ્યું હતું.
અમારા
પરિવાર સાથે નિરંજન કાકા ઢાલની જેમ ઊભા રહ્યા! ચિરાગે લવમેરેજ કર્યા. વીણા અને
મારા અરેન્જડ મેરેજ થયા. વિનીતનું મારા માટે માગું નિરંજન કાકાની ઓળખાણથી જ આવ્યું
હતું! વિનીત ખૂબ જ સરળ અને કેરિંગ નેચરનો હતો. ત્રણ વર્ષના લગ્ન
જીવનમાં હાર્ડલી અમારા વચ્ચે કોઇ ઝઘડો થયો હશે.
જયારે
હુ પરણીને આવી ત્યારે મેં જોયું કે મમતાબેન અને ગરિમાબેનનું જ કહ્યું અમારા ઘરમાં
થતું. મમ્મી તેમના પક્ષે જ હોય. કોઇ પણ નાનો મોટો ઘર માટે નિર્ણય લેવાનો હોય તો
મમ્મી સીધો તે બંનેને ફોન લગાડે. મમતા અને ગરિમાની સલાહ લે. પપ્પાની આ ત્રિપુટી સામે
જરા પણ દાળ ન ગળે...
જોકે મને અને પપ્પાને એકબીજા સાથે બહુ જ ફાવે.
પપ્પાને નવી નવી જગ્યા પર ફરવાનો શોખ, ચટપટી ચીજો ખાવાનો શોખ... જયારે પણ
બજારમાંથી ઘર માટે કંઇક નવું લઇ આવે એટલે મારી પાસે હસતાં હસતાં આવે...
“ જો અંતરા, આ રેકેટ માર્કેટમાં નવું આવ્યું છે.
આનાથી ફટાફટ મચ્છર મરી જાય. બસ્સો રૂપિયા કહેતો હતો, મેં દોઢસો કરાવ્યા... એકદમ નિખાલસ હસે અને બોલે. પચાસનો ફાયદો
થયો ને! હેં?" પપ્પાના રગરગમાં બચત અને
કરકસર લોહીની સાથે વહેતાં હતાં. જ્યાં પણ બે રૂપિયાનોય ફાયદો થાય તો એ ખુશ થઈ જાય.
અમને પણ સલાહ આપે, "દીકરા, બચત કરતાં શીખ... આગળ જઈને
બહુ કામ આવશે.” હું પણ
એટલા જ ઉત્સાહથી કહું, “ પપ્પા, બહુ સરસ છે. હવે રાતે સૂતા પહેલાં હું બંને રૂમમાં
આનાથી મચ્છર મારી દઈશ.”
સામે સોફા પર બેઠાં બેઠાં પોતાની સિરિયલ જોતાં
સાસુમાંને સસરા- વહુની આ બધી વાતોમાં જરાય રસ ન પડે. એમને તો ટીવી મળે એટલે બસ...
એ ભલા ને એમની સિરિયલો ભલી.
મમ્મી
તરત જ પપ્પાને ઠપકો આપતાં કહે, “મારી સિરિયલ ચાલુ હોય ત્યારે જ તમને બંનેને બધી
વાતો કરવી હોય... રૂમમાં જઈને વાતો કરો ને!
પાર્વતી શું બોલી એ સાંભળવા જ ન
દીધું. શાંતિથી કોઇ ટીવી પણ નથી જોવા દેતું આ ઘરમાં... હં.” છણકો કરીને મમ્મી
ટીવીનો અવાજ વધુ મોટો કરી નાખે.
શરૂઆતમાં
મમ્મીનાં આવા ડાયલોગ મને ખુબ જ ચુભતા. મારા ચહેરાના બદલાયેલા હાવભાવ જોઈને પપ્પા તરત જ મને સમજાવે, “બેટા, તારી સાસુનું બોલવાનું મનમાં નહિ લેતી... એનાં
મનમાં કાઈ ન હોય, પણ એની સિરિયલો ચાલુ હોય ત્યારે વચ્ચે હું બોલું તો મને પણ એ
ઠપકો આપી જ દે છે, એટલે તું માઠું નહિ લગાડતી હં દીકરા...” પપ્પાના આવા મીઠા શબ્દો
મારા માટે મરહમનું કામ કરતા. હું તરત જ પપ્પા સામે હસી દેતી.
લગ્ન
પછીના એક
વર્ષમાં જ હું મહેસૂસ કરવા લાગી હતી કે ઘરના કોઇ પણ અગત્યના કામમાં કે નિર્ણયમાં
વિનીતની સલાહ કે મરજી ક્યારેય પુછાતી
નહોતી.
“તું
હજી નાનો છે”, “વિનીતને આમાં શું પૂછવાનું?”
“ વિનીતને કંઇ ખબર ન પડે આ બધામાં...” આવા જ બધા ડાયલોગ મમ્મી, મમતાબેન
અને ગરિમાબેનના મોઢાંમાંથી હું સાંભળતી.
વિનીત
પોતે પણ પોતાના કામમાં જ રત રહેતો. આવી બધી માથાકૂટમાં પડતો નહિ. ઘણીવાર રાત્રે બેડરૂમમાં હું વિનીતને પૂછતી,
“ તું
કેમ ઘરના કોઇ નિર્ણયમાં તારો મત નથી આપતો?”
ત્યારે
વિનીત ખૂબ જ સહજતાથી કહેતો, “એમાં મારા મતની શું જરૂર છે? મમ્મી અને બેન( વિનીત બંને
બહેનોને બેન જ કહેતો) જે નિર્ણય લે એ બરાબર જ હોય...પછી શું એમાં માથું મારવાનું?”
આજે પણ
એક મહત્વનો નિર્ણય લેવાનો સમય આવ્યો છે, ત્યારે પણ વિનીત બંને બહેનોના નિર્ણય પર જ
નિર્ભર છે. એક પિતા તરીકે પોતાની દીકરીને અપનાવવા માટે વિનીત આઝાદ નથી...આ વાત
અંતરાના દિલને ચિરી નાખતી હતી. મન તો થઇ
રહ્યું હતું કે પોતે જોરજોરથી બૂમો પાડીને બંને નણંદોને કહે કે, 'બસ, બહુ થયું હવે. તમારી જોહુકમી અને
જોરજુલમ બહુ થયા... હવે મને અને વિનીતને અમારી ઝિંદગી જીવવા દો. અમારી દીકરીને
અપનાવવાની કે નહિ એ પણ તમે નક્કી કરશો? અંતરાની આંખોમાંથી ક્રોધ સાથે દડદડ આંસુ
વહી રહ્યા હતા. બંને નણંદો પોતાના નામથી એકદમ વિપરીત છે...મમતામાં
મમતાનો છાંટોય નથી અને ગરિમાને કુટુંબની ગરિમા જાળવતાં આવડતું નથી! તેને મન થઈ રહ્યું હતુ કે તે બરાડા
પાડી- પાડીને દુનિયાને કહે, 'મને મારી દીકરી જોઈએ છે...પ્લીઝ, મને કોઈ મદદ કરો.’
બીજી જ
મિનિટે અંતરાએ પોતાના આંસુ લૂછી નાખ્યા અને મનમાં દ્રઢ નિર્ણય કર્યો કે, કંઈ પણ
થાય... આજે તો હું મારી
દીકરીને મારી પાસે લઇને જ રહીશ.
ઘડિયાળમાં
અગિયાર વાગ્યા હતા. સિસ્ટર રૂમમાં થોડી ઝડપી ચાલે આવી અને અંતરાને કહ્યું,
“ડોકટર
આ રહે હૈ...” આમ
તો અંતરા સરખી રીતે જ સૂતી હતી, છતાં ખાતરી માટે તેણે એકવાર પોતાની ચાદર સરખી કરી
લીધી. સિસ્ટરે ઊઠવાની ના પાડી એટલે અંતરા સૂતી જ રહી.
ડો.
અમિત મનચંદાની રૂમમાં આવ્યા. અંતરાનું બ્લડપ્રેશર ચેક કર્યું. નોર્મલ હતું.
“બીજી
કોઇ તકલીફ નથી ને?” અંતરાએ માથું હલાવીને ના પાડી.
ડો. અમિતે
ખૂબ જ શાંત અવાજે પૂછયું, “ તમારા પરિવારના સભ્યો દીકરીને અપનાવવાની કેમ ના પાડે છે?”
અંતરા
પાસે ડોકટરને આપવા માટે કોઇ જવાબ નહોતો. “કાલે રાતે તો બેબીને રૂથી દૂધ
પીવડાવ્યું હતું... પણ રોજ તો આવું ન થાય. બેબી તંદુરસ્ત છે, સરસ મજાનું પેટમાં
પોષાઈને બહાર આવ્યું છે. એટલે તેને બીજી કોઇ તકલીફ નથી... સિસ્ટર, આ પેશન્ટના પરિવારના સભ્યોને
ફોન લગાવીને બોલાવો. આવે એટલે મારી સાથે વાત કરાવો.”
“ ડોક્ટર,
હું તમારી સાથે એકલામાં
વાત કરી શકું?”
અંતરાએ અચાનક જ ડોક્ટરને પૂછી લીધું...
ડોક્ટરે સિસ્ટરને બહાર જવાનો ઈશારો કર્યો.
એટલે સિસ્ટર
તરત જ બહાર જતી
રહી.
ક્રમશઃ
*** ***