Vandana - 13 in Gujarati Love Stories by Meera Soneji books and stories PDF | વંદના - 13

Featured Books
Categories
Share

વંદના - 13

વંદના-૧૩
ગત અંકથી ચાલુ...

સતત પગમાં વાગી રહેલા નાના પથ્થરો થી પગમાંથી લોહીના ટચિયા ફૂટવા લાગ્યા હતા. છતાં મારી માતા મારી હિંમત વધારતા મને સતત દોડતા રહેવાની સૂચના આપી રહ્યા હતા. સતત ચાલતા ચાલતા અમે કેડી પરથી હાઇવે ના રસ્તા પર આવ્યા. હાઈવેના રસ્તા પરની સ્ટ્રીટ લાઇટ અને થોડા ઘણા વાહનોની અવર જવર જોઈને અમને થોડો હાશકારો થયો પરંતુ અચાનક વીજળીની ગર્જના થવા લાગી. ઘનઘોર ઘેરાતા વાદળો અને વીજળીના ચમકારા સાથે મુશળધાર વરસાદ વરસી પડયો. છતાં પણ સખત ફૂંકાતા પવન સાથે વરસાદમાં મારી મા મને ઝડપી ચાલવાનો આદેશ આપી રહી હતી. પરંતુ વરસાદના કારણે રસ્તો પણ ખૂબ જ ધુંધળો દેખાતો હતો. છતાં પણ મારી મા મને ખેંચીને સતત આગળ વધી રહી હતી. અચાનક જ એક પ્રકાશ થયો અને અમારા બંને ની આખો અંજાઈ ગઈ.

હાઇવે પર ઝડપથી દોડતી એક કાર સાથે અમારો અકસ્માત થઈ ગયો અને અમે બંને ત્યાં જ બેહોશ થઈ ગયા. જ્યારે મારી આંખ ખુલ્લી ત્યારે હું એક હોસ્પિટલમાં આઇસીયુના બેડ પર હતી. ત્રણ દિવસે હું હોશમાં આવી હતી. મારા માથા પર વાગેલું હોવાથી માથા પર પટ્ટી બાંધેલી હતી. બાજુમાં રાખેલું મશીન મારી હાર્ટ બીટ માપી રહ્યું હતું. મે રૂમની ચારે બાજુ નજર ફેરવી મારા માથામાં સખત દુખાવો થઈ રહ્યો હતો. મે હળવેકથી મારી માને બોલાવવાની કોશિશ કરી પરંતુ ખૂબ લોહી વહી ગયું હોવાથી મારા માં બોલવાની પણ શક્તિ રહી ના હતી. અચાનક કોઈ મારી પાસે આવતું હોય એવો મને ભાસ થયો મે ધીરે થી તે તરફ નજર ફેરવીને જોયું તો હોસ્પિટલ ની નર્સ મને તપાસવા આવી રહી હતી. તેને મને હોશમાં જોઈને તરત જ ડોકટરને બોલાવવા દોડી ગઈ.

થોડી જ વારમાં ડોકટર મારી પાસે દોડી આવ્યા. મે ધીરેથી આંખ ખોલી ને જોયું તો એક આધેડ વયના દંપતી પણ મારી પાસે આવીને ઊભા હતા. અને તે લોકો ડોકટરને મારા સ્વાસ્થ વિશે પૂછી રહ્યા હતા. તે લોકો મને પોતાની દીકરી કહીને સંબોધી રહ્યા હતા. મને કાઈ સમજાયું નહીં કે તે લોકો મને પોતાની દીકરી તરીકે કેમ ઓળખાવી રહ્યા છે. મે ફરી રૂમની ચારે બાજુ મારી માં ને ગોતવાની કોશિશ કરી. પરંતુ મને મારી માં ક્યાંય નજર ના આવી. એટલે મેં ડોક્ટર સામે પ્રશ્નાર્થ નજરે જોઈને મારી માં ક્યાં છે તેમ પૂછ્યું. પરંતુ ત્યાં ઉભેલા એ દંપત્તિએ મને આરામ કરવાનું કહ્યું ને સાથે આશ્વાસન આપતા કહ્યું કે" દીકરા તું ચિંતા નહી કર અમે છીએને તારા માતા-પિતા. તું આરામ કર અમે તને કઈજ થવા નહિ દઈએ. તું અમારી જવાબદારી છે."

હું આ સાંભળીને મૂંઝવણ માં પડી ગઈ હતી કે હું જે લોકોને જાણતી પણ નથી તે લોકો મારા માતા પિતા હોવાનો દાવો કરી રહ્યા છે. હું એકદમ જ ગભરાઈ ગઈ. મે મારામાં રહેલી તમામ શક્તિ એકઠી કરીને બેડ પરથી ઉભા થવાની કોશિશ કરી. અને માં માં ચિલાવા લાગી. ડોક્ટર ને લાગ્યું કે મારા માથા ઉપર વાગ્યું હોવાથી મારી માનસિક સ્થિતિ ઉપર માઠી અસર પડી હશે જેથી કરીને તેમણે મને બેહોશી નું ઇન્જેક્શન આપીને સુવડાવી દીધી. ત્યાર બાદ ડોક્ટરને એ દંપતીએ અપીલ કરી કે તે લોકો મને પોતાના ઘરે લઈ જવાની સંમતિ આપે અને હવે પછી ની મારી સારવાર તે લોકો તેમના ઘરે જ કરાવશે. બેહોશીની હાલતમાં જ તે લોકો મને પોતાની ઘરે લઈ ગયા.

તે દંપતીએ મારી ખૂબ સારી રીતે સારવાર કરી. હું તે લોકોને વારંવાર મારી મા વિશે પૂછી રહી હતી. પરંતુ તે લોકોએ મને કહ્યું કે" બેટા તું પહેલા પૂરી રીતે સ્વસ્થ થઈ જા પછી જ તારી મા તને મળવા આવશે. તારી માતાએ જ અમને તારી જવાબદારી સોંપી છે." તે દંપતીનો પ્રેમાળ સ્વભાવ અને તેમની દેખભાળ ના લીધે હું જલ્દી સ્વસ્થ થવા લાગી હતી. અકસ્માતને હવે એક મહિનો થવા આવ્યો હતો આખરે મેં મારી મા પાસે જવાની જીદ કરી. અને કહ્યું કે "જો તમે મને મારી મા પાસે નહીં લઈ જાવ તો હું અહીંયા થી ભાગી જઈશ."

મારી ધમકી સાંભળીને એ દંપતિ એકબીજાની સામે મૂંઝવણ ભરી નજરે જોવા લાગ્યા. આખરે તે લોકો પણ સમજી ગયા કે ક્યાં સુધી તે લોકો મને અંધારામાં રાખી શકશે. બે ઘડી અમારા વચ્ચે મૌન પથરાઈ ગયું. મે તો બસ મારી માં પાસે જવાની જીદ પકડી લીધી હતી. થોડીવાર પછી તે લોકો એ મારી પાસે આવી માથા પર હાથ ફેરવતા ખૂબ જ વહાલ થી કહ્યું" બેટા તારી માતા એ અકસ્માતમાં મૃત્યુ પામી છે. અમને માફ કરી દે દીકરા અમે તારા થી આ વાત છૂપાવી પરંતુ અમે તારી માતાને વચન આપ્યું હતું કે તું પૂરી રીતે સ્વસ્થ થઈ જાય પછી જ તેને આ વાત જણાવશું"

મારી માતાના મૃત્યુના સમચાર સાંભળીને હું એકદમ સ્તબ્ધ થઇ ગઇ. મારી આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. મને કલ્પાંત કરતા જોઈ એ દંપતીએ મને પોતાના આલિંગન માં લઇ લીધી અને કહ્યું કે" દીકરા અમને માફ કરી દે તારી માતાનું મૃત્યુનું કારણ પણ અમે જ છીએ. તમારા બનેનો જે કાર સાથે અકસ્માત થયો હતો એ અમારી જ કાર હતી. રાતના અંધારામાં વરસતા વરસાદમાં તમે બંને અચાનક અમારી કાર સામે કેવી રીતે આવી ગયા એ કાઈ ખબર જ ના રહી. પરંતુ અમે લોકોએ તરત જ તમને બંને ને હોસ્પિટલ લઈ ગયા. અમે તારી માતાને બચાવવાની ઘણી કોશિશ કરી છતાં અમે તેને બચાવી ના શક્યા. પરંતુ તેના મૃત્યુ અગાઉ તેણે એના જીવનનો આખો ચિતાર વિગતવાર અમને જણાવ્યો હતો. તારી માતાએ અમને તારી સાથે બનેલી ઘટના અંગે પણ જણાવ્યું. પેલા રાક્ષસ જેવા દેખાતા માણસે તારી સાથે કેવું વર્તન કર્યું ને કઈ રીતે અજાણતાં તે માણસ નું તારા જ હાથે મૃત્યુ થયું. દીકરા તારી માતા ખૂબ બહાદુર સ્ત્રી હતી તેણે તેના જીવનમાં ઘણી પીડા વેઠી છે તારી માતાનું એક સપનું હતું કે તને ભણાવી ગણાવીને મોટી ઓફિસર બનાવે એ સપનું પૂરું કરવાની હવે અમારી જવાબદારી છે"

થોડીવાર માટે અમારા વચ્ચે ફરી મૌન છવાઈ ગયું. હું નિશબ્દ બની ને એ દંપતી સામે જોતી રહી. મને સમજાતું ન હતું કે હું એ લોકો સામે શું પ્રતિક્રિયા આપું. આ એ જ લોકો છે જેમને મને એક નવું જીવન આપ્યું છે પરંતુ મારી માતાનું મૃત્યુ પણ એ લોકોના હાથે જ થયું છે. હું ખુદને લાચાર અને નિરાધાર સમજીને સાંભળતી રહી. મને અંદરથી ખુબજ ડર લાગી રહ્યો હતો. પરંતુ મારી પાસે ત્યારે એ લોકો પર વિશ્વાસ કરવા સિવાય કોઈ રસ્તો ના હતો. પરંતુ તે દંપતીએ એક ટેપ રેકોર્ડર મારી સામે રાખીને તેને શરૂ કર્યું જેમાં મારા માતાના ડૂસકાં સાથેના શબ્દો મારા કાને સંભળાયા.

" મારી દીકરી વંદના મને ખાતરી છે કે તું અત્યારે સહી સલામત હોઈશ અને એ પણ ખબર છે કે મારા મૃત્યુના સમચાર સાંભળીને તું ખૂબ રડતી હોઈશ. દીકરા તારા જન્મ પછી તારા પિતાનું મૃત્યુ થયું પછી મે જ તને માતા અને પિતા બંનેનો પ્રેમ આપ્યો છે. તને ક્યારેય પણ તારા પિતાની ખોટ ના લાગે એનું ધ્યાન રાખ્યું છે. છતાં પણ મારા પર્વરિશમાં ક્યાંય ચૂક થઈ હોય તો મને માફ કરજે દીકરા. આપણો અકસ્માત થવો અને અકસ્માતમાં મારું મૃત્યુ થયું એમાં આ લોકોનો કોઈ વાક નથી કદાચ આપણા નસીબ માં આટલો જ સાથ લખ્યો હશે. મે જ આ લોકોને તારી જવાબદારી સોંપી છે. તે લોકો તને આજીવન અપનાવીને પોતાની અજાણતાં થયેલી ભૂલનું પશ્ચાતાપ કરવા માંગે છે. મે તે લોકોને આપણા કર્મ ની કઠનાઈની વાત વિગતવાર જણાવી દીધી છે. એ લોકોએ મને વચન આપ્યું છે કે તે લોકો તને ક્યારેય તારા માતા પિતાની ખોટ નહિ આવવા દે. મને ખબર છે બેટા કે તું મારી બહાદુર દીકરી છે. તને યાદ છે તું હંમેશા મને કહેતી કે માં હું ભણી ગણીને મોટી થઈને ઓફિસર બનીશ અને પછી તારે કોઈને ત્યાં કામ કરવા નહિ જવું પડે તારે કોઈ સામે લાચાર બની ને નહિ રેહવું પડે. તો બસ બેટા તારે હવે મોટા થઈને આ જ કરવાનું છે ફરક માત્ર એટલો જ હશે કે મારા જેવી લાચાર અને મજબૂર સ્ત્રીઓને તારી મદદથી સન્માન ભર્યું જીવન મળે. દીકરી વંદના હું તો આ દુનિયાથી વિદાય લઈને તારા પિતા પાસે જઈ રહી છું પરંતુ મારા આશીર્વાદ અને મારો પ્રેમ સદા તારી સાથે જ રહેશે. તું હંમેશા ખુશ રહે એવી પ્રભુને પ્રાર્થના. મને માફ કરી દેજે મારી દીકરી હું તને સદા માટે છોડીને આ દુનિયાથી વિદાય લઈ રહી છું."

ક્રમશ...