MOJISTAN - 57 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 57

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

મોજીસ્તાન - 57

જગા ભરવાડ અને નારસંગ બંડેરીએ ઘણી માથાકૂટ કરી પણ સોંડાગર સાહેબ એકના બે ન થયા.બંનેને લોક અપમાં પુરી દેવામાં આવ્યા.બંનેના ફોન પણ જપ્ત કરી લેવામાં આવ્યાં. થોડીવારે સ્થાનિક છાપામાં કામ કરતો એક પત્રકાર આવીને બંનેના ફોટા પણ પાડી ગયો.એ બિચારો ફોટોગ્રાફરની ભૂમિકા પણ ભજવી લેતો હતો.

"અલ્યા અમારા ફોટા છાપામાં આવશે ?" જગાએ પત્રકારને પૂછ્યું.

"હા, તમે પરાક્રમ કર્યું છે તો પ્રખ્યાતી પણ મળવી જોવે ને !"

"તો ઉભો રે.. હું માથું ઓળી લવ.
નારસંગ લાય તો દાંતીયો..'' જગાએ માથાના વાળમાં હાથ ફેરવતા કહ્યું.

"કાંય મારી જાનમાં નથી જાવાનું..
સાનોમાનો મોઢું ઢાંકી દે.આવી રીતે છાપામાં ફોટા આવે ઈ હારું નો કે'વાય..'' કહી નારસંગે મોં આડો રૂમાલ બાંધી દીધો.એનું જોઈ જગાએ પણ રૂમાલ બાંધ્યો.
પણ પેલા પત્રકારે તો પહેલા જ ફોટા પાડી લીધા હોઈ એ હસ્યો.

રાતે દસ વાગ્યે એક જણને પોલીસ પકડી લાવી.એ વજો વાળંદ હતો.

વજાએ લોકઅપમાં આવીને જગા અને નારસંગ પાસે બેઠક લીધી.પછી હળવેથી એના ખિસ્સામાંથી ફોન કાઢયો.એક નંબર ડાયલ કરીને જગો અને નારસંગ તુચ્છ જંતુઓ હોય એમ એ બંનેની સામે જોયું.

"હેલો સમન શાબ્ય, હું વજો.મને બરવાળા પોલીસ ટેસનવાળાએ લોકપમાં ખોસી દીધો સે.તમી ઝટ ફોન કરીન મને સોડાવો.." આટલું કહી એણે ફોન ખિસ્સામાં મૂકી દીધો.

"તને અલ્યા ચીમ ઝાલી લાયા સ ? અન તેં કોને ફોન કર્યો ?"
નારસંગે વજાને પૂછ્યું.

વજાએ જવાબ આપ્યા વગર એના ખિસ્સામાંથી માવાનું પાર્સલ કાઢીને પાર્સલ પરની રબ્બરની રિંગ હળવેથી ખોલી.તમાકુંની પડી અને ચૂનાના પેકેટને નીચે મૂકીને સોપારીના મોટા ટુકડા ભાંગવા લાગ્યો.

થોડીવારે તમાકુંની પડી તોડીને સોપારીમાં નાંખી. ચૂનાના પેકેટના એક ખૂણાને દાંતથી તોડીને ચુનાની પિચકારી તમાકું અને સોપારીના મિશ્રણ પર છાંટી.

ચૂનાના પેકેટને તમાકુના ખાલી
પાઉચમાં નાંખીને માવાને પેલી રીંગ ચડાવીને હથેળીમાં માવો મસળવા લાગ્યો.

જગો અને નારસંગ,વજાને માવો બનાવતા જોઈ રહ્યાં. એ બંનેને માવો ખાવા મળશે એવી આશા હતી.પણ વજાએ માવો ચોળાઈ રહ્યો એટલે હથેળીમાં ઠાલવીને તરત જ મોંમાં ઓરી દીધો.જગો અને નારસંગ જોતા રહ્યાં અને વજો કાગળ સાથે ચોટલી તમાકું પણ ચાટી ગયો !

"બીજો માવો સે ? અલ્યા જરીક જરીક દીધો હોત તો ?" નારસંગે અકળાઈને કહ્યું.

"હું અજાણ્યાને માવાનો વિવેક નથ કરતો.તમે ખાતા હોવ કે નોય ખાતા હોય..બીજો નથી એ સેલ્લો જ હતો.પેલા કિધુ હોત તો આખો તમને જ દઈ દેત.હું તો હમણે બાર્ય જયને ખાવાનો જ સુ..." કહી વજાએ એક ખૂણામાં પિચકારી મારી.

"પણ તને પકડ્યો સુ લેવા.." જગો
માવો મળવાની આશાએ આ સવાલનો જવાબ મેળવવો ભૂલી ગયો હતો.

"અલ્યા ભઈ કંઈ નો'તું..." વજાએ ફરી પિચકારી મારીને જગાના કાન સુધી મોઢું લઈ ઉમેર્યું, "આપડે દેશી પોટલીની હેરફેરનું મોટા પાયે હાલે સે.હપ્તો દીધો'તો તોય આ વખતે પકડ્યો.પણ હમણે બાપનો ફોન આવસે અટલે ઝખ મારીન સોડવો પડસે.."

જગાના કાનમાં થુંક ઉડાડીને વજાએ લોકઅપના ખૂણામાં પિચકારી મારી.કાન ભીનો થતા જગાએ કાનમાં આંગળી નાંખી.

"હાળા મારો કાન ભરી મેલ્યો. તારો ફોન દે ઘડીક.એક ફોન કરવો સે.અમને તો હાવ કારણ વગરના જ ખોસી દીધા સે."

"ભૂંડ્યો બેલેંસ ચ્યાં સે..! છેલ્લો ફોન થાય ઈમ હતું.હવે બેલેંસ ચ્યાં સે..!" વજાએ દાંત કાઢ્યા.

"તારી જાત્યનો..ચેવીનો સો અલ્યા..માવોય સેલ્લો ને ફોનય સેલ્લો ? માળો ઘંહીને ગુમડે સોંપડવામાંય કામ આવે એવો નથી.." નારસંગ ખિજાયો.

એ જ વખતે ચોકીનો લેન્ડ લાઈન ફોન રણક્યો.રઘુ હવાલદારે ફોન ઊંચકીને 'જી શાએબ, જી શાએબ..' કર્યું.એ જોઈ વજો જગા અને નારસંગ સામે આંખ મારીને ઉભો થયો.

"આઈ જ્યો ઈના બાપનો ફોન.
સેડા જોરદાર રાખવા પડે.નકર આ ઠોલિયા હલવાડી દે.હું હમજયા.."

હવાલદાર ફોન મૂકીને લોકઅપ પાસે આવ્યો.લોક ખોલતા ખોલતા એણે વજાને કહ્યું..

"હાલો વજાભઈ. ભલામાણા પેલા કેવાયને.. તમારે ઠેઠ હુંધી લાઈન સે ઈ અમને થોડી ખબર્ય હોય !"

"પેલા કેવી તો તમે માનો ? લ્યો આપડા તરફથી માવો ચડાવો..
અન કાંય કામકાજ હોય તો કે'વાનું, હું હમજયા ? આપડે ગાંધીનગરમાં બોવ ઓળખાણ્યું સે..હવાલદારમાંથી કોન્સેટેબલ થાવું સે ? આપડા ડાબા હાથનો ખેલ સે હું હમજયા ?"

હવાલદાર રઘુએ વજાએ આપેલું માવાનું પાર્સલ લઈને ફરી તાળું માર્યું. જગો અને નારસંગ વજાને મનોમન ગાળો દેતાં દેતાં તાકી રહ્યાં.

"સૂટવું સ ?.." વજાએ જગાએ પૂછ્યું.

"સૂટવું તો હોય જ ને.એક ફોન કરવા દીધો હોત તો અમનેય અમારો સેઠ સોડાવી લેત..''

"કોણ તમારો સેઠ સે ?''

"હુકમસંદ..લાળીજાના સર્પસ.."

"હે..હે..હે...આલે..કર્ય ફોન. કલાકમાં તને સોડાવે તો મુસ મુંડાવી નાખું...વાતમાં સું માલ સે..
આમાં તો સેડા જોવે સેડા.."

જગાએ કંઈ બોલ્યા વગર વજાનો ફોન લઈને હુકમચંદનો નંબર ડાયલ કર્યો.હુકમચંદે ફોન ઉપાડ્યો એટલે જગાએ બધી વાત કરી.સામેથી હુકમચંદે જે કહ્યું એ સાંભળી જગાનું મોઢું પડી ગયું.

"કાં...?'' વજાએ ફોન લેતા પૂછ્યું.

"આંય નવા શાબ્ય મેકાણા સે ઈ બવ કડક સે.પાસા હુકમસંદને ઈ નથી ઓળખતા.પણ કાલ્ય હવારે સોડાવી દેહે.."

"કલાકમાં સૂટવું સ ?" વજાએ ચપટી વગાડીને પિચકારી મારી.

"તો તો તારી જેવો ભગવાનય નય..ભલાદમી." નારસંગે કહ્યું.

વજાએ હવાલદારને એકબાજુ લઈ જઈ કંઈક મસલત કરીને લોકઅપ આગળ આવીને કહ્યું.

"પાંસ હજાર.."

"હે..ય, આટલા બધા ? માય જીયું નય.અમે કાંઈ રાત્યમાં પાંસ હજાર કમય લેવાના નથ.."

"તો ચેટલા દેવા સ..."

"પાનસો દેવી.."

"ઠીક હાલો..બેયના પાનસો પાનસો દેવા હોય તો મારા સેઠને ફોન કરું..અડધી કલાકમાં ઘર ભેગીના નો થય જાવ તો મુસ.."

"બેયના નય..ખાલી પાનસો લેવા હોય તો બોલ્ય.." નારસંગે કહ્યું.

"તો પડ્યા રયો..મારા બેટા.ભાવ કરે સે મારી હાર્યે..ફાયનલ હજાર દેવાના હોય તો બોલો નકર બેય પડ્યા રો..તમારા ડોહા મસરા તોડી નાખસે."

"હારું હાલ્ય દીધા હજાર.." જગાએ આખરે નમતું મૂક્યું

"ઈમ નય..રોકડા જોવે રોકડા.તું કાંય મારી માસીનો ભાણિયો નથ્થ.."

જગાએ ખિસ્સામાંથી હજાર રૂપિયા કાઢીને વજાને આપ્યા. વજાએ એ રૂપિયા ખિસ્સામાં મૂકીને કોઈને ફોન લગાડ્યો.

"હમણે દહ મિનિટમાં તમેં બેય બાર્ય. શું કે'વુ રઘુભાઈ..!''

''હા હો..વજાભાઈના સેડા..અટલે કે'વુ પડે હો.."

રઘુ હજી બોલી જ રહ્યો હતો ત્યાં જ ફોનની રિંગ વાગી.

"જાવ રઘુભાઈ..ઉપાડો ફોન.આ બેયને સોડવાનો હકમ આવી જ્યો.." કહી વજાએ જગા સામે આંખ મારી.

"જી..જી..શાએબ..જી..જી.." રઘુએ જીજી કરીને ફોન મુક્યો.

"મારા પાનસો થાશે. તો જ હું સોડીશ.અને સાહેબે ઈમના હજાર કીધા સે.." રઘુએ માંગણી મૂકી.

"હા તે ઈતો દેવા જ પડે ને ! હવાલદાર કરતા શાબ્ય તો બમણા જ લેને..! હેહેહે..!"

જગો અને નારસંગ મુંજાયા.

"પણ અલ્યા હવાલદાર શાબ્ય, તમારે પેલા કે'વું જોવેને.તમારા પાનસે ને શાબ્યના હજાર..અટલે બીજા પનરસે દેવાના ઈમ ? ઈતો મોંઘું પડે..લાવ્ય ભઈ હજાર પાસા..અમારે નથ સૂટવું.કાલ હુંધી હુઈ રેહું.." જગો નામકર જઇ પાણીમાં બેસી ગયો.

"ઈમ કાંઈ હંતા કુકડી રમ્યા છી ?
આ કંય નાના સોકરાની રમત્ય સે ? તે હાલો મારે નથ રમવું..મારી બા બોલાવે સે..હકંન હું દા નય દવ..હાલી સુ નહેર્યાં સો..આવું નો હાલે.." કહી વજો ચાલતો થયો.

''ટેમ્ભા..ઓલ્યો હોટો લયન હાલો.. આ મારા બેટા હવે પૈસા દેવાની ના પાડે સે.શાબે કિધુ સે ના પાડે તો હોટાવાળી કરજો.." રઘુએ ટેમ્ભાને સાદ પાડ્યો.

"હજાર તો જ્યા.. ભલામાણા. હવે ગુડય પનરસે.નકર હોટા ઠોકશે તો નકામા જધાઈ જાશું.." નારસંગે નિરાશ થઈને કહ્યું.

આખરે જગાએ બીજા પંદરસો રઘુ હવાલદારને આપી દીધા. રઘુએ લોકઅપનો લોક ખોલીને બંનેને બહાર કાઢ્યા.

ચોકીમાંથી બેઉ બહાર નીકળ્યા.જીપ ચોકીની બહાર પડી હતી. એ તરફ બંનેને જતાં જોઈ એક કાર પાસે ઉભેલા વજાએ સાદ પાડ્યો.

"અલા.. એ...ય...આંય આવો આંય...માવો નથી ખાવો ?"

જગો અને નારસંગ વજા સામે ઘડીક તાકી રહ્યા.પછી વજા પાસે આવીને જગાએ ખિજાઈને કહ્યું.

"લૂંટી લીધા ઈમને..! હજારનું કયન પચ્ચીસો દેવરાયા.કેવો માણહ સો તું..!"

"હવે રૂપિયાનું રો માં.આમની હાર્યે ઓળખાણ કરાવું.બરવાળા, બોટાદ,ધંઘુકા અને રાણપરનું પોલીસથાણું ઈમના ખિસ્સામાં જ સે.ચીમ નો બોલ્યા.."

જગા અને નારસંગે વાંકા વળીને ગાડીમાં બેઠેલા વ્યક્તિને જોયો.

"રણછોડભાઈ..ઓળખ્યા ?" વજાએ જરાક ઊંચા અવાજે કહ્યું.

જગો અને નારસંગ થથરી ગયા.
આ જ રણછોડના બુલેટને ટક્કર મારીને એને ખાળીયામાં નાખી દીધો હતો.

"જગા અને નારસંગ.હુકમાનો હાથ મૂકી દયો.અને ખોંગ્રેસમાં આવી જાવ.આજ તો તમને બેયને સોડાવ્યા સે,પણ હજી એક મોટો કેસ તમારી ઉપર લટકી રહ્યો છે..
હિટ એન્ડ રન..નો સમજ્યો ?
એક્સિડન્ટ કરીને ભાગી જાવું એને હિટ એન્ડ રન કેવાય.વીસ વરસની જેલ પડશે.વકીલ ને સાક્ષી બધા તિયાર જ છે.."

જગા અને નારસંગની હાલત કાપો તો પણ લોહી ન નીકળે એવી થઈ ગઈ. જગો વિચારમાં પડ્યો, 'નક્કી આ રણછીડિયાને ખબર પડી ગઈ લાગે સે..હાળો હલવાડી તો દેહે જ.."

"તમારા હુકમાને બરવાળાનો હલવાલદાર પણ ઓળખતો નથી.
આવતી વખતે ધરમશી જીતવાનો નથી..અને તખુભાએ પણ ખોંગ્રેસ જોઈન્ટ કરી દીધી છે સમજ્યા ?
કાલે સવારે અગિયાર વાગ્યે બોટાદ આવી જજો.નકર બાર વાગ્યે તમારા બેયનું વોરન્ટ નીકળશે હમજયા ? રણછોડને મારવો ઈ તમારી જેવા બે બદામના ચમચાઓનું કામ નથી..
સમજાવ્ય વજા, આ બેયને.. નકામા બયરી છોકરા રખડી પડશે.." કહી રણછોડે એની મારુતિ સ્વીફ્ટ હાંકી મૂકી.

જગો અને રણછોડ એને જતો જોઈ રહ્યાં.

"હમજી ગિયાને ? કાલ્ય અગિયાર વાગ્યે બોટાદ ખોંગ્રેસ કાર્યાલયે આવીન સમનભઈ અને આ રણસોડભઈના પગ પકડી લેજો.
નકર જુવાની જેલમાં કાઢવી પડહે..ને ઘરે ગામના રેઢિયાર આંટા મારી જાહે.. લ્યો એક માવો ઠઠાડો..મારે બોટાદથી તમારી હાટુ ધક્કો ખાવો પડ્યો..અને હા, ઓલ્યું દારૂનું પોટકું તમારી જીપમાંથી પકડાણું ઈ આ વજાભઈનું જ હતું હમજયા ?
લ્યો તારે જે માતાજી.." કહી વજો ત્યાં ઉભેલી રિક્ષામાં બેસી ગયો.
જગો અને નારસંગ એકબીજાના મોં સામે જોતા રહ્યા. વજાએ પકડાવેલા માવાનું પાર્સલ એમનું એમ જ જગાના હાથમાં રહી ગયું !

*

ગામના પાળે પહોંચેલા તખુભાએ હળવે હળવે ઢાળમાં ઉતરવાનું ચાલુ કર્યું.મોબાઈલની ટોર્ચ એમના પગ આગળ થોડો ઉજાસ કરી રહી હતી.કમરમાં વાગેલા મૂઢમારના સણકાની વેદનાને કારણે એક હાથ એમણે કમર પર ટેકવ્યો હતો.

ગટરના પાણીમાં મુકેલા પથ્થરોની કેડી પાસે આવીને તખુભા ઊભા રહ્યાં. દૂર પાળા પર જલતી સ્ટ્રીટ લાઈટનું ઝાંખું અજવાળું અહીં સુધી પહોંચતું નહોતું.સામે કાંઠે ડૉક્ટરના કવાટર પાસે જલી રહેલી સ્ટ્રીટ લાઈટનું અજવાળું કવાટરના છજા પર પડતું હોવાથી કવાટરના દરવાજા પર અંધારું પડતું હતું.

તખુભાએ નદી ઓળગંવા પહેલા પથ્થર પર પગ મૂકીને બીજો પગ ઊંચો કર્યો ત્યાં જ એમની કમરમાં સણકો ઉઠ્યો.પીડાથી એમની આંખોમાં થોડીવાર માટે અંધારું છવાઈ ગયું. શરીરે આગળ વધવાની ઘસીને ના પાડી દીધી. પણ તખુભા એક નિઃસહાય વ્યક્તિનો પોકાર સાંભળીને એની મદદે જવા નીકળેલા ક્ષત્રિય હતાં.
બીજાની વ્હારે ચડેલા એમના વડવાઓના માથા કપાઈ ગયા પછી પણ ધડ લડ્યા હતા.તો આ કમરનો દુઃખાવો શું ચીજ કહેવાય ! તખુભાને પાછું વળવું એ કમરના દુઃખવા સામે હારી જવા જેવું લાગ્યું. વળી ડોકટરની ઈજ્જતનો સવાલ હતો.જો ડોકટર ગામ છોડીને જતો રહે તો ગામના ગરીબ દર્દીઓની સારવારનો સવાલ હતો.તખુભાને અડધી રાતે થયેલા મદદના પોકાર નો સવાલ હતો..! તખુભા પહેલા બે પથ્થર પર શરીરનું સંતુલન જાળવી રાખવા કમરના દર્દ સામે યુદ્ધે ચડ્યાં હતા..
'કેડયમાં જરીક દુખાવો થાય ઈમાં હું પાછો વળું ? ઓલ્યા કોક બે જણા દાગતરની ઈજ્જત લૂંટવા ઉભા થિયા છે..અડધી રાતે એ ગરીબડા દાગતરે કોઈને નહીંને મને જ ફોન શું કામ કર્યો હોય ? ઈને પૂરો વશવાસ હોય કે દરબાર આવ્યા વગર નો રે.જરીક અમથા કેડયના ટસકીયાને હું ગણકારું ? હું ? તો તો પછી થઈ રિયું ને ! દાગતર કેતો'તો કે તખુભા નો આવવું હોય તો મુછું પડાવી દેજો..હું તખુભા.. મૂછ મુંડાવીશ ? છાપામાં ઈ લખાવશે કે તખુભાના ગામમાં એક દાગતરની આબરૂ અડધી રાતે લૂંટાણી. દાગતરે ફોન કર્યો તોય તખુભા મદદ કરવા, એક નિરધારનો આધાર બનવા, એક નબળાની વ્હારે નો ધાયા...તખુભા બીય જ્યા.. હું બીય જ્યો ? કોણ તખું ? એક ટચકિયું મને નો સાર્યું ઈમ ? લે હાલ્ય હાલ્ય આમ વગ્દયાં કર્યા વગર ડગલું બાડલ્ય
ભૂંડા..ઝટ કર્ય.. ઓલ્યો દાગતર તારી વાટ જોવે છે..હાવ આમ નો કર્ય..'

તખુભા એમના શરીરને સમજાવે છે.કમરમાં ઉઠતાં સણકાને ચૂપ રહેવાનું કહે છે પણ ડગમગ ડગમગ થતા એ પથ્થરો પરથી એમનો પગ ઊંચો થઈ શકતો નથી..કમરમાં વાગ્યું ત્યારે તમ્મર ચડી જવાથી કેટલું વાગ્યું હતું એ એમને ખ્યાલ આવ્યો નહોતો.પણ હવે બહારની ઠંડી હવા લાગતા કળ ઉતરીને ઘાવ લબકારા કરવા માંડ્યો હતો..

તખુભાએ ડોકટરની મદદે જવાનો નિર્ણય અફર હોવાનું નક્કી કર્યું હતું.ભલે ગમે તેમ થાય પણ આજ પોતે પાછા વળી શકે તેમ નહોતા.

ઘણીવાર થઈ છતાં કમરના ટચકિયા સામે યુદ્ધે ચડેલા તખુભા આગળ વધી ન શક્યા.એટલે ડોકટરે ફરી ફોન કર્યો.ફોન તખુભાના હાથમાં જ હતો એટલે તરત જ ઉપાડ્યો.

"ડોકટર બીતો નહીં. હું આવું છું..
નદીમાં ઉતરી ગયો છું.હમણે જ પોગ્યો માન.. ઈ બે જણાને જાવા નો દેતો. હું આવું છું.. તખુભા આવે છે. ગામના દરબાર આવે છે.ડોકટર તારી આબરૂ ઈ મારી આબરૂ..તું મુંજાતો નહિ. તખુભાએ મુછ્યું પડાવવા હાટુ નથી રાખી.કેડયનું ટસકિયું ઈના મનમાં હમજે છે શું.. હું ઈમ પાછો વળીશ ઈમ માનતું હશે ગોલકીનું..
પણ ઈને ખબર નથી કે ઈ ક્યાં જઈને ભરાણું છે.દાગતર તારે ગામ મૂકીને ક્યાંય જાવાનું નથી..
ઉભો રે'જે.તખુભા તારી મદદે આવી રિયા છે..એ..એ...એ..અરે પણ...અલ્યા..ભારે કરી..ના ના હું ઈમ નો પડું..દાગતર મેં ડગલું બાડલ્યું. ટસકિયું હાર્યું.. તખુભા જીત્યા.."

કમરના દુઃખવાને કારણે તખુભાને સનેપાત ઉપડ્યો હતો.એક જ વાત એમના મનમાં ઘર કરી ગઈ હતી કે દાગતરે પોતાની મદદ માંગી છે.મહાપરાણે આટલું બોલતાં બોલતાં પાછળનો પગ ઊંચકીને આગળના પથ્થર પર ટેકવી દીધો.

ડો.લાભુ રામાણી તખુભાનો લવારો સાંભળીને નવાઈ પામ્યો. તખુભા એને ભાનમાં ન હોય એમ લાગ્યું.

'બાપુએ ચડાવ્યો લાગે છે..!કોઈ દિવસ આવી રીતે તો વાત કરતા જ નથી..આજ કેમ ફટકી ગયું હોય એમ બોલતા હશે ? ટચકિયું
ગોલકીનું..ને દરબાર આવે છે...
તખુભા દારૂને તો હાથ પણ અડાડે એવા નથી. તો શું ઊંઘમાં બબબડતા હશે ? તખુભા નહિ આવે કે શું..! તો સાલ્લા આ બે જણનું શું કરવું..મારા બેટા મારો ફજેતો કર્યા વગર નહિ રહે..'

"ઝટ આવો તખુભા.. આ બે જણા હમણે જાગશે.અને જાગશે તો ન માંગવાનું માગશે..." ડોક્ટરે તાકીદ કરી..

"તું મુંજાતો નહિ..તખુભા ઈ રાંડનાવનો હિસાબ લેશે.અડધું માથું બોડીને મોઢે મેંશ ચોપડશું..
ઊંધા ગધાડે બેહારીને ગામમાં ફેરવશું.. પણ હું પોગુ પછી ઈ હંધુય કરશું..ટસકિયું ઈની માનું હાંઢ ઈના મનમાં હમજે છે શું..
હાળું ગોલકીનું નો હોય નયાં થિયુ.."

"કોને ટચકિયું થયું છે તખુભા..
તમે ક્યારના શું બોલો છો.યાર તમે જલ્દી આવો..અહીં મારો જીવ જાય છે.એક એક મિનિટ હવે ડેન્જર થતી જાય છે..તખુભા જાગો.."

"ઈ ભલે ડેન્જર થઈ જાય.ડેન્જર થઈને અડધી રાત્યે જાશે ક્યાં ? હું આવીને ઈ હંધિય મિનિટુને હમજાવીને સરખું કરી દશ્ય. તું તારે. તું મુંજાતો નહિ..તારી વ્હારે તખુભા આવે છે.."તખુભાને દર્દને કારણે શું બોલી રહ્યાં છે એ પણ ખ્યાલ રહ્યો નહોતો.

ડોકટરે કંટાળીને ફોન મુક્યો. તખુભાનું ધ્યાન હવે ડગલું બદલવા પર કેન્દ્રિત થયું.એ જ વખતે દૂરથી દવાખાનાનું બારણું ખુલવાનો અવાજ આવ્યો. તખુભાએ પથ્થરો પગ ટેકવીને એ બાજુ નજર કરી. દવાખાનામાંથી એક કાળો ઓળો બહાર નીકળતો સ્ટ્રીટ લાઈટના આછા અજવાળામાં તખુભાએ જોયો. કાળું કપડું ઓઢીને એ ઓળો દવાખાનાના પગથિયાં ઉતરી રહ્યો હતો.

' મારું બેટુ ભૂત થિયુ કે શું..!' તખુભા ધ્રુજી ઉઠ્યાં..!

(ક્રમશ :)