Jivan Sathi - 17 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | જીવન સાથી - 17

Featured Books
Categories
Share

જીવન સાથી - 17

મોનિકા બેન પણ માં અંબેને ખૂબ માનતા હતા તેમણે તો બાધા પણ રાખી હતી કે, આન્યા તેમને પાછી મળી જશે તો તે માં અંબેના દરબારમાં તેને લઈને આવશે અને તેના હાથે માં અંબેને ચાંદીનું છત્ર ચઢાવશે.


અને અચાનક તેમને પણ માં અંબેનો હુકમ થયો હોય તેમ તેમણે પણ ડૉ. વિરેન મહેતાને પોતાને અંબાજી લઈ જવા માટે ફોર્સ કર્યો અને વિરેન મહેતાને લઈને અંબાજી પહોંચ્યા.


દર્શનાર્થીની લાઈનમાં મોનિકા બેન અને ડૉ. વિરેન મહેતા આગળ હતા અને તે જ લાઈનમાં તેનાથી થોડેક જ પાછળ ઉભા હતા આન્યા, દિપેન અને સંજુ.

માં અંબેના નામની

ધૂન ચાલી રહી હતી અને આખુંય વાતાવરણ માં અંબેના નાદથી ગુંજી રહ્યું હતું.


મોનિકા બેન અને ડૉ વિરેન મહેતા પોતાની દીકરી પાછી આવી જાય તેવી માં અંબે પાસે ભીખ માંગી રહ્યા હતા અને દિપેન પણ મનોમન માં અંબેને પ્રાર્થના કરી રહ્યો હતો કે, આ નાદાન છોકરીની યાદદાસ્ત જલ્દીથી પાછી આવી જાય અને તેના મમ્મી-પપ્પા તેને મળી જાય.


દર્શનાર્થીઓની લાઈન ધીમે ધીમે આગળ વધી રહી હતી તેમ તેમ મોનિકા બેન અને ડૉ. વિરેન મહેતા પણ માં અંબેના દર્શન કરવા માટે આગળ વધી રહ્યા હતા.


મોનિકા બેન અને ડૉ વિરેન મહેતા માતાજીના દરબારમાં પ્રવેશી ગયા મોનિકા બેને માતાજીને ખૂબ વિનંતી કરી કે, તેમની લાડલી દીકરી આન્યા તેમને જલ્દીથી પાછી મળી જાય અને આમ તે માં અંબેના દર્શન કરીને બહાર પણ નીકળી ગયા પાછળ પાછળ આન્યા દિપેન અને સંજુ પણ માતાજીના દરબારમાં હાજર થયા અને દિપેન પણ માં અંબેને વિનંતી કરવા લાગ્યો કે, આન્યાની યાદદાસ્ત જલ્દીથી પાછી આવી જાય અને તેના મમ્મી-પપ્પા જલ્દીથી તેને મળી જાય. આમ, દિપેન, આન્યા અને સંજુ પણ માતાજીના દર્શન કરીને બહાર નીકળી ગયા.


આન્યાના મમ્મી-પપ્પા અને આન્યા નજીક નજીક હોવા છતાં પણ બંનેનું મિલન થઈ શક્યું નહીં.


બહાર નીકળ્યા પછીથી સંજુએ રોપ-વેમાં બેસીને અંબાજી ગઢ ઉપર ચઢવાની ઈચ્છા બતાવી. પહેલા તો દિપેને ના જ પાડી પરંતુ પછી આન્યાએ પણ ગઢ ઉપર જવા માટે જીદ કરી તેથી દિપેન, આન્યા અને સંજુ‌ ગઢ ઉપર ચઢવા માટે નીકળી ગયા.


આ બાજુ મોનિકા બેન અને ડૉ વિરેન મહેતાને પણ ખૂબજ સરસ માતાજીના દર્શન થયાનો આનંદ થયો પણ મોનિકા બેને ડૉક્ટર વિરેન મહેતાને કહ્યું કે, " આન્યા હોત તો જીદ કરીને પણ આપણને બંનેને ગઢ ઉપર દર્શન કરવા માટે લઈ જાત. "


એટલે ડૉક્ટર વિરેન મહેતાએ પણ મોનિકા બેનને તરત જ પૂછ્યું કે, " તારે જવું છે દર્શન કરવા માટે ? "


મોનિકા બેન: હા, ચાલોને આન્યાને ખૂબ ગમતું હતું તો જઈએ અને કદાચ ગબ્બર ઉપર જઈ દર્શન કરવાથી આપણી ઈચ્છા પૂરી પણ થઈ જાય.


અને બંને જણાં રોપ-વેમાં બેસીને ગઢ ઉપર જવા માટે નીકળી ગયા.


આન્યા દિપેનને પૂછે છે કે, "દિપેન ભાઈ, અહીં આપણે પહેલા એકેય વાર આવેલા છીએ કે પહેલી જ વાર આવ્યા છીએ ?"


દિપેન: કેમ એવું પૂછે છે ?

આન્યા: આ જગ્યા જોઈને મને એવું લાગે છે કે હું પહેલા અહીંયા બહુ વખત આવેલી છું.


સંજુ: તને આટલું જ યાદ આવે છે કે બીજું કંઈ પણ યાદ આવે છે કે તું પહેલા કોની સાથે અહીં આવી હતી ?


આન્યા: દિપેન ભાઈ સાથે જ આવી હોઉં ને વળી બીજા કોની સાથે આવવાની ?


દિપેન: સંજુ બસ હવે, અત્યારે ક્યાં આ બધી વાતો કરે છે તું પણ અને ચલો હવે અહીંયા ધ્યાન આપો આપણો નંબર આવશે હવે.


તેમનો નંબર આવ્યો એટલે દિપેન

, આન્યા અને સંજુ એક જ રોપ-વેમાં સામ સામે ગોઠવાઈ ગયા. રોપ-વેએ થોડી સ્પીડ પકડી અને અધવચ્ચે પહોંચ્યું ત્યાં તો આન્યાએ પોતાના બંને હાથથી પોતાના કાન જોરથી દબાવી દીધા અને એકદમ બૂમો પાડવા લાગી કે, " બચાવો,‌ બચાવો, બચાવો.... " અને દિપેને તેને પકડી લીધી અને તેને પૂછવા લાગ્યો કે, " શું થયું પૂર્વી તને ? " અને એટલામાં તો આન્યા બેભાન થઈ ગઈ અને દિપેને તેને પકડી લીધી.


શું થયું હશે એકદમ આન્યાને તે ફરીથી કોમામાં તો નહીં ચાલી જાય ને ? અને આ ઘટનાથી તેની યાદદાસ્ત પાછી આવી જશે કે નહીં આવે ?

જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ....


~ જસ્મીના શાહ 'જસ્મીન'


દહેગામ


28/9/2021