Jivan Sathi - 16 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | જીવન સાથી - 16

Featured Books
Categories
Share

જીવન સાથી - 16

અને એ દિવસે રાત્રે જ જાણે કંઈ ચમત્કાર થયો હોય તેમ આન્યા અડધી રાત્રે ફરીથી ઝબકીને જાગી ગઈ અને મનમાં ને મનમાં કંઈક ને કંઈક બબડવા લાગી.

દિપેન પણ સફાળો જાગી ગયો અને તેની બાજુમાં જઈને ઉભો રહી ગયો અને આન્યાના બોલેલા શબ્દો ધ્યાનથી ઉકેલવા પ્રયત્ન કરી રહ્યો હતો.

આન્યા: પપ્પા બચાવો, પપ્પા બચાવો બચાવો, પપ્પા મને બચાવી લો...
અને પાછી ચૂપ થઈ ગઈ.

દિપેનને આજે ખૂબજ નવાઈ લાગી અને આનંદ પણ થયો અને આશા પણ બંધાઈ કે, હાશ હવે કદાચ આન્યાને બધું જ યાદ આવી જશે.

અને થોડી વાર તે આન્યા ફરીથી કંઈ બોલે છે તે સાંભળવા માટે ત્યાં જ ઉભો રહ્યો પરંતુ એટલીવારમાં તો આન્યા ફરીથી ઘસઘસાટ સૂઈ ગઈ એટલે દિપેન પણ પોતાના રૂમમાં જઈ સૂઈ જવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

આજે ફરીથી દિપેનની ઊંઘ ઉડી ગઈ હતી અને તે સતત વિચાર્યા કરતો હતો કે, ખરેખર આન્યાને તેનો ભૂતકાળ યાદ આવી ગયો હશે ? માટે જ તો તે તેના પપ્પાને યાદ કરી રહી હશે. આજે માતાજીની કંઈક કૃપા જ થઈ લાગે છે અને એટલે જ આન્યાને તેના ભૂતકાળનું કોઈ સ્વપ્ન યાદ આવ્યું લાગે છે મારે આન્યાને લઈને અંબાજીમાં "માં અંબે"ના દર્શન માટે જવું જોઈએ. કદાચ આન્યાને તેનો ભૂતકાળ તેના મમ્મી-પપ્પા બધું જ યાદ આવી જાય. પણ પહેલા તે બરાબર ભાનમાં આવે તેની તો રાહ મારે જોવી જ રહી.

અને બીજે દિવસે સવારે જ આન્યા ફરીથી ભાનમાં આવી અને પોતાના વિશે દિપેનને પૂછવા લાગી.

દિપેને તેને તે જે ઊંઘમાં બબડી રહી હતી તે જણાવ્યું અને શાંતિથી તેને સમજાવ્યું કે તે કઈ હાલતમાં તેને ક્યાંથી મળી હતી અને પોતે કોણ છે અને પોતાનું શું નામ છે તે પણ યાદ કરવા તેને સમજાવી.

આન્યાને દિપેનના આ બધા પ્રશ્નો અને આ બધી વાતો કંઈજ સમજમાં આવતું ન હતું. તે પોતાનો ભૂતકાળ વધુ યાદ કરવાનો પ્રયત્ન કરતી હતી તો તેને તરત જ માથું દુઃખવા લાગતું હતું અને ચક્કર આવવા લાગતા હતા.

આજે દિપેને તેને માટે લીંબુનું શરબત બનાવીને રાખ્યું તે તેને પીવડાવ્યું અને પછી તેને સુવડાવી જ દીધી.

બીજે દિવસથી આન્યા બરાબર ભાનમાં આવી ગઈ હતી બસ તકલીફ ફક્ત એટલી જ હતી કે તેને તેનો ભૂતકાળ યાદ આવતો ન હતો પણ તે દિપેનને પોતાનો મોટો ભાઈ સમજીને અને આ ઘરને પોતાનું ઘર સમજીને જ દિપેન સાથે રહેવા લાગી હતી. દિપેનને પણ એમજ લાગતું કે મારી નાની બહેન પૂર્વી પાછી આવી ગઈ છે અને તે આન્યાને પૂર્વી કહીને જ બોલાવતો હતો.

હવે આન્યાની તબિયત બરાબર થતાં તે આન્યાને અને પોતાના ફ્રેન્ડ સંજુને લઈને અંબાજી જવા નીકળી ગયો.

***********************

આ બાજુ મોનિકા બેન પણ માં અંબેને ખૂબ માનતા હતા તેમણે તો બાધા પણ રાખી હતી કે, આન્યા તેમને પાછી મળી જશે તો તે માં અંબેના દરબારમાં તેને લઈને આવશે અને તેના હાથે માં અંબેને ચાંદીનું છત્ર ચઢાવશે.

અને અચાનક તેમને પણ માં અંબેનો હુકમ થયો હોય તેમ તેમણે પણ ડૉ. વિરેન મહેતાને પોતાને અંબાજી લઈ જવા માટે ફોર્સ કર્યો અને વિરેન મહેતાને લઈને અંબાજી પહોંચ્યા.

દર્શનાર્થીની લાઈનમાં મોનિકા બેન અને ડૉ. વિરેન મહેતા આગળ હતા અને તે જે લાઈનમાં ઉભા હતા તે જ લાઈનમાં તેનાથી થોડેક જ પાછળ આન્યા, દિપેન અને સંજુ હતા.

જોર જોરથી માં અંબે ના નામની ધૂન ચાલી રહી હતી.

મોનિકા બેન અને ડૉ વિરેન મહેતા પોતાની દીકરી પાછી આવી જાય તેવી માં અંબે પાસે ભીખ માંગી રહ્યા હતા અને દિપેન પણ મનોમન માં અંબેને પ્રાર્થના કરી રહ્યો હતો કે, આ નાદાન છોકરીની યાદદાસ્ત જલ્દીથી પાછી આવી જાય અને તેના મમ્મી-પપ્પા તેને મળી જાય.

હવે માં અંબે મોનિકા બેન, ડૉ. વિરેન મહેતા અને દિપેનની વિનંતી સાંભળે છે કે નહિ ? શું માં અંબેના દરબારમાં જ આન્યાનું તેના મમ્મી-પપ્પા સાથે મિલન થશે ?

જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
21/9/2021