આ બાજુ કંદર્પ અને સીમોલીની તબિયત એકદમ સરસ હતી અને તેમને હોસ્પિટલમાંથી રજા આપીને ઘરે પણ લાવી દીધા હતા પરંતુ આન્યાના પપ્પા ડૉ.વિરેન મહેતા પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ ખાઈને પણ હવે થાકી, હારી અને કંટાળી ગયા હતા પરંતુ આન્યાના કોઈ સમાચાર ન હતા તેથી તેમની મન:સ્થિતિ ખૂબજ બગડતી જતી હતી.
તેમની તબિયત થોડી વધુ ગંભીર બનતી જતી હતી અને તે ડિપ્રેશનમાં આવી ગયા હતાં મોનિકા બેનને તો શું કરવું હવે ક્યાં જવું તે જ સમજમાં આવતું ન હતું ફકત ભગવાન ઉપર પૂરેપૂરો ભરોસો હતો કે મારી આન્યા ચોક્કસ સહી સલામત હશે પણ તે ક્યારે મને મળશે અને મળશે પણ ખરી કે નહીં? તે પ્રશ્નથી તે મૂંઝવણમાં હતા. અને તેમની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગતી હતી.
સમય પસાર થયે જતો હતો ડૉક્ટર વિરેન મહેતાને માનસિક રોગના ડૉક્ટરની દવા ચાલુ કરી દેવામાં આવી હતી. મોનિકા બેન પણ હવે તો ઢીલા પડી ગયા હતા અને આન્યાનું નામ તેમણે ડૉ. વિરેન મહેતાની સામે લેવાનું પણ બંધ કરી દીધું હતું જાણે તે આન્યાને ભૂલવાનો નિરર્થક પ્રયત્ન કરી રહ્યા હતા.
પોતાની જાત કરતાં પણ વધુ વ્હાલી આન્યા તેમને યાદ આવે ત્યારે તે એકલા ને એકલા મનમાં ને મનમાં રડી લેતા હતા. ધીમે ધીમે તેમને આન્યા પાછી આવશે તે આશા પણ હવે છૂટતી જતી હતી.
***********************
આ બાજુ દિપેન પણ આન્યાના ભાનમાં આવવાની અને તેની યાદદાસ્ત પાછી આવવાની રાહ જોતાં થાકી ગયો હતો.
અને ડૉક્ટર સાહેબે "ના" પાડી હતી એટલે આન્યાની વાત દિપેન પોલીસ સ્ટેશનમાં જણાવવા પણ માંગતો ન હતો. અને હવે મા અંબે ઉપર જ ભરોસો રાખવો પડશે એમ બોલીને તે આન્યાને એકલી છોડીને ઘર લોક કરીને પોતાની ઓફિસ જવા નીકળી ગયો.
સાંજે ઓફિસથી ઘરે આવીને તેણે જોયું તો આન્યા તો એની એ જ પરિસ્થિતિમાં હતી.
દિપેનના ઘરે ગંગા કરીને એક છોકરી કામ કરવા માટે આવતી હતી તે હંમેશાં આપ્યાની ચિંતા કર્યા કરતી હતી તે આવીને દિપેનને કહેવા લાગી કે, "સાહેબ આપણે એક કામ કરીએ માં અંબેની બાધા રાખી લઈએ જેથી આન્યા મેડમને એકદમ સારું થઈ જાય."
દિપેન: હા, ગંગા સાચી વાત છે તારી. આજે મને પણ એવો જ વિચાર આવ્યો હતો.
ગંગા: હું બાધા તો રાખું સાહેબ પણ પછી આન્યા મેડમને સારું થઈ જાય એટલે તમારે તેમને લઈને અંબાજી જવું પડશે.
દિપેન: હા ચોક્કસ જઈશ ગંગા કેમ નહિ ? તું તારે રાખી લે બાધા
અને ગંગાએ દિપેનની હાજરીમાં જ માં અંબેની બાધા રાખી લીધી.
અને એ દિવસે રાત્રે જ જાણે કંઈ ચમત્કાર થયો હોય તેમ આન્યા અડધી રાત્રે ફરીથી ઝબકીને ઉઠી ગઈ અને મનમાં ને મનમાં કંઈને બબડવા લાગી.
દિપેન સફાળો જાગી ગયો અને તેની બાજુમાં જઈને ઉભો રહી ગયો અને આન્યાના બોલેલા શબ્દો ધ્યાનથી ઉકેલવા પ્રયત્ન કરી રહ્યો હતો.
આન્યા: પપ્પા બચાવો, પપ્પા મને બચાવી લો, પપ્પા મને બચાવી લો...
અને પાછી ચૂપ થઈ ગઈ.
દિપેનને આજે ખૂબજ નવાઈ લાગી અને આનંદ પણ થયો અને આશા પણ બંધાઈ કે, હાશ હવે કદાચ આન્યાને બધું જ યાદ આવી જશે.
અને થોડી વાર તે આન્યા ફરીથી કંઈ બોલે છે તે સાંભળવા માટે ત્યાં જ ઉભો રહ્યો પરંતુ એટલીવારમાં તો આન્યા ફરીથી ઘસઘસાટ સૂઈ ગઈ એટલે દિપેન પણ પોતાના રૂમમાં જઈ સૂઈ જવાનો પ્રયત્ન કરવા લાગ્યો.
શું ખરેખર ચમત્કાર થશે અને આન્યા તેના મમ્મી-પપ્પાને યાદ કરી શકશે ?
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
14/9/2021