Jivan Sathi - 12 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | જીવન સાથી - 12

Featured Books
Categories
Share

જીવન સાથી - 12

દિવસો ઉપર દિવસો પસાર થયે જતાં હતાં પરંતુ આન્યાના કોઈ સમાચાર હજી ડૉ.વિરેન મહેતાને અને મોનિકા બેનને મળ્યાં ન હતાં.
તેથી બંને ખૂબજ ઉદાસ રહેતાં હતાં.

આ બાજુ દિપેન પણ આન્યાને જલ્દીથી સારું થઈ જાય અને તે જલ્દીથી ભાનમાં આવી જાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો હતો.

પરંતુ આન્યાની પરિસ્થિતિમાં કોઈ ફરક દેખાતો ન હતો. દિપેને આજે ડૉક્ટર સાહેબને ફોન કરીને પૂછ્યું પણ ખરું કે, આન્યાને સારું તો થઈ જશે ને ? અને તે ભાનમાં ક્યારે આવશે ? એટલે ડૉક્ટર સાહેબે પણ એવું જ કહ્યું કે આન્યાને સારું તો થઈ જશે પણ ક્યારે થશે અને તે ક્યારે તે ભાનમાં આવશે તે કંઈજ કહી શકાય નહીં.

આજે ફરીથી રાત્રે ગામમાં લાઈટ બંધ થઈ ગઈ હતી અને દિપેનને રાત્રે એક વાગ્યે લાઈટ ચાલુ કરવા જવાનું થયું હવે આન્યાને ઘરે એકલી કઈ રીતે મૂકીને જવી તે પ્રશ્ન હતો તેથી તેણે પોતાના મિત્ર સંજુને આન્યા પાસે બેસાડીને પોતે હાથમાં ટોર્ચ અને લાકડી લઈને લાઈટ ચાલુ કરવા માટે નીકળી ગયો.

અંધારું ખૂબ હતું સંજુ આન્યાના રુમમાં આરામખુરશી નાંખીને બેઠો હતો લગભગ સૂઈ જ ગયો હતો કે અને અચાનક કોઈ બોલતું કે બબડતુ હોય તેવો અવાજ તેને કાને પડતાં તે સફાળો બેઠો થઈ ગયો અને આજુબાજુ જોવા લાગ્યો કે કોણ બબડી રહ્યું છે પણ રૂમમાં તો તેનાં અને આન્યાના સિવાય બીજું કોઈ હતું નહીં તેણે તરત આન્યાની સામે જોયું તો આન્યા તેને એ ની એ જ પરિસ્થિતિમાં બેભાન અવસ્થામાં જ જોવા મળી.
પછી તેને લાગ્યું કે કોઈ બોલ્યું નથી મને ખાલી એવો ભ્રમ થયો હશે અને તેણે ફરીથી આંખો મીંચી દીધી અને તે સૂઈ જવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

થોડી વારમાં ફરીથી તે ઘસઘસાટ ઊંઘી ગયો અને ફરીથી કોઈનો બબડવાનો અવાજ તેને કાને પડ્યો અને તે ઉઠી ગયો આ વખતે તેને પાક્કી ખાતરી થઈ ગઈ હતી કે ચોક્કસ આ છોકરી જ કંઈક બબડી રહી લાગે છે તે તેની નજીક ગયો અને મોબાઈલની લાઈટ તેના મોં ઉપર ફેંકીને ખાતરી કરવા લાગ્યો કે મારો ભ્રમ સાચો જ છે ને ? પરંતુ આ વખતે પણ તેનો ભ્રમ ખોટો નીકળ્યો. આન્યા તો બેભાન અવસ્થામાં જ હતી.

હવે તેને શું કરવું તે કંઈજ ખબર પડતી ન હતી અને હવે તેની ઊંઘ પણ બિલકુલ ઉડી ગઈ હતી તે દિપેનના આવવાની રાહ જોતો જાગતો જ બેસી રહ્યો.

થોડી વાર પછી દિપેન આવ્યો એટલે તેણે પોતાની સાથે જે બન્યું તે જણાવ્યું. દિપેન સંજુની વાત માનવા તૈયાર ન હતો.

હવે લાઈટ પણ આવી ગઈ હતી દિપેને આન્યાના રૂમમાં લાઈટ ચાલુ કરી અને આન્યાની સામે તે જોવા લાગ્યો પણ આન્યા તો બેભાન અવસ્થામાં જ હતી એટલે તેણે સંજુને તારા મનનો વહેમ છે તેવું કહી વાતને ટાળી દીધી અને બંને નિશ્ચિત બની આગળના રૂમમાં જઈને સૂઈ ગયા.

દિપેન અને સંજુ બંને રાત્રે મોડા જ સૂઈ ગયા હતાં તેથી બંને ઘસઘસાટ ઊંઘી ગયા.

અને સૂર્યનું પહેલું કિરણ આન્યાની આંખ ઉપર પડતાં જ આન્યાના શરીરમાં સળવળાટ થયો અને તે ફરીથી બબડાટ કરવા લાગી. તે શું બોલી રહી હતી તેનું તેને પોતાને કંઈજ ભાન ન હતું.

રાત્રે બે વખત પોતાની સાથે આવું જ બન્યું હતું તેથી સંજુના મગજમાં એ વાત ઘર કરી ગઈ હતી.

તેથી આ વખતે આન્યાનો અવાજ સાંભળતાં જ સંજુની આંખ ખુલી ગઈ અને તે સફળો બેઠો થઈ ગયો અને દિપેનની સામે જોવા લાગ્યો કે દિપેન તો કંઈ બબડી રહ્યો નથીને ?

શું આન્યા ભાનમાં આવી જશે કે પછી નિંદ્રા અવસ્થામાં જ બબડી રહી છે ? જાણવા માટે વાંચતાં રહો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ