બરાબર સવારે નવ વાગે હરમન અને જમાલ પોલીસ સ્ટેશન પર પહોંચી ગયા હતાં. બંન્નેની આંખો લાલ હતી. આખી રાતનો ઉજાગરો બંન્નેની આંખોમાં દેખાઇ આવતો હતો.
ઇન્સ્પેક્ટર પરમસિંહ સવારે આઠ વાગે જ પોલીસ સ્ટેશન આવી ગયા હતાં. હરમન અને જમાલ પોલીસ સ્ટેશન પહોંચ્યા એટલે એમણે એ બંન્ને માટે ચા મંગાવી હતી.
"હરમન આ કેસ પાછળ તારે આખી રાતનો ઉજાગરો થયો લાગે છે. ઉજાગરો કરવાનો કોઇ ફાયદો થયો ખરો?" ઇન્સ્પેક્ટર પરમસિંહે ચા પીતા પીતા પૂછ્યું હતું.
"ઇન્સ્પેક્ટર લાગે તો છે કે ઉજાગરાનો ફાયદો થયો હોય પરંતુ કેસની કેટલીક કડીઓ જોડાતી નથી. આપ દિવ્યેશ મહેતાને ફોન કરી એને બપોરે બાર વાગે મીતા પંડિતના ઘરે બોલાવી લો અને મીતા પંડિતને પણ એમના ઘરે જ હાજર રહેવાનું કહો. જેથી બંન્નેની એક સાથે પૂછપરછ ત્યાં જ કરી શકાય. મીતા પંડિતને પણ સૂચના આપી દો કે અમે તમારા ઘરે જ આવીએ છીએ. તમે પોલીસ સ્ટેશન ના આવતા. હું અને જમાલ એક કામ પતાવી એમના ઘરે પહોંચી જઇશું. આપ પણ બાર વાગે ત્યાં પહોંચી જજો." હરમને ઇન્સ્પેક્ટર પરમસિંહ સામે જોઇ કહ્યું હતું.
ઇન્સ્પેક્ટર પરમસિંહે દિવ્યેશ મહેતાને ફોન કરી બપોરે બાર વાગે મીતા પંડિતના ઘરે બોલાવી લીધો હતો અને મીતા પંડિતને પણ એના પોતાના ઘરે જ રહેવા માટે સૂચના આપી દીધી હતી.
હરમન અને જમાલ પોલીસ સ્ટેશને ચા પીધા બાદ થોડું કામ પતાવવું છે એવું કહી ત્યાંથી નીકળ્યા હતાં અને બપોરે બાર વાગે મીતા પંડિતના ઘરે પહોંચી જશે એવું ઇન્સ્પેક્ટર પરમસિંહને જણાવ્યું હતું.
બપોરે બાર વાગ્યાની આસપાસ ઇન્સ્પેક્ટર પરમસિંહ અને દિવ્યેશ મહેતા બંન્ને મીતા પંડિતના ઘરે આવી પહોંચ્યા હતાં અને હરમનના આવવાની રાહ જોઇ રહ્યા હતાં. વિજય પંડિતે ફોન કરીને પોતાના નાના ભાઇને ઘરે બોલાવી લીધો હતો. બરાબર સવાબાર વાગે હરમન અને જમાલ મીતા પંડિતના ત્યાં આવી પહોંચ્યા હતાં.
વિજય પંડિતના બેડરૂમમાં દિવ્યેશ મહેતા, મીતા પંડિત, વિજય પંડિતનો નાનો ભાઇ અને ઇન્સ્પેક્ટર પરમસિંહ હરમનની રાહ જોઇ બેઠાં હતાં. મીતાએ બધાં માટે ચા બનાવી હતી.
ચા પીતા-પીતા દરેક જણ પોતાના મનમાં ચાલતી ગડમથલ ઉપર નિયંત્રણ રાખી બેઠાં હતાં. એવામાં જ હરમન અને જમાલ વિજય પંડિતના બેડરૂમમાં પ્રવેશ્યા હતાં.
"સોરી ઇન્સ્પેક્ટર સાહેબ, મારે આવવામાં જરા મોડું થઇ ગયું." આટલું બોલી હરમન એમની બાજુમાં રહેલી ખુરશીમાં બેસી ગયો હતો અને જમાલ બેડરૂમમાં કોર્નરમાં મુકેલી ખુરશી ઉપર પોતાની ડાયરી ખોલીને બયાન લખવા માટે તૈયાર થઇ ગયો હતો.
હરમન દિવ્યેશ અને મીતાને બહાર ડ્રોઇંગરૂમમાં લઇ ગયો હતો અને ઇન્સ્પેક્ટર પરમસિંહને પણ સાથે આવવાનો ઇશારો કર્યો હતો. ચારેય જણ ડ્રોઇંગરૂમમાં આવીને સોફા ઉપર બેસી ગયા હતાં. જમાલ પણ હરમન જે સોફા ઉપર બેઠો હતો એની બરાબર પાછળ આવીને ઊભો રહી ગયો હતો.
"દિવ્યેશ, મીતાના પતિ મીતાને ત્રાસ આપે છે એવી ખોટી વાત તે અમને શું કરવા કહી અને આ હોમિયોપેથીક દવા તમે શેના માટે વિજય પંડિતને આપતા હતાં? હવે તમે જો કોઇપણ વાત છુપાવશો તો નાયાબના ખૂનના ઇલ્જામમાં પોલીસ તમને ગીરફ્તાર કરી લેશે." હરમન ખૂબ ગુસ્સા સાથે દિવ્યેશને પૂછી રહ્યો હતો.
હરમનને ગુસ્સે થયેલો જોઇ જમાલ અને ઇન્સ્પેક્ટર પરમસિંહ અચરજ પામી રહ્યા હતાં કારણકે હરમન સામાન્ય રીતે ગુસ્સો કરવાના બદલે શાંતિથી વાત કઢાવવામાં માનવાવાળો માણસ છે.
"જુઓ મી. હરમન, નાયાબનું ખૂન મેં કર્યું નથી. વિજય પંડિતને હું એવી દવા આપતો હતો જેના કારણે તેઓ માનસિક રીતે જે હતાશા અને નિરાશા અનુભવતા હતાં એમાંથી એ બહાર નીકળી જાય અને આ બહાને હું એમની સાથે મિત્રતા અને સંબંધ વધારતો હતો જેથી કરીને હું મીતાને સરળતાથી મળી શકું. આ દવા હું છેલ્લા એક વર્ષથી એમને આપતો હતો. તેઓ મીતાને દરેક વાત ઉપર ત્રાસ આપી રહ્યા હતાં. એ તમારી જોડે એકદમ સારી રીતે અને મૃદુ અવાજમાં વાત કરતા હશે પરંતુ જ્યારે મીતા ઉપર ગુસ્સો કરતા હોય ત્યારે તમે કલ્પી જ ના શકો કે વિજય પંડિત આવા છે!!! એટલી હદે એ મીતા સાથે ઝઘડો અને મારઝૂડ પણ કરે છે. નાયાબ અમે બંન્ને મળીએ છીએ એ વાત જાણી ગયો હતો અને એટલે જ એ મને બ્લેકમેલ કરી રહ્યો હતો અને મીતાને વિજય પંડિતના ધંધામાં ઇન્કમટેક્ષની રેડ પડાવીશ અને મીતાએ એમની જાસૂસી કરાવી એવું કહી દઇશ એવી ધમકી આપીને બ્લેકમેલ કરતો હતો. અમે બંન્ને નાયાબને પૈસા આપવા જતા હતાં અને અમે બંન્ને એકબીજાને ઓળખીએ છીએ એ વાત મીતાએ મારા કહેવાથી તમારાથી છુપાવી હતી. મારામાં ખૂન કરવાની હિંમત નથી. પરંતુ જો મારામાં હિંમત હોત તો હું નાયાબનું ખૂન ચોક્કસ કરી નાંખત. નાયાબ એટલો ખરાબ માણસ હતો." દિવ્યેશ મહેતાએ આંખમાં આંસુ સાથે કહ્યું હતું.
"મીતાજી, તમારા પતિ ક્યારથી ચાલતા થઇ ગયા છે?" હરમનનો સવાલ સાંભળી બધાં ચોંકી ગયા હતાં.
"મી. હરમન, મારા પતિ ચાલી નથી શકતા. એ પોતાના પગ ઉપર ઊભા પણ રહી શકતા નથી. આ તમે કાલે તો તમારી આંખે જોયું હતું." મીતા પંડિતે હરમનને કહ્યું હતું.
ઇન્સ્પેક્ટર પરમસિંહ હરમનનો સવાલ સાંભળી ગૂંચવાઇ ગયા હતાં.
"ચાલો, હવે આપણે અંદર જઇએ અને વિજય પંડિતને કેટલાંક સવાલો પૂછીએ." હરમને વિજય પંડિતના બેડરૂમમાં જતાં કહ્યું હતું.
બધાં બેડરૂમમાં જઇ ખુરશી ઉપર બેસી ગયા હતાં. જમાલ અને વિજય પંડિતનો નાનો ભાઇ જગ્યાના અભાવે ઊભા રહ્યા હતાં.
"મી. વિજય પંડિત, તમારો જ્યારે અકસ્માત થયો ત્યારે ડોક્ટર દીપક દવેએ તમારું ઓપરેશન કર્યું હતુંને? અને એમની સર્જરીથી તમે બચી શક્યા હતાં, બરાબરને?" હરમને વિજય પંડિતને પૂછ્યું હતું.
"તમને કઇ રીતે ખબર પડી કે મારું ઓપરેશન ડો. દીપક દવેએ કર્યું હતું? પણ હા, તમારી વાત સાચી છે. મારું ઓપરેશન એમણે જ કર્યું હતું અને એમના કારણે જ હું બચી શક્યો છું. પરંતુ મારા આ અકસ્માત અને ખૂન વચ્ચે શું સંબંધ છે?" વિજય પંડિતે જવાબ આપવાની સાથે સાથે સવાલ પણ પૂછ્યા હતાં.
"કાલે અમે તમારા ઘરે આવ્યા ત્યારે ડો. દીપક દવેની હોસ્પિટલની ફાઇલ ટેબલ ઉપર પડી હતી. એના ઉપરથી મને ખબર પડી ગઇ કે તમારું ઓપરેશન એમણે કર્યું છે. બીજું, પલંગની બરાબર બાજુમાં તમારી સ્લીપર પડી હતી. તમારા પગના તળિયા મેં જોયા તો એના ઉપર જમીન ઉપર રહેલી ધૂળ લાગી હતી. તમારી એક સ્લીપર ઊંધી પડી હતી. તમારા પગના તળિયે જે ધૂળ હતી એવી ધૂળ ઊંધી પડેલી સ્લીપર પર પણ હતી. એના પરથી મેં અનુમાન લગાવ્યું કે તમે ચાલી શકો છો. પરંતુ એ વાતની ખાતરી કરવા આજે હું સાડાદસ વાગે ડો. દીપક દવેની હોસ્પિટલ ગયો હતો. ત્યાંથી મને ખબર પડી કે તમે છેલ્લા પંદર દિવસથી ધીરે ધીરે ચાલી શકો છો પરંતુ આ વાત તમે છુપાવી રાખી છે. હવે તમે સાચું કહી દો નહિતર પોલીસ એની રીતે તમારી જોડે પૂછપરછ કરશે." હરમને વિજય પંડિતની સામે જોઇ કહ્યું હતું.
વિજય પંડિત થોડીવાર માટે ચૂપ રહ્યો હતો પછી એ ધીરેથી બોલ્યો હતો.
"લગભગ ત્રણ મહિના પહેલા મીતાના મોબાઇલ ફોનમાં મેં ઓટોમેટીક રેકોર્ડીંગ થાય એવું સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું છે જેના રેકોર્ડીંગ ઉપરથી મને નાયાબ મીતાને બ્લેકમેલ કરી રહ્યો છે એની ખબર પડી હતી. મને દિવ્યેશ અને મીતા વચ્ચેના પ્રેમપ્રકરણની માહિતી પણ આ જ રેકોર્ડીંગ ઉપરથી મળી હતી. પરંતુ મને મારી પત્નીના ચરિત્ર ઉપર કોઇ શંકા ન હતી. મારો સ્વભાવ ક્રોધ વાળો ચોક્કસ છે અને એટલે જ જ્યારે મેં એવું સાંભળ્યું કે નાયાબ મારી પત્નીને બ્લેકમેલ કરી રહ્યો છે એટલે હું નાયાબને મળવા માટે એના ઘરે ગયો હતો અને નાયાબને મારી પત્નીને બ્લેકમેલ ના કરે એના માટે સમજાવ્યો હતો. મને ખબર હતી કે નાયાબ મારી વાત માનશે નહિ. એ દિવસે મારી દવાની શીશી જ્યારે હું એને મળીને બહાર નીકળતો હતો ત્યારે ખિસ્સામાંથી પડી ગઇ હોય એવી મને શંકા હતી. હું એને મળવા ગયો એ વખતે સાંજના લગભગ સાત વાગ્યા હતાં અને આ વાત નાયાબનું ખૂન થયું એના આગલા દિવસની છે. જે દિવસે નાયાબનું ખૂન થયું એ દિવસે હું મારા ઘરે જ હતો અને આ મારા નાના ભાઇ સાથે એક જમીન ખરીદીની બાબતમાં ચર્ચા કરી રહ્યો હતો અને રાતના નવ વાગે અમે બંન્ને છૂટા પડ્યા હતાં. મારો કેરટેકર મેથ્યુ પણ હું અહીંયા હતો એટલે એ પણ મારી હાજરીની જુબાની આપી શકે એમ છે. હું ચાલી શકું છું એ વાત મેં ઘરનાથી એટલા માટે છુપાવી હતી કે નાયાબને હું મારી નાંખવાની ઇચ્છા ધરાવતો હતો. એટલે જ્યારે હું નાયાબનું ખૂન કરું ત્યારે મારા પર આરોપ ના આવે અને એ કારણે જ હું ચાલી શકું છું એ વાત મેં ગુપ્ત રાખી હતી. જે દિવસે હું એને મળ્યો એ દિવસે મને એવી કોઇ તક મળી ન હતી અને બીજા દિવસે તો નાયાબનું ખૂન થઇ ગયું. બસ આટલી જ વાત છે અને મેં કીધેલી દરેક વાત સાચી છે." વિજય પંડિતે હરમન સામે જોઇ કહ્યું હતું.
"સારું મી. વિજય પંડિત, તમે જે વાત કીધી છે એને અમે સાચી માની રહ્યા છીએ પરંતુ જ્યાં સુધી પોલીસ કાર્યવાહી પૂરી ના થાય ત્યાં સુધી તમે આ શહેર છોડતા નહિ." આટલું બોલી ત્રણે જણ મીતા પંડિતના ઘરમાંથી બહાર નીકળી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં.
"હરમન, આ તો ખોદ્યો પહાડ અને નીકળ્યો ઉંદર એવી ઘટના થઇ છે. આ કેસનો ગુંચવડો વધતો જાય છે." ઇન્સ્પેક્ટર પરમસિંહે હરમન સામે જોઇ કહ્યુ હતું ત્યારે હરમન ઊંડા વિચારોમાં હતો.
"ઇન્સ્પેક્ટર સાહેબ, કાલે રાજેશ ઝવેરી અને એમના પત્ની સુજાતા ઝવેરીને પોલીસ સ્ટેશન બોલાવી લો. હું તમને અત્યારથી જ કહી દઉં છું કે મારી પાસે કોઇ પુરાવો નથી હું અંધારામાં ગોળીબાર કરી રહ્યો છું. મારું માનવું એવું હતું કે વિજય પંડિત જ ખૂની છે પરંતુ આ કેસની એક મહત્ત્વની કડી મને હમણાં જ સમજાઇ છે. જો હું સાચી દિશામાં વિચારતો હોઇશ તો કાલે નાયાબનો ખૂની આપણને મળી જશે." હરમને ઇન્સ્પેક્ટર પરમસિંહને કહ્યું હતું.
"હરમન, આજે વિજય પંડિતના ઘરે જે ફિયાસ્કો થયો એવો ફિયાસ્કો હવે આગળ ના થાય એનું ધ્યાન રાખજે. આજની તારી શંકા નિરાધાર નીકળી અને તું જેને ખૂની સમજતો હતો એ નિર્દોષ નીકળ્યો માટે હવે દરેક પગલાં વિચારીને લેજે." ઇન્સ્પેક્ટર પરમસિંહે અકળાઇને કહ્યું હતું.
"હા, આપની વાત સાચી છે. હું હવે જે કંઇપણ સ્ટેપ લઇશ એ ખૂબ જ વિચારીને લઇશ. આપ નિશ્ચિંત રહો." આટલું બોલી હરમન અને જમાલ પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળી ગયા હતાં.
"નાયાબ મરતા તો મરી ગયો પણ મને ફસાવી ગયો. જો અસલી ખૂની નહિ પકડાય તો શંકાની સોય ફરીવાર મારા તરફ આવશે." હરમને જમાલને કહ્યું હતું.
ક્રમશઃ...
(વાચકમિત્રો, જાસૂસનું ખૂન આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને વધારે સારી રીતે હું વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)
- ૐ ગુરુ