રાજેશ ઝવેરી એમની પત્ની સુજાતા ઝવેરી સાથે બરાબર દસ વાગે પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતાં અને ઇન્સ્પેક્ટર પરમસિંહ સાથે એમની કેબીનમાં બેઠાં હતાં.
"મી. રાજેશ ઝવેરી, જો તમને વાંધો ના હોય તો હું તમારી સાથે એકલામાં વાત કરવા માંગુ છું." ઇન્સ્પેક્ટર પરમસિંહે કહ્યું હતું.
"ઇન્સ્પેક્ટર સાહેબ, આ મારી પત્ની છે, સુજાતા ઝવેરી અને હાઇકોર્ટમાં વકીલ પણ છે. માટે તમારે જે કંઇ પણ પૂછવું હોય એ મારી પત્નીની સામે જ મને પૂછી શકો છો. મારા જીવનની એવી કોઇ વાત નથી કે જે મારી પત્ની ના જાણતી હોય." રાજેશ ઝવેરીએ હસતાં હસતાં ઇન્સ્પેક્ટર સામે જોઇ કહ્યું હતું.
રાજેશ ઝવેરીની વાત જેવી પૂરી થઇ એવામાં જ હરમન કેબીનનો દરવાજો ખખડાવી કેબીનમાં દાખલ થયો હતો. હરમનને જોતાં જ રાજેશ ઝવેરીનો ચહેરો ઉતરી ગયો હતો અને હાસ્ય મુખ ઉપરથી ગાયબ થઇ ગયું હતું.
"હેલો મી. રાજેશ, કેમ છો તમે?" હરમને રાજેશ ઝવેરી સામે ત્રાંસી નજરે જોઇ પૂછ્યું હતું.
"હા સારું છે, તમે કેમ છો?" રાજેશ ઝવેરીએ દીવેલ પીધા જેવું મોં કરી પૂછ્યું હતું.
"હા બસ તમારી જેમ જ આનંદમાં છું." આટલું બોલી હરમન ઇન્સ્પેક્ટરની બાજુમાં મુકેલી ખુરશીમાં બેસી ગયો હતો.
"ઇન્સ્પેક્ટર પરમસિંહ આપણે વાતચીત એકલામાં ના કરી શકીએ. હું કોઇ ત્રાહિત વ્યક્તિ સામે મારો જવાબ આપવા માંગતો નથી. હું શું કહેવા માંગુ છું એ સમજ્યાને તમે સાહેબ?" રાજેશ ઝવેરીએ પરમસિંહ સામે જોઇ કહ્યું હતું.
"જુઓ મી. રાજેશ, હરમન અમને આ કેસમાં મદદ કરી રહ્યો છે. માટે એ કોઇ ત્રાહિત વ્યક્તિ નથી પરંતુ આ કેસ સાથે એટલેકે અમારી સાથે જોડાયેલો વ્યક્તિ છે. બીજું તમે પૂછ્યુંને કે સમજ્યા? તો એનો જવાબ એ છે કે હું પોલીસવાળો છું અને પોલીસવાળા બધું જ સમજે છે અને છતાં કશું નથી સમજતા. બધું જ જુએ છે છતાં કશું નથી જોતા અને બધું જ જાણે છે છતાં કશું નથી જાણતા. મારી આ વાત તમે સમજ્યા?" ઇન્સ્પેક્ટર પરમસિંહે સીગરેટ સળગાવતા રાજેશ ઝવેરી સામે જોઇ કહ્યું હતું.
રાજેશ ઝવેરી ઇન્સ્પેક્ટર પરમસિંહની વાત સાંભળી ઢીલો પડી ગયો હતો. પત્ની સુજાતાએ એના હાથ ઉપર પોતાનો હાથ મુકી દબાવ્યો અને ઇશારાથી ચૂપ રહેવા કહ્યું હતું.
"જુઓ ઇન્સ્પેક્ટર સાહેબ, તમે મારા પતિને જે સવાલ પૂછવા માટે બોલાવ્યા છે એ તમે પૂછી શકો છો. એમને યોગ્ય લાગશે તો એ જવાબ આપશે નહિતર એ સવાલો પછી તમારે કોર્ટમાં પૂછવા પડશે." સુજાતાએ ઇન્સ્પેક્ટર પરમસિંહ સામે જોઇ કહ્યું હતું.
સુજાતાની વાત સાંભળી પરમસિંહ ગુસ્સે થઇ ગયો હતો પરંતુ ગુસ્સો દબાવી એણે હરમનને સવાલ પૂછવા માટે ઇશારો કર્યો હતો.
"હા તો મી. રાજેશ ઝવેરી, તમે નાયાબ માકડને ઓળખતા હતાં અને જે દિવસે નાયાબ માકડનું ખૂન થયું એ દિવસે તમે ક્યાં હતાં?" હરમને રાજેશ ઝવેરીને પૂછ્યું હતું.
"નાયાબ માકડ અમારા ઓફિસમાંથી ચોરી થયેલા વીસ કરોડના ડાયમંડની તપાસ કરી રહ્યા હતાં. અમને ખાતરી હતી કે એ ડાયમંડ ઓફિસના જ કોઇ સ્ટાફે ચોરી કરી લીધા છે. આ કેસ પહેલા મી. હરમન તમે જ સંભાળતા હતાં. એ કેસ મેં તમારી પાસેથી લઇ નાયાબને આપ્યો હતો. નાયાબનું ખૂન થયું એ દિવસે હું મારા મિત્ર સુરેશ પટેલ જોડે રાચરડા એના ફાર્મ હાઉસ ઉપર ગયો હતો." રાજેશે આખી વાત યાદ કરી હરમનને કીધી હતી.
"તમે નાયાબને તમારો કેસ આપ્યો હતો એ વખતે કેટલા રૂપિયા ફી આપી હતી?" હરમને બીજો સવાલ કર્યો હતો.
"મેં મારો કેસ નાયાબ માકડને આપ્યો ત્યારે એવી શરત કરી હતી કે જો આ કેસ તમે ઉકેલી આપશો તો હું તમને દસ લાખ રૂપિયા આપીશ. નહિતર તમને એક પણ રૂપિયો આપીશ નહિ." રાજેશ ઝવેરી બોલ્યો હતો.
"જો મી. રાજેશ ઝવેરી, તમારી વાત સાચી હોય તો પછી છેલ્લા ત્રણ મહિનાથી દર મહિને એક લાખ રૂપિયા તમે નાયાબને કેમ આપતા હતાં? નાયાબ તમને બ્લેકમેલ કરી રહ્યો હતો તો કઇ બાબત ઉપર કરી રહ્યો હતો?" હરમનના સવાલો રાજેશ ઝવેરીને તીરની જેમ ખૂંપી ગયા હતાં.
સુજાતા પણ થોડીક ક્ષણો માટે અવાક થઇ ગઇ હતી.
"રાજેશ, આ લોકો શું પૂછી રહ્યા છે? આ બધી વાત સાચી છે?" સુજાતાએ રાજેશ સામે જોઇ ગુસ્સાથી પૂછ્યું હતું.
હરમનના સવાલથી રાજેશ ઘેરાઇ ગયો હતો. હવે સચ્ચાઇ કહ્યા વગર એને છૂટકો ન હતો. ખૂનનો આરોપ માથા પર આવે એ પહેલા સાચું કહી દેવું રાજેશને યોગ્ય લાગ્યું હતું.
"જુઓ મી. હરમન, સાચી વાત એ છે કે અમારી પાર્ટનરશીપ ફર્મના આ વીસ કરોડના હીરા મેં પોતે ચોરી લીધા છે. મારા પાર્ટનરના કહેવાથી નાછૂટકે આ તપાસ મેં તમને સોંપી હતી. નાયાબ માકડને આ વાતની ખબર મેં તમને કેસ આપ્યો એના પહેલા પડી ગઇ હતી. નાયાબને આ વાત મારા સેક્રેટરી જીતેશે કરી હતી. જીતેશે નાયાબ પાસેથી એક લાખ રૂપિયા લઇ મારી આ ચોરીની વાત નાયાબને કહી દીધી હતી અને ત્યારબાદ નાયાબ મને આ વાત છૂપી રાખવા માટે બ્લેકમેલ કરી રહ્યો હતો. તમને જ્યારે ખબર પડી કે મને કોઇ બ્લેકમેલ કરી રહ્યું છે ત્યારે મેં તમારી પાસેથી મારો કેસ લઇ લીધો કારણકે હું નહોતો ઇચ્છતો કે તમને ખબર પડી જાય કે ડાયમંડ મેં ચોરી લીધા છે. આ વાત એટલા માટે હું તમને કહું છું કે નાયાબનું ખૂન મેં નથી કર્યું. હું દર મહિને એને એક લાખ રૂપિયા છેલ્લા ત્રણ મહિનાથી મારી આ વાત ગુપ્ત રાખવા માટે આપતો હતો અને આ રકમ નાયાબને હું એનું ખૂન થયું એના આગલા દિવસે જ આપી આવ્યો હતો કારણકે જે દિવસે એનું ખૂન થયું એ દિવસે મારે મારા મિત્રના ફાર્મ હાઉસ પર રાચરડા જવાનું ફાઇનલ હતું. રૂપિયા દર વખતે એટલેકે હું છેલ્લા ત્રણ મહિનાથી નાયાબને સાંજે છ થી સાત દરમ્યાન આપવા ગયો છું. આ છેલ્લી વખત હું એને રૂપિયા આપવા ગયો ત્યારે એ દસ મિનિટ પહેલા જ ઘરે આવ્યો હતો અને ચા પી રહ્યો હતો. મેં એની જોડે બેસી ચા પીધી અને સીગરેટ પીતો હતો ત્યારે મારી પત્નીનો ફોન આવ્યો એટલે હું તરત સીગરેટ ત્યાં ઓલવી અને નાયાબને રૂપિયા આપીને નીકળી ગયો હતો. આનાથી વધારે હું કશું જાણતો નથી." રાજેશ ઝવેરી ડરતા ડરતા બોલી રહ્યો હતો.
"સારું મી. ઝવેરી હવે તમે જઇ શકો છો. આ કેસ બાબતે વધારે કંઇ પૂછપરછ કરવી હશે તો હું તમારો સંપર્ક કરીશ અને હા તમારા મિત્ર સુરેશ પટેલનો નંબર મને આપો જેથી હું નાયાબના ખૂનના દિવસે તમે એમની સાથે હતાં એ બાબતે પૂછપરછ કરી શકું પણ હા જ્યાં સુધી આ કેસની તપાસ ચાલુ છે ત્યાં સુધી તમે મારી પરવાનગી વગર આ શહેર છોડીને ક્યાંય જતા નહિ." ઇન્સ્પેક્ટર પરમસિંહે કડક સૂચના આપતા કહ્યું હતું.
"શું લાગે છે તને હરમન, મી. રાજેશ ઝવેરીની વાત ઉપરથી?" ઇન્સ્પેક્ટર પરમસિંહે હરમનને પૂછ્યું હતું.
"પોસ્ટમોર્ટમના રીપોર્ટ પ્રમાણે રાત્રિના નવ થી અગિયારમાં નાયાબનું ખૂન થયું હતું. જ્યારે મી. ઝવેરીના કહેવા પ્રમાણે એ છ થી સાત દરમિયાન એને મળવા અને પૈસા આપવા ગયા હતાં. એમની વાત ઉપરથી એવું લાગે છે કે એ ખૂની નથી પરંતુ જે રીતના ડરી રહ્યા છે એ રીતના કશુંક છુપાવી રહ્યા છે." હરમને છત તરફ જોતા કહ્યું હતું.
જમાલે રાજેશ ઝવેરીએ આપેલું બધું જ સ્ટેટમેન્ટ પોતાની ડાયરીમાં ટપકાવી દીધું હતું.
"ચાલો આપણે બધાં પહેલા લંચ પતાવી દઇએ. ત્યારબાદ બે વાગે મીતા પંડિતને બોલાવી છે. આ કેસ લાંબો ચાલશે. મને એવું લાગી રહ્યું છે કારણકે દરેક જણ પોતપોતાની વાત કહેશે અને એમની વાત અડધી સાચી અને અડધી ખોટી હશે એમાંથી આપણે પૂરી સાચી વાત શોધવી પડશે." ઇન્સ્પેક્ટર પરમસિંહે હરમન સામે જોતાં કહ્યું હતું.
લંચ પતાવ્યા બાદ ઇન્સ્પેક્ટર પરમસિંહ અને હરમન કેસ બાબતે ચર્ચા કરી રહ્યા હતાં એવામાં મીતા પંડિત કેબીનમાં દાખલ થઇ હતી.
"આપ જ ઇન્સ્પેક્ટર પરમસિંહ છો? મારું નામ મીતા પંડિત છે. આપે મને પોલીસ સ્ટેશન બોલાવી હતી." મીતા પંડિતે કેબીનમાં અંદર આવી કહ્યું હતું.
"મીતાજી તમે બેસો. અમારે તમને નાયાબ માકડના ખૂન વિશે પૂછપરછ કરવી છે." ઇન્સ્પેક્ટર પરમસિંહે કહ્યું હતું.
મીતા પંડિત ખુરશી પર બેસી ગઇ હતી અને ઇન્સ્પેક્ટરના સવાલની રાહ જોવા લાગી હતી.
"તમે નાયાબ માકડને કઇ રીતે ઓળખો છો અને જ્યારે એનું ખૂન થયું એ દિવસે તમે ક્યાં હતાં?" હરમને મીતા પંડિતને પૂછ્યું હતું.
"મી. નાયાબને હું એક વર્ષ પહેલા મળી હતી. મેં એમને મારા પતિ અરવિંદ પંડિત ઉપર નજર રાખવા માટે એ ક્યાં જાય છે, કોને મળે છે એની તપાસ કરાવવા માટે એપોઇન્ટ કર્યા હતાં કારણકે મને મારા પતિના ચરિત્ર ઉપર શંકા હતી. પરંતુ એમણે મારા પતિનો પીછો કરી અને એમના ધંધાની એટલેકે ખાસ કરીને રોકડ રકમની લેવડદેવડની માહિતી મેળવી લીધી હતી. એ સમય દરમ્યાન જ મારા પતિને કાર અકસ્માત થયો હતો અને એમને પગે ફ્રેક્ચર થયું છે એટલે છેલ્લા સાત મહિનાથી તેઓ પથારીવશ છે. એક દિવસ નાયાબ માકડનો મારા પર ફોન આવ્યો હતો અને મને ધમકી આપતા કહ્યું હતું કે 'જો તમે મને દર મહિને ચાલીસ હજાર રૂપિયા નહિ આપો તો તમારા પતિ વિશેની બધી જ માહિતી હું ઇન્કમટેક્ષમાં આપી દઇશ.' મારા પતિ ફ્રેક્ચરના કારણે પથારીવશ છે. હું નહોતી ઇચ્છતી કે એમને વધારે કોઇ તકલીફ પડે માટે છેલ્લા પાંચ મહિનાથી દર મહિને ચાલીસ હજાર રૂપિયા મી. નાયાબને હું આપી આવતી હતી. આ રીતે એ મને બ્લેકમેલ કરી રહ્યા હતાં. મારી તમને રીક્વેસ્ટ છે કે તમે આ વાત બહાર ના પાડતા નહિતર મારું લગ્નજીવન પણ તૂટશે અને મારા પતિએ પણ ઇન્કમટેક્ષની પરેશાનીનો સામનો કરવો પડશે. એ પહેલેથી જ ખૂબ જ હતાશામાં છે. આવું કશું થશે તો એ પોતે વધારે હતાશ થઇ જશે અને તૂટી જશે." મીતા પંડિત રડતાં રડતાં બોલી હતી.
"જે દિવસે નાયાબ માકડનું ખૂન થયું એ દિવસે તમે નાયાબને પૈસા આપવા માટે ગયા હતાં." હરમને પૂછ્યું હતું.
"હા, હું રાતના સાડા આઠ વાગે એમને રૂપિયા આપવા માટે ગઇ હતી. મારા પતિ માનસિક રીતે હતાશામાં આવી ગયા છે. એમની હોમીયોપેથીક દવા લેવાના બહાને ઘરેથી નીકળી હતી અને રૂપિયા મી. નાયાબને આપી તરત ઘરે પાછી આવી ગઇ હતી." મીતા રડતાં રડતાં જવાબ આપી રહી હતી.
"આ હોમીયોપેથીક દવાની શીશી તમારા પતિની છે?" હરમને પ્લાસ્ટિક બેગમાં રહેલી હોમીયોપેથીક દવાની શીશી બતાવતા મીતાને પૂછ્યું હતું.
"હા, આ દવા તો મારા પતિની છે. તમારી પાસે ક્યાંથી આવી?" મીતાએ હરમનને આશ્ચર્ય સાથે પૂછ્યું હતું.
"જે દિવસે નાયાબનું ખૂન થયું એ દિવસે એમની લાશ પાસેથી અમને આ દવાની શીશી મળી હતી. તમે તમારા ઘરે કેટલા વાગે પહોંચ્યા હતાં?" હરમને મીતાને આગળ સવાલ પૂછ્યો હતો.
"મી. નાયાબને રૂપિયા રાત્રે સાડા આઠ વાગે આપી હું લગભગ પોણા નવ વાગે મારા ઘરે પહોંચી ગઇ હતી. મારા અને એમના ઘર વચ્ચે માત્ર પંદર મિનિટનું જ અંતર છે." મીતાએ કહ્યું હતું.
ઇન્સ્પેક્ટર પરમસિંહ ડ્રોઅરમાંથી સોનાની લકી મીતાને બતાવવા જતા હતાં પરંતુ હરમને એમનો હાથ પકડી એમને રોકી લીધા હતાં.
"સારું મીતાજી, હવે તમે જઇ શકો છો. આ કેસ બાબતે તમને હવે લગભગ કશું પૂછવાનું રહ્યું નથી. તમારી વાત ઉપરથી લાગે છે કે આ ખૂન સાથે તમારે કોઇ લેવાદેવા નથી. એટલે તમારી વાત અમે ગુપ્ત રાખીશું અને હા, આ કેસની તપાસ ચાલે છે ત્યાં સુધી ઇન્સ્પેક્ટર પરમસિંહની પરમીશન વગર શહેર છોડતા નહિ." આટલું બોલી હરમને મીતાને જવા માટે કહ્યું હતું.
"સોનાની લકી મીતાને બતાવતા તે મને કેમ રોક્યો? કદાચ એ લકી જોઇને એ કહી શકે કે આ કોની છે?" ઇન્સ્પેક્ટર પરમસિંહે હરમનને અકળાઇને પૂછ્યું હતું.
"સાહેબ, મીતાને લકી બતાવવાથી કંઇ ફાયદો ના થાત. આ સોનાની લકી કોઇ પુરૂષની છે અને મીતા પંડિતને આ ખૂન સાથે કંઇ લેવાદેવા હોય એવું મને લાગતું નથી." હરમને ઇન્સ્પેક્ટર પરમસિંહને જવાબ આપતા કહ્યું હતું.
"તારી આ જ તકલીફ છે. ઘણીવાર જે સવાલ પૂછવાનો હોય એ સવાલ જ તું પૂછતો નથી અને ન પૂછવાના પાંચ પ્રશ્નો એમનેમ પૂછી લે છે." ઇન્સ્પેક્ટરે હરમન સામે જોઇ કહ્યું હતું.
"બોસને પણ આ વાત હું રોજ કહું છું પણ બોસ મારી વાત માનતા જ નથી." જમાલે ઇન્સ્પેક્ટર સામે હસીને કહ્યું હતું.
હરમન જમાલે કીધેલી વાતને સાંભળ્યા વગર કાગળ ઉપર કશુંક લખી રહ્યો હતો.
"ઇન્સ્પેક્ટર સાહેબ, એક અણીદાર ચપ્પુ મંગાવોને." હરમને પ્લાસ્ટિકની કોથળીમાંથી ગોળાકાર કીચેઇન બહાર કાઢતા કહ્યું હતું.
હવાલદાર એક મોટું ચપ્પુ અંદર આપી ગયો હતો. હરમને કીચેઇનને ચપ્પુની ધારથી ખોલી નાંખ્યું હતું. કીચેઇનને ખુલેલું જોઇ ત્રણે જણ આશ્ચર્યથી કીચેઇનની અંદર રહેલા ફોટા જોવા લાગ્યા હતાં.
ક્રમશઃ....
(વાચકમિત્રો, ડીટેક્ટીવનું ખૂન આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને વધારે સારી રીતે હું વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)
- ૐ ગુરુ