Jasus nu Khun - 2 in Gujarati Detective stories by Om Guru books and stories PDF | જાસૂસનું ખૂન - ભાગ 2

The Author
Featured Books
Categories
Share

જાસૂસનું ખૂન - ભાગ 2

જાસૂસનું ખૂન

ભાગ-2

ડાયરી


હરમન અને જમાલ બંન્ને દસ વાગે પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતાં. ઇન્સ્પેક્ટર પરમસિંહ દેસાઇ પોલીસ સ્ટેશનમાં હમણાં જ આવ્યા હતાં અને હવાલદારોને સૂચના આપી રહ્યા હતાં.

હરમને કેબીન પાસે આવી કેબીનનો દરવાજો ખોલી પોતાનું મોઢું પરમસિંહ દેસાઇને બતાવ્યું હતું.

"અરે હરમન, આવી જા. હું તારી જ રાહ જોતો હતો." પરમસિંહ દેસાઇએ હવાલદારોને બહાર મોકલતા હરમનને અંદર આવવાનું કહ્યું હતું.

"નાયબ માકડના ખૂન વિશે છાપામાં તો વાંચી જ લીધું હશે. મારે એ વિશે તને થોડા સવાલો પૂછવા છે. મને ખબર છે મારી અને તારી વચ્ચે સંબંધો બહુ સારા નથી પરંતુ તું ચિંતા ના કરતો મારા અને તારા ખરાબ સંબંધોની અસર હું આ કેસમાં નહિ આવવા દઉં. હવે જો તને વાંધો ના હોય તો હું પ્રશ્ન પૂછું." ઇન્સ્પેક્ટર પરમસિંહે હરમન સામે હસીને કહ્યું હતું.

"ના સાહેબ, કોઇ વાંધો નથી. આપ આરામથી પૂછી શકો છો." ઇન્સ્પેક્ટર પરમસિંહની વાતથી હરમનના મનમાં થોડી શાંતિ થઇ હતી.

"પરમદિવસે તમારે અને નાયાબ માકડ વચ્ચે ચર્ચા અને ઝઘડો થયો હતો, આ વાત સાચી છે? ઝઘડો કઇ બાબતે થયો હતો એ હું જાણી શકું? તમારા અને નાયાબ માકડ વચ્ચે સંબંધો કેવા હતાં?" ઇન્સ્પેક્ટર પરમસિંહે ત્રણ સવાલ એકસાથે હરમનને પૂછ્યા હતાં.

"જુઓ પરમસિંહ સાહેબ, મારા અને નાયાબ વચ્ચે કોર્ટમાં ઝઘડો થયો હતો. ઝઘડો એ બાબતે થયો હતો કે મારા જ એક અસીલને એમણે મારા વિરૂદ્ધ બોલીને કે કોઇપણ રીતે મારા અસીલને મારી વિરૂદ્ધમાં કરી દીધો અને એનો કેસ નાયાબે લઇ લીધો હતો. અસીલ અમદાવાદનું મોટું નામ હોવાના કારણે એમાં ફી સારી મળે એવી હતી. હું કેસ લગભગ ઉકેલવાની અણી પર જ હતો અને નાયાબે આ કેસ મારી પાસેથી લઇ લીધો. એ બાબતનો મને ગુસ્સો હતો. કોર્ટમાં હું એક કામ માટે ગયો હતો ત્યાં મને નાયાબ મળી ગયો હતો અને આ બાબતમાં મેં નાયાબને ફરિયાદ કરી હતી કે તારે આવું કરવું જોઇએ નહિ. એના બદલે નાયાબ મારી જોડે ગુસ્સાથી વાત કરવા લાગ્યો હતો અને એના જવાબમાં મેં પણ ગુસ્સો કર્યો હતો. હું અને નાયાબ વર્ષોથી આ ફીલ્ડમાં છીએ. નાયાબ પાસે મારા કરતા અડધા કેસ હતાં પણ મારા કરતા એની આવક વધારે હતી. એ બધાં કેસોનો ઉકેલ પણ લાવી શકતો ન હતો છતાં એ અસીલ પાસેથી ફી કઇ રીતે લેતો હતો એ મને પણ સમજાતું નથી. બસ આ સિવાય નાયાબ માકડ સાથે મારે બીજો કોઇ પ્રશ્ન કે વિખવાદ હતો નહિ." હરમને પોતાનો જવાબ ઇન્સ્પેક્ટર પરમસિંહ દેસાઇને આપતા કહ્યું હતું.

"તારી વાત ઉપરથી મને લાગે પણ છે કે તું તો આ ફીલ્ડમાં રાત-દિવસ કામ કરે છે એટલે તું ખૂન કરવા જેવી મૂર્ખતા કરે નહિ અને ખૂન કરવા માટેનો કોઇ હેતુ હોવો જોઇએ. તારી પાસે નાયાબનું ખૂન કરવા માટેનો કોઇ હેતુ કે કારણ છે નહિ એ હું સમજુ છું અને માટે જ હું ઇચ્છું છું કે આ કેસમાં તું મારી મદદ કર." ઇન્સ્પેક્ટર પરમસિંહ દેસાઇએ હરમનને પોતાના મનની વાત કહી હતી.

"સાહેબ, આ કેસમાં તો શંકાની સોય મારા ઉપર છે. તો પણ તમે મને આ કેસમાં મદદ કરવાનું કહો છો? વિવાદ થઇ જશે. સાહેબ, આપણે છાપે ચઢી જઇશું." હરમને ઇન્સ્પેક્ટર પરમસિંહ દેસાઇને કહ્યું હતું.

"ના, એવું કશું નહિ થાય કારણકે તું તારું બયાન બહાર લખાવી દેજે અને ઓફીસીયલી તો હું તને એપોઇન્ટ નહિ કરું પરંતુ તું મને આ કેસમાં મદદ કરીશ તો મને આનંદ થશે અને હા યાદ રાખજે, આ કેસમાં તને ફી મળશે નહિ." ઇન્સ્પેક્ટર પરમસિંહ દેસાઇએ હરમનને હસતાં હસતાં કહ્યું હતું.

"મને કંઇ વાંધો નથી. મને ખુશી છે કે આ કેસમાં સાચા કાતિલને શોધવા માટે તમે મને સાથે લીધો માટે હું સંપૂર્ણપણે આપને આ કેસ ઉકેલવામાં સહકાર આપીશ. હું જાણી શકું સાહેબ કે ઘટનાસ્થળ ઉપરથી શું મળ્યું હતું? પોસ્ટમોર્ટમનો રીપોર્ટ શું આવ્યો? અને ઘટનાસ્થળને જોવા માટે મારે એકવાર ત્યાં જવું પણ પડશે." હરમને ઇન્સ્પેક્ટર પરમસિંહ દેસાઇને કહ્યું હતું.

"ઘટનાસ્થળેથી મળેલી વસ્તુઓ ફોરેન્સીક ટેસ્ટ માટે ગઇ છે પરંતુ એમાં એક અડધી સળગેલી સીગરેટ હતી, એક સોનાની લકી હતી, એક હોમીયોપેથીક દવાની શીશી હતી અને એક ગોળાકાર બંધ કીચેઇન હતું. કીચેઇનને ખોલવાનો પ્રયત્ન કર્યો પણ તે ખુલતું ન હતું. આટલી વસ્તુઓ ત્યાંથી મળી છે જે ડ્રોઇંગરૂમમાં એની હત્યા કરવામાં આવી હતી. નાયાબ દારૂના નશામાં ચૂર હતો અને કોઇએ એનું ગળું દબાવીને હત્યા કરી હતી. ગળું કોઇ પતલી દોરીથી દબાવવામાં આવ્યું હોય એવા ગળા પર નિશાનો સ્પષ્ટ હતાં. નાયાબ જેની જોડે બેઠો હતો એ નાયાબને જાણતો હતો એ વાત ચોક્કસ છે અને એની જોડે બેસનાર વ્યક્તિ જ નાયાબનો ખૂની છે. ફોરેન્સીક રીપોર્ટ બે દિવસમાં આવી જશે. ત્યાં સુધી આ કેસ બાબતે તપાસ તું ચાલુ કરી શકે છે. ઘટનાસ્થળે હું તને અત્યારે જ લઇ જઉં છું જેથી તારે જે જોવું હોય તે તું જોઇ શકે." આટલું બોલી ઇન્સ્પેક્ટર પરમસિંહ દેસાઇ ખુરશી પરથી ઊભા થયા હતાં.

પોલીસની જીપમાં હરમન અને જમાલ ઇન્સ્પેક્ટર પરમસિંહ દેસાઇ સાથે પહોંચ્યા હતાં. ઘટનાસ્થળે બે હવાલદારો ડ્યુટી પર હાજર હતાં. હરમન પોલીસે બાંધેલી યલો રીબીન ઊંચી કરી અને ડ્રોઇંગરૂમમાં પ્રવેશ્યો હતો.

હરમન નાયાબના ડ્રોઇંગરૂમમાં જે જગ્યાએ એની લાશ પડી હતી ત્યાં એની બરાબર સામે નકશીકામ કરેલું લાકડાનું કેબીનેટ બનાવેલું હતું. એ કેબીનેટમાં ચાર ડ્રોઅર હતાં. હરમને વારાફરતી ચાર ડ્રોઅર હાથમાં ગ્લોવ્સ પહેરીને ખોલ્યા હતાં. પહેલા ત્રણ ડ્રોઅરમાં તો શંકાસ્પદ જણાય તેવું કશું ન હતું. પરંતુ ચોથા ડ્રોઅરમાંથી એક ડાયરી મળી આવી હતી. હરમને ડાયરી ખોલી અને જે તારીખે નાયાબનું ખૂન થયું હતું એ તારીખે ડાયરીના પેજ ઉપર ચાર નામ લખેલા હતાં.
મીતા પંડિત - 4000 - મોબાઇલ નંબર
રાજેશ ઝવેરી - 10000 - મોબાઇલ નંબર
દિવ્યેશ મહેતા - 1000 - મોબાઇલ નંબર
સુનીલ અગ્રવાલ - 1000 - મોબાઇલ નંબર

હરમને ડાયરી હાથમાં લઇ લીધી હતી.

"હરમન, આ નાનજી છે. નાયાબના ત્યાં રસોઇ અને ઘરકામનું કામ કરે છે. સવારે આઠ વાગે આવે છે અને રાત્રે આઠ વાગે એના ઘરે જાય છે. નાયાબ કુંવારો હતો અને આ બંગલામાં એકલો રહેતો હતો. આ બંગલો એના દાદાનો હતો. દાદાના મૃત્યુ બાદ આ બંગલા માટે થઇ નાયાબ અને એના કાકાના દીકરા અંશુમાન માકડ સાથે એનો કોર્ટ કેસ ચાલી રહ્યો છે. જે દિવસે નાયાબ અને તારી વચ્ચે કોર્ટમાં ઝઘડો થયો હતો એ દિવસે નાયાબ આ કેસ બાબતે કોર્ટમાં તારીખ હોવાના કારણે ગયો હતો. તારે નાનજીને કશું પૂછવું હોય તો પૂછી લે." પરમસિંહ દેસાઇએ હરમનને કહ્યું હતું.

"જે દિવસે નાયાબનું ખૂન થયું તે દિવસે તું કેટલા વાગે અહીંયાથી નીકળ્યો હતો અને તું નીકળ્યો ત્યારે કોઇ નાયાબને મળવા આવ્યું હતું?" હરમને નાનજી સામે જોઇ પૂછ્યું હતું.

"સાહેબ એ દિવસે હું સાંજે સાત વાગે નીકળી ગયો હતો. મારે ત્યાં મારી દીકરીને જોવા છોકરાવાળા આવવાના હતાં અને એટલે હું જલ્દી સાહેબની રજા લઇને નીકળી ગયો હતો. હું નીકળ્યો ત્યાં સુધી કોઇ આવ્યું હતું નહિ પરંતુ તમારા હાથમાં જે ડાયરી છે એ ડાયરી સાહેબની છે. સાહેબ એ ડાયરીમાં કશુંક લખી રહ્યા હતાં." નાનજીએ ડાયરી તરફ ઇશારો કરીને કહ્યું હતું.

હરમને જે પાના પર ચાર નામ લખેલા હતાં એ પાનું ખોલી ડાયરી ઇન્સ્પેક્ટર પરમસિંહ દેસાઇને આપી હતી.

"તારા સાહેબને મળવા રોજ કોણ આવતું હતું? કોઇ એવું વ્યક્ત ખરું કે જે નિયમિત આવતું હોય?" હરમને નાનજીને પૂછ્યું હતું.

"સાહેબ બધાંને ઓફિસમાં જ મળતા હતાં. ઘરે કોઇને બોલાવતા ન હતાં અને મારા ગયા પછી કોઇ આવતું હોય તો એની જાણ મને નથી. પણ ઘણીવાર દારૂના નશામાં 'હરમન તને જોઇ લઇશ... હરમન તને જોઇ લઇશ...' એવું બોલતા હતાં. કોઇ હરમન નામનો માણસ સાહેબને નડતો હોય એવું લાગતું હતું." નાનજીએ યાદ કરતા કહ્યું હતું.

નાનજીની વાત સાંભળી ઇન્સ્પેક્ટર પરમસિંહ અને જમાલ મોટેથી હસવા લાગ્યા હતાં. હરમન બંન્નેને હસતા જોઇ ચૂપચાપ ઊભો રહ્યો હતો અને મનમાં ને મનમાં આ બંન્ને માટે એને ગુસ્સો પણ આવી રહ્યો હતો.

ઇન્સ્પેક્ટર પરમસિંહનો મોબાઇલ રણક્યો હતો. મોબાઇલ ઉપર પોલીસ સ્ટેશનેથી કોઇ હવાલદાર સૂચના આપી રહ્યો હોય એવું લાગતું હતું.

"ચાલ હરમન, પોલીસ સ્ટેશને જવું પડશે. ફોરેન્સીક અને પોસ્ટમોર્ટમના રીપોર્ટ આવી ગયા છે." ઇન્સ્પેક્ટર પરમસિંહે હરમનને કહ્યું હતું.

ઇન્સ્પેક્ટર પરમસિંહ હરમનનું નામ બોલ્યા ત્યારે નાનજી હરમન સામે જોઇ ડરી રહ્યો હતો. એની નોંધ ત્રણે જણાએ કરી હતી.

"પેલો નાનજી તને ખૂની સમજીને ડરી રહ્યો હતો." ઇન્સ્પેક્ટર પરમસિંહે હસતાં હસતાં હરમનને કહ્યું હતું.

જમાલ પણ ઇન્સ્પેક્ટરની વાત સાંભળી પોતાનું હસવાનું રોકી શક્યો ન હતો.

ઇન્સ્પેક્ટર પરમસિંહે જીપ પોલીસ સ્ટેશન તરફ દોડાવી મુકી હતી.

ક્રમશઃ....

(વાચકમિત્રો, ડીટેક્ટીવનું ખૂન આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને વધારે સારી રીતે હું વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)

- ૐ ગુરુ