(આગળના ભાગમાં આપણે જોયું કે સમીર સફેદ ઓઢણીવાળી યુવતી વિશે પોતાની માતાને માંડી ને વાત કરે છે. ગીતાબેનને એવું લાગે છે કે સમીર પ્રેમમાં પડ્યો છે પણ પ્રેમ શબ્દથી પણ દૂર ભાગતો સમીર એની માતાની વાત ને અર્થહીન ગણી નાખે છે. પણ રાત્રે સૂતી વખતે પણ એ જ વિચારોમાં ડૂબેલો રહે છે. હવે જોઈએ આગળ)
સમીર રસ્તામાં જેટલી બસ મળી બધામાં પેલી સફેદ ઓઢણીવાળી યુવતીને શોધી રહ્યો હતો. પોતાના આવા વર્તનથી એ ખુદ પણ આશ્ચર્યચકિત હતો. વિચારોમાં ને વિચારોમાં એ કોલેજ પહોંચી ગયો. કોલેજ પહોંચતા જ એને પોતાના મિત્ર જયને ફોન કર્યો. જય પણ કોલેજ પહોંચી ચુક્યો હતો એટલે બન્ને જણાએ કેન્ટીનમાં મળવાનું નક્કી કર્યું. થોડીવારમાં જ બન્ને જણા કેન્ટીન માં મળ્યા. કોફીનો ઓર્ડર આપી બન્ને જણા એક ટેબલ પર ગોઠવાઈ ગયા. હજી કઈ વાત કરે ત્યાં જ પંદર-વીસ છોકરા છોકરીઓનું ટોળું એમની તરફ ધસી આવ્યું. ભણવામાં હોશિયાર સમીર માં નેતાગીરીનો ગુણ પણ હતો એટલે જ એ કોલેજમાં સિવિલ એન્જીનીયરિંગ વિભાગ નો જીએસ હતો. સૌકોઈ વિદ્યાર્થી એની વાત સમજતા અને માનતા પણ ખરા. પોતાની તરફ ધસી આવેલા ટોળાને જોઈ સમીર બોલ્યો
"શુ થયું? આમ બધા ગભરાયેલા કેમ લાગો છો?"
"સમીર કોમ્પ્યુટર એન્જીનીયરિંગના કોઈ છોકરા એ આપણા ડિપાર્ટમેન્ટની એક છોકરીની છેડતી કરી છે અને પછી એને ધમકી પણ આપી છે કે એ આ વાત કોઈને ન જણાવે" ટોળામાંથી એક જણ બોલ્યો
સમીર ધુંઆપુંઆ થઈ ગયો. એ સ્ત્રીઓને ખૂબ જ માનની નજરે જોતો. એમાં ય જો કોઈ છેડતીનો બનાવ એના ધ્યાન માં આવે તો એ છેડતી કરવાવાળા છોકરાને મારી મારીને અધમુઓ કરી મુકતો. આ વખતે પણ સમીરનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એને સામે ઉભેલા એક યુવકના હાથમાંથી હોકી સ્ટીક ખેંચી અને ફલાંગો ભરતો કોમ્પ્યુટર એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટ તરફ જવા લાગ્યો. એનો ચહેરો ગુસ્સામાં લાલ હતો અને એની પાછળ આખું ટોળું એ તરફ જઈ રહ્યું હતું. છેડતી કરનાર છોકરા તરફ છોકરીએ આંગળીથી ઈશારો કર્યો અને સમીર એના પર કાળની જેમ ત્રાટક્યો. પીઠ પર ને પગમાં કઈ કેટલા હોકી ના ઘા ઝીંકી દીધા. બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ ગઈ. છેડતી કરનાર યુવકને સમીરે ઢોર માર માર્યો ત્યારે એને જરા સરખો પણ અણસાર ન હતો કે પેલી સફેદ ઓઢણીવાળી યુવતી એની સામે જ ઉભી છે. અચાનક સમીરનું ધ્યાન એ તરફ ગયું અને સમીરના હાથમાંથી હોકી સ્ટીક છટકી ગઈ. એ ખોવાઈ ગયો એ યુવતીની આંખોમાં. સઘળી પરિસ્થિતિથી અજાણ એ યુવતી પણ સમીર તરફ ટગર ટગર જોઈ રહી હતી પણ નિંદાભરેલી નજરોથી. સમીરને પણ ખ્યાલ આવી ગયો કે જેની સામે હીરો બનવાના સપના સેવ્યા હતા ત્યાં જ ખલનાયક બની ને બેસી ગયો છે. કહેવાય છે ને ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇસ લાસ્ટ ઇમ્પ્રેશન. ગઈકાલે એની સામે એકધારું જોઈ રહેવાને કારણે અને આજે આ મારામારીના કારણે પોતે એ યુવતીની નજરોમાં કોઈ ખાસ સ્થાન નથી જ પામી શક્યો એની એને ખાતરી થઈ ગઈ.
"શ્વેતા..ઓ શ્વેતા ચાલ" ની બુમો સાંભળતા જ પેલી યુવતી પોતાની સખીઓ પાસે ચાલી ગઈ. "શ્વેતા" નામ પણ એની એ સફેદ ઓઢણી જેટલું જ આકર્ષક હતું. સમીરના કાન માં હવે આ શ્વેતા શબ્દ ગુંજી રહ્યો હતો. આસપાસ હજી પણ ચાલી રહેલી મારામારીની ચિંતાથી મુક્ત થઈ સમીર શ્વેતાને પોતાની સખીઓના ટોળા સાથે જતા જોઈ રહ્યો. અને સામે એને મળી એક તિરસ્કૃત નજર. જયે સમીરને ઢંઢોળ્યો ને સમીર વિચારોની દુનિયામાંથી બહાર આવ્યો. અરે આ શું હજી એ મારામારી તો ચાલુ જ હતી. સમીરે ઝગડો શાંત કર્યો અને એ છેડતી કરનાર છોકરા પાસે માફી મંગાવી. સૌકોઈ સમીરના આ કાર્યને વખાણ કરી રહ્યા હતા પણ સમીરને અફસોસ હતો કે શ્વેતા સામે તો એ પહેલી નજરમાં જ ઉતરી ગયો. સમીર પોતાની જાત સાથે વાતો કરતો હોય એમ બોલ્યો
"અરે ઉતરી ગયો તો ઉતરી ગયો. એમાં મને કેમ આટલો ફરક પડે છે. મારી તો એ મિત્ર પણ નથી તો પછી હું શું કામ એવું ઈચ્છું છું કે એ મને સારો સમજે?"
અત્યારસુધી ચાલી રહેલો સમીરનો મન મગજ નો સુમેળ હવે વિખરાઈ રહ્યો હતો. એનું મન એ યુવતી તરફ એને ખેંચી રહ્યું હતું જ્યારે મગજ સમીરને એના ખરા વ્યક્તિત્વ ની યાદ આપવી એ દિશમાંથી વાળી રહ્યું હતું. સમીરનું માથું ભારે થવા લાગ્યું. ફરી એકવાર એ જય સાથે કેન્ટીનમાં જઈ ગોઠવાઈ ગયો. આ વખતે ઓર્ડર ચા નો અપાયો. જયને પણ આશ્ચર્ય થયું આ ચા ના ઓર્ડરને જોઈને પણ એ સમીરને બહુ સારી રીતે જાણતો હતો સમીરના ચહેરા પરની એ તંગ રેખા સમીરના મન માં ચાલી રહેલા અસમંજસની ચાળી ખાઈ રહી હતી. જયને આ સમયે ચૂપ રહેવું જ વધુ હિતાવહ લાગ્યું. બન્ને ચૂપચાપ બેસી રહ્યા. થોડીવાર માં ચા ના કપ ટેબલ પર ગોઠવાયા અને બન્ને ચૂસકીઓ લઈ ચાની મજા લેવા લાગ્યા. ચા ના છેલ્લા ઘૂંટડા પછી સમીર જરા સ્વસ્થ જણાતો હતો એટલે જયે વાતની શરૂઆત કરી
"શુ ભઈલા. બે દિવસથી જોઉં છું ક્યાંક ખોવાયેલો ખોવાયેલો રહ્યા કરે છે. કોઈ તકલીફ છે કે પછી કોઈ તકલીફ આપવવાળું?"
"મને વળી કોણ તકલીફ આપે?" સમીરે હસતા હસતા જવાબ આપ્યો
"તો પછી નિલમની યાદ આવે છે કે શું? એ બેંગ્લોર ગઇ એને ઘણો ટાઈમ થઈ ગયો ને. ઘણા દિવસથી તું એને મળ્યો નથી એટલે જ કદાચ તું ઉદાસ ઉદાસ ફરી રહ્યો છે"
"ઓહ shut up જય. એવું તો કઈ જ નથી. મને શું કામ યાદ આવે નીલમ ની. તને ખબર જ છે ને અમે કોઈ ટિપિકલ રિલેશનશિપમાં નથી કે એકબીજા વગર મરી રહ્યા હોય. તું પ્લીઝ આવી રબીશ વાતો ફરી ન કરીશ" સમીરે જયને સમજાવતા કહ્યું
"અરે રિલેક્સ. હું તો બસ તારો મૂડ સરખું કરવા ઇચ્છતો હતો બસ એટલે જ આવી વાતો કરવી પડી. બાકી મને ખબર જ છે તું કોઈની યાદો માં રહી ને ઉદાસ્ થાય એવો માણસ જ નથી" જયે હસતા હસતા કહ્યું
"હા એકદમ સાચું. હવે ઓળખ્યો તે મને" સમીરે જયને તાળી આપતા કહ્યું
થોડીવાર કેન્ટીનમાં બેઠા બાદ બન્ને કલાસ તરફ જઈ રહ્યા હતા ત્યાં જ સમીરનું ધ્યાન લાઈબ્રેરી તરફ ગયું. ગઈકાલે શ્વેતાને લાઈબ્રેરીમાં જોઈ હતી કદાચ આજે પણ એ ત્યાં હોય એ વિચારે એના પગ આપોઆપ લાઈબ્રેરી તરફ વળ્યાં.
"ઓહ ભાઈ કઈ બાજુ? આપનો કલાસ આ તરફ છે" લાઈબ્રેરી તરફ જઈ રહેલા સમીરને જોઈ જય બોલી ઉઠ્યો
"આજે લાઈબ્રેરીમાં જઉં છે. વિચારું છું ત્યાં જઈને થોડું વાંચું. તારે આવું હોય તો તું પણ ચાલ નહિ તો પછી ક્લાસમાં જા" સમીરે જયને જવાબ આપ્યો
આશ્ચર્યમાં ડોકું ધુણાવતો જય મનોમન બબડયો
"હે ભગવાન આ મારા ભાઈબંધ ને શુ થઈ ગયું છે. લાઈબ્રેરીમાં જવાનું સપનામાં ય નહિ વિચાર્યું હોય એ માણસ આજે સાક્ષાત લાઈબ્રેરી તરફ જઈ રહ્યો છે. અવતાર લો પ્રભુ..અવતાર લો"
"બબડયા જ કરીશ કે પછી આવીશ મારી સાથે" સમીરે જયનો બબડાટ સાંભળ્યો ને હસતા હસતા કહ્યું
"તમે કહો એમ જ મારા વ્હાલા...ચાલો લાઈબ્રેરી માં..હે માતાજી રક્ષા કરજે" કહેતો જય સમીરની પાછળ પાછળ ચલાવા લાગ્યો.
(શુ લાઈબ્રેરીમાં ફરી સમીર અને શ્વેતા ની મુલાકાત થશે? શુ શ્વેતાની સમીર અંગે ની ગેરસમજણ દૂર થશે? જાણવા માટે વાંચતા રહો "સંબંધ- તારો ને મારો")