Lost - 17 in Gujarati Horror Stories by Rinkal Chauhan books and stories PDF | લોસ્ટ - 17

Featured Books
Categories
Share

લોસ્ટ - 17

પ્રકરણ ૧૭

રાધિકાને રાત્રે જ હોસ્પિટલથી ડિસ્ચાર્જ મળી ગયો, બીજા દિવસે સવારે ઉઠતાજ રાવિકા અને મીરા વચ્ચે એક વાતને લઈને બબાલ થઇ ગઈ.
"કિશન તમે સમજાવોને આ બન્નેને." મીરાએ છેલ્લું હથિયાર વાપર્યું.
"હા માસા, તમેજ માસીને સમજાવો કે અમારું ગુજરાત જવુ કેટલું જરૂરી છે." રાવિકા વાકચતુર્યની ધની હતી.

"રાવિ સાચું કે છે મીરા, અને ગુજરાતમાં આપણું કોઈ સગું ના રહેતું હોત તો હું બન્ને છોકરીઓને તારા કહેવા પેલાજ રોકી લેત. આ સમસ્યા જ્યાંથી શરૂ થઇ છે ખતમ પણ ત્યાંજ થશે, એમને જવા દે મીરા."
"અમે ગુજરાત જઇયે છીએ અને ગુજરાતમાં તમારા પર બેન નથી લાગેલો." રાવિકા હસી પડી.

"તમે બન્ને મને મળવા આવજો અને હું પણ આવીશ, અને તમે બન્ને એકબીજાનું ધ્યાન રાખજો." મીરાની આંખો ભીંજાઈ ગઈ.
"હા, પણ તમે જીવનમામાને ફોન ન કરતાં કે અમે ગુજરાત આવીએ છીએ. આપણે જીવનમામા અને ચાંદનીમાસીને રાધિકા વિશે નથી જણાવ્યું કેમકે એમને સરપ્રાઇઝ આપવાનું છે." રાવિકા ખુશીથી ઉછળી પડી.

"હું ફ્લાઇટ બુક કરી લઉં." મીરાએ ફોનમાં કોઈનો નંબર ડાયલ કર્યો.
"રાધિકા પાસે પાસપોર્ટ નથી એટલે અમે ટ્રેનથી જઈશુ, ૧૦ વાગ્યાની ટ્રેન છે." રાવિકાએ ટ્રેનની ટિકિટ બતાવી.
"અરે હા, રાધિકા પાસે પાસપોર્ટ નથી હું ભૂલી જ ગઈ હતી. ચાલો હું તમને મૂકી જઉ, સાડા નવ તો થયા." મીરાએ ફોન કાપી નાખ્યો અને ગાડી લઈને રેલવે સ્ટેશન સુધી રાવિકા અને રાધિકાને મૂકી આવી.

"જીવનમામા મમ્માના સગા ભાઈ છે?" રાધિકાએ ટ્રેનમાં બેસતાજ પૂછ્યું.
"ના, જીવનમામા અને ચાંદનીમાસી મમ્માનાં કઝીન્સ છે. એમના મમ્મી મમ્માનાં માસી હતાં અને એમના પપ્પા મમ્માના કાકા." રાવિકા લેપટોપ પર તેનું કામ કરતાં કરતાં બોલી.
"અને જિજ્ઞામાસી?" રાધિકા તેના પરિવાર વિશે જાણવા ઉત્સુક હતી.
"જીજ્ઞામાસીનાં મમ્મી જયશ્રીફઈ મમ્માનાં સગાં ફઈ હતાં. અને મીરામાસી વિશે તો તું જાણે છે." રાવિકા હજુયે કામ કરી રહી હતી.

"રયાન કાકા અને પપ્પા સગા ભાઈ હતાં તો એમનું નામ રયાન ચૌધરી અને પપ્પાનું નામ રાહુલ રાઠોડ, આવું કેમ?" રાધિકાએ પૂછ્યું.
રાવિકાએ આ સવાલ સાંભળીને લેપટોપ બંધ કર્યું અને રાધિકા સામે ફરી,"બન્નેની મમ્મી અલગ હતાં, અને દાદાજીએ પપ્પાનાં મમ્મી રાધાદાદી સાથે દગો કર્યો હતો એટલે પપ્પાએ દાદાજીનું નામ અને એમની ઓળખાણ હમેંશા માટે છોડી દીધી. એમણે લગ્ન પછી મમ્માની સરનેમ લઇ લીધી."

"મમ્મા પપ્પાનો એક્સિડેન્ટ કઈ રીતે થયો હતો?" રાધિકાએ ભારે હૈયે આ સવાલ પૂછ્યો.
"ગાડીની બ્રેક ફેઈલ થઇ ગઈ હતી." રાવિકાની આંખો પણ ભરાઈ આવી હતી.
એના પછી બન્ને છોકરીઓ ચૂપ થઇ ગઈ, અમદાવાદ સુધીનો રસ્તો ચુપચાપ વીતી ગયો. અમદાવાદ પહોંચીને રાવિકાએ ટેક્ષી લીધી અને જીવનના ઘરનું સરનામું આપ્યું.

બન્નેએ નક્કી કર્યું હતું એ મુજબજ રાધિકા પહેલાં અંદર ગઈ, અને રાવિકા દરવાજાની પાછળ છુપાઈને ઉભી રહી.
"રાવિ? આમ અચાનક? કીધું કેમ નઈ કે તું આવે છે? કીધું હોત તો કોઈને લેવા મોકલતને.... એકલી આવી છે?" આસ્થાએ સવાલ પર સવાલ પૂછી લીધા.
"તમે મને ઓળખો છો ને? તમે જાણો છો ને કે હું જ રાવિ છું?" રાધિકા તેમની યોજના મુજબ ચાલી રહી હતી.
"આ કેવો સવાલ છે રાવિ બેટા, તું જ રાવિ છે એમાં પ્રશ્ન સાનો હોય?" આસ્થા મુંજવણમાં પડી ગઈ હતી.

"આસ્થામામી..." રાવિકા યોજના મુજબ ઘરમાં આવી.
આસ્થા બબ્બે રાવિકા જોઈને ચોંકી ગઈ, આસ્થાનો અવાજ સાંભળીને નીચે આવેલા નિવાસ અને નિગમ પણ ચોંકી ગયા હતા.
"હું રાવિ છું...." રાધિકા બોલી.
"તો હું કોણ છું, આલિયા ભટ્ટ?" રાવિકા બોલી.
"એક મિનિટ, એક મિનિટ... આ બધું શું છે?" આસ્થાને ચક્કર આવવા લાગ્યા હતા.

"મામી, સોરી સોરી.... આ રાધિકા છે અને હું રાવિકા... આપણી રાધિકા છે આ." રાવિકાએ રાધિકા કેવી રીતે મળી અને એ તેની બહેન છે એ વાત જણાવી.
"રાધિકા જીવે છે?" આસ્થાએ રાધિકાના માથા પર હાથ ફેરવ્યો અને તેને ગળે લગાવી.
"મામા ક્યાં છે?" રાવિકાની નજર જીવનને શોધી રહી હતી.
"ઓફિસ ગયા છે, સાંજે આવશે ત્યારે એમને પણ સરપ્રાઈઝ આપશું." આસ્થા હસી પડી.

"અમારે બન્નેને અહીં એક કામ છે, સાંજ સુધી ઘરે આવી જઈશું." રાવિકાએ તેનો અને રાધિકાનો સામાન નિવાસ અને નિગમને પકડાવ્યો.
"ગાડી લઇ જજે, નિવાસ ચાવી લઇ આવ." આસ્થાએ કહ્યું.
"મારી પાસે ભારતનું લાયસંસ નથી અને રાધિકાને ડ્રાઇવિંગ નથી આવડતું." રાવિકાએ કહ્યું.

"તમે ચિંતા ન કરો મામી, અમે બિલકુલ હેરાન નઈ થઈએ." રાધિકા થોડું હસી અને બન્ને છોકરીઓ ઘરથી બહાર નીકળી ગઈ.
અડધા એક કલાકમાં બન્ને છોકરીઓ જુના રાઠોડ હાઉસ આગળ ઉભી હતી, રાવિકાએ મેઈન ગેટ ખોલ્યો અને બન્ને અંદર ગઈ.
આજે આ ઘર એકદમ શાંત હતું, ના કોઈ બન્નેને બોલાવી રહ્યું હતું ના કોઈનો રડવાનો અવાજ સંભળાતો હતો.

ઘરનો દરવાજો ખોલીને બન્ને છોકરીઓએ ઘરમાં પગ મુક્યો અને બન્નેનાં ડગલાં ઘરમાં પડતાજ આ ઘર વિચિત્ર રીતે બદલવા લાગ્યું.
વર્ષોથી બંધ પડેલા જુના જર્જરિત મકાનમાંથી અચાનક જ આ ઇમારત એક સુંદર ઘરમાં ફેરવાઈ ગઈ.
"સોનુંને તૈયાર કરી?" એક સ્ત્રી હાથમાં થાળ લઈને સીડીઓ પરથી નીચે ઉતરી રહી હતી.
"હા ફઈ.... હવે અમે તૈયાર થવા જઇયે છીએ." ચાંદની અને મીરા અમુક કપડાં લઈને ઉપર જઈ રહી હતી.
અચાનક આ ઘર લોકોથી ભરાવા લાગ્યું, રાવિકા અને રાધિકા આ બધું જોઈને ચોંકી ગઈ હતી.

"આરાધના નાની? જયશ્રી ફઈ?" હમેંશા ફોટોમાં જોયેલા આરાધનાબેન અને જયશ્રીબેનને આજે નજર સામે જોઈને રાવિકાને આશ્ચર્ય થયું હતું.
"મમ્મા...." રાધિકાએ ડાબી તરફ ઈશારો કર્યો, રાવિકાએ એ બાજુ જોયું.

ઘરચોળામાં સજ્જ આધ્વીકા ફોન ઉપર કોઈ સાથે વાત કરી રહી હતી, અચાનક એક છોકરીએ આવીને આધ્વીકા પાસેથી તેનો ફોન છીનવી લીધો, "આજ તો તારાં લગન છે, આજ તો ઓફિસને ભૂલી જા."
"અરે આ છેલ્લો કોલ છે જિજ્ઞા, પછી કોઈનો ફોન નઈ ઉપાડું." આધ્વીકાએ ફોન પાછો લઇ લીધો.

"જિજ્ઞા માસી..." રાવિકા અને રાધિકા જિજ્ઞાને જોઈને બોલી ઉઠી, બન્નેએ વાત કરતાં કરતાં એમની નજીક આવી ગયેલી આધ્વીકા તરફ જોયું.
"મમ્મા કેટલી સુંદર લાગે છે!" રાવિકાની આંખો ભરાઈ આવી.
"હા...." રાધિકાની આંખો પણ ભીંજાઈ ગઈ.

"જાન આવી ગઈ છે...." કોઈએ બહારથી બુમ પાડી અને રાવિકા-રાધિકાની નજર દરવાજા પર પડી. શેરવાનીમાં સજ્જ રાહુલ ઘોડા પર બેઠેલો હતો, એને જોઈને રાવિકા અને રાધિકા રીતસરની રડી પડી.
પહેલીવાર પોતાની નજર સામે પોતાનાં માંબાપને જોઈને બન્ને છોકરીઓ ભાવુક થઇ ગઈ હતી, એમની આંખોમાંથી ખુશીનાં આંસુ વહી રહ્યાં હતાં.

"મમ્મા અને પપ્પા કેટલાં ખુશ છે નઈ?" રાધિકા રાહુલનો હસતો ચેહરો જોઈને બોલી.
"હા.... મમ્મા તો...." રાવિકાએ આધ્વીકા સામે જોયું અને તેના ચેહરાનો રંગ ઉડી ગયો.
"મમ્મા તો શું?" રાધિકાએ રાવિકા સામે જોયું, તેના ચેહરાનો ઉડેલો રંગ જોઈને તેણીએ એ દિશામાં જોયું જ્યાં રાવિકા જોઈ રહી હતી.

એક સ્ત્રી આધ્વીકા તરફ આવી રહી હતી, તેનો ચેહરો સડેલો હતો અને એક આંખનો ડોળો બા'ર લટકતો હતો. પાણી વગર સુકાઈને પોપડા વળી ગયેલી જમીનના જેમ તેની ચામડી પર પણ પોપડા વળ્યાં હતાં.
તેં સ્ત્રી આધ્વીકાના શરીરમાં ઘુસી ગઈ, એ સ્ત્રી આધ્વીકાના શરીરમાં ઘુસી અને તરત આ ઘર ફરીથી જર્જરિત મકાનમાં ફેરવાઈ ગયું.


"આ બધું શું થયું?" રાવિકાએ તેની આજુબાજુ નજર કરી.
"રાવિ..." રાધિકાએ રાવિકાનો ચેહરો જમણી તરફ ફેરવ્યો અને તેની સામે ઉભેલી સ્ત્રીને જોઈને રાવિકાના મોઢામાંથી ઉદ્દગાર સરી પડ્યો, "માં...."


ક્રમશ: