પ્રકરણ ૧૪
"રાવિ..... રાવિ......." એક સ્ત્રીનો અવાજ રાવિકાના કાને પડ્યો.
"કોણ છે?" રાવિએ આજુબાજુ નજર કરી પણ ઓરડામાં રાધિકા સિવાય કોઈજ ન્હોતું.
"રાધિ તો ઊંઘી ગઈ છે, વહેમ હશે મારો." રાવિકાએ મનોમન વિચાર્યું અને ફરીથી લેપટોપ પર કામ કરવા લાગી.
"રાવિ.... મદદ કર મારી..... મદદ કર....." ફરીથી એજ અવાજ આવ્યો.
રાવિકાએ પાછળ ફરીને જોયું અને તેના મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ. તેની સામે એક પ્રોઢ સ્ત્રી ઉભી હતી, તેનો અડધો ચેહરો બળેલો હતો અને શરીરના કેટલાયે અંગો પર ચામડીને બદલે માંસના લોચા દેખાતા હતા.
"આ કોણ છે? રાવિ આ કોણ છે?" રાવિકાની ચીસ સાંભળીને રાધિકા ઉઠી ગઈ.
"શું થયું બેટા? રાવિ....રાધિ...." જિજ્ઞાસા અને રયાન પણ રાવિકાની ચીસ સાંભળી તેના ઓરડામાં દોડી આવ્યાં, તેમની પાછળ આખો પરિવાર પણ આવ્યો.
"માસી આ જુઓને, આ આપણા ઘરમાં ઘુસી આવી છે, ખબર નઈ કોણ છે." રાવિકાએ ખૂણામાં ઉભેલી સ્ત્રી તરફ ઈશારો કર્યો.
"કોણ બેટા? ત્યાં કોઈ નથી." જિજ્ઞાસા સહીત આખા પરિવારને ત્યાં કોઈ ન્હોતું દેખાઈ રહ્યું.
"ત્યાં.... અરે ક્યાં ગઈ? હમણાં તો અહીંજ હતી, રાધિએ જોઈ હતી છે ને રાધિ?" રાવિકા અચાનક ગાયબ થઇ ગયેલી સ્ત્રી વિશે વિચારીને ટેન્શનમાં આવી ગઈ હતી.
"હા માસી, મેં પણ જોઈ હતી. એ ખુબજ ભયાનક દેખાતી હતી.... ખબર નઈ ક્યાં ગઈ...." રાધિકાને પણ આશ્ચર્ય થયું.
"તમને વહેમ થયો હશે બેટા, બઉ મોડું થઇ ગયું છે તો તમે બન્ને ઊંઘી જાઓ." જિજ્ઞાસાએ બન્નેનું મન ભટકાવવા કહ્યું.
"હા, કદાચ...." રાવિ ફિક્કું હસી અને બધાં ઓરડાની બહાર નીકળી ગયાં.
"રાવિ તો એ ઘરમાં ગઈ જ નથી તો પછી રાવિ પર એ શ્રાપ કેવી રીતે?" રયાનએ ધીમા અવાજે પૂછ્યું.
"આપણે બાબાને મળવું પડશે, એમની પાસેથી જ જાણવા મળશે કે આ બધું કેમ થઇ રહ્યું છે." જિજ્ઞાસાનો ચેહરો તંગ થઇ ગયો હતો.
"આ બધું શું થયું? તને કઈ ખબર પડી?" રાવિકાએ રાધિકાને પૂછ્યું.
"હું તો ઊંઘમાંથી ઉઠી હતી, કઈ સમજાયું નઈ કે આ બધું શું થયું..." રાધિકાએ ખભા ઉછાળ્યા.
"આ મારા મનનો વહેમ તો ન'તોજ એ હું જાણું છું." રાવિકાએ મક્કમતાથી કહ્યું.
"હાલ ઊંઘી જા, કાલે આપણે આ બાબતે વિચારીશું." રાધિકાએ લાઈટ બંધ કરી અને બન્ને છોકરીઓ ઊંઘી ગઈ.
"માસી, હું મારા વિઝા એક્સટેન્ડ કરાવવા માંગુ છું." સવારે નાસ્તાના ટેબલ પર બેસતાજ રાવિકાએ કહ્યું.
"કેમ? મતલબ શું જરૂર છે? રાધિકા માટે તું અહીં રેવા માંગે છે તો કોઈ જરૂર નથી, હું રાધિનો પાસપોર્ટ બનાવડાવી દઈશ અને એને પણ આપણે ન્યૂ યોર્ક લઇ જઈશુ." જિજ્ઞાસા કોઈ પણ ભોગે રાવિકા અને રાધિકાને ન્યૂ યોર્ક લઇ જવા માંગતી હતી.
"માસી, પપ્પા... હું અહીં રહીને કંઈક જાણવા માંગુ છું, હું જાણું છું કે કાલે મેં જે કઈ પણ અનુભવ્યું એ વહેમ ન્હોતો. અને મને એવી સ્ટ્રોંગ ફીલિંગ આવી રહી છે કે મારા સપનાનો ઉકેલ મને અહીં જ ભારતમાં મળશે." રાવિકાનો અવાજ દ્રઢ હતો.
"પણ રાવિ...." રયાન કઈ બોલે એ પહેલાંજ રાવિકા બોલી ઉઠી, "સોરી પપ્પા, મેં તમારાથી એક વાત છુપાવી છે. હું આપણા જુના ઘરમાં, જુના રાઠોડ હાઉસમાં ગઈ હતી."
"ક્યારે?" મીરાને ધ્રાસકો પડ્યો.
"રાધિકા ગઈ હતી એજ દિવસે સવારે." રાવિકા નીચું જોઈને બોલી.
"કેમ? તને ના પાડી હતીને કે તું ક્યાંય નઈ જાય, તારી મિટિંગ પતાવીને તું સીધી ન્યૂ યોર્ક આવીશ એવુ વચન આપ્યું હતું ને તેં?" જિજ્ઞાસા તેની ખુરશી પરથી ઉભી થઇ ગઈ.
"આરાધના નાની અને જયશ્રી ફઈએ પણ તમારા પર રોકટોક લગાવી હતી?" રાવિકા પણ ઉભી થઇ ગઈ.
"ના, પણ..."
"પણ શું? તમે તમારી મરજીથી જીવ્યા એટલેજ તમે અમારા પર આટલા બંધન નાખી રહ્યાં છો? હું કે રાધિકા નાની બાળકીઓ નથી, અમે બન્ને યુવાન છોકરીઓ છીએ માસી. અમારી જિંદગીની દરેક મુસીબતો સામે અમને લડવા દો માસી, ક્યાં સુધી તમે ઢાલ બનીને ઊભાં રે'શો?"
"હું તમારા ભલા માટે..."
"ફોર ગોડ સેક, લિવ અસ અલોન એન્ડ લેટ અસ ગ્રો માસી." રાવિકાએ નાસ્તાની થાળીને હાથ જોડ્યા અને તેના ઓરડામાં જતી રહી.
રાધિકાએ પણ નાસ્તાની થાળીને હાથ જોડ્યા અને ઉભી થઇ ગઈ.
"રાધિ... તું તો ખાઈ લે." મીરાએ રાધિકાના ખભા પર હાથ મુક્યો.
"હું તમારાથી ગુસ્સે નથી જિજ્ઞા માસી, પણ રાવિ નઈ ખાય તો મારા ગળે પણ ધાન નઈ ઉતરે." રાધિકા પણ તેના ઓરડામાં જતી રહી.
"પણ હું તો એમના ભલા માટે...." જિજ્ઞાસા આગળ ન બોલી શકી.
"દીદી, ખોટું ના લગાડતા પણ માસી કે ફઈએ ક્યારેય આપણને કઈ કરવા મજબુર નઈ કર્યા. એમણે હંમેશા દરેક મુસીબતનો સામનો આપણને કરવા દીધો છે, અને એટલેજ આપણે એટલા મજબૂત છીએ." મીરાએ કહ્યું.
"હા જિજ્ઞા, મિત્તલ વાળા દિવસો યાદ છે? એ દિવસોમાં પણ જયશ્રીમાં કે આરાધના મામીએ તારા કે આધ્વી પર રોકટોક ન્હોતી લગાવી, એમણે હંમેશા તારો સાથ આપ્યો તારી ઢાલ બનીને ઉભી રહી પણ તારા પર રોકટોક નથી લગાવી." રયાનએ જિજ્ઞાસાનો હાથ પકડ્યો.
"હા, હું કદાચ ઓવર પ્રોટેક્ટિવ થઇ ગઈ હતી." જિજ્ઞાસાએ રયાનનો હાથ મજબૂતાઈથી પકડ્યો.
"હું વિઝા ઓફિસ જઉં છું, વિઝા લંબાવવા." રાવિકાએ રયાન સામે જોઈને કહ્યું અને ઘરની બહાર નીકળી ગઈ.
ઘરની બહાર આવી રીક્ષા કરી રાવિકા વિઝા ઓફિસ પહોંચી, વિઝાનું કામકાજ પતાવી તેણી હવે ક્યાં જઉં એ વિચારવા લાગી.
"ઘરે જવાનો મૂડ નથી, બીજે ક્યાં જઉં?" રાવિકા રીક્ષા શોધવા લાગી.
એક ટેક્ષી અચાનક જ રાવિકા પાસે આવીને ઉભી રહી અને ડ્રાઈવરએ બારીની બહાર ગરદન કાઢી રાવિકા સામે જોયું.
"યુ? કેર....." રાવિકા ડ્રાઈવરનું નામ યાદ કરી રહી હતી.
"કેરિન, ક્યાંય મૂકી જઉં?" કેરિન ગાડીનો દરવાજો ખોલી નીચે ઉતર્યો.
"તમે ગુજરાતી છો? બઉજ સરસ, મને આજે ડેઓફ મળ્યો છે તો મારે મુંબઈ જોવું છે. પણ મને ખબર નથી કે મુંબઈમાં જોવાલાયક કઈ કઈ જગ્યાઓ છે." રાવિકાએ અજાણ્યા માણસને સાચી હકીકત ન જણાવવાનું જ બરોબર માન્યું.
"તમને વાંધો ન હોય તો હું તમને મુંબઈ બતાવું? હા પણ ભાડુ પૂરેપૂરું લઈશ." કેરિન હસી પડ્યો.
રાવિકાએ હસતા હસતા હકારમાં માથું હલાવ્યું અને પાછળનો દરવાજો ખોલવા જતી હતી ત્યાં કેરિન બોલી ઉઠ્યો, "આગળ બેસો ને, બાજુમાં બેસશો તો હું બધી જગ્યાઓ વિશે સારી રીતે જણાવી શકીશ અને તમે બોર પણ નઈ થાઓ."
"ઓકે, ફાઈન." રાવિકા આગળની સીટમાં ગોઠવાઈ, કેરિન ડ્રાઈવર સીટ પર બેઠો અને ટેક્ષી મુંબઈના રસ્તાઓ પર દોડવા લાગી.
આખો દિવસ મુંબઈની પ્રખ્યાત જગ્યાઓ જોયા પછી રાવિકા અને કેરિન જુહું ચોપાટી આવ્યાં, અહીં આવીને ભેળ ખાધા પછી આઈસ ક્રીમ લઈને બન્ને બીચ પર બેઠા.
"તમારું નામ શું છે મેડમ?" કેરિનએ રાવિકા સામે જોઈને પૂછ્યું.
"રાવિકા રાઠોડ." રાવિકાએ આકાશ તરફ જોઈને કહ્યું.
"રાવિકા?" કેરિન હજુયે રાવિકાને જોઈ રહ્યો હતો.
"તને પણ મારું નામ વિચિત્ર લાગે છે ને? મારી મમ્મા અને પપ્પાએ એમના નામને જોડીને મારું નામ રાખ્યું હતું, રાહુલમાંથી રા અને આધ્વીકામાંથી વિકા થઇ ગયુંને રાવિકા." રાવિકાએ કેરિન સામે જોયું.
"મારું નામ પણ એવી રીતે જ રાખવામાં આવ્યું છે, કેશવમાંથી કે અને રીનામાંથી રિન થઇ ગયું ને કેરિન." કેરિનએ હસી પડ્યો.
"યુ આર સોં સ્વીટ." રાવિકા કેરિનને હસતો જોઈ રહી; કેરિનએ રાવિકા સામે જોયું, બન્નેની આંખો મળી અને બન્નેના દિલની ધડકનો વધી ગઈ.
"બહુ મોડું થઇ ગયું છે, હવે મને ઘરે મૂકી જા." રાવિકાએ તેની બેગ લીધી અને ટેક્ષી તરફ ગઈ.
કેરિન તેની તરફ પીઠ કરીને દૂર જતી રાવિકાને જોઈ રહ્યો, પછી ધીમે રહીને ઉઠ્યો અને ટેક્ષી તરફ ગયો.
"એડ્રેસ મેડમ?" કેરિનએ ટેક્ષી ચાલુ કરી.
"રાવિ યુ કેન કોલ મી રાવિ..." રાવિકાને પોતાના શબ્દો પર વિશ્વાસ જ ન થયો, તેં આ યુવાન સાથે આટલી સરળતાથી તેના અંગત જીવન વિશે પણ વાત કરી શકતી હતી એ બાબત તેના માટે વિચિત્ર હતી.
રાવિકાએ એડ્રેસ આપ્યો અને કેરિન રાવિકાને તેના ઘર આગળ ઉતારી ગયો, ભાડુ ચૂકવીને રાવિકા ચુપચાપ ઘર તરફ આગળ વધી.
કેરિન રાવિકા સામે જોઈને બેઠો હતો, થોડા આગળ જતાં રાવિકાએ પાછળ ફરીને કેરિન સામે જોયું. તેના ચેહરા પર શરમના શેરડા ફૂટ્યા અને તેં દોડીને ઘરની અંદર જતી રહી.
"માઝા દિલ...." કેરિનએ તેના હૃદય પર હાથ મુક્યો અને ટેક્ષી ચાલુ કરીને થોડો આગળ ગયો હશે અને તેની ટેક્ષી અચાનક પલટી ગઈ.
બુમાબુમ સાંભળીને રાવિકા દોડતી બા'ર આવી, કેરિનનો ચેહરો લોહીથી ખરડાઈ ગયો હતો અને તેં લોહીના ખાબોચિયામાં પડ્યો હતો.
"કેરિન...." રાવિકા દોડતી કેરિન પાસે આવી, અને તેની નજર કેરિનની બાજુમાં ઉભેલી સ્ત્રી પર પડી.
"મારી મદદ ન કરીને તેં મારું દિલ દુભાવ્યું, તો તારા પ્રેમીને મારીને મેં તારું દિલ દુભાવ્યું. હિસાબ બરાબર." તેં સ્ત્રીએ ભયાનક અટહાસ્ય કર્યું.
ક્રમશ: