Nabadi - 14 - last part in Gujarati Fiction Stories by Mittal Shah books and stories PDF | નબળી: રાજવીની સંઘર્ષ કથા - 14 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

નબળી: રાજવીની સંઘર્ષ કથા - 14 - છેલ્લો ભાગ

(14)

" એ રાજવી ... મને માફ કરી દે, મારા કારણે તને કશું જ ના મળ્યું, ના મા બાપનો પ્રેમ કે ના મારો પ્રેમ. દાદીને તો મૂડીનું વ્યાજ વહાલું હોય પણ મેં તને અળખામણી કરી. બેટા ઉઠ... મારે તને લાડ કરવા છે, તને સારા ઘરે વળાવી છે. હું તને હવેથી છપ્પરપગી પણ નહીં કહું, બેટા ઉઠને હવે." પાછાં તે રડવા લાગ્યા.

આ બધું સાંભળીને નિહાલ અને વનિતા રડી રહ્યા હતા. એવામાં જ નયનાબેન જાગી ગયા અને એકદમ જ ઉઠીને દોડવા ગયા તો તેમની ભાભીએ પકડી લીધા એટલે તે પડતા પડતા બચી ગયા. છતાંય તેઓ બહાર જવા ગયા.

બહાર જેવા આવ્યા તેવા જ તેમણે રાજવીનું માથું પોતાના ખોળામાં લઈ લીધું અને તેને વળગી પડયા.

"મારી દીકરી... મારી પરી... તું તો મારો દીકરો છે. બેટા ચાલને આપણે વાતો કરીએ, મારે તારી સાથે વાત કરવી છે."

"હજી મેં એની જોડે ધરાઈને વાતો નથી કરી. બેટા, તું તો દૂર જતી રહી પણ તારા વગર હું કેમ કરીને જીવીશ. તારી જોડે પહોંચીશ પણ કેવી રીતે. તું હતી ને તો મારી પાસે કારણ હતું, હવે તો કારણ પણ જતું રહ્યું, મારી દીકરી... તારે આ રીતે તો નહોતું જવાનું, હું કોની આગળ દુઃખડાં રોઈશ, કોને મારા મનની વાત કરીશ, બેટા...."

નિહાલ તેમને વળગીને રોવા લાગ્યો કે, "મમ્મી... રાજવી મારી બહેન જ નહીં પણ મારી ફ્રેન્ડ હતી. એના વગર મને કેમ કરીને ફાવશે?"

"બેટા તું તો જતો રહીશ, તારા સંસારમાં ડૂબી જઈશ પણ હું તો આ ઘરમાં એકલી પડી જઈશ, એના વગર." કહીને તે રોવા લાગ્યા અને તેને છેલ્લી વારના પહેરવા નવા કપડાં આપ્યા.

અંતિમ ક્રિયાની તૈયારી થવા લાગી. અંતિમ વિધિ કરીને તેને સ્માશને લઈ જવામાં આવી. બધા જ તેને બહાર સુધી વળાવી ઘરે આવ્યા.

અગ્નિ સંસ્કાર ચાલુ થયા, એમાં મુખાગ્નિ નિહાલ અને રમેશભાઈએ આપી.

બાળપણમાં એક વાર્તા સાંભળેલી 'જેમાં એક બાપની બે દિકરી, જેમાં એકને વરસાદ જોઈએ અને બીજીને વરસાદ નહોતો જોઈતો. સમાજમાં પણ આવું જ છે કે જે વાત એક વ્યક્તિ માટે દુઃખદાયક હોય અને એ જ વાત બીજા વ્યક્તિ માટે ખુશીઓ ની ચાવી હોય છે.

એવી જ રીતે રાજવીના ઘરે તેના મરણનું દુઃખ છવાયેલું હતું. જયારે એના જ મરણની ખુશી હતી લાવણીની સાસરીમાં, ત્યાં તો જાણે ઉત્સવ હોય તેમ અભિષેક ઓફિસથી પોતાની જોડે મીઠાઈના બોકસ સાથે ઘરે આવ્યો અને બૂમો પાડીને તેમને બોલાવવા લાગ્યા કે, "મમ્મી... પપ્પા... જલદી આવો."

શારદાબેન અને નાથાભાઈ ડ્રોઈંગરૂમમાં આવ્યા અને અભિષેકના હાથમાં મીઠાઈ જોઈને કહ્યું કે, "અલ્યા આ મીઠાઈ કેમ લાવ્યો છે, પ્રમોશન થઈ ગયું કે શું?"

"ના પપ્પાએ કરતાં પણ વધારે ખુશીનો પ્રસંગ છે. પેલી રાજવી મરી ગઈ." તે બોલ્યો.

"ના હોય, પેલી સાપણ મરી ગઈ તો, લાવ લાવ મિઠાઈ..." શારદાબેન બોલ્યા.

"કેમ કરીને મરી તે હે અભિષેક.." નાથાભાઈ મીઠાઈ લેતાં પૂછ્યું.

"આપણે સોપારી આપી હતીને... આજે શાનભાઈના શાર્પ શૂટરે તેને ફાઈનલી મારી નાંખી." અભિષેકે કહ્યું.

"હમમમ એમ વાત છે, હાશ છૂટયા આપણે." નાથાભાઈએ કહ્યું.

"હાશ, સૌમ્યા હવે બરાબરની ભરાશે, ના ઘરની રહી કે ના ઘાટની રહેશે." શારદાબેન બોલ્યા.

રાજવીની બધી અંતિમક્રિયા પૂરી થઈ ગઈ પણ ઘરમાં બધાની આંખોના આસું સૂકાઈ નહોતા રહ્યા. ઘરમાં બધાને સંભાળવા નિહાલ અને વનિતા માટે મુશ્કેલ હતા. જેમતેમ હિંમત કરીને તેઓ તેમને સંભાળવા મથી રહ્યા હતા.

વનિતાએ ઓફિસમાં પોલીસ કમિશનરને બોલાવ્યા અને કહ્યું કે, "આ ગોળી કોણે ચલાવી અને તેને કોણે ચલાવવા કહ્યું? બને તેટલી ઝડપી એ માણસને પકડો અને જાણો. તમે પર્સનલી આ પરનો રિપોર્ટ લો અને મને આપો."

"મેમ એ પ્રયત્ન ચાલુ જ છે, પણ એમ ઝડપથી પોસિબલ નથી, કદાચ ગોળી ચલાવનાર શાર્પ શૂટર હતો." પોલીસ કમિશનર બોલ્યા.

"મને કંઈ ખબર ના પડે, બને એટલી ઝડપથી આ કેસ સોલ્વ કરો. પછી એ માટે સીઆઈડીની મદદ જોઈએ તો તે લો, પણ રિઝલ્ટ જોઈએ જ, એની હાઉ. રાજવી લાવણીના કેસ સાથે જોડાયેલી હતી તો તે આરોપીઓ પર પણ નજર રાખો." તેને કહ્યું.

"જી મેમ, હું ખબરીઓને તેમના પાછળ લગાડી દઈશ." કહીને તેઓ ગયા.

વનિતા પોતાના પીએ રજત શર્માને બોલાવ્યા અને કહ્યું કે, "એક કામ કરો કે લાવણીનો કેસ કોણ લડી રહ્યો હતો, તેનું નામ અને એના વિશે પણ જાણી લાવો."

"હા મેમ... અને મેમ તમારી મીટીંગ...." પીએ બોલ્યો.

“કેન્સલ કરી દો, મારી તબિયત ઓકે નથી. અને હા જેમની સાથે મીટીંગો હતી તેમને બીજો સમય આપી દો." તે બોલી.

પીએ રજત શર્માએ કલાકમાં જ લાવણીનો કેસ લડી રહેલા એડવોકેટ સ્મિત વિશે તપાસ કરીને રિપોર્ટ વનિતાને આપી દીધો.

તેમણે કહ્યું કે, " મેમ આ એડવોકેટ સ્મિતનો રિપોર્ટ અને તેમના વિશેની માહિતી છે અને કાલે તેની આસિસ્ટન્ટ જોડે વાત કરીને એપોઇન્ટમેન્ટ પણ લઈ લીધી છે."

રિપોર્ટ વાંચીને વનિતા બોલી કે, " સરસ વર્ક કર્યું અને એ પણ ઝડપી. પણ એડવોકેટને મળવા કાલે નહીં, હાલ જ આપણે તેમની ઓફિસમાં જઈએ." વનિતાએ કહ્યું.

"પણ મેમ તમારી તબિયત ઢીક નથીને એટલે..." પીએ બોલ્યો.

"હા ભલે, પણ હાલ જ જઈએ છીએ, ડ્રાઈવરને રેડી રહેવાનું કહો."

વનિતા સ્મિતની ઓફિસે પહોંચી. સ્મિત તો ઓફિસે નહોતો તો તેની આસિસ્ટન્ટ સ્વાતિ મળી.

વનિતાએ પૂછ્યું કે, "એડવોકેટ કયારે મળશે?"

"જી મેમ, જે કામ હોય તે મને કહો, હાલ તો સ્મિત સર કોઈને નથી મળતા અને અમે નવો કેસ લેતા પણ નથી." સ્વાતિ બોલી.

"હું લાવણી કેસ રિલેટડ મળવા આવી છું એટલે જ તેમને મળવા માગું છું." તે બોલી.

"તમે મેમ... સૌમ્યાબેન..." સ્વાતિએ પૂછ્યું.

"ના લાવણીની અને રાજવીની ફ્રેન્ડ વનિતા, અને આ શહેરની ડેપ્યુટી કલેકટર છું."

વનિતાને મ્હોંથી આટલું સાંભળીને સ્વાતિ તરત જ ઊભી થઈ ગઈ અને બોલી કે, "બેસો મેમ, પણ સોરી સ્મિત સર તો નહીં જ મળે કારણ કે..."

બોલું કે ના બોલું અવઢવમાં સ્વાતિ ચૂપ થઈ ગઈ તો વનિતા તેની સામે જોઈ રહી.

"કારણ કે મેમ સ્મિત સર રાજવીને પ્રેમ કરતા હતા. પ્રપોઝ કર્યું અને ત્યાં જ રાજવી મેમને ગોળી વાગી અને તે મરી ગયા અને તે સાંભળીને સર તો પોતાની સૂધબૂધ ખોઈ જ બેઠા છે. ના કોઈની જોડે બોલે છે, કે ના કોઈ વાતમાં રસ લે છે. બસ ખાલી જીવવા ખાતર પોતાની રૂમમાં બંધ થઈને ચૂપચાપ પડયા રહે છે. એમનું મન બદલાય એ માટે બધા જ પ્રયત્ન કરી રહ્યા છીએ અને એટલે જ હું પણ તેમના બીજા કેસોની ઈયરિંગ લંબાવી રહી છું."

વનિતા ખુરશી પર ફસડાઈ ગઈ અને આંખોમાં ઝળહળિયાં આવી ગયા. તે ઊભી થઈને જવા ગઈ અને પીએને ઈશારો કર્યો.

પીએ મેમના ઈશારા પર સ્મિતના ઘરનું એડ્રેસ સ્વાતિ પાસેથી લીધું.

વનિતા ઘરે પહોંચીને, તેને પોતાની રૂમ સુધી તો આસું રોકી રાખ્યા પણ પછી તે ચોધાર આસુંએ રડી પડી. નિહાલે પૂછયું કે, "શું થયું, કેમ રડે છે?"

"નિહાલ કેવું છે, જે પામવા રાજવી તડપતી હતી, મેળવવા પ્રયત્ન કરતી હતી એટલે તેને નહોતું મળતું. જયારે જેને મળ્યું તો બીજાના દગાનો ભોગ બની તે માણવા પણ ના રહી." તે બોલી.

"વાત શું છે? શું બોલે છે? ખબર પડે તેમ કહે." તેને કહ્યું.

વનિતાએ નિહાલને સ્મિત અને રાજવી વિશે સ્વાતિએ કરેલી વાત કહી અને કહ્યું કે,

"જુઓને રાજવી મમ્મી પપ્પાનો પ્રેમ મેળવવા તડપતી હતી પણ તેને મળ્યો તો કયારે તેના મોત પછી. સાથે સાથે એક જીવનભરનો સાથ આપે તેવા સાથીનો પ્રેમ મળ્યો પણ તે વિશે જાણે કે કહે તે પહેલાં તો તેને મોત મળી ગયું. જયારે મારી બીજી ફ્રેન્ડ લાવણી પોતાના લગ્નજીવન માણે તે પહેલાં જ તેના સાથીએ જ દગો કર્યો અને મોત તરફ ધકેલી દીધી. આખી દુનિયા જોતી રહી પણ કંઈના કરી શકી.'

"મારી જ બંને ફ્રેન્ડસ કેમ આટલી કમનસીબ બોલોને નિહાલ." વનિતા રડતા રડતા બોલી.

આ સાંભળીને નિહાલ તો કંઈ જ ના બોલી શકયો પછી પોતાની જાતને સંભાળી નિહાલે કહ્યું કે, "ઊભી થા વનિતા, આ રડવાનો સમય પણ નથી. પણ આપણા માટે લડવાનો સમય છે, એ લાવણી એકલી માટે નહીં, રાજવી માટે પણ. આપણે સ્મિતને મળવું પડશે, તેને આ કેસ લડવા માટે સમજાવો પડશે. જલદી આસું લૂછ અને મનને સમજાવી લે લડવા માટે."

વનિતા પણ પોતાના આસું લૂછીને સ્મિતના ઘરે નિહાલ જોડે જવા નીકળી. તેઓ સ્મિતના ઘરે પહોંચ્યા અને પોતાની ઓળખાણ આપીને સ્મિતને એકવાર મળવાની વિનંતી કરી.

સ્મિતના રૂમમાં ગયા તો સ્મિતે તેમને જોઈને કહ્યું કે, " મારે કોઈ સાથે વાત નથી કરવી, જાવ તમે અહીંયાથી. રામુ...." રામુ અને નીતાબેન ત્યાં આવી ગયા.

સ્મિત કહે છે કે, "મારે કોઈ સાથે વાત નથી કરવી, જાવ તમે અહીંયાથી. રામુ...."

રામુ અને નીતાબેન ત્યાં આવી જાય છે.

નિહાલે કહ્યું કે, "એકવાર તમે અમારી વાત સાંભળો પછી તમે કહેશો તો જતાં રહીશું."

"જાવ અહીંયાથી...." કહીને તેને રૂમના દરવાજા તરફ હાથ કર્યો, તેઓ બહાર નીકળવા ગયા અને સ્મિતે રામુને કહ્યું કે, "તને કેટલી વાર કહ્યું કે મારે કોઈને નથી મળવું તો તારે બહારથી જ તેમને જવાનું કહી દેવાનું..."

"અમે જતાં રહીશું, પણ રાજવીને જવાનું કેમ કહેશો?" વનિતા સ્મિત સામે ફરીને બોલી.

સ્મિત તે સાંભળીને વનિતા સામે જોવા લાગ્યો અને પૂછ્યું કે, "શું મારી રાજવી જીવે છે?"

"હા, કેમ નહીં તમારા મનમાં, તમારા હ્રદયમાં.... એની આત્મા હજી પણ તમારી પાસેથી અપેક્ષા રાખી રહી છે કે તેને કરેલા કેસ અને તેના અસીલને ન્યાય અપાવશો. તેને જીવનભરનો સાથ નિભાવવાનો કોલ આપનાર વ્યક્તિ ચોક્કસ અપાવશે, તેની છેલ્લી ઈચ્છા પૂરી કરશે." વનિતા બોલી રહી હતી અને સ્મિત રડી રહ્યો હતો.

નીતાબેને તેને કહ્યું કે, " બેટા, તું તો વકીલ છે. તારે તો તે છોકરીને ન્યાય અપાવવાનો છે. આમ ભાગી થોડું જવાય અને રાજવી તો તારો પ્રેમ હતી તો એની છેલ્લી ઈચ્છા વિશે તો વિચારવું જ રહ્યું."

નિહાલે પણ કહ્યું કે, " હું પણ બદનસીબ છું કે મારી બહેનને સાસરે વળાવું તે પહેલાં જ તેને ચિરવિદાય લઈ લીધી. પણ હાથ જોડીને એટલું જ કહીશ કે તેની છેલ્લી ઈચ્છા તમે જ પૂરી કરી શકો એવા એકલા તમે જ છો, તો તે પૂરી કરો."

"છેલ્લી ઈચ્છા જ નહીં પણ તેના હત્યારાને પણ સજા અપાવવો તમે..." કહીને વનિતા અને નિહાલે હાથ જોડયા. સ્મિતે રડતી આંખે હા પાડી.

પોલીસને ખબરી દ્વારા ખબર પડતાં ઈમરાન અને શાનભાઈને પકડી લીધા. થર્ડ ડીગ્રી અજમાવતા જ તેમને બોલી નાખ્યું કે, "તેમને જ રાજવીને મારી છે, અને તે માટે તેમને અભિષેક અને નાથાભાઈએ સોપારી આપી હતી."

આ ખબર લઈને પોલીસ કમિશનર વનિતાને મળ્યા. વનિતાએ તરતજ તાત્કાલિક અસરથી એરેસ્ટ વૉરન્ટ ઈસ્યુ કર્યા અને પોલીસે તેમને પકડીને લોક અપમાં પૂર્યા.

સ્મિતે તેમની વાત સાંભળીને પછી કહ્યું કે, "ઈમરાન અને શાનભાઈને સરકારી સાક્ષી બનશે તો તેમની સજા અડધી કરવા માટે જજને વિનંતી કરીશ."

સ્મિતે સરકારી સાક્ષી બનાવી દીધા. સ્મિતે તેમના પર લાવણીની સાથે રાજવીની હત્યાનો કેસ પણ થોપી દીધો. કોર્ટમાં તેમના દસ દિવસના રિમાન્ડ સ્મિતે મંજૂર કરાવી લીધા, અને તેમને લોકઅપમાં પૂરી દેવામાં આવ્યા.

નયનાબેન અને રમેશભાઈને રાજવીની હત્યા કરનારા બીજા કોઈ નહીં પણ નાથાભાઈ અને અભિષેક જ છે, તે જાણીને રમેશભાઈ તેમના પર અને પોતાની જાત પર ખૂબ જ ગુસ્સે થયા.

લાવણીના કેસની બીજી ઈયરિંગ નજીક આવી રહી હતી અને રાજવીના હત્યાના કેસની ફર્સ્ટ ઈયરિંગ પણ. સ્મિત દિવસ રાત જોયા વગર મહેનત કરી રહ્યો હતો. રાજવીના હત્યાના કેસમાં જ આરોપીને સજા મળી જાય તેવી જોરદાર તૈયારી એની હતી, વળી તે તો આઈ વિટનેસ હતો એટલે તેના માટે કેસ લડવો અઘરો પણ હતો. તેને તો બંને કેસ ગમે તે ભોગે જીતવાના જ હતા.

અને આમાં તો નિહાલ, રમેશભાઈ, વનિતા રંજનભાઈ, સૌમ્યા બધાનો સાથ સ્મિતને મળી રહ્યો હતો.

રાજવીના મર્યાના બાર દિવસ પૂરાં થવા આવ્યા અને આજે તેનું તેરમું હતું. છેલ્લી ગરૂડકથા પત્યા પછી છેલ્લી સજ્જા કરવામાં આવી રહી હતી. સ્મિત સાથે ઘરના બધા જ વ્યક્તિઓ એ વિધિમાં હતા. આ વિધિ પત્યા પછી સમાજના રિવાજ મુજબ જમવાનું હતું.

બધાએ જમીને વિદાય લીધી. ઘરના બધા વ્યક્તિ એ પરાણે કોળિયા ગળા નીચે ઉતાર્યા.

આટલા દિવસથી નિહાલ અને વનિતા તે ઘરે જ હતા, પણ વિધિ પૂરી થઈ જતાં તેઓ પણ પોતાના ઘરે જવાની તૈયારી કરવા લાગ્યા.

નયનાબેન તેમના રૂમમાં આવ્યા અને તેમને. જવા માટે તૈયારી કરતાં જોઈને તે રડી પડ્યા, પછી બોલ્યા કે, "બેટા માફ કરજે, હું સ્વાર્થી છું, મા છું ને એટલા માટે મારું મન તમને રોકી રાખવા માંગું છું. પણ મારા સ્વાર્થ ખાતર તમને રોકીને તમારું અહિત નહીં કરું. બસ દીકરી જતી રહી અને હવે દીકરો અને વહુ પણ જાય છે..... ખાલી આ મા ને મળવા આવજો, તે જીવે છે કે નહીં તે જોવા આવજો બેટા."

તેમને રડતાં જોઈને વનિતાએ કહ્યું કે, "મમ્મી તમે રડો નહીં, તમે કહેશો તો અને તમારી જોડે રહી જઈશું, એકવાર હુકમ કરો એટલી જ વાર."

"મા છું ને એટલે રડવું આવ્યું, પણ તમે જાવ અને ખુશ રહો." તે બોલ્યા.

તેઓ જવા લાગ્યા તો રમેશભાઈએ વનિતાની સામે હાથ જોડીને કહ્યું કે, "બેટા મને માફ કરજે, હું તારા જીવનમાં કોઈ ખુશીઓ લાવી તો દૂર પણ ખુશીઓ માં આડી ખીલી જ બની ગયો. તારા સપના તો સાકાર ના કરાવી શકયો પણ તેને સાકાર કરવા માટેના પ્રયત્નો માં પણ તને એકલી છોડી દીધી. અને તારી જોડે જ આવું નથી કર્યું પણ બેટા રાજવી જોડે પણ આવું જ કર્યું.'

"જયારે મને મારી ભૂલ સુધારવી છે પણ તે તો રહી જ નથી. પણ બેટા તું તો છે ને, રાજવીને જે પ્રેમ, દુલાર કે લાડ ના આપી શકયો તે હું તને દીકરી બનાવી આપવા માંગું છું. મને નિરાશ ના કર, અને અહીં રહી જા."

નિહાલને કહેવા લાગ્યા કે, "નિહાલ તું, તારે તો લડવું જોઈએ પણ તું લડયો નહીં ને ચૂપચાપ ઘર છોડીને જતો રહ્યો. હવે ના જા બેટા, એક જ વિનંતી છે મારી કે 'એક દીકરી તો છોડી ગઈ પણ તું આ બીજી દીકરીને છીનવી ના લે."

રમેશભાઈ અને નયનાબેન રડવા લાગ્યા, વનિતા અને નિહાલે આંખોથી હા પાડી પણ ચારે જણ દમયંતીબા સામું જોયું તો તે બોલ્યા કે, " હા બેટા, મને પણ મારી ભૂલ સુધારવાનો મોકો આપ. નિહાલ તારું બાળપણ જોયું પણ રાજવીનું બાળપણ જોયું જ નથી. આ ઘરડી આંખોને ફરીથી નાની રાજવીનું બાળપણની રમતો દેખાડ." દમયંતીબાને પડતા જોઈને નિહાલ અને વનિતાએ પકડી લીધા અને તેઓ ત્યાં જ રહી ગયા.

કોર્ટમાં કેસની સુનાવણી ચાલુ થઈ. પહેલાં રાજવીના હત્યાના કેસમાં બચાવ પક્ષના વકીલ અને સરકારી વકીલ તરીકે સ્મિત વચ્ચે દલીલો ખૂબ ચાલી. પણ રાજવીના હત્યાના કેસમાં આઈ વિટનેસ સ્મિત જ હતો અને ઈમરાન અને શાનભાઈ સરકારી સાક્ષી બની ગયા હોવાથી નાથાભાઈ અને અભિષેક અપરાધી પૂરવાર થયા. તેમને જન્મટીપની સજા જજે સંભળાવી. જયારે ઈમરાન અને શાનભાઈને સરકારી સાક્ષી બની ગયા હોવાથી તેમને સાત વર્ષના જેલની સજા આપી.

રાજવીના હત્યાના કેસમાં અપરાધીઓ ને સજા થઈ ગઈ અને હવે લાવણીના કેસની વારી હતી.

લાવણીના કેસમાં પણ બચાવ પક્ષના વકીલે પોતાના અસીલને બચાવવા ઘણા ધમપછાડા કર્યા પણ રમીલાબેન અને સૌમ્યાની સાક્ષીથી અભિષેક, નાથાભાઈ અને શારદાબેનને લાવણીને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ પાંચ વર્ષની સજા થઈ.

આ બધું પત્યા પછી વનિતાને 'નબળી' વિશે વિચાર આવ્યો. વનિતા, નિહાલ અને સ્મિત વનિતાની ઓફિસમાં બેઠા હતા. વનિતાએ કહ્યું કે, " હું આ નબળી સંસ્થાને ચલાવવા માંગું છું પણ આ પદ પરની જવાબદારીના લીધે મારાથી શકય નથી. તો પછી તેને બંધ કરી દઈએ."

" ના હું ચલાવીશ, મારી રાજવીનું સપનું હતું આ સંસ્થા બનાવવાનું, ચલાવવાનું." સ્મિતે કહ્યું.

"હા, હું પણ ચલાવીશ." નિહાલ બોલ્યો.

ત્યાં જ રમેશભાઈ, નયનાબેન અને દમયંતીબા આવી પહોંચ્યા. બધા ઊભા થઈને તેમને બેસવા જગ્યા આપી. રમેશભાઈએ પૂછ્યું કે, "બેટા, તમે હાલ નબળી વિશે વાત કરી રહ્યા હતા ને."

"હા પપ્પાજી, એ સંસ્થા કેવી રીતે ચલાવી એ વિશે જ. નિહાલ અને સ્મિત બંને આ સંસ્થા ચલાવવાના છે." વનિતાએ જણાવ્યું.

"તો એ લોકોને એટલે કે નિહાલને કામ નથી કરવાનું, એની કેરિયર નથી જોવાની. સ્મિતને પણ પોતાની લાઈફ, પોતાના કેસ જોવાના છે કે નહીં. એ કરશે તો નબળીને સમય નહીં આપી શકે." તે બોલ્યા.

"તો પછી...." વનિતાએ પૂછ્યું.

"એના કરતાં આ નબળી અમે ચલાવીએ, એ અમારી તરફથી મારી દીકરીને શ્રધ્ધાજંલિ હશે." નયનાબેન બોલ્યા.

" હા બેટા, અમે આ જ વાત કરવા આવ્યા છીએ. અને મારી દીકરીનું ગૌરવ છે આ નબળી, અને મને મારી દીકરી પર ગૌરવ છે. તો પછી ગૌરવને સચવાય અને વધારવાય." રમેશભાઈએ કહ્યું.

દમયંતીબાએ કહ્યું કે, " હાસ્તો આજથી એ દરેક છપ્પરપગીઓને નરકમાં થી છૂટકારો અપાવીને વ્હાલની ઊણપ હું દાદી બનીને, નયના મા બનીને પૂરી કરીશું. મારી એ છપ્પરપગીની યાદમાં... બેટા, અમને આ કામ કરવા દે. અને તમે તમારી નોકરી પર ધ્યાન આપો."

બધાએ તાળીઓથી આ વાતને વધાવી લીધી.

નબળી સંસ્થા રાજવી જેમ ઈચ્છતી હતી તેમ ચાલવા લાગી. તેમાં રમેશભાઈ, નયનાબેન અને દમયંતીબાની જોડે જોડે રંજનભાઈ અને રમીલાબેન પણ જોડાઈ ગયા. વનિતા, નિહાલ અને સ્મિત પણ વારાફરતી ધ્યાન રાખી રહ્યા હતા.

*********

આ ધારાવાહિક અહીં જ પૂર્ણ થાય છે, પણ તે પૂરી નહીં પણ શરૂઆત છે. એક એવી લડતની જેમાં દરેક સ્ત્રીને પરણ્યા પછી સાસરીમાં માન ના મળે તો પિયરથી સાથ ના મળે, એવી દરેકને પોતાના મા બાપ, સાસરીના લોકો કે પતિને સાથે લડીને પોતાનું સ્વમાન સાચવવા માટે. પોતાની જાતને નરકના અંધકાર કે કૂવાના અંધકારને પાછા ઠેલવવાનો  અને પોતાના જીવનની ખુશીઓ મેળવવાનો...

આશા છે કે તમને આ ધારાવાહિક પસંદ આવી હશે અને તમારા મહત્ત્વના પ્રતિભાવ આપવા બદલ તમારો ધન્યવાદ...

આગળ પણ આવો જ પ્રતિસાદ આપશો મારી નવી રચનાને.