ભાગ : ૩
ડેપો થી થોડે દુર ની દુકાને મૃગેશ ચીજ વસ્તુઓ લેવા પહોંચ્યો. ત્યાં તેણે રસ્તામાં વેલજી ને જોયો અને તેના મનમાં વિચાર આવ્યો કે અત્યારે દિનેશભાઈ નથી, આ જ મોકો છે વેલજી જરૂર મેઘપુર અને નરેશભાઈ વિશે વધુ જાણતો હશે. તે વેલજી તરફ આગળ વધી જ રહ્યો હતો એટલા માં તેનું ધ્યાન વરસાદ માં ભીંજાયેલી એક સ્ત્રી તરફ ગયું. એ સ્ત્રી સવારે બસમાં હતી તેના જેવી જ આબેહુબ લાગતી હતી. જોકે બસમાં હતી તેના કરતાં વધુ યુવાન લાગતી હતી એટલે મૃગેશે ધારણા કરી કે આ બસમાં હતી એ સ્ત્રી ના સગા માંથી કોઈ હોવી જોઈએ. દેખાવડી અને શરીર પણ એકદમ ઘાટીલું, મૃગેશ માટે તો તે કોઈ અપ્સરા થી કમ નહતી. એ સ્ત્રી એ પણ મૃગેશ તરફ એક નજર કરી અને જાણે મૃગેશ ને કોઈ સાંકેતિક ભાષા માં પોતાની પાસે બોલવતી હોય તેવો અનુભવ થયો. એ અદભુત આકર્ષણ જે મૃગેશે ક્યારેય કોઈ સ્ત્રી માટે અનુભવ્યું નહતું. વરસાદ ધીમો પડી રહ્યો હતો. પેલી સ્ત્રી એ આકાશ તરફ નજર માંડી અને તરત જ ઝડપભેર ચાલવાનું શરૂ કર્યું. મૃગેશ પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો.
"વિઠ્ઠલપરા,વિઠ્ઠલપરા ..." થોડે દુર એક છકડા વાળો બુમો મારતો હતો.
"ક્યાં રસ્તે જશો, હાઇવે થી કે કાચા રસ્તે ?" ભીંજાઈ રહેલી એ સ્ત્રીએ છકડા વાળા ને મો લૂછતાં પૂછ્યું.
"કાચા રસ્તેથી, તમારે ક્યાં જવાનું ?"
"મારે વિઠ્ઠલપરા પહેલા કાચા રસ્તા પર એક ડેરી આવે ત્યાં ઉતરવાનું છે"
"જોઈ છે, બેસી જાઓ ઉતારી દઈશ" છકડા વાળો બોલ્યો અને છકડો ચાલુ કરી ફરી બુમો મારવા લાગ્યો.
"વિઠ્ઠલપરા,વિઠ્ઠલપરા ..."
"ભાઈ જરા જલ્દી કરજો ને મારે વહેલા પહોંચવું છે"
અંદર બેઠેલી સ્ત્રી થોડી ચિંતાતુર સ્વરે આકાશ તરફ જોતા બોલી. વરસાદ નું જોર ઘટી રહ્યું હતું. સવારે જે કાળા ડિબાંગ વાદળો હતા જેને જોઈ લાગતું વરસાદ અઠવાડિયું ચાલશે એ વાદળો એકાએક પવન ના જોરે ખેંચાઈ ગયા હતા.
"ચિંતા ના કરો હમણાં પંદર વિસ મિનિટમાં તમને ડેરીએ પહોંચાડી દઈશ, અને હવે તો વરસાદ પણ બંધ થતો હોય એવું લાગે છે..."
"હા પણ મારે વરસાદ બંધ થાય એ પહેલાં પહોંચવું છે. ઘરે રાહ જોતા હશે મારા બાપુજી.."
"ઠીક છે" કહી છકડા વાળા એ છકડો આગળ વધાર્યો અને ત્યાં એક અવાજ સંભળાયો.
"અરે ઉભા રહો..."
છકડા વાળા એ છકડો રોક્યો ત્યાં હાથ માં છત્રી લઈ ને એક યુવાન દોડી ને છકડા પાસે આવી ઉભો રહ્યો અને છત્રી બંધ કરી છકડા માં બેસી ગયો.
"મારે પણ વિઠ્ઠલપરા પહેલા ડેરી આવે ત્યાં જ જાવું છે" મૃગેશે છકડા વાળા ને કહ્યું.
મૃગેશ ના છકડા માં બેસતા જ છકડા વાળા એ છકડો કાચા રસ્તે થી મેઘપુર તરફ આગળ વધાર્યો. વેલજી એ આખું દ્રશ્ય દૂરથી જોયું પરંતુ હાથમાં છત્રી ને કારણે તે યુવાન નો ચહેરો ના જોઈ શક્યો.
"આ માણસ વળી મેઘપુર કેમ આવી રહ્યો હશે એને મેઘપુર માં કોઈ દિવસ નથી જોયો કદાચ એ શ્રાપ નિ અસર તો.." છકડા માં બેઠેલી સ્ત્રી એ મૃગેશ તરફ એક નજર કરી અને વિચારી રહી હતી.
છકડા વાળો વરસાદ અને કીચડ વાળો કાચા રસ્તા પર થોડું સંભાળી ને મધ્યમ ગતિ એ છકડો ચલાવી રહયો હતો. રસ્તા ની બન્ને તરફ ઊંચા વૃક્ષો ની શરૂઆત થઈ ગઈ અને રસ્તો એના લીધે ઢંકાઈ ગયો હતો. છકડા ની અંદર મૃગેશ ચૂપચાપ બેઠો હતો અને તેના મનમાં બસ તેની બાજુ માં બેઠેલી સ્ત્રી ના જ વિચાર હતા. સવારે બસમાં હતી એ સ્ત્રી ને જોઈ ત્યારે પણ મૃગેશ તેના જ વિચારોમાં ખોવાઈ જતો હતો. તે સમય કરતાં પણ વધુ આકર્ષણ તે અત્યારે તેની બાજુમાં બેઠેલી સ્ત્રી માટે અનુભવી રહ્યો હતો.
"તમે મેઘપુર જવાના ?" અંતે મૃગેશે તેની બાજુ માં બેઠેલી સ્ત્રી ને પૂછ્યું.
"હા" ખૂબ જ ટુક માં અને નિરુત્સાહી સ્વરે એ સ્ત્રી એ જવાબ આપ્યો. અને આકાશ તરફ ચિંતાભરી નજરે જોવા લાગી.
મૃગેશ ને બીજા ઘણા સવાલ હતા પરંતુ એ સ્ત્રી જાણે કોઈ બીજા જ વિચારો માં આકાશ જોયે રાખતી હોય તેમ તેને લાગ્યું અને સવાલો કરવાનું માંડી વાળ્યું.
થોડા સમયમાં છકડો ડેરી એ આવી પહોંચ્યો. તરત જ તેમાં બેઠેલી સ્ત્રી છકડા માં બીજી તરફ થી બહાર નીકળી અને છકડા વાળા ને રૂપિયા આપી ડેરી ની સામે તરફ ના વૃક્ષો માં એક કેડી પડતી હતી એ બાજુ ઝડપ ભેર ચાલવા લાગી. મૃગેશ પણ છકડા વાળા ને રૂપિયા આપી તેની પાછળ ચાલવા લાગ્યો. તે થોડુંક ચાલ્યો હતો અને વૃક્ષો ને પસાર કરી ખુલ્લા મેદાન જેવા વિસ્તાર માં આવી પહોચ્યો. મેદાન માં થોડેક જ દૂર તેને કેટલાક મકાનો દેખાયા. જેમ જેમ મૃગેશ આગળ વધતો ગયો તેને કેટલાક લોકો પણ ગામ માં દેખાવ લાગ્યા. ગામ ની ફરતે નાની એવી પાળ હતી અને વચ્ચે એક લાકડાનો મોટો દરવાજો.
ઝરમર વરસાદ ચાલુ હતો. પેલી સ્ત્રી એ ગામ નો દરવાજો જોઈ રાહતનો શ્વાસ લીધો. અને હવે ઝડપ થોડી ઓછી કરી અને લાકડા ના એ દરવાજા માંથી ગામ માં પ્રવેશ કર્યો. મૃગેશ પણ તે સ્ત્રી પાછળ ગામ માં પ્રવેશ કર્યો. તેણે એક નજર ગામમાં ચારોતરફ ફેરવી. પેલી સ્ત્રી આગળ વધી ને એક ગલી માં વળી ગઈ.
તેનો પીછો કરતા કરતા મૃગેશ પણ એ ગલી માં દાખલ થયો અને ગલી માં બીજું જ મકાન નરેશભાઈ નું ઘર હતું. થોડી વારમાં તે નરેશભાઈ ના ઘરે પહોંચ્યો. ઘર ના આંગણે તેણે સવારે બસ માં જોઈ હતી તે બન્ને સ્ત્રીઓ સાથે તેમને લેવા આવેલ છત્રી પકડીને ઉભેલા માણસ અને તેની સાથે છકડા માં હતી એ સ્ત્રી ને પણ જોઈ. પરંતુ હવે તેને એ સ્ત્રી ની સુંદરતા આછી થઈ ગઈ હોય એવું તેને લાગ્યું.
"તારે ડાંગ જવાની શુ જરૂર હતી, ગામ ની બહાર નો માણસ તારી પાછળ છેક ગામમાં આવી ગયો. તારે એને રોકવાની જરૂર હતી, એને ડેરી એ થી જ પાછો વાળી દેવાય. એને તો કદાચ ખબર પણ નહીં હોય કે એ ક્યાં જઈ રહ્યો છે !" બસમાં હતી એ સ્ત્રી છકડામાં આવેલી સ્ત્રી ને ઠપકો આપી રહી હતી. એટલા માં નરેશભાઈ નું ઘ્યાન મૃગેશ પર ગયું અને એને આકાશ તરફ જોઈ નિસાસો નાખ્યો. તે મૃગેશ તરફ આગળ વધ્યા અને તેને જોઈ બોલ્યા.
"મૃગેશ છે ને તું ? આજે સવારની બસ નો કંડકટર, અને તું અહીં શુ કરે, દિનેશ એ તને આ ગામ વિશે ની વાત નથી કરી કે શું?"
"તમે જ નરેશભાઈ ? તમે તો મૃત્યુ પામ્યા છો એવી વાતો ત્યાં બસ સ્ટેન્ડ પર બધા કરે પણ મને દિનેશભાઈ અને વેલજી ની વાતો પરથી શંકા ગઈ. પરંતુ મને હજુ નથી સમજાતું કે હું અહીં કઈ રીતે આવી ગયો ? મને યાદ છે કે હું ટૂથબ્રશ અને બીજી વસ્તુઓ લેવા ડેપો પાસે ની દુકાને ગયો અને ત્યાં મેં પેલી સ્ત્રી ને જોઈ અને ....હા હવે મને યાદ આવ્યું, હું એની જોડે છકડા માં બેઠો અને એનો પીછો કરતા કરતા અહીં આવ્યો. પણ..! મને સમજાતું નથી ..."
"તું આવ્યો છે પણ તારી મરજી થી નહિ, એ સ્ત્રી જેનો તું પીછો કરતો આવ્યો એ મારી સાળી છે. મારી સાથે પણ એ જ થયું હતું પરંતુ મારી પત્ની શારદા જે સવારે બસ માં હતી એણે જ મને ગામ ના શ્રાપ થી બચાવવા વરસાદ બંધ થાય એ પહેલાં જ પાછો મોકલી દીધો હતો"
"કયો શ્રાપ અને વરસાદ બંધ થાય તો શું ?..વરસાદ તો બંધ થઇ ગયો !" મૃગેશ હજુ પણ શું બની રહ્યું છે સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
નરેશભાઈ મૃગેશને ઘરમાં લઈ ગયા અને બને ખુરશી માં બેઠા. નરેશભાઈ એ મેઘપુરની વાત શરૂઆત થી માંડી ને શરૂ કરી.
"વર્ષો પહેલા આ ગામ માં એક સાધુ આવ્યા હતા. એમણે આ ગામ માં તપ કરવાની વાત ગામ ના લોકોને કરી અને જો તપ સફળ થશે તો સાધુ ગામ ના લોકો ને સદા સુખાકારી અને તેમની ઈચ્છાઓ પૂરી થશે તેવા આશીર્વાદ આપવાના હતા. ગામ વાળા એ ખુશી ખુશી સહમતી દર્શાવી પરંતુ સાધુ ની એક શરત હતી કે એક વાર તપ શરૂ કર્યા બાદ કોઈ પણ ભોગે હવન ની અગ્નિને ઠંડી નહિ પડવા દેવાની. પછી સાધુ એ એક વૃક્ષ પાસે તપ શરૂ કર્યું અને બાદમાં પોતે સમાધિમાં જતા રહ્યા. થોડા વખતમાં વરસાદ ની ઋતુ નજદીક આવી ગઈ અને વાદળો ઘેરવા લાગ્યા એટલે ગામ ના લોકોએ હવન ની અગ્નિ સતત સળગતી રહે એ માટે એ જગ્યા ની આજુ બાજુ દીવાલો બનાવવા અને ઉપર છત્ર પૂરું પાડવા ગામના જ કેટલાક જુવાનિયાઓ ને કામ સોપ્યું.અને બસ એમના પાપ ની સજા આખું ગામ અને ગામ માં આવી ગયેલા લોકો ભોગવે છે"
"કઈ સજા અને કઈ ભૂલ કરી હતી એ લોકોએ ?" પોતાની સાથે શુ થયું એ વાત થી અજાણ મૃગેશે નરેશભાઈ ને સવાલ કર્યો.
"કામ ની શરૂઆત ના પ્રથમ દિવસે દીવાલો બનાવાની શરૂઆત કરવામાં આવી. આ જુવાનિયાઓ કામ કરતા હતા ત્યારે સવારના સમયે ગામ ની કેટલી સ્ત્રીઓ ગામના બહારના તળાવે નહાવા અને કપડાં ધોવા માટે જઈ રહી હતી. જુવાનિયાઓ નું ધ્યાન કામ માંથી નીકળી એ સ્ત્રીઓ પર ગયું. અને એ લોકોએ કામ પડતું મૂકીને એ સ્ત્રીઓ ની પાછળ પાછળ તળાવે જવાનું નક્કી કર્યું. વિધિના વિધાન કે ગામ વાળા નું બદનસીબ, એજ સમયે પવન સાથે કેટલાક વાદળો ખેંચાઈ આવ્યા ને વરસાદ ની શરૂઆત થઈ. હવન ની અગ્નિ વરસાદ ના પાણી થી ઓલવાઈ ગઈ અને સાધુ પણ વરસાદ માં પલળી ગયા. સાધુ સમાધિ માંથી જાગી ગયા અને હવન ની ઠરેલ અગ્નિ જોઈ ગુસ્સામાં આવી ગયા. ગામના લોકો ને એમની આ ભૂલ નું કારણ પૂછયું. ગામ ના લોકો એ જ્યારે સાધુ ને જુવાનિયાઓ નું સ્ત્રીઓ માટેના આકર્ષણ ની વાત કરી ત્યારે તે સાંભળી સાધુ એ ગામ અને ગામના લોકો ને શ્રાપ આપ્યો. ત્યારથી આ ગામ અને ગામના લોકો માત્ર વરસાદ માં જ અસ્તિત્વમાં આવે છે. વરસાદ બંધ થતાં જ ગામ ,ગામમાં રહેતા લોકો, ઘર મકાન બધું જ ગાયબ થઈ જાય છે. અને આ ગામ ની સ્ત્રીઓ ને જોઈ કોઈ પણ પુરુષ પેલા જુવાનિયાઓ ની જેમ આકર્ષાઈ ગામ માં ખેંચાઈ આવે છે અને વરસાદ બંધ થયા પછી ગામની સાથે એ પણ ગાયબ થઈ જાય છે."
"ગાયબ એટલે આખું ગામ ગાયબ...! પણ વરસાદ તો બંધ અને હું તો હજુ પણ છું.. " મૃગેશ ને નરેશભાઈ ની વાતો ગળે નહોતી ઉતરતી.
"મૃગેશભાઈ તમારી સાથે જે થયું એ સમજતા તમને વાર લાગશે પણ તેમાં મારી બહેન ને દોષી ના ગણતા" નરેશભાઈ ની પત્ની મૃગેશ પાસે આવીને તેને સમજાવવાનો પ્રયત્ન કરી રહી હતી.
"તમે...? આ તમારા પત્ની, એટલે સવારે બસમાં હતા એ ?" મૃગેશે નરેશભાઈ ની પત્ની તરફ આંગળી ચીંધી નરેશભાઈ ને સવાલ કર્યો.
"હા, આ એજ છે. હું માનું છું ત્યાં સુધી સવારે બસમાં એ વધારે રૂપાળી લાગી હશે કદાચ તને ? શ્રાપ ના લીધે ગામની કોઈ પણ સ્ત્રી મન મોહી લે, કહો કે સંમોહિત કરી નાખે એવી રૂપાળી લાગે. પરંતુ ગામ ની બહાર જ. ગામ માં તેમનું સાચું રૂપ દેખાઈ આવે. જ્યારે બહારની દુનિયા માટે એક વરસ બાર મહિના ચાલે ત્યાં અહીં લોકો વરસાદ પુરતા જ અસ્તિત્વમાં આવે. એટલે જ મારી અને મારી પત્ની ની ઉંમર માં તને મોટો તફાવત લાગતો હશે પરંતુ એ મારા જેટલી જ એટલે સાંઠ ની પણ હજુ પચ્ચીસ એક વર્ષ ની જ લાગે." નરેશભાઈ પોતે આવા જ અનુભવો માંથી પસાર થયા હતા એટલે એ જાણતા હતા મૃગેશ ના મનમાં કેવા કેવા સવાલો ઉઠી રહ્યા હશે.
"ના હોય, આ એ બેન નથી જે બસમાં હતા, હા ચહેરો મળતો આવે છે પણ ....ના એ ..એતો કાંઈક અલગ જ હતા, અને આ..." મૃગેશ બોલતા બોલતા અટકી ગયો જ્યારે તેનું ધ્યાન નરેશભાઈ ની સાળી પર ગયું. એ છોકરી જેને જોઈ તે પોતાનું ભાન ભૂલી બેઠો હતો અને એની પાછળ પાછળ છેક મેઘપુર આવી ગયો એ સ્ત્રી ના જેવો જ પોશાક, ચહેરો પણ મળતો આવે પણ એ આકર્ષણ, એ રૂપાળું શરીર આ તો નહોતું જ. એ નરેશભાઈ ની સામે ટગર ટગર જોઈ રહ્યો એને કાંઈ સમજાતું નહોતું. એને લાગ્યું કોઈ ડરામણું સ્વપ્ન જોઈ રહ્યો હોય અથવા કોઈ કાળું જાદુ છે. અને તે ત્યાંથી દોટ મૂકી નાસ્યો. નરેશભાઈ ના ઘરે થી બહાર નીકળી તે ગામ ના દરવાજા તરફ ભાગ્યો.
નરેશભાઈ પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા. મૃગેશ ગામના દરવાજે પહોંચ્યો એટલે તેને હાંશ થઈ. મનોમન નક્કી કર્યું કે હવે એક પણ મિનિટ ગુમાવ્યા વિના આ દરવાજો ઓળંગી પાછો દિનેશભાઇ જોડે બસ સ્ટેન્ડ પહોંચી જવું છે. ડેરી પાસે થી કોઈ છકડો ના મળે તો, કોઈ આવતું જતું વાહન હશે તેમાં, એ પણ નહીં મળે તો દોડતા જતો રહીશ , દોડાશે નહિ તો ચાલી ને પણ હવે આ ગામ માં પગ નથી મુકવો. ગામ નો દરવાજો સામે જ હતો. એ દરવાજા માંથી પસાર થયો ને મેદાન માં પ્રવેશ્યો. થોડે જ દૂર ઊંચા વૃક્ષો અને એની પાછળ ડેરી પાસેથી પસાર થતો કાચો રસ્તો. મૃગેશે વૃક્ષો તરફ દોડવાનું શરૂ કર્યું , પણ આ શું ? વૃક્ષો અને એની વચ્ચે નું અંતર તો પહેલા જેટલું જ! તેણે વધુ જોર લગાવ્યું અને વધુ ઝડપભેર દોડવાનું શરૂ કર્યું. વૃક્ષો અને તેની વચ્ચેનું અંતર ઠેર નું ઠેર. મૃગેશ થાક્યો હવે તેનામાં દોડવાનું જોર નહતું. તે ઘૂંટણિયે હાથ મૂકી ઊંડા શ્વાસ લેવા લાગ્યો.
"મૃગેશ...હવે તને વિશ્વાસ આયો"
મૃગેશ અવાજ સંભળીને ચમક્યો. પાછળ જોયું તો મેઘપુર ના દરવાજા ની વચ્ચો વચ્ચ નરેશભાઈ ઉભા હતા તેનાથી માત્ર ચાર ડગલાં દૂર. મૃગેશ ની હાલત કાપો તો લોહી ના નીકળે એવી. એ ગામના દરવાજા થી ઓછામાં ઓછા સો એક ડગલાં દોડ્યો અને હવે પાછું જુએ તો ચાર ડગલાં એ જ ગામનો લાકડાનો દરવાજો અને ત્યાં આંખોમાં સહાનુભૂતિ સાથે ઉભેલા નારેશભાઈ.
"વરસાદ. મૃગેશ વરસાદ પડે એ દરમ્યાન જ ગામનું કોઈ પણ ગામની બહાર જઈ શકે, ત્યાં સુધી આ ગામ અને ગામના લોક નું બહારની દુનિયા માં કોઈ અસ્તિત્વ જ નથી. મને તો ગામનો શ્રાપ લાગુ પડ્યો અને હવે તને પણ, ફરક એટલો જ છે કે મેં જાતે જ આ જીવન પસંદ કર્યું અને તું ..." એટલું બોલી નરેશભાઈ એ મૃગેશ ના ખભે હાથ મુક્યો અને મૃગેશ એકીટશે નરેશભાઈ અને તેમની પાછળ મેઘપુર ગામ ને જોઈ રહ્યો. થોડી વાર બાદ મૃગેશ ની નજર આકાશ તરફ ગઈ. વાદળો ઓછા થઈ ગયા હતા સૂરજ નો આછો પ્રકાશ રેલાઈ રહ્યો હતો જે હવે તેના જીવનમાં અંધકાર સમાન હતો.
આ તરફ ખાસો એવો સમય થઈ ગયો મૃગેશ પાછો ના ફર્યો એટલે દિનેશભાઇ ને મનમાં શંકા બેઠી કે મૃગેશ મેઘપુર તરફ તો નહીં ગયો હોય ને. દિનેશભાઇ ગામ માં તપાસ કરવા નીકળ્યા ત્યાં વેલજી મળ્યો અને વેલજી એ મૃગેશ જેવો જ એક માણસ ને છકડામાં મેઘપુરની કોઈ સ્ત્રી ની સાથે જતા જોયા ની વાત કરી. દિનેશભાઇ એ આકાશમાં જોયું. વરસાદ હવે રહી ગયો હતો તેમના મનમાં જે શંકા હતી એ જ ઘટના મૃગેશ સાથે બની હશે એવું માની લીધું છતાં એક વાર ખાતરી કરવા એ વેલજી ને લઈ કાચા રસ્તા પર ડેરી સુધી જઈ આવ્યા. રસ્તા ની બન્ને તરફ વૃક્ષો જ હતા. ના કોઈ મેદાન, ના કોઈ ગામ કે ના કોઈ માણસ દૂર સુધી નજરે ચડ્યું. બીજા દિવસે એસટી ની સર્વિસ બસ આવી પહોંચી અને અમદાવાદ ડાંગ ની બસ રીપેર કરવામાં આવી. દિનેશભાઇ એ બસ શરુ કરી અને ડાંગ ના બસ ડેપો માંથી ભાર કાઢી. થોડીક વાર માં તે હવે પર હતા. સાંજ નો સમય હતો વરસાદ અટકી ચુક્યો હતો અને વાદળો પણ ઓછા થઇ રહ્યા હતા. વાદળો ની વચ્ચે થી ક્યાંક સુરજ ના કિરણોં પસાર થઇ રહ્યા હતા જે બીજી તરફ ક્ષિતિજ પાસે એક મેઘધનુસ બનાવી રહ્યા હતા. આ મેઘધનુષ નો એક છેડો કાચા રસ્તે આવેલી ડેરી તરફ જતો દેખાયો.
દિનેશભાઇ ને મોં એ એકાએક શબ્દ આવ્યો "મેઘધનુષ ને પાર".
તે જાણતા હતા કે મેઘધનુષ ને પાર શું છે....
સમાપ્ત