Meghdhanush ne paar - 2 in Gujarati Horror Stories by Akash Kadia books and stories PDF | મેઘધનુષ ને પાર - 2

Featured Books
Categories
Share

મેઘધનુષ ને પાર - 2

ભાગ : ૨

મૃગેશ તેની સીટ પરથી ઉભો થઈ દિનેશભાઇ ની બાજુ માં આવી ઉભો રહ્યો અને બસમાંથી બહાર આગળનો રસ્તો નિહાળવા લાગ્યો. વરસાદ ને લીધે થોડો ખરાબ થઈ ગયેલો માટોળીયો રસ્તો, અને રસ્તા ની બન્ને તરફ રોડ સાઈડ બાવળિયા અને તેની પાછળ નજર જાય ત્યાં સુધી લીલોતરી. થોડે આગળ ગયા પછી તો ઊંચા ઘટાદાર વૃક્ષો થી રોડ ની બન્ને સાઈડ ભરાઈ ગઈ. કેટલીક જગ્યાએ તો વૃક્ષ એટલા ઊંચા અને કમાન આકારે ફેલાઈ ને આખા રસ્તા ઢાંકી દેતા હતા. ઔલોકીક સૌંદર્ય હવે થોડું ડરામણું લાગવા લાગ્યું. દૂર દૂર સુંધી સુમસામ રોડ, બન્ને તરફ ઘટાદાર વૃક્ષો જે વાદળ છાયા આકાશમાંથી આવતા થોડા ઘણા પ્રકાશ ને પણ અટકાવી દેતા અને જાણે રાત પડવાની તૈયારી હોય એવો ભાસ કરાવતા અને રસ્તામાં ના તો કોઈ માણસ કે ના તો કોઈ પશુ પક્ષી નજરે ચડતા. મૃગેશ મનમાં વિચારતો કદાચ આ કારણો ને લીધે જ દિનેશભાઇ બન્ને સ્ત્રીઓ ને એમના ગામ સુધી પહોંચાડવા તૈયાર થયા હશે.

એ ઘટાદાર વૃક્ષો અને સુમસામ રસ્તા પર બસ પાંચેક કિલોમીટર ચાલી હશે ત્યારબાદ થોડાક અંતરે છત્રી લઈને ઉભેલો એક માણસ રસ્તા માં દેખાયો. બસ માં બેઠેલી બન્ને સ્ત્રીઓ એ હાથ માં સમાન ના થેલા ઊંચકયા, ને બસ માંથી ઉતારવા દરવાજે પહોંચી.

"તમારે તો મેઘપુર ઉતરવાનું હતું ને..?"

દિનેશભાઇ ની બાજુ માં ઉભા ઉભા જ મૃગેશે પેલી જુવાન સ્ત્રી તરફ જોઈ ને પૂછ્યું.

"આ જ મેઘપુર, નેની એવી પેલી ડેરી છે ને... તેની સામે જ રસ્તો પડે"

"આ..?, અહીં તો કોઈ ગામ હોય એવું લાગતું નથી. આ જંગલ માં અહીંથી એકલા જશો ?" મૃગેશ બસ ના દરવાજા પાસે પહોંચ્યો અને પૂછ્યું.

"એ મારા ઘરવાળા ઉભા છે ને.. છત્રી લઈ ને. એમની જોડે જતા રહીશું."

દિનેશભાઇ એ છત્રી લઈ ને ઉભેલા માણસ પાસે બસ ઉભી રાખી. મૃગેશે બસનો દરવાજો ખોલી આપ્યો અને બન્ને સ્ત્રીઓ સામાન ના થેલા લાઇ ઉતરી ગઈ. મૃગેશ બસ નો દરવાજો બંધ કરી બારી માંથી ત્રણેયને જોઈ રહ્યો હતો. સામાન નો એક થેલો જવાન સ્ત્રી એ છત્રી લઈ ને ઉભેલા વ્યક્તિ ને આપ્યો ને કાંઈ વાત કરી. મૃગેશે છત્રી વાળા ને હવે ધ્યાન થી જોયો. તે સાંઠેક વર્ષ ની ઉંમરનો લાગતો હતો તે જોઈ મૃગેશ ની આંખો પહોળી થઇ ગઈ. પચીસેક વર્ષ ની દેખાવડી સ્ત્રી અને સાંઠ વર્ષ નો સામાન્ય દેખાવ વાળો પુરુષ બંને ની જોડી જોઈ કોઈ પણ યુવાન જે લાગણી અનુભવે, એ જ લાગણી મૃગેશ અત્યારે અનુભવી રહ્યો હતો. છત્રી વાળા માણસે ડ્રાઇવર ની સીટ તરફ જોઈ હાથ હલાવ્યો ને રોડની સાઈડ ના ઘટાદાર વૃક્ષો તરફ ચાલવા લાગ્યો અને તેની પાછળ તે બન્ને સ્ત્રીઓ પણ ચાલવા લાગી. થોડીક વાર માં ત્રણે જણ વૃક્ષો ની વચ્ચે અલોપ થઈ ગયા. ડ્રાઇવર એ બસ ઉપાડી ને જંગલ ના કાચા રસ્તે થી આગળ હાઇવે તરફ કાઢી.. ને થોડીક મિનિટો માં બસ પાછી હાઇવે પર હતી.

મૃગેશ પાછો આગળ આવી ડ્રાઇવર ની સીટ નજીક બેસી ગયો.

"નસીબ છે બાકી કાકા નું, કાકા પંચાવન સાંઠ ના અને એની બૈરી માંડ પચીસ ની લાગતી અને એ પણ કેવી દેખાવડી." મૃગેશે ઈર્ષ્યા માં આવી ને કહ્યું.

"તુંય લગન કરી લે બીજા ના બૈરાં ને જોઈ ઈર્ષ્યા કર્યા કરતા"

દિનેશભાઇ હસતા હસતા બોલ્યાં.

"તમને નવાઈ ના લાગી ? આટલી જવાન સ્ત્રી અને એનો પતિ આવો ઘરડો ડોસો..."

"આ અંતરિયાળ ગામો માં એવું બધું જ હોય, એ છોડ બાકી કહે ઘરે બધા મજામાં? સુરત આવી ગયા તારા માં બાપ કે હજુ ગામડે જ છે?" દિનેશભાઇ એ વાત ફેરવતાં હોય એમ પૂછ્યું.

"ના, હજુ ગામડે જ છે. આવતા મહિને આવશે. અહીં કોરોના ના કેસ ઘટે પછી બોલાવવા છે એમને"

દિનેશભાઇ એ મૃગેશ સાથે વાતો કરતા કરતા બસ ડાંગ ના બસ સ્ટેશનમાં પહોંચાડી દીધી. વરસાદ ચાલુ જ હતો. ડાંગ પહોંચીને બસ ડેપો માં મૂકી અને દિનેશભાઈ છત્રી લઈ ને બસમાંથી બહાર નીકળ્યા. મૃગેશ અને દિનેશભાઇ બન્ને પાસે ની હોટેલ માં નાસ્તો કરવા પહોંચ્યા. હોટેલ આખી ખાલી હતી, વરસાદ ને લીધે ભાગ્યેજ કોઈ પેસેન્જર આવતું. હોટેલ માં પહોંચતા જ મૃગેશ ને યાદ આવ્યું કે તે ઘરે થી કેળા લઈ ને આવ્યો હતો જે તેણે બસ ની અંદર બેગમાં મુક્યાં છે. એ પડે પડે ઢીલા થઈ જશે એવું વિચારી કેળા ની થેલી લેવા પોતે બસ તરફ પાછો ફર્યો.

"તમે બેસો દિનેશભાઇ હું આવું, કેળા લાવ્યો છું એ બગડી જશે પડે પડે..!"

"હોવ લઈ ને આવ ફટાફટ વાદળો ઘેરાયા છે, વરસાદ વધશે તો નીકળી નહિ શકાય અહીં થી"

"ઓહો દીનુ ભા, શુ કહો, જય વીરુ ની જોડી માં હવે ખાલી જય જ રહ્યો, વીરુ તો એની બસંતી એટલે શાંતિ પાસે પહોંચી ગયો." દિનેશભાઇ હોટેલ માં ખુરશી માં બેઠા હતા ને પાછળ થી અવાજ આવ્યો. દિનેશભાઇ એ પાછા ફરી જોયું તો એ વેલજી મિકેનિક હતો. બસસ્ટેન્ડ ની બાજુ ની મેકેનિક ની દુકાન માં કામ કરતો. ડાંગ ,એ અંતરિયાળ વિસ્તારમાં હોઈ, કોઈ એસટી બસ બગડે ત્યારે એસટી ની રીપેરીંગ બસ અને મિકેનિક ને ત્યાં પહોંચતા વાર લાગે એટલે બસ ડેપો વાળા વેલજી ને બોલાવી લેતા.

"ધીમે બોલ, મારી જોડે નવો ટિકિટ માસ્ટર છે એને હજી કાંઈ ખબર નથી, એ આવતો જ હશે અને શાંતી નહિ સરલા નામ છે નરેશ ની ઘરવાળી નું, શાંતિ એ સરલાની નાની બહેન, નરેશ ની સાળી નું નામ છે."

"લે તારી.. હમણાં લોચા વાગી જાત હું તો ભૂલી જ ગયો આ વાત વિશે કોઈ ને ખબર નથી. સવારે જ નરયો મળ્યો હતો કહેતો હતો આજે દીનું ભા આવશે"

"હા મેં ય જોયો મેઘપુર પાસે પણ આ મૃગેશ અમારો નવો માસ્ટર એ મારી જોડે જ હતો એટલે કોઈ વાતચીત નથી કરી. મૃગેશ ને હજુ કાંઈ જ જાણ નથી અને એ થોડો જ સમય છે આ રૂટ પર એટલે એને બવ કહેવુંય નથી, નહીતો પાછું..." દિનેશભાઈ મૃગેશ ને આવતો જોઈ બોલતા અટકી ગયા.

"આ લો દિનેશભાઇ, ખાવ કેળા. મસ્ત મીઠા છે."

મૃગેશ એટલા માં કેળા ની થેલી લઈ આવી પહોંચ્યો. વરસાદ ને લીધે થોડો પલળી ગયો હતો.

"આ વેલજી ભાઈ, આપડે અહીં કોઈ પણ બસ ખોટવાય તો આજ રીપેર કરી આપે, અહીં શું એસટી ની રીપેરીંગ ની બસ ને પહોંચતા વાર લાગે" દિનેશભાઈ એ વેલજી ની ઓળખાણ આપતા મૃગેશ ને કહયું.

"તમે પણ ખાવ..." મૃગેશ વેલજી ભાઈ તરફ કેળા ની થેલી આગળ કરતા બોલ્યો.

"તમે તો અહીં ના જ ને ? આ મેઘપુર ગામ વિશે તમને કાંઈ ખબર?" મૃગેશ એ વેલજી ને સવાલ કર્યો.તેના મગજ માં હજુ પણ એ સ્ત્રી અને મેઘપુર ગામ ફરી રહ્યું હતું.

"તું પછી સવાલ જવાબ કરજે. પહેલા નાસ્તો મંગાવી લે આપડે અંધારું થાય એ પહેલાં બસ ઉપાડી લેવી છે." દિનેશભાઇ ટોકતા હોય તેવા સ્વર માં મૃગેશ ને કહ્યું.

"આ જ્યારે પણ મેઘપુર કે નરેશભાઇ કે પેલી સ્ત્રી ની વાત નીકળે, ત્યારે દિનેશભાઇ જાણી જોઈને વાત ફેરવી નાખતા હોય એવું કેમ લાગે ? કે પછી ખરેખર માં મારુ જ મગજ પેલી સ્ત્રી ને જોઈ વધારે પડતી ખાણખોદ કરવા લાગ્યું છે અને દિનેશભાઇ તો સ્વભાવ મુજબ જ બસ ટાઇમસર ઉપડે એટલે કહે છે !!" મૃગેશ મનમાં વિચારી રહ્યો હતો.

"ક્યાં ખોવાઈ ગયો ભાઈ, ફટાફટ બોલ શુ મંગાવું , વરસાદ છે ગરમ ગરમ દાળવડા કે ભજીયા મંગાવી લઈએ..?" દિનેશભાઇ ફરી ટકોર કરી.

"હા હા, આપડે દાળવડા મંગાવો, વરસાદ છે મજા આવશે, વેલજીભાઈ તમે પણ નાસ્તો કરો."

"ના ભાઈ તમે કરો નાસ્તો હું ચાલ્યો માંરા ગેરેજ માં આતો એમ જ દીનુંભા ની ખબર પૂછવા આવ્યો હતો, ચાલો દીનુંભા મળીયે નિરાંતે." કહી વેલજી એ ગેરેજ તરફ ચાલતી પકડી.

નાસ્તો કરી ને દિનેશભાઇ અને મૃગેશ ડેપો માં પાછા ફર્યા. દિનેશભાઇ ડ્રાઇવર ની સીટ પર ગોઠવાઈ ગયા અને મૃગેશ ટિકિટ નું મશીન લઈ એની સીટ પર બેસી ગયો. પેસેન્જર કોઈ હતું જ નહીં ખાલી બસ પાછી લઈ જવાની હતી. દિનેશભાઇ એ બસ સ્ટાર્ટ કરી પણ ના થઈ. ફરી વાર ચાવી ફેરવી સેલ મારી જોયો પણ બસ સ્ટાર્ટ ના થઈ.

"આ ને શુ થયું ?" દિનેશભાઇ બબડયા. તેમણે પાછા બસ ની નીચે ઉતરી બસ આગળ થી ખોલી જોવા લાગ્યા. મૃગેશ છત્રી લઈ તેમની બાજુ માં આવી ઉભો રહ્યો.

"વેલજી ને જ બોલાવો પડશે, લાવ છત્રી.. તું બસ માં બેસ હું ઓફિસ માં કહી આવું" એટલું બોલી દિનેશભાઇ છત્રી લઈ ને ફટાફટ ચાલતા ડેપો ની ઓફિસમાં પહોચ્યાં. ત્યાં એક જ માણસ બેઠો હતો. તેની જોડે વાત કરી ને ઓફિસ માંથી નીકળી દિનેશભાઇ સીધા વેલજી ના ગેરેજ પર પહોંચી ગયા. મૃગેશ બસમાં જઈ ને બેઠો. થોડી વારમાં દિનેશભાઇ વેલજી ને લઈ આવ્યા. વેલજી બસ પાસે આવી ને બસ ની આગળ એન્જીન પાસે ઉભો રહ્યો અને દિનેશભાઇ ને એન્જીન સ્ટાર્ટ કરવા કહ્યું. વેલજી એન્જીન માં અડધો અંદર ઝૂકી જોવા લાગ્યો થોડીક મિનિટો સુધી મથ્યા બાદ વેલજી બોલ્યો.

"દિનુંભા..ઓ દિનુંભા બહાર આવી જાઓ. આ બસ ક્યાંય નહી જાય અત્યારે. બેટરી માં કાંઈ લોચો છે પાવર જ નથી મળતો."

"તો હવે ? અમારે તો બસ લઈ પાછા જવાનું છે. કાંઈક રીતે  તમારી પાસે કોઈ વધારાની બેટરી હોય તો એનાથી બસ ચાલુ થાય એમ નથી?"

"એવું ના થાય દિનેશભાઈ, બસ જો ચાલુ થઈ પણ ગઈ તો રસ્તા માં ખોટવાય તો શું કરશો ? એના કરતાં અહીં આગળ હાઇવે પર એક દુકાન છે ત્યાં આની બેટરી તપાસાવી પડે, પણ એ દુકાન અત્યારે બંધ હશે કાલે સવારે ખુલશે. ત્યાં સુધી તો તમારી એસટી ની રીપેરીંગ વાળી બસ પણ કદાચ આવી જશે. પણ મારું માનો તો બસ અત્યારે લઈ ને ના જતાં."

દિનેશભાઇ અને મૃગેશ એકબીજા ને જોઈ રહ્યા.

"ચાલો ત્યારે હવે બીજું શું ? હું તો એક જોડી કપડાં આ વરસાદ ને લીધે લઇ ને જ ફરું. રહેવાનું તો અહીં ડેપો ની ઉપર ની રૂમમાં થઈ રહેશે. બસ ની બારી ના કાચ બંધ કરી ને આવ મૃગેશ, અને ઘરે પણ જાણ કરી દે. હું આવું ઓફિસમાં ફોન કરી ને. એમને કોઈ રીપેરીંગ ની બસ હોય તો મોકલવા પણ કહી દઉં" દિનેશભાઇ એટલું બોલી ડેપોની ઓફિસ તરફ રવાના થયા.

મૃગેશ બસ માં જઈ બધી બારીઓ બંધ કરી તેની કપડાં ની થેલી લઈ ડેપોની ઓફિસમાં પહોંચ્યો. દિનેશભાઇ મેઈન ઓફિસ માં ફોન કરી તેમને બસના ફોલ્ટ વિશે જાણ કરી રહ્યા હતા. મૃગેશ ને ઘરે કોઈ હતું નહીં માં બાપ તો ગામડે હતા છતાં તેણે ફોન કરી પોતે આખી વાત ઘરે જણાવી દીધી. ફોન પર વાત કરી ડેપોની ઓફિસ માં જ ઘરે થી લાવેલા બીજા કપડાં પહેરી ને બહાર નીકળ્યો.હમણાં જ નાસ્તો કર્યો હોઈ તેને ભૂખ નહતી.

"દિનેશભાઇ તમે ક્યાય જવાના ના હોવ તો હું છત્રી લઈ ને જતો આવું, દુકાનો બંધ થાય એ પહેલાં દાંતે ઘસવા ટૂથપેસ્ટ ને બ્રશ લેતો આવું ને થોડો આંટો મારતો આવું આ ગામ નો, તમારે કાંઈ લાવાનું છે ?

"મચ્છર મારવાની અગરબત્તી લાવજે બાકી બ્રશ અને નહાવાનો સાબુ તો હું મારી કપડાંની થેલી માં જોડે જ રાખું છું"

"અને સાંભળ વરસાદ બવ છે અને અંધારું પણ થઈ ગયું છે, અજાણ્યો પ્રદેશ છે તો ડેપો ની આસપાસ જ રહેજે આજુબાજુ જંગલ જેવો જ વિસ્તાર છે એ બાજુ ના જતો."

દિનેશભાઇ નહોતા ઇચ્છતા કે મૃગેશ ગામ ની બહાર જાય.

"ના ભાઈ, અહીં જ છું, પાછો હું પણ ક્યાંક નરેશભાઈ ની જેમ ખોવાઇ ગયો તો." મૃગેશ હસતા હસતા બોલ્યો અને છત્રી લઈ ઓફિસ ની બહાર આવ્યો.

ક્રમશઃ