Prayshchit - 17 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | પ્રાયશ્ચિત - 17

Featured Books
  • کاغذ

    زندگی کا کورا کاغذ پڑھ سکتے ہو تو پڑھ لو۔ اگر چند لمحوں کی م...

  • خواہشات کا سمندر

    خواہشوں کا سمندر دور دور تک پھیل گیا ہے۔ ایک خواہش نے زمین و...

  • ادا کیا

    آنکھیں بند کر کے پینے کی ممانعت کیوں ہے؟ شراب پینے کی کوئی م...

  • پناہ

    تباہ حال شہروں میں گھر تلاش کرنے کی بجائے۔ لوگوں کے چہروں کا...

  • سرد موسم

    خوشگوار نشہ آور موسم دل کو مائل کر رہا ہے۔ رنگ برنگے پھولوں...

Categories
Share

પ્રાયશ્ચિત - 17

પ્રાયશ્ચિત પ્રકરણ - 17
*****************

નીતા સાથે એકાંતમાં પાંચ મિનિટ વાત કરવાનું જશુભાઈએ કહ્યું ત્યારે કેતન થોડો વિચારમાં પડી ગયો. નીતા પાસે દઝાડતું સૌંદર્ય હતું. નીતાને પહેલીવાર જોઇ ત્યારથી જ કેતનના હૃદયમાં કંઈક અલગ પ્રકારનાં સ્પંદનો પેદા થયાં હતાં. જાનકીએ પણ એને તે દિવસે સાવધાન કર્યો હતો કે આ છોકરીથી સાવધાન રહેજો.

નીતા જેવી બેડરૂમમાં ગઈ કે તરત જ એની પાછળ પાછળ કેતન પણ ગયો. નીતાએ એને બેડ ઉપર બેસવાનું કહ્યું અને પોતે સામે ખુરશીમાં બેઠી.

" બોલ નીતા... તારે વળી મારું શું કામ પડ્યું ? " કેતને નીતાની સામે જોઇને પૂછ્યું.

" સર તમારે મારુ એક કામ કરવાનું છે અને આ કામ માત્ર તમે જ કરી શકો એમ છો." નીતા બોલી.

" એવું તે શું કામ છે ? "

" સર હું અંબર સિનેમા રોડ ઉપર એક પ્રાઈવેટ હોસ્પિટલ માં રિસેપ્શનિસ્ટની જોબ કરું છું. છેલ્લા છ મહિનાથી એક છોકરો મને ખૂબ જ હેરાન કરે છે. એની સાથે લગ્ન કરી લેવાની જબરદસ્તી કરે છે. જો લગન ના કરું તો મારો ચહેરો બગાડી દેવાની ધમકી આપે છે. "

" એનો કોઈ સગો પોલીસ સ્ટેશનમાં છે એટલે વધારે દાદાગીરી કરે છે. ઘણીવાર હું જ્યાં નોકરી કરું છું એ હોસ્પિટલની બહાર આવીને સાંજે ઉભો રહે છે. મારા મોબાઈલ ઉપર ગંદા મેસેજ પણ કરે છે. મમ્મી પપ્પાને આ વાત મેં કરી નથી માત્ર જલ્પા જાણે છે "

" શું નામ છે એનું ? એનો મોબાઈલ નંબર પણ મને આપી દે. તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી હવે "

" એનું નામ રાકેશ વાઘેલા છે. સાહેબ એ બહુ માથાભારે છે. કોલેજ પાસે કેટલાક ગુંડાઓની બેઠક છે ત્યાં એ સાંજના સમયે બેસે છે. આવતી જતી કોલેજની દેખાવડી છોકરીઓની ક્યારેક છેડતી પણ એ લોકો કરે છે. પણ ડરના માર્યા ફરિયાદ કરવાની કોઈની હિંમત ચાલતી નથી. " કહીને નીતાએ રાકેશ નો મોબાઇલ નંબર આપ્યો.

" તું ચિંતા નહીં કર. બધા ગુંડાઓ સીધા થઈ જશે અને રાકેશ તારું નામ નહીં લે. તું મને એ લોકો કોલેજ પાસે એકઝેટ ક્યાં બેસે છે એ લોકેશન સમજાવી દે. " કેતને નીતાને કહ્યું.

નીતાએ જે પાનના ગલ્લા પાસે એ લોકોની બેઠક હતી એ લોકેશન વિગતવાર સમજાવી દીધું.

" પરમ દિવસે રવિવારે જામનગરના પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ મારે ત્યાં જમવા આવે છે. હું એમને રાકેશનો નંબર આપી દઈશ. અને ગુંડા ટોળકીનું લોકેશન પણ આપી દઈશ. રાકેશ સાથે હું પણ વાત કરી લઈશ. " કેતન બોલ્યો.

" થેન્ક્યુ સર ....મને તમારો મોબાઈલ નંબર મળી શકે ? " નીતાએ પૂછ્યું.

" હા હા... સ્યોર " કહીને કેતને પોતાનો મોબાઈલ નંબર લખાવ્યો.

બેડરૂમમાં દાખલ થતાં પહેલાં કેતનના મનમાં જે ગભરાટ હતો અને જે વિચારો આવી ગયા હતા એવું કોઈ વર્તન નીતાએ નહોતું કર્યું. કેતનને થોડી હળવાશ થઈ.

" ચાલો હું નીકળું " કહીને કેતન ઉભો થયો અને બહાર નીકળી ગયો.

ઘરે જઈને પહેલાં તો કેતનને થયું કે રાકેશ વાઘેલા સાથે પોતે જ સીધી વાત કરીને એને સમજાવી દે પણ પછી એને લાગ્યું કે લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે ! પોલીસ જે કરશે એ કાયમી ઉકેલ હશે. રવિવાર સુધી રાહ જોવી જ રહી.

ટ્રસ્ટ અંગે સિદ્ધાર્થ ભાઈ સાથે વાત કરવાની હજુ બાકી હતી એટલે એણે સિદ્ધાર્થને ફોન લગાવ્યો.

" ભાઈ કેતન બોલું. મેં જાનકી સાથે કેટલાક પેપર્સ મોકલ્યા છે. જામનગરમાં મારે જે પ્રોજેક્ટ કરવા છે એના માટે એક ટ્રસ્ટ આપણે બનાવવું પડશે. મેં અહીંના એક જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટ સાથે મિટિંગ કરી લીધી છે. તેમના કહેવા પ્રમાણે આ ટ્રસ્ટની નોંધણી સુરતમાં જ કરાવવી પડે એટલે તમે આપણા સી.એ. ને મળી લેજો તમારું સંમતિપત્ર પણ આપી દેજો. "

" પપ્પાને જો ટ્રસ્ટમાં જોઈન કરવા હોય તો એમનું સંમતિ પત્ર અને એક અરજી ફોર્મ એમનું પણ ભરવું પડશે. આ બાબતે તમે પપ્પા સાથે પણ જરા વાત કરી લેજો. કારણકે કરોડોના પ્રોજેક્ટ વ્યક્તિગત લેવલે કરવા શક્ય નથી. ટ્રસ્ટ હોય તો સરકારી લાભો પણ મળે. " કેતને સમજાવ્યું.

" મને બધા પેપર્સ મળી ગયા છે. ગઈકાલે જ જાનકી આવીને આપી ગઈ છે. તું આ બાબતની કોઈ પણ જાતની ચિંતા ના કરીશ. હું આજે આપણા સી.એ. પાસે જવાનો છું. ટ્રસ્ટનું નામ શું રાખીશું ? "

" કે. જમનાદાસ ચેરીટેબલ ટ્રસ્ટ અથવા જમનાદાસ સાવલિયા ચેરીટેબલ ટ્રસ્ટ . આ બે નામનું સજેશન આપશો. જે નામ રજીસ્ટર નહીં હોય તે મળી જ જશે." કેતન બોલ્યો.

" ઠીક છે... કામ થઈ જશે. જાનકીએ તારા વિશે બધી વાત કરી. અમને સૌને આનંદ થયો કે તું ત્યાં ખુશ છે. " સિદ્ધાર્થે કહ્યું.

" હા ભાઈ તમે મને સરસ મકાન શોધી આપ્યું છે. નવી સિયાઝ ગાડી પણ છોડાવી દીધી છે. ડ્રાઇવર મનસુખભાઈ પણ બહુ સરસ માણસ છે. એક નવી ઓફીસ પણ શોધી રહ્યો છું. હોસ્પિટલના પ્રોજેક્ટની જમીન માટે કલેકટરને પણ મળી આવ્યો છું. " કેતને સિદ્ધાર્થભાઈ ને બધી વાત કરી.

" ચાલો સારી વાત છે. મારું કંઈ પણ કામ હોય તો અડધી રાત્રે પણ ફોન કરજે. "

" જી...ભાઈ !! " કહીને કેતને ફોન મૂકી દીધો.

થોડીવાર પછી કેતને જયેશ ઝવેરી ને ફોન કર્યો.

" જયેશભાઈ કેતન બોલું. મજામાં ? આપણી ઓફિસની બાબતમાં કોઇ તપાસ કરી તમે ? " કેતને પૂછ્યું.

" હા શેઠ. મેં બધી તપાસ કરી છે. આપણને જેટલી મોટી ઓફિસ જોઈએ છે એવી કોઈ તૈયાર ઓફિસ તો નથી. એટલે બે નવાં કોમ્પ્લેક્સ બની રહ્યાં છે ત્યાં મેં તપાસ કરી. એક કોમ્પ્લેક્સ બેડી રોડ પર બની રહ્યું છે પણ થોડું ખાંચામાં છે એટલે રોજે રોજ પાર્કિંગમાં મજા નહીં આવે. બીજું કોમ્પલેક્ષ થોડું દૂર છે. ઇન્દિરા ગાંધી રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપની બાજુમાં એકદમ રોડ ઉપર જ બની રહ્યું છે. પાર્કીંગ સ્પેસ પણ સરસ છે. ત્યાં અડધો ફ્લોર મળી શકે તેમ છે. "

" જેટલી જગ્યા આપણને જોઈએ છે એટલી જગ્યા છે. મેં બિલ્ડરને કહી દીધું છે કે વહેલામાં વહેલી તકે એકદમ તૈયાર કરીને પઝેશન આપે. તો પણ દોઢથી બે મહિના તો લાગી જશે. એકાદ મહિનો ફર્નિચરનું કામ ચાલશે. એટલે ત્રણ મહિના પકડીને આપણે ચાલવું પડશે." જયેશભાઈ એ કહ્યું.

" ઠીક છે. તમારે એને પેમેન્ટ આપી દેવું હોય તો કાલે ઘરે આવીને ચેક લઈ જજો. આમ પણ આપણો પ્રોજેક્ટ ચાલુ થતાં ત્રણ-ચાર મહિના તો થઈ જ જશે. કલેકટર સાહેબ ને પણ મળી આવ્યો છું. વીસ-પચ્ચીસ એકરની કોઈ જમીન જામનગર ની આજુબાજુ મળી જાય તો વધારે સારું. ભલે થોડી દૂર હોય." કેતન બોલ્યો.

" હા તો હું આવતી કાલે આવીને ચેક લઈ જઈશ. બંગલા માટે મેં તપાસ કરી છે. તમારે જેવો જોઈએ છે એવો વિશાળ બંગલો તો કોઈ વેચાણમાં નથી. એક બે બંગલા છે પણ એ તમારે લાયક નથી. એક નવી સ્કીમ એરપોર્ટ રોડ ઉપર સમર્પણ હોસ્પિટલ ની પાસે બની રહી છે. વિશાળ બંગલાની સ્કીમ છે. છ મહિનામાં પજેશન મળી જશે. ખુબ જ સરસ લોકેશન છે. પોશ વિસ્તાર છે. "

" બસ તો પછી તમે મને કાલે બતાવી દો એટલે ફાઇનલ કરી દઈએ. " કેતન બોલ્યો.

કેતનને જયેશ ઝવેરીના કામથી સંતોષ થયો. બહુ ઝડપથી એણે બે કામ પતાવી દીધા હતા.

આજે બીજું કોઈ કામ નહોતું એટલે કેતને મનસુખ માલવિયાને ફોન કરી દીધો.

" મનસુખભાઈ આજે મારે ક્યાંય બહાર જવું નથી એટલે તમે આજે ફ્રી છો. તમારું બાઈક નું કામ આજે પતાવી દો. તમને ચેક તો આપેલો જ છે. જાડેજા સાહેબ નું નામ આપજો એટલે થોડું ઘણું ડિસ્કાઉન્ટ તમને આપશે. " કેતને કહ્યું.

" જી સાહેબ. " મનસુખે કહ્યું.

શુક્રવાર નો આખો દિવસ કેતને આરામ કર્યો. સાંજે રસોઇ કરવા માટે દક્ષાબેન આવ્યા ત્યારે એણે રવિવારની સ્પેશ્યલ રસોઈ માટે સુચના આપી.

" માસી... પરમ દિવસે આપણા શહેરના પોલીસ વડા આપણા ઘરે જમવાના છે. મેં તમારા બહુ જ વખાણ કર્યા છે એટલે સાહેબ જમવા માટે તૈયાર થયા છે. તમે અત્યારથી જ વિચારી લો કે શું રસોઈ કરવી છે !! બહારથી કંઈ પણ સામાન લાવવો હોય તો કાલે મનસુખભાઈ ને કહી દેજો. "

" તમે જે કહો એ હું તો બનાવી દઉં સાહેબ. શિખંડ પુરી અથવા તો દૂધપાક પુરી બનાવીશું તો વધારે સારું લાગશે. તમે કહેતા હો દૂધપાક પુરી જ બનાવી દઉં. એ વધારે સારું રહેશે. સાથે કઢી ભાત અને ભરેલા રવૈયા બનાવી દઉં. મેથીના ગોટા પણ ઉતારી દઈશ. દૂધ માટે મનસુખભાઈ ને કાલે કહી દઈશ " દક્ષાબેન બોલ્યાં.

" હા એ મેનુ સરસ રહેશે. ચલો દૂધપાક પુરી ફાઇનલ ! " કેતન બોલ્યો.

સુચના પ્રમાણે બીજા દિવસે સવારે 10 વાગે નવી ઓફિસના પેમેન્ટનો ચેક લેવા જયેશ ઝવેરી આવી ગયો. મનસુખ પણ એની સાથે જ હતો.

" શેઠ ગઈકાલે સ્પ્લેન્ડર બાઈક છોડાવી દીધી છે. અત્યારે અમે બંને નવી બાઈક ઉપર જ આવ્યા છીએ. " મનસુખ બોલ્યો.

" કોન્ગ્રેચ્યુલેશન મનસુખભાઈ. હવે તમારે રોજ ગાડી મૂકીને ઘરે જવું હોય તો બાઈક કામ આવશે. " કેતને હસતાં હસતાં કહ્યું.

" જી સાહેબ.. થેન્ક્યુ. આ બધું તમારી જ મહેરબાનીથી થયું છે. એસેસરી સાથે ટોટલ 88000 નો ચેક આપ્યો. " કહીને મનસુખે બાઈકનું બિલ કેતનને આપ્યું.

" જયેશભાઈ આ બિલ તમે રાખો. સિયાઝ ગાડીનું બિલ પણ હું તમને આપું છું. આપણા નવા સી.એ . કિરીટભાઈ ની ઓફિસમાં તમે પહોંચાડી દેજો. એમનો એકાઉન્ટન્ટ આપણો હિસાબ રાખશે. " કહીને કેતને કબાટમાંથી બિલ કાઢીને જયેશભાઇને આપ્યું.

" ભલે સાહેબ. તમને અત્યારે અનુકૂળતા હોય તો એરપોર્ટ રોડ ઉપર બંગલાની સ્કીમ તમને બતાવી દઉં. તમને ગમે તો બંગલો પણ ફાઇનલ કરી દો. " જયેશ બોલ્યો.

" હા ચાલો. એ કામ પહેલું કરીએ. " કહીને કેતન ઊભો થયો. ત્રણે જણા સાથે બહાર નીકળ્યા. મનસુખે બાઈક સાઈડમાં પાર્ક કરી અને સિયાઝની ડ્રાઇવિંગ સીટ સંભાળી.

લગભગ પચીસ મિનિટમાં એ લોકો સમર્પણ હોસ્પિટલ પાસે બંગલાની સાઈટ ઉપર પહોંચી ગયા.

" જયેશભાઈ લોકેશન તો ખરેખર બહુ જ સરસ છે. " કેતને કહ્યું અને એ લોકો સાઈટ ઉપર બનાવેલી ઓફિસમાં દાખલ થયા. જયેશ ઝવેરીને એ લોકો ઓળખતા હતા એટલે બંગલાનું બ્રોશર જોવા માટે આપ્યું.

બંગલાની ડીઝાઈન ખરેખર ખુબ જ સરસ હતી અને દરેક બંગલાની આગળ ગાર્ડન માટે સારું એવું સ્પેસ આપેલું હતું.

" મારે પૂર્વ તરફ કે ઉત્તર તરફ બંગલાનો દરવાજો ખુલે એ રીતનો બંગલો જોઈએ છે. હું વાસ્તુશાસ્ત્રમાં માનું છું. બને ત્યાં સુધી રોડ સાઇડ નો હોય તો વધુ સારું. " કેતને ત્યાં બેઠેલા યુવાનને કહ્યું.

" નીતિનભાઈ સાહેબને બેસ્ટ લોકેશન આપો. " સુરેશ ઝવેરીએ ત્યાં બેઠેલા યુવાનને કહ્યું.

" ત્રીસ બંગલાની આ સ્કીમ છે. સત્તર બંગલા તો બુક થઈ ગયા છે. બાકીના તેર બંગલામાંથી રોડ ઉપરનો આ સાત નંબરનો કોર્નરનો બંગલો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બેસ્ટ છે. એમાં સાઈડમાં પણ વધારાની જગ્યા મળશે. તમે જાતે જઈને લોકેશન સાહેબને બતાવી દો. " નિતીને કહ્યું.

કેતન અને જયેશે સાઈટ ઉપર જઈને સાત નંબરના કોર્નર ના લોકેશનને જોઈ લીધું. બંગલો તો લગભગ બની ગયેલો જ હતો અને બહારના ભાગની દીવાલોમાં સિમેન્ટનું કામ ચાલતું હતું. મકાનની અંદર ચક્કર મારીને આખું મકાન જોઈ લીધું. આગળ અને સાઈડમાં સારી એવી સ્પેસ હતી.

" જયેશભાઈ આ બંગલો બુક કરાવી દો ખરેખર લોકેશન બહુ જ સરસ છે અને બંગલો પણ વિશાળ છે. " કેતને ફાઇનલ કરી દીધું.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)