> વૃત્તાંત : ૦૬
ના... ના શ્રેય આમ ના બોલો તમે ખાસ છો, તમારી ગેરહાજરી મેં અનુભવી લીધી છે... તમે ખૂબ મહત્વ ધરાવો છો મારા જીવનમાં. હું તમને હર એક ક્ષણ યાદ કરું છું દુઃખમાં સુખમાં રોજ દરરોજ હું તમને યાદ કરી ઘણીવાર રડી છું... આજે પણ રડી છું... મને તમારી આદત પડેલી છે જે કોઈના આવવાથી પણ મુકાઈ એમ નથી તમે સમજો છોને એ આદત માં સર્વસ્વ આવી ગયું. આટલું બોલી નિધિ પ્રયાસ કરે છે કે કાશ શ્રેય તેના તરફ હકારાત્મક વલણ અપનાવી એક નવી શરૂઆત કરે.
શ્રેય કશું બોલતો નથી.... નિધિ કહે છે મારી વાતો તમે સમજી ગયા છો કેમ ચૂપ છો...મને તમારું મૌન મૃત્યુ સમોવડું લાગે છે કારણકે મેં શ્રેયને આ રીતે આટલા મૌન કદી નથી જોયા... સર્વસ્વ તમારૂ જ છે અને સદાય રહેશે મારી એ વેળાની ભૂલોને માફ નહીં કરો...?
શ્રેય કહે છે, " માત્ર ભૂલ જ કહેશો કે કશું બીજું.... ભૂલ ને ભૂલી જવાય પણ અપરાધ આજીવન આંખો સામે તરતો જ રહે...".
આ તો અચાનક મળી ગયા એટલે તમે મારા જોડે વાતો કરવા લાગ્યા મને હેત કરવાના પ્રયાસો કર્યા પણ એ વેળા યાદ કરો કે તમે જાણો છો છતાં અજાણ થઈ આ વિષય થી દૂર દૂર ભાગતા અમે ખૂબ સમજાવતા છતાં તમે અવગણના કરતા કારણ કે...
ચાલો છોડો... બહુ પ્રમાણિક અને નિષ્ઠાવાન સ્વભાવ આપની જાત ને ક્યારેક જાણે અજાણે મુશ્કેલીમાં મૂકે છે. કોઈ મારે હાજરા હજૂર રહેવું સારું છે પણ સમર્પિત ના થવું આ મને ખૂબ શીખવા મળ્યું જીવનમાં આવેલ અણધાર્યા પ્રસંગ પર થી, હું સ્વસ્થ છું, હું સ્વીકાર કરીને રાજી છું હવે ફરી એકતરફી આશામાં બંધાય મારે એ વિરહના વમળમાં નથી ભમવું. આમ બોલી શ્રેય ભાવુક થઈ જાય છે.
નિધિ તરત શ્રેયના હાથમાં હાથ નાખી બોલે છે, " શ્રેય, હું તો સદાય તમારી હતી કેમ મને આજે ના કહો છો...મને ભાન થઈ ગયું છે હજી કશું મોડું નથી થયું તમે જેમ કહેશો એમ કરીશ હું સૌ નો સામનો કરવા તૈયાર છું મને માત્ર તમે જોઈએ હું તમને આમ નથી જોઈ શકતી શ્રેય.... શ્રેય...."
શ્રેય : આ વિચાર એ વેળા જન્મી ગયો હોત તો આજે આ પરિસ્થિતિના આવી હોત...મારી પાસે કશું નથી કહેવા માટે...તમને અફસોસ છે.... હાશ, તમને વાસ્તવિકતાની જાણ તો થઈ બસ આટલા થી બાકીનું જીવન અમે જીવી લઈશું.
નિધિ : હું છું ને સાથ આપવા તૈયાર છો ને તમે..?
શ્રેય : જ્યારે પોતાના જોડે વિશ્વાસઘાત થાય ત્યારે પાછળના સાચા પ્રેમને શીદને વાગોળો છો હવે તે શું કરે.... હે.... તે શું કરે તે તો વિરહમાં એ હદે વલખાં મારીને વલોપાત કરી બેઠો છે કે ફરી કદી ના મળે કારણ કે એ હદે સાથે રહીને મીઠા ઝેરના ઘૂંટ પીવડાવી દીધા કે હવે પ્રેમ આજે ઝેર સમાન જ્યારે ઝેર આજે પ્રેમ સમાન લાગે છે . અમને જેટલું અભિમાન હતું સંબંધનું એ કોઈએ માત્ર ક્ષણભરમાં સાવ સર્વનાશ કરી દીધું, કશું નથી બાકી રાખ્યું... કદાચ સાફ મળે એ સ્મરણ પણ જરા ખોદી તો જોવો ભરપૂર અવશેષ મળે એ સંસ્મરણમાં.
નિધિ : શ્રેય..... શ્રેય..... પ્લીઝ ( ધ્રુસકે રડી પડે છે.)
શ્રેય : લાગણીશીલ એવમ્ સંવેદનશીલ અમે પણ હતા પણ અંગત જીવનમાં બનેલા અનોખા પ્રસંગે પથ્થર જેવા કરી દીધા કે હવે કોઈ રડે તો પણ અમે ઢીલા નહીં પડીએ કારણ કે અમને ભૂતકાળ યાદ અપાવી જાય છે. અમારી હાલત કેવી થઈ હશે કોઈએ પૃચ્છા પણ ના કરી કોઈએ સંભાળ પણ ના લીધી.
વાતાવરણ ખૂબ ગમગીન બની ગયું હતું...હજી પણ એકબીજાના હાથમાં હાથ રાખીને બંને ચૂપચાપ બેસી રહ્યા કોઈ સંવાદ નહીં કોઈ સ્નેહ નહીં માત્ર મૌન એકમાત્ર મૌન.
(ક્રમશઃ)