પંડિત દિનદયાલ ઉપાધ્યાય જન્મ જયંતિ
“ આપણી રાષ્ટ્રીયતાનો આધાર ભારતમાતા છે, માત્ર ભારત જ નહીં.” આવું કહેનાર, ભારતીય વિચારક, સમાજ સેવક અને રાજકારણી ભારતીય જનતા પાર્ટીની પિતૃસંસ્થા ભારતીય જનસંઘના નેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ 24 સપ્ટેમ્બર ૧૯૧૬માં મથુરાથી ૨૬ કિમી દૂર આવેલા ચન્દ્રભાણ નામના ગામમાં થયો હતો. એ ગામને હવે દીનદયાલ ધામ તરીકે ઓળખાય છે. તેમના પિતા ભગવતી પ્રસાદ એક જાણીતા જ્યોતીષ શાસ્ત્રી હતા અને તેમના માતા શ્રીમતી રામપ્યારી એક ધર્મિષ્ઠ નારી હતા. તેઓ આઠ વર્ષના હતા ત્યારે તેમના માતા અને પિતા, બન્ને અવસાન પામ્યા અને તેમના મામાએ તેમને ઉછેરીને મોટો કર્યો. અભ્યાસની ઉજ્જવળ કારકિર્દી દરમ્યાન તેમણે મેટ્રિક અને સ્નાતક કક્ષાએ સુવર્ણ ચંદ્રક મેળવ્યા, પ્રાંતીય સેવા પરીક્ષમાં પાસ થયા પરંતુ તેમણે સરકારી નોકરી સ્વીકારી નહીં કેમકે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે સેવા આપવા માંગતા હતા. તેમણે પ્રયાગમાં બી. એડ. અને એમ. ઍડ.ની પદવીઓ મેળવી અને લોક સેવામાં જોડાય.
૧૯૩૭માં તેમની મુલાકાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કે. બી. હેડગેવાર સાથે થઈ. ત્યારથી સંઘમાં જોડવાનું નક્કી કરી લીધું. આજીવન સંઘ પ્રચારક બન્યા. પ્રથમ લખમીપુર જીલ્લાના પ્રચારક રહ્યા, બાદ એઓ ઉત્તરપ્રદેશના (પ્રાંતીય આયોજક) બન્યા. તેમને આદર્શ સંઘ પ્રચારક તરીકે જોવામાં આવતા. કેમકે તેમની રહેની કરણી વગેરે સંઘની વિચારધારાને એકદમ અનુકુળ હતી.
૧૯૪૦માં તેમણે લખનૌથી રાષ્ટ્ર ધર્મનામનું પ્રકાશન બહાર પાડ્યું. ત્યારબાદ પંચજન્ય નામનું સામાયિક અને સ્વદેશનામનું વર્તમાન પત્ર બહાર પાડ્યું. ૧૯૫૧માં જ્યારે શ્યામા પ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી ત્યારે તેના બીજા ક્રમના વરિષ્ઠ નેતા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે દીનદયાલની વરણી કરી. આ પક્ષને સંઘ પરિવારનીએ વિચારધારાને અનુકુળ બનાવવાની કામગિરી તેમને સોંપાઈ. તેમને ઉત્તરપ્રદેશ શાખાના જનરલ સેક્રેટરી બનાવાયા અને ત્યાર બાદ તેઓ સમગ્ર પક્ષના અખિલ ભારતીય જનરલ સેક્રેટરી બન્યા. ૧૯૫૩માં મુખર્જીના અવસાન પછી સમગ્ર જનસંઘની જવાબદારી દીનદયાલ પર આવી.
ઉપાધ્યાયે અભિન્ન માનવતાવાદની સંકલ્પના વિચારી હતી. અભિન્ન માનવતાવાદ દરેક વ્યક્તિના શરીરિક, માનસિક અને આત્મિક એ ત્રણેના અભિન્ન વિકાસનો વિચાર કરે છે. આ સંકલ્પના ભૌતિક અને આત્મીક, એકલ અને સામૂહિક વિકાસના વિચારનો સમન્વય કરે છે. તેમણે ભારત માટે ગ્રામ્ય આધારિત વિકેંદ્રીય અને સ્વાવલંબી અર્થવ્યસ્થાની કલ્પના કરી હતી.દીન દયાલ ઉપાધ્યાયનો મત હતો કે એક સ્વતંત્ર દેશ તરીકે ભારત પશ્ચિમી વ્યવસ્થાઓ જેમ કે એકવાદ, લોકશાહી, સમાજવાદ, સામ્યવાદ કે મૂડીવાદ પર આધાર રાખી શકે નહિ અને સ્વાતંત્ર્યોત્તર ભારતીય રાજનીતિ તે આધારવિહીન વ્યવસ્થા તરફ વળી રહી હતી. આ કારણે પારંપારિક ભારતીય મૂલ્યો નાશ પામતા હતા. તેઓ માનતા કે પશ્ચિમી વિચારસરણી નીચે ભારતીય વૈચારિક શક્તિ ગૂંગળાઈ છે. જેને કારણે મૂળ ભારતીય વિચારધારા ખીલી નથી. તેઓ કહેતા કે ભારતને તાજી વૈચારિક હવાની સખત જરૂર છે.તેઓ નવી તકનીકોનું સ્વાગત કરતા પણ તેને તેઓ ભારતીય પરીપેક્ષમાં સુધારવા માંગતા. તેઓ સ્વરાજમાં વિશ્વાસ ધરાવતા.
તેમણે ચંદ્રગુપ્ત મૌર્ય નામનું નાટક લખ્યું અને ત્યાર બાદ તેમણે શંકરાચાર્યની જીવન કથા પણ આલેખી હતી. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક હેગડેવારની મરાઠી જીવન કથાનો અનુવાદ કર્યો.
તેમનું મૃત્યુ શંકાસ્પદ સંજોગોમાં થયું હતું. તેઓ લખનૌથી પટના પ્રવાસ કરતા હતા અને ત્યારે તેમનું કતલ કરવામાં આવ્યું. ૧૧ ફેબ્રુઆરી ૧૯૬૮ના તેમનો મૃતદેહ મુગલસરાઈના રેલ્વેયાર્ડમાં મળી આવ્યો ત્યારે સમગ્ર ભારત શોકમાં ડૂબી ગયું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા પંડિત દિન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અંતર્ગત વિવિધ કૌશલ્ય વર્ધનની તાલીમ યુવાનોને આર્થિક પગભર કરવામાં મદદરૂપ થાય છે. તો સરકાર માન્ય સસ્તા અનાજની વ્યાજબી ભાવની દુકાનોને દીનદયાલ ગ્રાહક ભંડાર તરીકે નામ આપવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે મુઘલરાય જંકશનનું નામ બદલીને દિન દયાળઉપાધ્યાય સ્ટેશન અને કચ્છનું કંડલા બંદરનું નામ બદલીને દીનદયાલ ઉપાધ્યાય બંદર નામ રાખ્યું છે. આ ઉપરાંત અનેક રાજ્યોમાં અનેક યુનિવર્સિટી, મહાશાળાઓ ના નામ તેમના નામ પરથી રાખવામા આવ્યા છે. દીનદયાલ રીસર્ચ ઈન્સટીટ્યૂટ તેમની વિચાર સરણી આદિ પર સંશોધન કરે છે. ટપાલ વિભાગ દ્વારા પંડિત દીનદયાલ ઉપાદ્યાયની યાદમાં ઇ.સ. 1978, 2015,2016, 2018માં ટપાલ ટિકિટો બહાર પાડવામાં આવેલી.
આજે પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતિએ એ મહામાનવને શત શત વંદન.