પ્રાયશ્ચિત પ્રકરણ -16
બપોરે એક વાગે જાનકીને એરપોર્ટ ઉપર મૂકીને કેતન ઘરે આવી ગયો. કોણ જાણે કેમ પણ જાનકી વગર ઘર સૂનું સુનું થઈ ગયું હોય એમ લાગ્યું. જામનગર આવ્યો ત્યારે તો એ એકલો જ હતો છતાં એને એકલવાયા પણાનો કોઈ અહેસાસ થયો નહોતો પરંતુ બે દિવસ જાનકી રહી ગઈ ત્યારે આજે એને જાનકીની ખોટ સાલવા લાગી.
સ્ત્રીના સહવાસની એક અલગ સુગંધ હોય છે, એક અલગ મહેક હોય છે. સ્ત્રીના અસ્તિત્વથી ઘરમાં એક જીવંતપણું આવે છે. સ્ત્રી વગરનું ઘર માત્ર ચાર દીવાલો વાળુ એક મકાન જ બની રહે છે. જાનકી ની હાજરીમાં જેટલું જાનકી વિશે નહોતો વિચારતો એટલું અત્યારે એ એની ગેરહાજરીમાં એના વિશે વિચારવા લાગ્યો.
આટલી ખૂબસૂરત છોકરી છેલ્લા પાંચ પાંચ વર્ષ થી એના પ્રેમમાં પાગલ છે અને એણે આજ સુધી એક વાર પણ એને આઈ લવ યુ નથી કહ્યું. પોતે કેવો લાગણી વિહોણો છે !!
એ કૉલેજમાં હતી ત્યારે તો મને તું તું કહીને બોલાવતી હતી. આ વખતે અચાનક એ કેવી તમે તમે ઉપર આવી ગઈ !! સ્ત્રી ના હૃદયને કોણ ઓળખી શક્યું છે ? લગ્નની ઉંમર થતાં આપોઆપ એને મારા પ્રત્યે આદરની ભાવના પેદા થઈ !! એરપોર્ટ ઉપર મારાથી છૂટા પડવાનું થયું ત્યારે પણ કેટલી લાગણીવશ થઈ ગઈ હતી !!
કેતન બેડ રૂમમાં સુતાં સુતાં જાનકીના જ વિચારો માં ખોવાઈ ગયો. ત્યારે બીજી બાજુ ફ્લાઈટમાં બેઠેલી જાનકી પણ કેતનના જ વિચારોમાં ડૂબેલી હતી.
આટલી ભર યુવાન ઉમર છે. પુરુષ છે. બે દિવસ એક જ ઘરમાં સતત સાથે ને સાથે હતાં. એ ધારત તો ઘરની ચાર દીવાલો વચ્ચે મારી સાથે થોડીક છૂટછાટ લઈ શકતા હતા તેમ છતાં ક્યારે પણ મારી સાથે અણછાજતું વર્તન કેતને કર્યું ન હતું. કેટલા બધા સંસ્કારી છે !! મારી સાથે એક અંતર રાખીને મર્યાદામાં જ ઘરમાં રહેતા હતા.
મુંબઈ ઘરે પહોંચીને એણે મમ્મી પપ્પાને સરપ્રાઇઝ આપ્યું અને દ્વારકાધીશ નો પ્રસાદ પણ ઘરમાં વહેંચ્યો. કેતન સાથેની મુલાકાતની માંડીને બધી વાત કરી અને સાથે દ્વારકાધીશના દર્શન કરી આવ્યાં એ પણ કહ્યું.
" પણ અમને કહેવામાં શું વાંધો હતો ? અમે તને થોડા રોકવાના હતા ?" મમ્મી કીર્તિબેને જાનકી ને મીઠો ઠપકો આપ્યો.
" ના મમ્મી એવું કંઈ નથી. પણ શિવાની ની વાત સાંભળીને હું પોતે જ ટેન્શનમાં આવી ગઈ હતી. અને મારે બધી વાત વિગતવાર તમને કરવી પડે. શિવાનીએ મને કહ્યું કે ભાઈ તો કાયમ માટે જામનગર રહેવા માટે ગયા છે. અને તમે જ એમને પાછા લાવી શકો એમ છો. એટલે મેં તાત્કાલિક જવાનો નિર્ણય લીધો. " જાનકી બોલી.
" તો હવે કેતનકુમાર નો પ્લાન શું છે ? અને લગ્ન અંગેની એમણે કોઈ વાત કરી કે નહીં ?" દેસાઈ સાહેબ બોલ્યા.
" એ જામનગરમા જ સ્થાયી થવા માગે છે. ત્યાં એક વિશાળ હોસ્પિટલ ઊભી કરવા માંગે છે. ડાયમંડના બિઝનેસમાં એમને કોઈ રસ નથી. ત્યાં મકાન પણ રાખી લીધું છે. રસોઈ માટે બેન પણ રાખ્યા છે અને કામવાળી પણ રાખી છે. હજુ ગઈકાલે જ નવી સિયાઝ છોડાવી એટલે અમે લોકો દ્વારકા દર્શન કરવા ગયેલાં. " જાનકી બોલી.
" લગ્ન માટે મેં વાત છેડી હતી. પરંતુ એમણે કહ્યું છ મહિના હજુ રાહ જો. મને અહીંયા સેટ થઈ જવા દે. સ્પષ્ટ હા નથી પાડી પરંતુ એ પોઝિટીવ હોય એમ એમના વર્તન ઉપરથી લાગ્યું. " જાનકી એ કહ્યું.
" એ કોઈ ચેરીટેબલ ટ્રસ્ટ બનાવવા માગે છે અને મારે આવતીકાલે એમણે મોકલાવેલા ડોક્યુમેન્ટ સિદ્ધાર્થ ભાઈ ને આપવા સુરત જવાનું છે. "
" અમેરિકા જઈ આવ્યા પછી કેતનકુમાર બદલાઈ ગયા તો નથી ને ? તને પોતાને કેમ લાગ્યું ? " કીર્તિબેને મા સહજ ચિંતાથી પૂછ્યું.
" ના...ના.. મમ્મી બિલકુલ બદલાયા નથી. પહેલાં હતા એવા જ છે. મારી પણ ખૂબ સારી રીતે આગતા-સ્વાગતા કરી. " જાનકી બોલી.
" ચાલો ઠીક છે... તને સંતોષ હોય તો પછી અમને કોઈ ચિંતા નથી. " કીર્તિબેને કહ્યું.
બીજા દિવસે બોરીવલીથી સવારે સાત વાગ્યે શતાબ્દી એક્સપ્રેસ પકડી જાનકી નવ વાગે સુરત પહોંચી ગઈ. જો કે એણે શિવાનીને ટ્રેનમાંથી ફોન કરીને પોતે કેતન ને મળવા છેક જામનગર જઈ આવી છે એ સમાચાર આપ્યા. અને એકાદ કલાકમાં બધાં ને મળવા આવી રહી છે એ પણ એણે કહી દીધું.
જાનકી છેક જામનગર જઈ આવી અને કેતનને મળીને આવી એ જયાબેનને પણ ગમ્યું. પોતાનો દીકરો જામનગરમાં ખુશ તો છે ને તે જાણવાની માને ચિંતા વધારે હોય એ સ્વાભાવિક હતું.
રીક્ષા કરીને જાનકી કેતનના બંગલે પહોંચી ગઈ. બધાએ પ્રેમથી એનું સ્વાગત કર્યું.
" જાનકી બેટા તેં તો સરપ્રાઇઝ આપ્યું ! હજુ કેતનને ગયે અઠવાડિયું પણ પૂરું થયું નથી ત્યાં તો તું છેક જામનગર મળવા પહોંચી ગઈ ! " જગદીશભાઈ બોલ્યા.
" હા અંકલ... એનો યશ તમારી આ લાડકી શિવાની ને જાય છે. એણે મને સમાચાર ના આપ્યા હોત તો મને પણ કેવી રીતે ખબર પડત ! રાત્રે એણે મને બધી વાત કરી અને બીજા દિવસે જ હું તૈયાર થઈ ગઈ !! "
" આન્ટી.. તમે કેતનની બિલકુલ ચિંતા ના કરશો. હું બે દિવસ એમની સાથે રહી છું. અને એ ત્યાં ખરેખર ખુશ છે. સુંદર મજાનો બંગલો ભાડે રાખ્યો છે. રસોઇ કરવાવાળાં દક્ષાબેન અદભુત રસોઈ બનાવીને એમને જમાડે છે. કામ કરવાવાળી બાઈ બે ટાઈમ આવીને તમામ કામ કરી જાય છે. "
" પરમ દિવસે નવી સિયાઝ ગાડી પણ એમણે છોડાવી. ગાડી છોડાવી એટલે અમે બંને દ્વારકા જઈને દ્વારકાધીશનાં દર્શન પણ કરી આવ્યાં. ડ્રાઇવર મનસુખભાઈ પણ ખૂબ મજાના માણસ છે. જામનગરમાં વિશાળ હોસ્પિટલ બનાવવાનું એ પ્લાનિંગ કરી રહ્યા છે. "
જાનકી એ વિગતવાર બધી માહિતી આપી ત્યારે ડ્રોઇંગરૂમમાં ઘરના તમામ સભ્યો હાજર હતા. જાનકી ની વાતો સાંભળવા જ બધા ભેગા થયા હતા.
" ચાલો હાશ... મારો દીકરો ત્યાં સુખી હોય એટલે બસ !! એકવાર હવે એને પરણાવી દઉં એટલે મારી બધી ચિંતા પુરી !! એ એનો સંસાર સુખેથી ચલાવે !! "
" જાનકી તેં પછી ભાઈને સુરત પાછા આવી જવા ના સમજાવ્યા ? એટલા માટે તો મેં તને ફોન કરેલો. " શિવાની બોલી. એ થોડી ઉદાસ થઇ ગઈ હતી.
" શિવાની....શું તને એમ લાગે છે કે બે દિવસમાં મેં કેતનને સુરત પાછા આવવા માટે નહીં સમજાવ્યા હોય ? એમણે મને એક જ જવાબ આપ્યો કે ઘર છોડવા માટેનાં મારાં પોતાનાં અંગત કારણો છે એટલે આ બાબતની ફરી ચર્ચા ના કરતી. બાકી મારા પરિવારને હું એટલો જ પ્રેમ કરું છું !! " જાનકી બોલી.
" અને સિદ્ધાર્થ ભાઈ તમારા માટે ત્રણ ડોક્યુમેન્ટ એમણે મોકલ્યા છે. મને કહેલું કે તાત્કાલિક મોટાભાઈને પહોંચાડી દેજો એટલે જ આજે ખાસ આવી છું. એ કોઈ ચેરીટેબલ ટ્રસ્ટ ખોલવા માંગે છે. કાલે ઘરે કોઈ સી. એ. ને બોલાવ્યા હતા. "જાનકીએ પર્સમાંથી એક ફોર્મ, ટ્રસ્ટ ડીડ અને ટાઈપ કરેલું સંમતિ પત્ર કાઢીને સિદ્ધાર્થ ના હાથમાં મૂક્યાં.
" ઓકે... આ બાબતમાં હું કેતન સાથે ચર્ચા કરી લઈશ. " સિદ્ધાર્થ બોલ્યો.
" હવે તમારા બંને વચ્ચે લગ્ન અંગે કોઈ વાતચીત થઇ કે નહીં ? કારણકે અમે તારી વાત કરીએ અને તું પોતે કરે એ બંનેમાં ફરક છે. " જયાબેને પૂછ્યું.
" વાત તો થઈ છે આન્ટી. બે દિવસ અમે લગભગ સાથે ને સાથે જ હતાં. ખૂબ જ મજા આવી. મને કહ્યું કે મને એકવાર અહીં સેટ થઈ જવા દે પછી લગ્નની વાત કરીએ. " જાનકી બોલી.
" તમે બંને સજોડે દ્વારકાધીશનાં દર્શન કરી આવ્યાં એ મને બહુ ગમ્યું !! તો તો જરૂર તમને ઠાકોરજીના આશીર્વાદ મળશે. " જયાબેન હરખાઈને બોલ્યાં.
" હવે તુ જમી ને જ જજે. તમે લોકો બેડ રૂમમાં બેસીને વાતો કરો. રેવતી તું પણ જાનકીને કંપની આપ. હું મહારાજને રસોઈ ની સુચના આપું ! તારે અત્યારે ચા નાસ્તો કરવાની ઈચ્છા છે ? તો મોકલાવું. " જયાબેને જાનકીને વિવેકથી પૂછ્યું.
" ના આન્ટી.. શતાબ્દિમાં ચા નાસ્તો કરીને જ આવી છું " જાનકી બોલી અને ત્રણેય જણાં બેડરૂમમાં ગયાં.
જાનકી કેતન ના સુરતના ઘરે બેડરૂમમાં બેસીને જામનગર ની વાતો કરતી હતી ત્યારે જામનગરમાં કેતન એ જ વખતે નીતાના ઘરે ચા પાણી પીવા આવ્યો હતો.
સવાર-સવારમાં જ નીતા મિસ્ત્રી કેતનને ચા પીવા બોલાવવા આવી હતી.
" પરમ દિવસે તો મહેમાનને લઈને તમે ચા પાણી પીવા ના આવ્યા પણ આજે ચાલશે નહીં. પપ્પાએ ખાસ આગ્રહ કર્યો છે કે કેતન સાહેબને લઈને જ આવજે. તમને લીધા વગર હું જઈશ નહીં. " નીતા બોલી.
" અરે પણ નીતા. આપણે પાડોશી છીએ. એકબીજાને મદદ કરવી એ તો આપણી ફરજ છે. એમાં તમારે મારી આટલી બધી સરભરા કરવાની કોઈ જ જરૂર નથી. તમારા હકનું મેં તમને પાછું અપાવ્યું. હું આમ પણ અન્યાય સહન કરી શકતો નથી. " કેતને કહ્યું.
" એ હું કાંઈ ના જાણું. પપ્પા નો હુકમ છે એટલે તમારે આજે તો આવવું જ પડશે " નીતા બોલી.
નીતાની આંખોમાં એવું કોઈ તત્વ હતું કે કેતન ના પાડી શક્યો નહીં. ખબર નહીં કેમ પણ કેતન નીતા ની આંખો સાથે આંખો મિલાવી શકતો નહી. આ વાતની નોંધ તો જાનકીએ પણ લીધેલી કે આ છોકરીની આંખોમાં તોફાન દેખાય છે.
" ઠીક છે બાબા...તું જા હું આવું છું" કેતન બોલ્યો.
નીતાના ગયા પછી પાંચ મિનિટમાં કેતન બહાર નીકળ્યો અને જશુભાઈ મિસ્ત્રીના ઘરમાં ગયો.
" આવો આવો સાહેબ..બેસો. " કહીને જશુભાઈએ કેતનને ઊભા થઇને સોફામાં બેસવાનો ઈશારો કર્યો.
" વડીલ તમારે મારી આટલી બધી આગતા સ્વાગતા કરવાની કોઈ જરૂર નથી. મેં તો માત્ર મારી ફરજ બજાવી છે. અન્યાય સામે હંમેશા હું લડતો આવ્યો છું. દહેજના નામે તમારા જમાઇ પૈસા પડાવતા હતા એટલે નાછૂટકે મારે આ બધું કરવું પડ્યું. " કેતને કહ્યું.
થોડીવાર કોઈ કંઈ બોલ્યું નહીં. પાંચેક મિનિટમાં જ જલ્પા અને નીતા એક ડીશમાં ગરમાગરમ ફાફડા ચટણી અને ચા લઈને આવ્યાં.
" સાહેબ ગાંઠીયા અમારા કાઠિયાવાડની એક આગવી ઓળખ છે. તમે ભાવનગર જાઓ રાજકોટ જાઓ કે જામનગર જાઓ... ફાફડા કે ગાંઠીયાથી જ તમારું સ્વાગત થશે." જશુભાઈ હસીને બોલ્યા.
" મને ખબર છે સાહેબ. અમારું બાપદાદાનું મૂળ વતન પણ ઉપલેટા પાસે ભાયાવદર છે. એટલે સુરતમાં પણ ક્યારેક-ક્યારેક ફાફડા ચટણીનો પ્રોગ્રામ અમારા ઘરે હોય છે. લોહીના સંસ્કાર ખરા ને ? " કેતને કહ્યું અને બધાં હસી પડ્યાં.
" હું એકલો એકલો આટલો બધો નાસ્તો નહીં કરું વડીલ. તમારે બધાંએ મને સાથ આપવો પડશે. " કેતને સહુને આગ્રહ કર્યો.
" ઠીક છે નીતા તું અંદર જઈને બીજી ડીશો લઇ આવ. " અને નીતા બે-ત્રણ ડીશ લઈ આવી. થોડા થોડા ગાંઠીયા ડીશોમાં લઈ લીધા.
" સાહેબ અમારી આ નીતા તમને કંઈક કહેવા માગે છે. એને એકલીને તમારી સાથે કંઈક ચર્ચા કરવી છે. જો તમને વાંધો ના હોય તો બેડરૂમમાં પાંચ મિનિટ વાત કરી શકશો ? " ચા નાસ્તો પત્યા પછી જશુભાઈ એ કેતનને કહ્યું.
ખબર નહીં કેમ પણ કેતનને નીતા સાથે એકાંતમાં વાત કરવામાં થોડો સંકોચ થતો હતો. આવી રોમાંચક અનુભૂતિ તો એને જાનકી સાથે પણ થઈ ન હતી !! નીતાને મારી સાથે એકાંતમાં શું વાત કરવી હશે ?
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)
"