જીવન બાગ
૧) સુંદર ને સુવ્યવસ્થિત જીવનબાગ બધાને ગમે.
સુંદર, સુઘડ,સુવ્યવસ્થિત બગીચો જેમ બધાને ગમતો હોય છે, એ જ રીતે જેમનું જીવન બગીચાની માફક સુંદર, સુઘડ, સરળ ને સુવ્યવસ્થિત હોય તો એ બધાને ગમતું હોય છે.
જેમ વૃક્ષોમાં રહેલા મઘમઘતા ફૂલો, એની શીતળતા અને એની સુંદરતા પશુ,પક્ષી,માણસ બધાને ખૂબ આનંદ આપતા હોય છે,એ જ રીતે શ્રેષ્ઠ જીવન જીવનારા લોકો પણ એમની આજુબાજુ ખુશીઓ રેલાવતા હોય છે ને એ જીવન પણ ખૂબ આનંદદાયક રીતે જીવતા હોય છે.
૨ ) યોગ્ય વિચાર બીજનું વાવેતર...
" જેવું વાવો તેવું લણો" એ કહેવત મુજબ આપણે જેવું ફળ જોઈતું હોય એવા વૃક્ષનું બીજ વાવવું પડે.
એ જ રીતે જો આપણે આપણું જીવન સારું, સરળ ને સુવ્યવસ્થિત જોઈતું હશે તો અત્યારથી જ સારા વિચારો ના બીજનું વાવેતર કરવું પડશે. એ માટે સારા પુસ્તકો, સારા મોટીવેશનલ વીડિયો, સજ્જનોની સાચી સલાહ ને સંસ્કારી વાતાવરણ નો સાથ જરૂરી છે.
બગીચો બધાને ત્યારે જ ગમે જ્યારે એમાં યોગ્ય, મનગમતા વૃક્ષો વવાયેલા હોય અને એના માટે શરૂઆતથી જ યોગ્ય બીજ વાવવાની જરૂર પડતી હોય છે.
એ જ રીતે જીવન બાગ પણ ત્યારે જ ઉજળો ને વ્યવસ્થિત બને, જ્યારે એમાં પોઝિટિવ વિચારો રૂપી બીજ વવાયેલા હોય.
3)જીવનબાગ ની ફરતે સિદ્ધાંતરૂપી વાડ.
જેમ બાગમાં વૃક્ષોને નુકસાન પહોંચાડતા કોઈ પશુ કે પ્રાણી ઘુસી ના જાય એને માટે એની ફરતે વાડ બાંધવામાં આવે છે.
એવી જ રીતે જીવનબાગમાં પણ કોઈ ખરાબ વિચાર ,વ્યક્તિ કે પરિસ્થિતિ આવી ન ચડે એ માટે સિદ્ધાંતોરૂપી મજબૂત વાડ પેલેથી જ બનાવી રાખવી જેથી કોઈ આપણા જીવનમાં ખોટી ખલેલ પહોંચાડી ના જાય.
૪) નેગેટિવિટીનું નીંદણ.
જો બાગ ખાલી પડેલો હોય ને એમાં કોઈ સારું બીજ ના વાવવામાં આવેલું હોય તો એમાં આપોઆપ ખડ ઊગી જ નીકળે છે ,એવી જ રીતે જો જીવનબાગ માં પણ કોઈ સારા વિચારો રૂપી બીજ નહીં વાવેલું હોય તો આપોઆપ ખરાબ વિચારો અને કુટેવો હાવી થઈ જ જશે.
"ખાલી દિમાગ શેતાન કા ઘર" કહેવતની જેમ જો સારું નહીં વાંચો કે વિચારો તો ખરાબ તો આવી જ જવાનું છે ને એ તમને પૂછવા નહિ બેસે કે હું આવું?
માટે જેમ આપણે આ ખડ નાનું હોય ત્યારથી જ એને નીંદીને બહાર કાઢી નાખીએ છીએ અને પાકને નુકસાન થતું અટકાવીએ છીએ એવી જ રીતે ખરાબ વિચારો ,ખરાબ વ્યક્તિ કે ખરાબ વાતાવરણ એ આપણા ઉપર અસર જમાવે એ પેલા જ એને ઓળખીને એનો ત્યાગ કરી દેવો, મોડું ના થવા દેવું.
આપણે જેમ સારું બીજ વાવીને બીજા નકામા ખડને ઉગવા જ નથી દેતા અને ઊગી જાય તો એને નીંદી નીંદીને દૂર કરી નાખીએ છીએ એવી જ રીતે ખોટા,ખરાબ વિચારોને પ્રવેશવા જ નહીં દેવાના અને પ્રવેશી જાય તો એને તરત જાણી એને દૂર કરી દેવાના.
૫)" No Negatives" જીવનસૂત્ર
બાગને સુંદર ને સુઘડ રાખવા જેમ "કચરો કચરાપેટીમાં જ નાખો" એવું બગીચામાં સૂત્ર લખવું પડે છે, એ જ રીતે જીવનબાગને પણ સુંદર રાખવા "No Negatives" જેવું જીવનસૂત્ર રાખવું , જેથી કોઈ પોતાનો નેગેટિવ વિચારોનો કચરો આપણાં જીવનબાગમાં ઠાલવી ના જાય.
૬) જીવનબાગમાં ખરાબ સંજોગોની પાનખર આવે ત્યારે..
જેમ બગીચા માં પાનખર આવે ત્યારે બધા જ પર્ણો ખરી જાયને ને વૃક્ષ સુકાય છે ,પણ વૃક્ષ એ પરિસ્થિતિમાં પણ અડીખમ ઉભું રહી પાનખરની વિદાયની વાટ જુએ છે ને પાનખર વિદાય લે એટલે ફરી પાછું નવી કૂંપળો સાથે બેઠું થાય છે.
એ જ રીતે જીવનમાં ક્યારેય ખરાબ સંજોગો,પરિસ્થિતિ ઉભી થાય ત્યારે હારી જવાને બદલે વૃક્ષની જેમ પોતાના પોઝિટિવ વિચારોથી અડીખમ ઉભા રહી સમય પસાર થવા દઇ જ્યારે આ ખરાબ સંજોગોની પાનખર પુરી થાય ત્યાતે ફરી પાછું નવી ઉર્જા સાથે બેઠું થઈ જવાનું.
૭) આજીવન જીવનબાગનું maintainance કરવું.
જેમ યોગ્ય બીજ વાવવુ ,ખડ નિંદવું ,વાડ બનાવવી ,પાકનું રક્ષણ કરવું એ આજીવન ભજવાતી પ્રક્રિયા છે એ જ રીતે જીવનને પણ હમેશા સંયમી ,આનંદદાયક ને સુંદર બનાવવા માટે સદાયને માટે સિદ્ધાંતોની વાડ બનાવી રાખવી , પોઝિટિવ વિચારોરૂપી બીજ વાવવા, નેગેટિવિટીનું નીંદણ કરવું અને no negatives નું સૂત્ર આજીવન જાળવી રાખવું.
જેમ તનને તંદુરસ્ત રાખવા દરરોજ યોગ્ય આહાર,કસરત કરીએ છીએ એવી જ રીતે મનને પણ આજીવન તંદુરસ્ત રાખવા દરરોજ પોઝિટિવ વિચારો, મેડિટેશન ને યોગા કરવા તેમજ દરરોજ નૈસર્ગીક વાતાવરણમાં લટાર મારવી.
- ડો. સાગર વેકરીયા