Rajkaran ni Rani - 68 - last part in Gujarati Moral Stories by Mital Thakkar books and stories PDF | રાજકારણની રાણી - ૬૮ - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

રાજકારણની રાણી - ૬૮ - છેલ્લો ભાગ

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૬૮ (અંતિમ)

સુજાતાબેન અને હિમાની હોટલના રૂમમાં પ્રવેશ્યા. જનાર્દન અને ધારેશે એમનું ફૂલોનો બુકે આપી સ્વાગત કર્યું. સાથે મીઠાઇ ખવડાવી અભિનંદન આપી આનંદ વ્યક્ત કર્યો. હોટલના એ રૂમમાં કોઇ ઉત્સવ જેવો માહોલ હતો. રાજ્યના ભાવિ સીએમ સુજાતાબેન એમની સામે છે એ જોઇને જનાર્દન અને હિમાની તો ખુશીથી ફૂલ્યા સમાતા ન હતા. થોડીવાર સામાન્ય વાત કર્યા પછી જનાર્દને સુજાતાબેન આવ્યા ત્યારે કહેલી વાતનું અનુસંધાન કરતાં પૂછ્યું:"બેન, તમે તો રાતોરાત બાજી પલટી નાખી. રાજેન્દ્રનાથની મનની મનમાં જ રહી ગઇ..."

ત્યારે સુજાતાબેન ગંભીર થઇ બોલ્યા:"જનાર્દન, કશું રાતોરાત થતું નથી. આ બાજી પલટાવવા માટે અમારી કેટલીય રાતોની મહેનત રહી છે...અમે જે મહેનત કરી એ પ્રજાના હિત માટે હતી. લોકોના આશીર્વાદ અને શુભેચ્છા માગવાની ઇચ્છા રાખનારા રાજેન્દ્રનાથને માફી માગવાનો વખત તેમના ખોટા ઇરાદાઓને કારણે આવ્યો છે. આપણે તો આશા રાખીએ કે પીએમ સાહેબ એમને માફ કરી દે અને પછી એ સુધરી જાય..."

જનાર્દન નવાઇથી સુજાતાબેન સામે જોઇ રહ્યો. તેમણે જે વાત કહી એ તેની કલ્પના બહારની હતી. રાજેન્દ્રનાથને બદલે સુજાતાબેન મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા છે પણ રાજેન્દ્રનાથ માફી માગવા પ્રધાનમંત્રી પાસે જાય એ માનવામાં ના આવે એવી વાત હતી. રાજેન્દ્રનાથ સીએમ રહી ચૂક્યા હતા અને પક્ષની જીત પછી એમને ફરી સીએમની ખુરશી મળવાની હતી. બલ્કે મળી જ ગઇ હતી. તેમની તરફેણમાં બધાં ધારાસભ્યો અને ખુદ સુજાતાબેન દ્વારા મત આપવામાં આવ્યો હતો. તે સમજતો હતો કે સુજાતાબેન પાસે એવી કઇ જાદુઇ લાકડી આવી ગઇ હશે કે તેમણે સીએમનું પદ મેળવી લીધું છે. અને આખી બાજી રાતોરાત પલટાયેલી લાગતી હતી. હવે તેમની વાત પરથી લાગે છે કે ઘણા દિવસોથી મથામણ કરી રહ્યા હતા. તે પૂછ્યા વગર રહી ના શક્યો:"બેન, આ સિધ્ધિ માટે તમને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન! પણ રાજેન્દ્રનાથનું નામ તો પાકું હતું. અને તમામ ધારાસભ્યોએ એકી અવાજે એમના નામ સામે મહોર મારી હતી..."

સુજાતાબેન સહેજ હસ્યા:"અસલમાં એ મહોર ખરાની નહીં ચોકડીની હતી. ધારાસભ્યોએ શંકરલાલજીએ કરાવેલા મતદાન વખતે રાજેન્દ્રનાથને જ મત આપ્યો હતો. એમાં હું પણ સામેલ હતી. એ મતદાન એક રીતે રાજેન્દ્રનાથની વિરુધ્ધનું બની ગયું..."

જનાર્દન ગુંચવાયો:"મને સમજાયું નહીં. રાજેન્દ્રનાથની તરફેણમાં જ મતદાન થયું છતાં એમની વિરુધ્ધનું કેવી રીતે બની ગયું?"

"શંકરલાલજીને રાજેન્દ્રનાથ વિશે ઘણી ફરિયાદો મળી હતી. તેમણે સત્તા પર રહીને ઘણા ગરબડ-ગોટાળા કર્યા હતા. ચૂંટણી જીતવા પણ પૈસો પાણીની જેમ વહાવ્યો હતો. પોતે ફરી સીએમ બનવાના છે એમ જણાવી મોટું ઉઘરાણું કર્યું હતું. એમને ફરીથી સત્તા પર બેસાડી શકાય એમ ન હતા. જો બેસાડવામાં આવે તો પોતાના જ ખિસ્સા ભરવાના હતા. લોકોના ટેક્ષ ભરીભરીને ખિસ્સા ખાલી થઇ રહ્યા છે ત્યારે એમના માટે કંઇ કરવાને બદલે રાજેન્દ્રનાથ પોતાની તિજોરી ભરવામાં લાગી જાય એમ હતા. એ કારણે પક્ષની ઇમેજને મોટું નુકસાન થાય એમ હતું. એની અસર બીજા રાજ્યોની ચૂંટણી પર પડે એમ હતી. એ માટે રાજેન્દ્રનાથ ફરી સીએમ ના બને એ જરૂરી હતું. આમ તો પીએમના એક જ હુકમથી બીજા કોઇને પણ શંકરલાલજી સીએમ પદ સોંપી શકે એમ હતા. પરંતુ રાજેન્દ્રનાથને તેમના ગુનાની સજા આપવાની જરૂર હતી. એમને રંગેહાથ પકડવાની જરૂર હતી. એમની સામે કોઇ પુરાવા ન હતા. એ સત્તા પક્ષના સીએમ રહી ચૂકેલા અને ભાવિ સીએમ ગણાતા ધારાસભ્ય હતા એટલે ઇન્કમટેક્ષ કે ઇડીના દરોડા પાડીને એમને ભ્રષ્ટાચારી સાબિત કરી શકાય એમ ન હતા. શંકરલાલજી આ મુદ્દે મૂંઝવણ અનુભવી રહ્યા હતા. એમણે મારું માર્ગદર્શન માંગ્યું. મેં વિચારીને એક યોજના આપી. અને એ આ મતદાનની હતી. જેવું શંકરલાલજીએ જાહેર કર્યું કે રાજેન્દ્રનાથને ફરી મુખ્યમંત્રી બનાવતા દરેક ધારાસભ્યોનો મત મેળવવામાં આવશે એટલે તરત જ અમારી અપેક્ષા મુજબ એમણે બધાંને પોતાના તરફી મતદાન કરવા ફોન કરવાનું શરૂ કરી દીધું. શંકરલાલજીએ પીએમની સંમતિથી બધાં જ ધારાસભ્યોના ફોનનું રેકોર્ડિંગ કરવાનું નક્કી કર્યું હતું. અને અમારી ધારણા મુજબ જ રાજેન્દ્રનાથે સાઇઠ ટકાથી વધુ ધારાસભ્યોને પોતાની તરફેણમાં મતદાન કરવા આદેશ કર્યો. વિરોધ કરનારાને મનાવવા કોઇને કોઇ મંત્રીપદ કે બીજી લોભ-લાલચથી મનાવવાનો પ્રયત્ન કર્યો. કેટલાકને ધમકીઓ પણ આપી. કેમકે એમને એમ હતું કે આ મતદાન પર જ એમનું સીએમ પદ અવલંબે છે. એમને ખબર ન હતી કે આ જ મતદાન તેમનું સીએમ પદ છીનવવા માટે છે. અમે જો ધારાસભ્યોને એમના પર આવતા ફોન રેકોર્ડ કરવાનું કહ્યું હોત તો એમાંથી કોઇક તો રાજેન્દ્રનાથને એની સૂચના આપી દે એમ હતું. અને અમારું આયોજન નિષ્ફળ જાય એમ હતું. એટલે ધારાસભ્યો બન્યા છે એ વ્યક્તિઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે એમના ફોન રેકોર્ડ કરાવ્યા હતા. એમાં મોટાભાગના ધારાસભ્યોને લાલચ આપીને મતદાન કરવા કહેવામાં આવ્યું હતું. મને પણ એમણે મંત્રીપદની લાલચ આપી હતી. કેમકે એમને ખબર હતી કે મારી સાથે ઘણા ધારાસભ્યો છે. મેં જેમના માટે પ્રચાર કર્યો હતો અને જેમને ચૂંટણી જીતવામાં મદદ કરી હતી એ ઉપરાંત બીજા અજાણ્યા ધારાસભ્યો પણ મારી નિતીરીતિથી પ્રભાવિત હતા અને મને સમર્થન આપવા તૈયાર હતા. મને એ વાતનો આનંદ હતો કે હવે ખરેખર રાજકારણમાં પરિવર્તન આવી રહ્યું છે. દરેક ધારાસભ્ય પોતાના સ્વાર્થને કારણે જ રાજકારણમાં આવ્યા હોતા નથી. તેમના મનમાં ઉંડે ઉંડે સેવાની ખેવના હોય છે. કેટલાક સ્વાર્થી તત્વો રાજકારણને બગાડી રહ્યા છે. પોતાનો સ્વાર્થ સાધવા તે પ્રજાના પ્રતિનિધિઓને બગાડે છે. કેટલાક ધારાસભ્યો શરમ અને મજબૂરીમાં ખોટા કામો કરતા હોય છે. પરંતુ આ વખતે મેં અને શંકરલાલજીએ રાજકારણને શુધ્ધ કરવાનો એક યજ્ઞ આરંભ્યો છે. એ કામ એટલું સરળ નથી પરંતુ સારી શરૂઆત થઇ છે એ મોટી વાત છે. અમને વિશ્વાસ છે કે અમે વાતાવરણને બદલીશું. એમાં લોકોનો સાથ મળશે...અમે સૂત્ર આપીશું...નવું વાતાવરણ નવો શ્વાસ..."

સતત બોલીને સુજાતાબેન હાંફી ગયા. તે પાણી પીવા માટે રોકાયા. ધારેશ, હિમાની અને જનાર્દન તેમને એક ચિત્તે સાંભળી રહ્યા હતા. તેમની વાતો સાંભળીને ત્રણેયના દિલમાં એમના પ્રત્યેનું માન-સન્માન અનેકગણું વધી ગયું હતું.

હિમાની કહે:"બેન, સારા કામમાં સો જણનો સાથ મળી જ રહે છે. એમ કરવાનું સાહસ કરવાની જરૂર હોય છે. તમે એક નવો જ માર્ગ કંડાર્યો છે. રાજકારણને એક નવી જ દિશા આપી છે. ખુદ રાજેન્દ્રનાથ તમને ગુરૂ માનવા લાગ્યા છે! એમનો ફોન આવ્યો હતો ને તમને!"

સુજાતાબેન બોલ્યા:"હા, જ્યારે શંકરલાલજીએ એમને રૂબરૂ બોલાવીને શાંતિથી કહ્યું કે તમે ધારાસભ્યોને લોભ-લાલચ આપીને મુખ્યમંત્રીપદ મેળવવા માગો છો એના પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે. તમે જાતે જ દાવો છોડી દો એમાં તમારી ભલાઇ છે...ત્યારે રાજેન્દ્રનાથના પગ નીચેથી ધરતી સરકી રહી હોય એવી એમની હાલત હતી. તેમને કલ્પના ન હતી કે એ આકાશમાં ઉડી રહ્યા છે પણ સીધા જમીન પર પટકાશે...એમની પાસે બીજો કોઇ રસ્તો ન હતો. તેમણે ફોન કરીને બધાં ધારાસભ્યોની માફી માગી અને પોતાની લાજ બચાવવા પીએમને મળીને માફી માગવાનો નિર્ણય કર્યો. શંકરલાલજીએ એમની પીએમ સાથેની મુલાકાત ગોઠવી આપી. મને એમણે ફોન કર્યો અને માફી માગી. એ સાથે એમ પણ કહ્યું કે સત્તાના મોહમાં હું આંધળો થઇ ગયો હતો. તમે મુખ્યમંત્રી પદને લયક છો. મને તમારો શિષ્ય બનાવી લો. તમારા વિચારો અને કાર્યોની મેં સૌથી વધુ પ્રશંસા સાંભળી છે. શંકરલાલજીએ તમને જ સીએમ પદ માટે સૌથી યોગ્ય માન્યા છે. હું પણ મારા મિત્ર ધારાસભ્યો સાથે તમને સમર્થન જાહેર કરું છું. આપણે બધાં સાથે મળીને લોકોની સેવા કરીશું. પક્ષને આગળ લઇ જઇશું... એમના સાચા દિલના પસ્તાવાને કારણે અમે બધાંએ એમને માફ કરી દીધા છે..."

"બેન, તમે તો કમાલ જ કરી દીધો. આજના રાજકારણમાં તમે દેવદૂત બનીને આવ્યા છો. શરૂઆતથી જ નવો ચીલો ચાતર્યો હતો. આજ સુધી લોકો એમ સમજતા હતા કે ખરાબ રસ્તે ચાલીને જ મોટા રાજકારણી બની શકાય છે. તમે સારા રસ્તે ચાલીને એ સાબિત કરી બતાવ્યું કે લોકો સાચા-સારા માણસને વધુ ચાહે છે. અને એ જ્યારે એમનું હિત ચાહતી વ્યક્તિ લાગે ત્યારે એના પર ઓળઘોળ થઇ જાય છે. તમારો ઇરાદો નેક હતો એ તમારા કાર્યો પરથી જ સમજી ગયા હતા..." જનાર્દન અહોભાવથી બોલી રહ્યો.

"જનાર્દન, હજુ આપણે લાંબી મજલ કાપવાની છે. આ તો એક શરૂઆત છે. જતિન કે બીજા કોઇ એમ ભલે સમજતા રહ્યા કે હું એક સામાન્ય ગૃહિણી બનીને રહેતી હતી પરંતુ મારી તીક્ષ્ણ નજર રાજકારણ પર હતી. જતિન જેવા લોકો રાજકારણને દૂષિત કરી રહ્યા હતા. એનો દુરુપયોગ કરી રહ્યા હતા. મેં એના ખોટા ધંધાઓ પર આંખમિંચામણા કર્યા ન હતા. હું મને એક નવા સુધારા માટે ઝંપલાવવા તૈયાર કરી રહી હતી. રવિના, રતિલાલ વગેરે રાજકારણીઓને જોઇ મને સમજાયું કે લોકોના કામો આવા લોકો કરી શકે એમ નથી. મેં અંગત જીવનની પરવા કર્યા વગર જાહેર જીવનમાં ઝંપલાવવાનો નિર્ણય કરી લીધો. જે રીતે જતિનને એનો વિડીયો ઉતારાવી સજા અપાવી એ રીતે જ રાજેન્દ્રનાથને એમની ભૂલનું ભાન કરાવ્યું છે. મને તારો સાથ મળ્યો એ જ રીતે શંકરલાલજીનો પણ અભૂતપૂર્વ કહી શકાય એવો સાથ મળ્યો. એમણે મારા વિશે પૂરતી તપાસ કરાવ્યા પછી મને છૂટો દોર આપી દીધો હતો. શરૂઆતમાં પક્ષમાં મારા વર્ચસ્વથી રાજેન્દ્રનાથ ગભરાયા હતા. પરંતુ પક્ષ પ્રમુખ અને પીએમના આદેશને જોતાં એમણે મારા પ્રભાવને સ્વીકારી લીધો હતો. મેં દરેક પગલું સમજી-વિચારીને ભર્યું હતું. મને કેટલીક ટીવી ચેનલોનો પણ સાથ મળ્યો છે. મેં એમને રાજકારણના ભલા માટે ઘણી ખાનગી માહિતીઓ પણ આપી છે. 'તાજા ખબર- હમણાં હમણાં' ચેનલે તો મારી યોજના મુજબ કેટલાક સમાચાર આપ્યા હતા...."

જનાર્દન તો આભો બનીને જ સુજાતાબેનને જોઇ રહ્યો. કેટલું જબરદસ્ત એમનું આયોજન હતું. ખરાબ લોકો કોઇપણ ભોગે રાજકારણમાં આગળ આવવા પ્રયત્ન કરે છે ત્યારે સારા લોકોએ પણ કેટલુંક આયોજન કરવું જ પડે. તો જ એમને ટક્કર આપી શકાય. ફક્ત હાથ જોડીને બેસી રહેવાથી કંઇ થતું નથી. સુજાતાબેન રાજકારણની રાણી બની ચૂક્યા છે. એ મોટું પરિવર્તન લાવી રહ્યા છે. ઇતિહાસ જરૂર એમને યાદ કરશે.

"ધારેશ, તમારો ખાસ આભાર કે મને સાથ આપવા માટે મારી સાથે જોડાઇ ગયા. કોલેજમાં હું તમને ચાહતી હતી અને માનતી હતી. પરંતુ સમય અને સંજોગોએ આપણાને જુદા કરી દીધા હતા. તમારા પ્રત્યેની લાગણી હજુ આજે પણ એવી જ છે. તમે મારી લાગણીને માન આપીને આવી ગયા એ માટે આભાર માનું છું. આપણે એકબીજા સાથે બહુ જલદી સંબંધથી જોડાઇશું...." સુજાતાબેન પહેલી વખત પોતાના ધારેશ માટેના વિચારો સહજતાથી વ્યક્ત કરી રહ્યા.

ધારેશ ખુશ થઇ બોલ્યો:"મને તારા દિલમાં સન્માન આપવા બદલ આભાર!"

"...અને જનાર્દન, તું પણ અમારી સરકારમાં જોડાવાનો છે. તને અંગત સેક્રેટરી તરીકેનું પદ આપવાની છું. ધારેશ મુખ્ય સલાહકાર બનશે. હિમાની, તારે કોઇ હોદ્દાની જરૂર નથી. તું મારી સાથે પડછાયાની જેમ રહેશે. આપણું નાનું કુટુંબ સુખી કુટુંબ બની રહેશે!" સુજાતાબેન હિમાનીના ગાલ પર ટપલી મારતાં બોલ્યા.

જનાર્દનને થયું કે ધાર્યું ન હતું એવું પદ મળી ગયું.

"ચાલો હવે બધાં થોડો આરામ કરી લો! શંકરલાલજી થોડા જ કલાકોમાં મારા નામની જાહેરાત કરશે. પછી આપણે કામ પર લાગી જવાનું છે. રાજ્યને આંકડાની માયાજાળથી નહીં પણ કામો કરીને દરેક બાબતમાં નંબર વન બનાવવાનું છે. પીએમ સાહેબના વિશ્વાસને સાચો સાબિત કરવા સાથે પ્રજાના વિશ્વાસને પણ બનાવી રાખવાનો છે. મારી ધારાસભ્ય પદની જાહેરાત પછી પ્રજા માટે આપણે જે કાર્યો કર્યા હતા અને લોકોના જે સૂચનો મળ્યા હતા એને અમલમાં લાવવાના છે. કોઇ પરિવાર આરોગ્ય અને શિક્ષણની સુવિધાથી વંચિત ના રહી જાય એનો ખ્યાલ પણ રાખવાનો છે. પ્રજા માટે 'સુખ, સુવિધા અને સંવર્ધન' એ આપણો મંત્ર રહેશે. આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રકચરની સુવિધાઓ છે. એનો યોગ્ય ઉપયોગ કરવા સાથે વધુ સુવિધાઓ ઊભી કરવાની છે..." કહીને સુજાતાબેન ઊભા થવા જતા હતા ત્યારે જનાર્દન વિનંતી કરતાં બોલ્યો:"બેન, ગુસ્તાખી માફ! પણ તમને વાંધો ના હોય તો મારી કેટલીક જિજ્ઞાસા રહી છે એને સંતોષશો કે...?"

સુજાતાબેન મર્માળુ હસતાં હસતાં પાછા બેસી જતાં બોલ્યા:"મને ખબર છે કે મારી ઘણી બાબતોએ તારા મનમાં ક્યારેક જિજ્ઞાસા તો ક્યારેક શંકાઓ જગાવી છે! જનાર્દન, એમ થવું સ્વાભાવિક હતું. મને તારા માટે વધારે માન એટલે છે કે તેં મને જે-તે સમયે કંઇ પૂછવાને બદલે મારામાં વિશ્વાસ વ્યક્ત કરીને સાથ આપ્યો હતો..." પછી સહેજ વિચારીને બોલ્યા:"સાચું કહું તો જતિને તેના અન્ય સ્ત્રીઓ સાથેના સંબંધને સ્વીકારી લેવાની મને ધમકી આપી ત્યારથી જ મારા મનમાં રાજકારણમાં આવવાનું બીજ રોપાયું હતું. મારે રાજકારણની આવી ગંદકીને સાફ કરવી હતી. અને એ માટે શરૂઆત ઘરથી જ કરવી પડે એમ હતી. આપણો અંગત દાખલો જ લોકોને આપણામાં વિશ્વાસ મૂકાવી શકે છે. મેં જતિન વિરુધ્ધ એક મોરચો ખોલી નાખ્યો. એનું ચરિત્ર લોકો સામે લાવવામાં જનાર્દન અને ટીનાએ મોટી ભૂમિકા ભજવી. ટીનાએ પોતાની જાતનું જોખમ લઇને મને સાથ આપ્યો છે. એના માટે હું કંઇક એવું વિચારું છું કે તેને હવે કામવાળી તરીકે જીવન ગુજારવું ના પડે. તે સરકારી યોજનાઓનો મહિલાઓને મહત્તમ લાભ અપાવે અને એમની સેવા કરે. શંકરલાલજીએ મને કહ્યું છે કે તમને મદદ કરનાર દરેકને આપણે મદદરૂપ થવાનું છે. ખરેખર તો શંકરલાલજીએ જ આપણાને સૌથી વધુ મદદ કરી છે. મેં પ્રચાર યોગ્ય રીતે કર્યો હતો અને એમની કસોટીમાં પાસ થઇ હતી. મુખ્યમંત્રી બન્યા પછી મારી ખરી કસોટી શરૂ થવાની છે. મારે નિષ્ઠાપૂર્વક મતદારોને એમના મતદાનનું મૂલ્ય ચૂકવવાનું છે. તેમને સંતોષ થવો જોઇએ કે એમનો મત વ્યર્થ ગયો નથી..."

ધારેશ કહે:"તમે એક સારા હેતુથી રાજકારણની કંઠી બાંધી છે. તમે જરૂર સફળ થશો...."

હિમાની કહે:"હા બેન, સાચા દિલથી કરેલા કાર્યો સફળ જ થાય છે. તમે રાજ્યને એક નવી દિશામાં લઇ જશો. આખા દેશમાં આપણા રાજ્યની બોલબાલા વધી જશે..."

"બસ હવે! તમે બધાં મારા વખાણ ના કરો. તમારી ટીકા અને સલાહ મને વધારે સારું કામ કરવા ઉપયોગી નીવડશે." સુજાતાબેન લાડમાં નમ્રતાથી બોલ્યા.

જનાર્દનને થયું કે રાજ્યના આટલા મોટા પદ પર બિરાજમાન થનાર આ સ્ત્રીમાં લેશમાત્ર અભિમાન નથી.

બીજા દિવસે 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' દ્વારા સુજાતાબેનની રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે જાહેરાત થતાની સાથે જ ઠેરઠેર આનંદ અને ઉત્સવનો માહોલ હતો.

સમાપ્ત.