પ્રિય.....
પ્રીતવંદના...
તું કુશળ હોઈશ.વરસો વીતી ગયાં.તારી યાદને આ શરીરના ખૂણે સંઘરીને બેઠો છું.ક્યારેક તારી યાદમાં વધુ પડતો શ્વાસ લેવાઈ જાય તારી યાદ ની પીડા અસહ્ય બની જાય છે.દિલના અતલ ઊંડાણ માં ધબકાર પણ કોઈને નહીં સાંભળાતો.તું હતી ત્યારે દૂર દૂરથી તને જોઈ રાજી થતો.હવે તે પણ નસીબ નથી.તું ખેતરે થી ચાર ઘાસ પુળો લઇ કાંટાળા બાવળીયા રસ્તે વિહરતી ત્યારે માથે ભારો અને સાથે યૌવનનો ભાર થી પરસેવે રેબઝેબ તું મલપતી ચાલે ચાલતી,મુખે મલકાટ સંગ પગે કાંટા ટાળે ત્યાં શ્યામવર્ણ વદનને કાંટા ઉઝરડા કરે તો ચીસ પાડતી અચૂક મુખે "પ્રસંગ"......! નામની ચીસ પડી જતી.પ્રસંગ તેના દરેક પ્રસંગનો જીગરી જાન હતો.અનાયાસે તારી જીભે શોભતું મારું નામ ત્યારે મારા અંગે અંગ ચેતનાનો સંચાર ઘડીભર વીજ વેગે થઇ જતો.તારી વાણિનો વાયરો મારા કર્ણને ઠોકર મારતો ત્યારે હું વિહ્વવળ થઇ નીરુત્તર બની જતો.... પણ હું આ બધું જ યાદ કરું છું તો ખૂબ જ એકલો એકલો તારી યાદની ક્ષણો સહન કરી લઉં છું.કેમકે તું નજીક નથી.
પહેલાં તો તું ક્યારેક ક્યારેક પ્રસંગોચિત તારા પ્રસંગને મળવા આવતી હવે તો તે પણ નથી મળતી..વરસાદ છે,નદી આવે છે.ખેતરે પાણી ભરાઈ ને તરત વહી જાય છે.નદી તો આવી છે, પરંતુ તું ક્યાં આવે છે? હા તારી યાદ અચૂક આવે છે.તારી ખોટ ત્યારેજ વર્તાય છે,જયારે શ્રાવણ ધોધમાર વરસે ભદરવો ભડાકા સાથે વીજ કડાકા કરે,મારા હ્રદયને ભયભીત કરે.... ત્યારે બીક ની મારી મને ભેટી પડતી ત્યારે ઝરમર વડે ભીંજાયેલું આખું તારું વદન આલિંગતું ત્યારે અગ્નિની મોસમનો અનુભવ અવશ્ય થતો.એ એહસાસ માટે મન તડપે છે.કડવા લીમડાની લીંબોળી પાડવા મને ઝાડે ચડાવે ત્યારે નીચે પડતી લીંબોળીને લઇ તું મને ગીલોલની ગોળી જેમ મારતી ત્યારે તને મજા આવતી તે લીંબોળીના માર ની મજા યાદ કરું ત્યારે હવે સજા લાગે છે.અટકચાળો કરવામાં તું ખૂબ જ પ્રવીણ હતી.લગ્નની મોસમમાં જયારે ઢોલને દાંડી પડે ત્યારે આ બાજુ તારો પગ જમીન થી અધ્ધર ઉપડી જાય.મોરની થનગનાટ જેમ ચણીયા ચોળી પણ તાલને તાલે ચકડોળ જેમ ચકરાવે ચડે,ત્યારે પ્રસંગ તારો તને જોયા જ કરતો.તે બધું સ્વપ્નવત્ત ભાસે છે. વગડો પણ તારા વગર સૂનો છે.એ મારગ પણ સાવ સૂનો ભાસે.વાડનો કાંટો પણ તારા વદનને ચૂમવા અધીરો હવે તો સાવ બુઠ્ઠી ધારે વળગેલો છે.પ્રત્યેક તારી યાદ માં વિરાન છે.
વગડે વસંતે ખીલતાં ફૂલ તારી યાદ માં ઝૂરી ઝૂરી ઝૂકી ને ઝરી જાય છે.તારા વગરનો પ્રસંગ નહીં પરમેશ્વરનું પ્રત્યેક સર્જન સુનમૂન છે.
હે ! પ્રીતવદના ! તને નથી થતું કે તું નથી તેથી આ પ્રકૃતિ પણ નિષ્પ્રાણ ભાસે છે.તારી ખોટ માત્ર પ્રસંગ ને નથી. સર્વ જગતની ચીજ વસ્તુને છે.તું ક્યારે આવીશ તેની વિચારાવાલીમાં મન બેબાકળું બીમાર છે.તારા કામણગારા કંઠ માટે સો સો સલામ પરંતુ ઊંચે જોઈ,ના ચાલ. થાકી પાકી તું છેવટે ઢોલીયા પર કે નીચે જ કરવાની છે. માટે ઉંચે ઉડે તેનો વિરોધ નથી.પરંતુ ધરતી સાથે ધબકતા તારા આ પ્રસંગ ને માટે તો હેઠી આવ.મનના માંડવો કાયમ રોપુ છું,અને ઉખાળું છું. હવે તો તારા કરકમળ થકી રોપાયેલો વડલો પણ સુમસામ ભાસે છે. હું પાણી રેડું છું ત્યારે થડમાં કીડી મકોડા નીકળે ચટકા ભરે ત્યારે સખત વેદના થાય છે.તને તો લીલાલહેર છે.અહીં કાળો કૅર છે.તારી યાદ માં સૂરજ ઉગે છે.. અને તારી યાદમાં સૂરજ આથમે છે.રાત્રે ઊંઘ જરીક આવે તો સ્વપનાં સતાવે છે.અને જાગ્યા પછી તું રડાવે છે.આખી જિંદગી તડપી જીવ્યો છું,હવે તડપી તડપીને મરવાનુ ચાલુ છે.તને સ્હેજેય મારા પર કરુણાનો કણ બચ્યો હોય તો આ પત્ર મળે આવી મળજે. એજ ભગ્ન હ્રદયનો તારો ભેરુ 'પ્રસંગ'ની પામર બનેલી પ્રીત ના નમસ્કાર.....
(પાત્રો કાલ્પનિક છે,પરંતુ એ પાત્ર માટે સત્ય છે )
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )