પતિ પત્ની અને પ્રેત
- રાકેશ ઠક્કર
પ્રકરણ-૪૭ (અંતિમ)
રિલોકને થયું કે જાગતીબેન પર વિશ્વાસ મૂકીને તેઓ છેતરાયા છે. જાગતીબેન એમની દીકરીને બચાવવા રેતાને બલિનો બકરો બનાવી રહ્યા છે. જાગતીબેનનું સાચું રૂપ આ જ છે? રેતાને પણ એ પોતાની દીકરી જેવી ગણતા હતા.
જાગતીબેન તેને સમજાવતા હોય એમ બોલ્યા:"રિલોક, મારી પૂરી વાત જાણી લે. અહીં જ તારી મોટી ભૂમિકા છે. જો તું સાથ આપવાનું ના પાડીશ તો ઉકેલ લાવવાનું અત્યારે શક્ય જ બનવાનું નથી..."
રિલોકને જાગતીબેનની કોઇ વાત સમજાતી ન હતી. તેની શંકાઓનું સમાધાન કરતા હોય એમ જાગતીબેન આગલ બોલ્યા:"રિલોક, પહેલાં એ કહે કે હું મારી દીકરી સ્વાલા માટે તારો હાથ માંગુ તો તારો જવાબ શું હશે?"
જાગતીબેનનો સવાલ સાંભળી રિલોક નાગદા તરફ જોવા લાગ્યો. તે પહેલી વખત નાગદાને સ્વાલા તરીકે અને લગ્ન માટે વિચાર કરવાની નજરે જોઇ રહ્યો. સ્વાલા દેખાવે અતિસુંદર હતી. તેણે પહેલી વખત તેનું રૂપ જોયું ત્યારે જ પ્રભાવિત થયો હતો. એના ચહેરામાં એવો જાદૂ હતો કે તેના મનનો મોરલો ટહૂકી ઉઠ્યો. યુવા દિલની ધડકન તેજ થઇ ગઇ. પહેલી નજરમાં જ સ્વાલા સાથે પ્રેમ થઇ ગયો હોય એમ લાગતું હતું. તેના અભ્યાસની અને અન્ય વાતો જાગતીબેન અગાઉ જણાવી ચૂક્યા હતા. એક પત્નીના રૂપમાં તેને સ્વીકારવામાં કોઇ વાંધો લાગતો ન હતો. અત્યારે તેનું કર્તવ્ય મિત્ર વિરેન અને તેની પત્ની રેતાને બચાવવાનું પણ હતું.
"હું...સ્વાલાને પસંદ કરું છું...પરંતુ અત્યારે આમ લગ્નની વાત કરવાનું કારણ શું છે? સ્વાલા પર તો જયનાના પ્રેતનો કબ્જો છે." સહેજ શરમાતા રિલોક વાસ્તવિક્તા બતાવતા બોલ્યો. તેને થયું કે પોતાના લગ્નની વાત વચ્ચે કેવી રીતે આવી ગઇ હશે.
"અત્યારે જ તારે સ્વાલા સાથે લગ્ન કરવા પડશે. જયનાનું પ્રેત થોડા સમય માટે રેતાના શરીરમાં વાસ કરશે. એ દરમ્યાનમાં તારા અને સ્વાલાના લગ્ન કરાવવામાં આવશે. તમે પતિ-પત્ની બની જશો. તું એક પરિણીત પુરુષ ગણાશે. એ પછી જયનાનું પ્રેત પાછું સ્વાલામાં આવશે અને સ્વાલા સાથે તારા ફરી લગ્ન થશે. આમ કરવાથી નાગદાની એટલે કે જયનાના પ્રેતની કોઇ પરિણીત પુરુષ સાથે લગ્ન કરવાની શરત પૂરી થશે. સ્વાલાના પેટમાં તારું બાળક ઉછરશે અને જયનાનું પ્રેત સ્વાલાના માનવરૂપમાં આવી જશે. જયનાના પ્રેતનો મોક્ષ થશે. તમારી નવી જોડી બનશે..." જાગતીબેને પોતાની આખી યોજના સમજાવ્યા પછી નાગદા તરફ ફરીને પૂછ્યું:"તને કોઇ વાંધો નથી ને?"
"મને શું વાંધો હોય શકે? મારે તો કોઇ પરિણીત પુરુષ સાથે જ લગ્ન કરવાના છે. વિરેનને બદલે રિલોક હશે તો ફરક નહીં પડે." નાગદાએ સંમતિ આપી દીધી. તેને રિલોક ગમ્યો હતો. રિલોકે જ્યારે તેના તરફ પ્રેમભરી નજરે જોયું ત્યારે બંને વચ્ચે તારામૈત્રક રચાયું હતું.
જાગતીબેનની યોજના બધાને ગમી ગઇ હતી. નાગદાએ કહ્યું કે રાત્રિ દરમ્યાન તે સ્વાલામાંથી નીકળીને રેતામાં નિવાસ કરશે. પછી સ્વાલાના લગ્ન કરવાના રહેશે.
અને એ મુજબ રાત્રે જ જયનાનું પ્રેત સ્વાલામાંથી નીકળીને રેતામાં સમાઇ ગયું. રેતાએ એ દરમ્યાન પોતાનું મંગળસૂત્ર ઉતારી દીધું હતું.
જ્યારે જયનાનું પ્રેત સ્વાલાના શરીરમાંથી નીકળી ગયું ત્યારે તે પોતાને એક અજાણી જગ્યાએ જોઇને નવાઇ પામી.
ઉંઘમાંથી ઉઠી હોય એમ બોલી:"હું ક્યાં છું? અરે મા! તું ક્યારે આવી?"
જાગતીબેન હસતાં-હસતાં બોલ્યા:"અમે તો તારા લગ્નમાં આવ્યા છે!"
"મા! આ શું મજાક છે? મારે લગ્ન કરવા નથી. હું તો એ કારણે જ ઘર છોડીને ચાલી નીકળી હતી. મને હવે લગ્નમાં રસ રહ્યો નથી..." સ્વાલા રીસાઇને બોલી.
સ્વાલાની વાત સાંભળી બધાંને ચિંતા થઇ કે સ્વાલા લગ્ન માટે તૈયાર નહીં થાય તો આખી યોજના સફળ નહીં થાય.
જાગતીબેન તેને સમજાવતાં બોલ્યા:"બેટા, તેં જ તો અમને લગ્નમાં બોલાવ્યા છે!" અને રિલોક તરફ હાથ કરી કહ્યું:"આ રહ્યો તારો દુલ્હો!"
એક સુંદર યુવાનને પોતાની નજીકમાં મંદ મંદ મુસ્કુરાતા જોઇ સ્વાલા શરમાઇ ગઇ. તે વિચારવા લાગી કે પોતે ક્યારે આ યુવાનને પસંદ કર્યો હતો? પોતે તો એક જંગલ જેવા વિસ્તારમાં દિશાહીન બનીને ચાલી રહી હતી.
જાગતીબેન વાત પર રહસ્યના વધારે પડ ચઢાવવાને બદલે વાસ્તવિકતા સમજાવવા બોલ્યા:"દીકરી, હું મજાક કરી રહી છું. અસલમાં તારે લગ્ન કરીને તારા જીવનને એક નવો જ જન્મ આપવાનો છે. ગઇગુજરી ભૂલીને એક નવું જીવન શરૂ કરવાનું છે. એ સાથે એક પતિ-પત્નીના જોડાને બચાવવાનું પુણ્યકાર્ય કરવાનું છે. તું એક વખત આખી વાત સમજી લે..."
જાગતીબેનની જયનાના પ્રેતની વાતો સાંભળીને સ્વાલા નવાઇમાં ડૂબી ગઇ. પોતે છેલ્લા કેટલાક દિવસોથી એક પ્રેતના કબ્જામાં જીવન જીવી રહી છે એનો ખ્યાલ જ ન હતો. લાંબું વિચારીને તેને માની વાત સાચી લાગી. એને રિલોક પહેલી નજરે જ પસંદ આવી ગયો હતો. તેણે પોતાની સંમતિ આપી દીધી.
સ્વાલા અને રિલોકના ઘડિયા લગ્ન લેવાયા. એ પછી જયનાનું પ્રેત ફરી પાછું સ્વાલામાં આવી ગયું. અને બોલ્યું:"રેતા, મને માફ કરી દેજે. મેં તારા પતિ પર ડોળા નાખ્યા. પણ તું નસીબદાર છે. તારો પતિ દેવતા જેવો છે. મેં એને બંધક બનાવ્યો હતો. અને મારા કારણે એને બે વખત ઇજા થઇ છે. કદાચ તારા પત્નીત્વનું એ સત જ હતું કે ઇજાઓને કારણે હું એની સાથે લગ્ન કરી શકી નહીં. તેં સાચા દિલથી વિરેનને ચાહ્યો છે. અને એણે પણ દિલમાં તારી તસવીર બનાવી રાખી છે. જે બીજી કોઇ સ્ત્રીને નજીક આવવા દેતી નથી. એનું દિલ માત્ર તારા માટે જ ધડકે છે..."
વિરેન જયનાના પ્રેત તરફ હાથ જોડીને બોલ્યો:"મારી યાદશક્તિ જતી રહી હતી એ દરમ્યાન મારાથી કોઇ ધૃષ્ટતા કે ભૂલ થઇ હોય તો ક્ષમા ચાહું છું..."
સ્વાલામાં રહેલું જયનાનું પ્રેત બોલ્યું:"મેં એક આદર્શ અને એકબીજાને દિલોજાનથી ચાહતા પતિ-પત્ની વચ્ચે આવવાની ભૂલ કરી છે. ક્ષમા તો મારે તમારા બધાંની માગવાની છે. મેં તમને હેરાન કર્યા છે. આ સ્વાલાની માએ મારી લાગણીઓને જગાડી અને હું પ્રેતને બદલે એક દીકરીની જેમ વિચારી શકું છું. મારી મા જીવતી હોત તો મારે પ્રેત બનવાનો વારો આવ્યો ના હોત. સૌ મને માફ કરજો..."
બધાંએ તેના તરફ હાથ જોડી ક્ષમા આપી દીધી.
સ્વાલા અને રિલોકને નાગદાના ઘરમાં છોડીને બધાં જામગીરકાકાના ઘરે આવ્યા.
રિલોક સ્વાલાને જોઇ જ રહ્યો. તેને કલ્પના ન હતી કે પરી જેવી દેખાતી આ છોકરી તેની પત્ની બનશે. પોતે તો વિરેનની પત્નીની મદદ માટે આવ્યો હતો. તેની મદદના બદલામાં આમ જીવનસાથી મળી જશે એવું વિચાર્યું ન હતું. ખરેખર જોડી તો ઉપરવાળો જ બનાવે છે. સ્વાલાને એમણે જ અહીં મોકલી આપી છે.
"આમ શું વિચારી રહ્યા છો?" સ્વાલાના રૂપમાં રહેલું જયનાનું પ્રેત બોલ્યું.
"તને કહેવાનો કોઇ અર્થ નથી! તું અત્યારે જયના તરીકે વાત કરી રહી છે. થોડા દિવસમાં મારા બાળકનો અંશ તારા પેટમાં હશે અને તું સ્વાલા તરીકે મારી પત્ની હોઇશ ત્યારે તને આ વાતો યાદ પણ નહીં હોય!" કહીને હસતાં હસતાં રિલોક તેની બાંહોમાં સમાઇ ગયો. જયનાનું પ્રેત એને વીંટળાઇને જાણે જન્મોની પ્રેમની તરસ હોય એમ બૂઝાવતાં ખુશ થયું. લગ્ન કરવાની ઇચ્છા પૂરી થઇ એની ખુશીમાં તે પાગલની જેમ રિલોકને પ્રેમ કરવા લાગી.
વિરેન અને રેતા જામગીરકાકાને ત્યાં રોકાયા હતા. બંને જાણે કેટલા સમય પછી મળ્યા હોય એમ એકબીજામાં ખોવાઇ ગયા.
બીજા દિવસે બાપોર પછી રેતા અને વિરેન સૌનો આભાર માનીને નીકળવા લાગ્યા.
ચિલ્વા ભગત અને ગુરૂ દીનાનાથને થયું કે જાગતીબેન સફળ થશે એવો તેમને પાકો વિશ્વાસ ન હતો. એમણે અલગ રીતે વિચારીને સમસ્યાનો ઉકેલ લાવી દીધો. આજ સુધી આ પ્રકારે ભૂત-પ્રેત સાથે વર્તન કરવાનું એમણે વિચાર્યું ન હતું. ભૂત-પ્રેતની પણ પોતાની ઇચ્છાઓ- લાગણીઓ હોય છે. એમને સમજવાની જરૂર હોય છે. એ માટે એક માનું દિલ જોઇએ. દુશ્મની હંમેશા મનમાં હોય છે દિલમાં નહીં. અમે પ્રેતને દુશ્મન માનીને જ વર્તન કરતા રહ્યા. જ્યારે એમણે એને સ્વજન માનીને એની સમસ્યાને ઉકેલવાનું વિચાર્યું. પોતાની દીકરીને તો બચાવી જ પણ સાથે એક પ્રેતનો મોક્ષ કરાવ્યો. એક પંથ દો કાજ જેવું કામ કર્યું. અમે આખી જિંદગી જેનો પ્રતિકાર કરવા માટે શક્તિઓ એકત્રિત કરતા રહ્યા છે એ તો પ્રેમથી વશ થઇ ગયું. પ્રેમમાં ખરેખર અદભૂત શક્તિ હોય છે. દુશ્મન પણ પ્રેમના ભૂખ્યા હોય છે. ભલે બધા પ્રેત આવા ના હોય પણ હવે જાગતીબેનની દ્રષ્ટીએ વિચાર જરૂર કરવો પડશે.
જશવંતભાઇ બોલ્યા:"હું જાગતીની હિંમતને દાદ આપવા સાથે રેતાને વધારે શાબાશી આપીશ. કેમકે પોતાના પતિને બચાવવા તેણે બહુ મહેનત કરી છે. તે પોતાના ધ્યેયમાંથી જરાય ચલિત થઇ નથી. પ્રેત સામે પણ ઝઝૂમી છે. જીવને જોખમમાં મૂક્યો છે. આ સ્ત્રીઓ ખરેખર દેવીનો અવતાર છે..."
રેતા કહે:"દરેક સ્ત્રીએ પોતાનું કર્તવ્ય જ નિભાવ્યું છે. ચાલો, અમારા રિલોકને આપને ત્યાં હમણાં છોડી જઇએ છીએ. થોડા દિવસ પછી એ સ્વાલા સાથે પોતાનું ઘર માંડશે ત્યારે એને મળવા આવીશું. ભગવાનને પ્રાર્થના કરીએ કે ફરી કોઇ જયનાને પ્રેત ના બનવું પડે અને અમારી જેમ એ કોઇને ભટકાય નહીં. કોઇ પતિ-પત્ની વચ્ચે પ્રેતની મુસીબત ના આવે એવી માતાજીને પ્રાર્થના કરીએ..."
રેતા અને વિરેન કારમાં ઘરે જતાં ખુશ હતા.
વિરેને કારના સીડી પ્લેયરમાં એમનું મનપસંદ ગીત મૂક્યું. બંને સાથે ગીત ગાવા લાગ્યા.
ઓ સાયબા રે......ઓ સાયબા રે...
મને ભૂલી ના જાતો રે...જન્મોજનમનો નાતો રે...
યુગોયુગો યાદ રહેશે.... તારી-મારી વારતા રે...
ઓ સાયબા રે......ઓ સાયબા રે...
પ્રેમના બંધને બંધાયા રે... સાથે સાથે હરખાયા રે...
કદી ના ભૂલીશું પ્રેમને રે... એકબીજાના છે પડછાયા રે....
ઓ સાયબા રે......ઓ સાયબા રે..
કાર સર્પાકાર રસ્તાઓ પર ધીમે ધીમે આગળ વધી રહી હતી.
રેતાએ નવાઇથી પૂછ્યું:"આપણે કયા રસ્તે જઇ રહ્યા છે?"
વિરેન રેતાના ગાલ પર ટપલી મારી હસીને બોલ્યો:"જ્યાં જયનાનું પ્રેત મળ્યું હતું ત્યાં!"
"મારે એ જગ્યા જ જોવી નથી...તું કારને પાછી વાળી લે..." રેતા ડર સાથે બોલી.
વિરેન જોરથી હસી પડ્યો:"તારા માટે જ હું આ રસ્તે જઇ રહ્યો હતો અને એ ભટકાઇ ગઇ હતી! તારાગઢ નજીક ઘાટી પછી એક નાનકડા ડુંગર જેવા સ્થળ પરથી દેખાતા સનસેટ પોઇન્ટનો અદભૂત નજારો જોવા હું જઇ રહ્યો હતો. અને એ પણ તને ફરી લઇ આવવા માટે. હવે અહીં ફરીથી આપણે આવવું નથી એટલે એ સનસેટ પોઇન્ટ જોતાં જ જઇએ ને! મેં જામગીરકાકા પાસેથી જગ્યા જાણી લીધી છે. હવે ભૂલો પડીશ નહીં!"
રેતાએ સંમતિ આપી. તે પણ સનસેટ પોઇન્ટની દીવાની હતી.
સૂર્ય આથમવાની તૈયારીમાં હતો ત્યારે જ બંને ત્યાં પહોંચ્યા અને એ દ્રશ્યને આંખ ભરીને જોયું. વિરેન રેતાને બાથમાં ભરીને બોલ્યો:"આજે આથમતા સૂર્યની સાક્ષીએ આપણે નવા જીવનની શરૂઆત કરીએ છીએ..."
"હા, જયનાનું પ્રેત તને ઉઠાવી ગયું છે એવી ખબર પડ્યા પછી મને તો ડર બેસી ગયો હતો કે આપણે ફરી મળીશું કે નહીં. માતાજીની કૃપા છે કે આપણે ફરી એક થઇ ગયા." રેતા ખુશી વ્યક્ત કરતા બોલી.
આથમતા સૂર્યના કિરણો રેતાના માથામાં સેંથો પૂરતા હોય એવું દ્રશ્ય વિરેન જોઇ રહ્યો.
સમાપ્ત.
***