રાત્રીનાં ત્રણ વાગ્યાં હતાં. અનુભવ પોતાનાં પલંગ પરથી ઉભો થયો અને મીલી તરફ એક નઝર કરી સ્ટોરરૂમ તરફ ગયો.
અનુભવે ધીરેથી સ્ટોરરૂમનો દરવાજો ખોલ્યો અને અંદર ગયો. તેણે ટેબલ ઉપર પડેલો ફોટો ઉપાડ્યો અને પ્રીતિનાં ચહેરા ઉપર હાથ ફેરવ્યો.
તે નીચે બેસી પડ્યો અને ધ્રુસકે ધ્રુસકે રડવાં લાગ્યો. તે ઘણાં સમય સુધી રડ્યો પછી પ્રીતિનાં ફોટા સામે જોઇને બોલ્યો, “પ્રીતિ, મને માફ કરી દે. મેં આપણા પ્રેમ પર વિશ્વાસ ન કર્યો. પણ તે શા માટે આવું કર્યું?શું તને પણ આપણાં પ્રેમ પર વિશ્વાસ નહતો?”
“પ્રીતિ, મને ખબર છે તું મને સાંભળે છે. પ્લીઝ મારી સામે આવ. મારી સાથે વાત કર. નહીંતો મારું ગિલ્ટ ક્યારેય ઓછું નહીં થાય.”અનુભવે બધી બાજુ જોઇને કહ્યું.
“ ચાલ માન્યું કે તે હું જીવનમાં આગળ વધું એ માટે તે એ બધું નાટક કર્યું પણ તને જ્યારે સુસાઇડ કરવાનો વિચાર આવ્યો ત્યારે શું એકવાર પણ મારો ચહેરો યાદ ન આવ્યો?મને નથી ખબર કે તારે શું સમસ્યા હતી. પણ એકવાર મને કહી તો જોયું હોત.આપણે બંને સાથે મળીને કોઇક ઉપાય શોધત.”અનુભવે કહ્યું.
અનુભવે હાથમાં પકડેલ ફોટો આપમેળે તેનાં હાથમાંથી ટેબલ ઉપર રખાઇ ગયો.આ જોઇને અનુભવ દુઃખી થઈ ગયો.તેણે મનોમન નક્કી કર્યું, "પ્રીતિ આજ નહીં તો કાલ,તારે મારી સામે આવું જ પડશે." એ વિચાર્યા બાદ તેણે ફોટા તરફ જોયું.
“પ્રીતિ, હજુ તું નારાજ છો મારાથી?ઠીક છે.અત્યારે તો હું જાવ છું અહીંથી પણ એકવાત સાંભળી લે,તે જે કંઇ કર્યું મારાં માટે,જે કંઇ સહન કર્યું એ જાણ્યા પછી મારી આખી જિંદગી મારાં માટે માત્ર 'સજા' બનીને રહી જશે.”એટલું કહી અનુભવ ત્યાંથી ચાલ્યો ગયો.
થોડી વાર બાદ સ્ટોરરૂમમાં શૂન્યમનસ્ક ઉભેલી પ્રીતિ બોલી, “સજા?અનુભવ મેં જે કંઇ કર્યું એ ભલે તારા હિત માટે કર્યું પણ અજાણતાં મારાથી તારું નિર્દોષ દિલ જરૂર દુભાઇ ગયું છે. જેની 'સજા' હું ભોગવી ચુકી છું. તે મને કહ્યું હતુંને કે હું મારી લાલચમાં ઘણું બધું ગુમાવીશ. તારી વાત સાચી પડી. મારાં મનમાં ભલે લાલચ નહતી પરંતુ તોયે હું મારું બધું ગુમાવી બેસી. એટલું બોલતાં જ પ્રીતિની સોજી ગયેલી આંખોમાંથી આંસુઓની સાથેસાથે જુની યાદો પસાર થઇ ગઇ.
…
પ્રીતિ અને કિરણનાં લગ્નને છ દિવસ થયાં હતાં. પ્રીતિ ગાર્ડનમાં હીંચકા પર બેઠી હતી. થોડી વાર બાદ કિરણ આવ્યો અને તેની બાજુમાં થોડું અંતર રાખીને બેઠો.
“પ્રીતિ, તને અહીં કોઇ વાંધો નથી આવતો ને?બરાબર ફાવી ગયું છે?”
“હા, ફાવી ગયું છે.”
“મને મિહિર કહેતો હતો કે તને ભળવાનો બહું શોખ છે. તો શું તારે આગળ ભળવું છે?”
“અ.. હા. મારે હજુ માસ્ટર ડિગ્રી કરવાની ઇચ્છા છે.”
“ઠીક છે, આપણે બંને આવતાં અઠવાડિયે જ કોઇ સારી કોલેજમાં તારું એડમિશન લઇ લેશું.”
“થેંક યુ.”
કિરણે પ્રીતિને પોતાનાં હાથમાં પકડેલ બોક્સ દેતાં કહ્યું, “પ્રીતિ આજે આપણું રીસેપ્શન છે.તો મેં તારાં માટે આ ગ્રીન સાડી લીધી છે. તને ખબર છે મેં તને જ્યારે પહેલી વાર જોઇ હતી ત્યારે તે ગ્રીન કલરનું જ ટોપ પહેર્યું હતું અને તું મને પહેલી નજરે જ ગમી ગઇ હતી. જો તને આ સાડી પસંદ આવે તો તું પહેરજે. તું એમાં બહું જ સુંદર લાગીશ.”એટલું કહી કિરણ ત્યાંથી ચાલ્યો ગયો.
કિરણ અને પ્રીતિનાં લગ્નને અઠવાડિયું થવાં આવ્યું હતું છતાં પણ તેમની વચ્ચેનો આ પહેલો સંવાદ હતો જે આટલો લાંબો ચાલ્યો.
લગ્નનાં ત્રણ વર્ષ પછી પ્રીતિએ એક તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો. પ્રીતિ અને કિરણ તેઓનાં ઘરમાં આવેલાં આ નવાં મહેમાનથી બહું ખુશ હતાં.તેઓ પોતાનાં રૂમમાં બેસી એ નાનકડી પરીનું નામ વિચારી રહ્યા હતાં.
થોડું વિચાર્યા બાદ પ્રીતિ બોલી, “કિરણમાંથી ‘કિ’ અને પ્રીતિમાંથી ‘તી’ એટલેકે કીતી,અ…નહીં ‘ક્રિતી’.આ નામ કેવું રહેશે કિરણ?”
“બહું જ સારું નામ છે. આજથી આપણાં ઘરની લક્ષ્મીનું નામ ક્રિતી છે.”સ્મૃતિબેન અને વિનાયભાઇએ અંદર આવતાં કહ્યું.
…
કિરણે પ્રીતિની આંખો પર પટ્ટી બાંધીને તેને ગાડીમાં બેસાડી અને કહ્યું પ્રીતિ તારાં માટે એક સરપ્રાઇઝ છે.
લગભગ અડધો કલાક ગાડી ચલાવ્યાં પછી કિરણે ગાડી ઉભી રાખી.તેણે એક હાથમાં ક્રિતીને તેડી અને બીજા હાથ વડે પ્રીતિની આંખો પરથી પટ્ટી હટાવી.
પ્રીતિની આંખો સામે એક સુંદર ઘર હતું. કિરણ પ્રીતિનો હાથ પકડીને ઘરમાં લઈ ગયો અને આખું ઘર બતાવ્યું. પછી બંને હોલમાંના નાનાં મંદિરમાં પગે લાગી સોફા ઉપર બેઠાં.
“પ્રિતી, તે મને ભેટમાં આ નાનકડી પરી આપી છે તેથી મારાં તરફથી પણ આ નાનકડી ભેટનો સ્વીકાર કર.”કિરણ ક્રિતીનાં માથાં પર હાથ ફેરવતાં બોલ્યો.
“ પણ કિરણ તમને કેવી રીતે ખબર પડી કે મારે એક આવું ઘર જોતું હતું?”પ્રીતિએ આશ્ચર્યથી પુછ્યું.
“મેં તારી વિશિસની ડાયરી વાંચી હતી.તેમાં તે આ વિષનો ઉલ્લેખ કર્યો હતો કે તારે એક ઘર હોય, જ્યાં તું રજાનાં દિવસોમાં તારાં પરિવાર સાથે રહે .”કિરણે કહ્યું.
“થેંક્યું કિરણ.”પ્રીતિએ લાગણીશીલ થઇને કહ્યું.
“તારી અને આપણી પ્રિન્સેસની ખુશી માટે કઇં પણ.”
સમય વહેંતો રહ્યો.ક્રિતી હવે છ વર્ષની થઇ ચુકી હતી.
રજાનાં દિવસોમાં ક્યારેક તેઓ એકલાં તો ક્યારેક સ્મૃતિબેન અને વિનયભાઇ પણ એ ઘરમાં જતાં.
…
બધાં ડાઇનિંગ ટેબલ પર બેસીને નાસ્તો કરી રહ્યાં હતાં.
“આજે રિકીનો ઓફિસમાં પહેલો દિવસ છે. તો હું એને દહીં-સાકર ખવડાવી આવું.”પ્રીતિએ ઉભા થતાં કહ્યું.
“રહેવાં દે પ્રીતિ, એની કંઇ જ જરૂર નથી. ખોટો તારો સમય ન બગાડ. એમ પણ એ ક્યાં કઇ કરવાનો છે?”વિનાયભાઇએ કહ્યું.
“ના પપ્પા,તમે ટેંશન ન લો. મને પુરો વિશ્વાસ છે, તે જરૂર આગળ વધશે.”પ્રીતિએ કહ્યું અને ઉપર ગઇ.
તેને રિકીનાં રૂમનો દરવાજો ખોલ્યો. પરંતુ બરાબર એ જ સમયે રિકી રૂમની બહાર નીકળવા ગયો. તેથી પ્રીતિ અને રિકી બંને ભટકાયાં અને પ્રીતિનાં હાથમાં રહેલ દહીં રિકીનાં કપડાં ઉપર ઢોળાઇ ગયું.
“પ્રીતિ, ક્યાં ધ્યાન છે તારું?કોઈનાં રૂમમાં આવતાં પહેલાં નોક કરવાનું નથી શીખવાડ્યું કોઇએ?”રિકી ગુસ્સેથી બોલ્યો.
રિકીનો અવાજ સાંભળી કિરણ ઉપર આવ્યો.
“રિકી, બોલવામાં ધ્યાન રાખ. એ ભાભી છે તારી. એને સન્માન આપતાં શીખ.”કિરણે ઠપકાંભર્યા સ્વરે કહ્યું.
રિકી ગુસ્સામાં ત્યાંથી ચાલ્યો ગયો.
“ઉભો રહે રિકી.”વિનાયભાઇએ ચિલ્લાઈને કહ્યું.
“પ્રીતિ દીકરા, અહીં આવ અને રિકી તું, માફી માંગ પ્રીતિની.”વિનાયભાઇએ રિકીની સામે જોઇને કહ્યું.
“નહીં પપ્પા, આમાં રિકીનો કંઇ વાંક નથી. મારું જ ધ્યાન નહતું.”પ્રીતિએ રિકીનો બચાવ કરતાં કહ્યું.
“પ્રીતિ, વાંક ભલે ગમે તેનો હોય પણ રિકીને તારી સાથે ચિલ્લાઈને વાત કરવાનો કોઇ અધિકાર નથી.”વિનાયભાઇએ કહ્યું અને રિકી સામે કડકાઇથી જોયું.
“આઇ…એમ સોરી.”રિકીએ કહ્યું અને પગ પછાડતો ચાલ્યો ગયો.
…
આજે રજા હતી તેથી પ્રીતિ, કિરણ અને ક્રિતી તેઓનાં સપનાનાં ઘરે આવ્યાં હતાં. પ્રીતિ રસોડામાં હતી અને કિરણ ગાર્ડનમાં બેસી છાપું વાંચી રહ્યો હતો. જ્યારે નાનકડી ક્રિતી સ્વિમિંગ પુલ પાસેનાં ટેબલ ઉપર બેઠી બેઠી ખુરશીઓમાં લખી રહી હતી, ‘કુલ ડેડ’, ‘સ્વીટ મમ્મા’ અને ‘ડેડી એન્ડ મમ્માસ લિટલ પ્રિન્સેસ’.
“ક્રિતી,આ શું ખોટાં લીટા કરી રહી છે?”પ્રીતિએ ગાર્ડનમાં આવીને પુછ્યું.
“કંઇ નહીં પ્રીતિ, હું તો ખાલી આપણાં નામ લખી રહી છું.”ક્રિતીએ કહ્યું.
“ક્રિતી, તારે મને મારાં નામથી બોલવાની છે?”પ્રીતિએ ઠપકો આપતાં કહ્યું.
“અરે, હું તને તારાં નામથી નહીં તો શું મારાં નામથી બોલાવું?”ક્રિતીએ પોતાની મીઠી ભાષામાં કહ્યું અને પ્રીતિને જીભ બતાવી કિરણ તરફ ભાગી ગઇ.”
“ડેડી.”ક્રિતીએ કિરણનાં હાથમાંથી છાપું લઇ લેતાં કહ્યું.
“યસ પ્રિન્સેસ.”કિરણે ક્રિતીને પોતાનાં ખોળામાં બેસાડીને કહ્યું.
“ડેડી, તમે તમારી પ્રીતિને બહું બગાડી છે. જુઓને આખો દિવસ મને ખીજાય જ છે.”ક્રિતીએ ફરિયાદ કરતાં કહ્યું.
“અરે બાપરે, તો હવે આપણે શું કરીશું?શું પનીશમેન્ટ આપીશું મારી પ્રીતિને?”
“ડેડી, આપણે એક કામ કરીએ તેને રૂમમાં પુરી દઇએ.”
“ક્રિતી જો એને રૂમમાં પુરી તો એ બહાર નીકળીને તારી સાથે-સાથે મને પણ ઘરની બહાર કાઢી મુકશે અને તને તો ખબર જ છે ને કે પ્રીતિમાં તો…”કિરણે જાણીજોઇને વાક્ય અધુરું મુક્યું.
ક્રિતીએ કિરણનાં કાન પાસે પોતાનું મોં લાવીને કહ્યું, “પ્રીતિમાતો બુદ્ધિનો છાંટો જ નથી.” એટલું કહી બંને સાથે હસી પડ્યા.
એ બંનેને હસતાં જોઇ પ્રીતિ બોલી, “હે ભગવાન, આ ઘરમાં આમ જ હસી ગુંજતી રહે.”
…
પ્રીતિ ક્રિતીને સ્કુલથી તેડીને આવી. તેનું ધ્યાન પોતાનાં ઘરની બહાર રહેલ એમ્બ્યુલન્સ પર પડ્યું.
“આ એમ્બ્યુલન્સ અહીં કેમ?”પ્રીતિ ચિંતાથી બોલી.
ચિંતિત પ્રીતિ ક્રિતીને લઇ ઘરમાં ગઇ. આજે તેઓનાં ઘરમાં બહું ભીડ હતી.
તેઓનો ચોકીદાર આવ્યો અને બોલ્યો, “ક્રિતી બેટા, ચાલ તારી માટે હું ચોકલેટ લઇ આવ્યો છું."એમ કહી ચોકીદાર ક્રિતીને ઘરની બહાર લઇ ગયો.
પ્રીતિનાં હૃદયમાં ફાળ પડી ગઇ. તે ધીરે -ધીરે હોલમાં આવી. ત્યાં સ્મૃતિબેન હૈયાફાટ રુદન કરી રહ્યાં હતાં. પ્રીતિએ નીચે સુવડાવેલ શરીર પર પડ્યું.
“કિરણ”.પ્રીતિ ચિલ્લાઈને કિરણનાં નિશ્ચેતન દેહ સામે ભાંગી પડી.
…
( વાચકમિત્રો, વાર્તા પસંદ આવી રહી હોય તો તમારો અમુલ્ય અભિપ્રાય અને યોગ્ય રેટિંગ જરુર આપજો.તમારો અભિપ્રાય મને આગળ લખવાની પ્રેરણા પુરી પાડે છે.)
અન્ય રચનાઓ : ૧) અભય (a bereavement story) (પૂર્ણ)