"લગ્નને છ વર્ષ પૂરા થયા તો પણ હજી પૂર્વીનો ખોળો ખાલી જ છે." તેવું ચિંતા સાથે પૂર્વીના સાસુ રીનાબેન પોતાની ફ્રેન્ડ મયુરાને કહી રહ્યા હતા.
મયુરા: પણ, કોઈ સારા ડૉક્ટરની દવા કરને..
રીનાબેન: ત્રણ થી ચાર ડૉક્ટર બદલ્યા.. પણ કોઈ રિઝલ્ટ મળતું નથી.
મયુરા: તમારા કુળદેવીની કે જેને માનતા હોય તે ભગવાનની બાધા રાખી જો ને..
રીનાબેન: બધું જ કરી ચૂક્યા છીએ. હવે તો ભગવાન પરથી પણ ભરોસો ઉઠી ગયો છે.
મયુરા: ના ના, એવું ન વિચારીશ. ભગવાન ઉપર વિશ્વાસ રાખ, કાલે સવારે સારો દિવસ આવશે.
અને મયુરાના બોલ ફળ્યા હોય તેમ પૂર્વીને સારા દિવસો જવા રદ લાગ્યા.
ઘરમાં બધાં જ ખૂબ ખુશ હતાં અને આવનારા મહેમાનની રાહ જોઈને બેઠા હતા. પૂર્વી ભગવાનની ખૂબજ ભક્તિ પૂજા આદિ કરતી હતી અને ધાર્મિક પુસ્તકોનું નિયમિત વાંચન કરતી હતી જેથી આવનાર બાળક ખૂબજ સુંદર અને બુદ્ધિશાળી જન્મે. પૂર્વી અને તેના પતિ વચ્ચે દિકરો આવશે કે દીકરી ની વાત ઉપર મીઠો ઝઘડો પણ થતો હતો.
એમ કરતાં કરતાં નવ મહિના ક્યાં પૂરા થઈ ગયા તેની ખબર પણ ન પડી અને પૂર્વીએ એક ખૂબજ રૂપાળી અને સુંદર દીકરીને જન્મ આપ્યો.
ઘરમાં લક્ષ્મીજી પધાર્યાની વધામણી ચાલી રહી હતી. તેનું નામ 'હેત' રાખવામાં આવ્યું.
હેત ખૂબજ પ્રેમાળ અને સૌને મીઠી લાગે તેવી હતી. ધીમે ધીમે હેત મોટી થતી ગઈ. થોડી નાની હતી ત્યારથી જ જો રડતી હોય અને કોઈ પણ પ્રકારનું ગીત વગાડવામાં કે ગાવામાં આવે અને હેત તરત જ ચૂપ થઈ જાય. આ વાત ઘરના દરેક સભ્યને ખબર પડી ગઈ હતી.
પછીતો હેતને છાની રાખવી તે એક આસાન કામ થઈ ગયું હતું એમ કરતાં કરતાં હેતને સ્કુલમાં મૂકવામાં આવી અને બાલમંદિરમાં હતી ત્યારથી જ હેત ખૂબજ સુંદર કવિતાઓ ગાવા લાગી.
હેતની મમ્મી પૂર્વીને ખબર પડી ગઈ કે હેતને સંગીત સાથે એક આગવો લગાવ છે.
હેત થોડી સમજદાર થઈ ત્યારે તેણે પોતાની મમ્મીને જણાવ્યું કે તે એક ફેમસ ગાયિકા બનવા માંગે છે.
પૂર્વી બેનના ચહેરા ઉપર હાસ્ય છવાઈ ગયું અને તે સમજી ગયા કે આ કોઈ સારી ગાયિકા જ બનશે.
તેને રીત સરનુ ગાતાં શીખવા માટે મ્યુઝિક ક્લાસમાં મૂકવામાં આવી પછી તો તે ગીટાર વગાડતાં પણ શીખી ગઈ અને ગાતાં તો એટલું સુંદર શીખી ગઈ કે ગમે તે માણસ તેને સાંભળવા માટે બે ઘડી થોભી જાય એટલો સુંદર તેનો કંઠ હતો.
આમ કરતાં કરતાં તે નેશનલ લેવલ સુધી પહોંચી ગઈ હતી. પરંતુ અચાનક એક દિવસ તેને ગળામાં સખત દુખાવો ઉપડ્યો થોડા દિવસ તેણે ગાવાનું બંધ કર્યું પરંતુ પછી ચાલુ કર્યું તો ફરીથી દુખાવો ઉપડ્યો. હવે શું કરવું તેની તેને કે ઘરના બધાને ચિંતા થતી હતી.
હેત ખૂબજ રડ્યા કરતી હતી કારણ કે તેને નેશનલ લેવલનો ફર્સ્ટ નંબરનો મેડલ જીતવો હતો અને તેના જીવનનું આ એક સ્વપ્ન હતું.
પૂર્વી પોતાની દીકરીને સાંત્વન આપ્યા કરતી હતી અને ભગવાન ઉપર વિશ્વાસ રાખવા માટે સમજાવ્યા કરતી હતી.
પરંતુ હેતનુ મન માનતું ન હતું. હેતની તકલીફ દૂર થવાને બદલે દિવસે ને દિવસે વધતી જતી હતી. ફરીથી ડૉક્ટર સાહેબને બતાવવામાં આવ્યું તો તેને ઑપરેશન કરાવવું પડશે તેમ ડૉક્ટર સાહેબે જણાવ્યું અને પછી પણ કદાચ તેણે ગાવાનું તો હંમેશ માટે બંધ જ કરવું પડશે નહિ તો તેની આ ગળાની તકલીફ દૂર નહીં થાય તેમ પણ તેમણે ઉમેર્યું.
હવે હેતની તેમજ તેના મમ્મી-પપ્પાની ચિંતા વધતી ગઈ.તેમણે બીજા ડૉક્ટરને પણ બતાવ્યું, બીજા ડૉક્ટરે પણ તેમજ કહ્યું.
એક પછી એક એમ ત્રણથી ચાર ડૉક્ટર બદલવામાં આવ્યા પરંતુ બધા જ ડૉક્ટર હેતને ઓપરેશન કરાવવું પડશે તેમ જ કહેતા હતા.અને ગળાનું ઑપરેશન કરાવવામાં જોખમ પણ હતું કે કદાચ તે ફરીથી ક્યારેય પહેલાંની જેમ ગાઈ શકશે નહીં.
ઘરનાં બધા જ સભ્યો શું કરવું..?? તે વિચારમાં પડી ગયા હતા. હેત હવે મોટી થઈ ગઈ હતી તે કૉલેજના છેલ્લા વર્ષમાં હતી. તેણે આ વાત પોતાના ફ્રેન્ડ યુગને કરી. યુગ પણ પહેલા તો વિચારમાં પડી ગયો પણ પછી તેને પોતે સ્કૂલમાં દરરોજ પ્રાર્થના કરતાં તે યાદ આવ્યું અને તેણે હેતને સમજાવ્યું કે, " જો તારે ઑપરેશન તો કરાવવાનું જ છે પણ તું માં સરસ્વતી ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને તેમની સાધના કર જો તારી ભક્તિ સાચી હશે તો માં તારો સુંદર કંઠ જે તને બાળપણથી આપ્યો છે તે પાછો આપી દેશે અને કદાચ તારે ઑપરેશન પણ નહીં કરાવવું પડે. "
અને હેતે શ્રધ્ધાપૂર્વક માં સરસ્વતીની પૂજા-આરાધના ચાલુ કરી અને બે મહિના બાદ તેની ગળાની તકલીફ બિલકુલ દૂર થઈ ગઈ અને તે પહેલાની જેમ જ સુંદર ગાવા લાગી.
હવે તેણે નેશનલ લેવલની ચૅમ્પિયન શીપમાં પોતાનું નામ નોંધાવી દીધું અને ફર્સ્ટ નંબર લાવીને ઈન્ડિયન આઈડલની સ્ટાર બની ગઈ.
પોતાના બેસ્ટ ફ્રેન્ડ યુગ સાથે તેણે લગ્ન પણ કરી લીધાં અને અત્યારે આખા વર્લ્ડમાં તેનો અવાજ અને તે બંને ફેમસ છે.
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ